દાના વાવાઝોડું: ઓડિશામાં લૅન્ડફૉલ બાદ તારાજી, પશ્ચિમ બંગાળ અને ઝારખંડ સતર્ક

વાવાઝોડું દાના ત્રાટક્યું એ પહેલાં જોરદાર પવન ફૂંકાયો હતો

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, ગુરુવાર રાત્રે વાવાઝોડું ઓડિશાના દરિયાકાંઠાના વિસ્તારોમાં ત્રાટક્યું હતું.

દાના વાવાઝોડાએ ગુરુવારે મોડી રાત્રે ઓડિશાના તટીવિસ્તારોમાં લૅન્ડફૉલ કર્યું હતું અને આ પ્રક્રિયા શુક્રવારે વહેલી સવાર સુધી ચાલુ રહી હતી.

ભારતીય હવામાન વિભાગના (આઈએમડી) ઉચ્ચ અધિકારીના જણાવ્યા પ્રમાણે, દાના વાવાઝોડું કેન્દ્રપાડા જિલ્લાના ભીતકર્ણિકા અને ભદ્રક જિલ્લાના ધામરાની વચ્ચે પહોંચ્યું ત્યારે તેની ઝડપ 110 કિલોમીટર પ્રતિકલાકની ઝડપ હતી.

દાના વાવાઝોડાની ઓડિશાની લગભગ અડધોઅડધ વસતિ ઉપર અસર જોવા મળી શકે છે. આઈએમડીએ 16 જિલ્લામાં ભારે વરસાદ સાથે પૂરની પરિસ્થિતિ ઊભી થવાની વાત કહી છે.

ઝાડ કાપી રહેલા કર્મીની તસવીર

ઇમેજ સ્રોત, ANI

ઇમેજ કૅપ્શન, વીજ તથા વાહનવ્યવહારને પૂર્વવત્ કરવા માટે તૂટી પડેલા ઝાડ કાપવામાં આવી રહ્યા છે

વાવાઝોડા દાનાની પશ્ચિમ બંગાળમાં પણ અસર જોવા મળી રહી છે. જ્યાં કિનારાના વિસ્તારોમાં ભારે પવન સાથે મધ્યમથી ભારે વરસાદ પડી રહ્યો છે.

વાવાઝોડાને કારણે ઝારખંડના અનેક જિલ્લામાં ભારે વરસાદની શક્યતાને પગલે સતર્કતા રાખવામાં આવી રહી છે.

બંને રાજ્યોએ એસડીઆરએફ કે એનડીઆરએફ ઉપરાંત રાષ્ટ્રીય સુરક્ષાબળોની અલગ-અલગ ટુકડીઓ તહેનાત કરવામાં આવી છે. આ સિવાય રાજ્યના અલગ-અલગ તંત્રોને સતર્ક રહેવાના નિર્દેશ આપવામાં આવ્યા છે.

ઓડિશા ઉપર આફતનો ઓછાયો

ઓડિશાના કેન્દ્રપાડાની રાહતછાવણીમાં રસોઈ બનાવી રહેલી મહિલાઓની તસવીર

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, ઓડિશાના કેન્દ્રપાડાની રાહતછાવણીમાં રસોઈ બનાવી રહેલી મહિલાઓની તસવીર

ઓડિશાના 14 જિલ્લામાં લગભગ 10 લાખ લોકોને સલામતસ્થળે ખસેડવામાં આવ્યા છે.

ઓડિશાના ભદ્રક, કેન્દ્રપાડા અને બાલાસોરમાં હવાની ઝડપ અચાનક વધીને 100થી 110 કિમી પ્રતિકલાક ઉપર પહોંચી ગઈ હતી.

ગુરુવારે ઓડિશના મુખ્ય મંત્રી મોહન માઝીએ પત્રકાર પરિષદ સંબોધી હતી અને કહ્યું હતું કે રાજ્ય સરકાર કોઈપણ પરિસ્થિતિને પહોંચી વળવા માટે સંપૂર્ણપણે તૈયાર છે.

માઝીએ કહ્યું હતું કે જ્યાં-જ્યાં વાવાઝોડા કે પૂરની અસર થઈ શકે છે, એ સંભવિત વિસ્તારોમાં અસરને ઓછી કરવા માટે જરૂરી આગોતરાં પગલાં લેવામાં આવ્યાં છે.

વડા પ્રધાન નરેન્દ્ર મોદી તથા કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે મુખ્ય મંત્રી માઝી સાથે વાતચીત કરીને તૈયારીઓ વિશે માહિતી મેળવી હતી.

વીડિયો કૅપ્શન, ઓડિશા પર ત્રાટક્યા બાદ વાવાઝોડું વળાંક લેશે, ગુજરાતમાં હવે હવામાન કેવું રહેશે?

વાવાઝોડું દાના ત્રાટક્યું, એ પહેલાં ઓડિશા સરકાર દ્વારા હાઈ રિસ્ક ઝોનમાં રહેતા લગભગ છ લાખ લોકોને સલામતસ્થળે ખસેડવામાં આવ્યા હતા.

રાજ્ય સરકાર દ્વારા સાત હજાર 200 જેટલા સાઇક્લૉન સેન્ટર ઊભા કરવામાં આવ્યા છે, જ્યાં તેમને આશરો આપવામાં આવ્યો છે.

ઍરપૉર્ટની તસવીર

ઇમેજ સ્રોત, ANI

ઇમેજ કૅપ્શન, ઓડિશા અને પશ્ચિમ બંગાળમાં વાવાઝોડાની અસરને કારણે વિમાન સેવા બાધિત થઈ હતી

દાના વાવાઝોડાના લૅન્ડફૉલ બાદ ઓડિશાના ભદ્રક જિલ્લા ઉપર સૌથી વધુ અસર જોવા મળી હતી. અહીં ભારે પવનને કારણે અનેકસ્થળોએ ઝાડ પડવાને કારણે રસ્તા બંધ થઈ ગયા હતા.

ભદ્રકના ધામરા ખાતે એનડીઆરએફના જવાનો અનેક સ્થળોએ રસ્તા સાફ કરતા જોવા મળ્યા હતા.

ભદ્રકના એસડીએમ શાંતન મહાંતિએ ન્યૂઝ એજન્સી એએનઆઈને જણાવ્યું, 'ભદ્રકમાં રેડ ઍલર્ટ બહાર પાડવામાં આવ્યું છે. વીજળી તથા અન્ય આવશ્યક સેવાઓને તત્કાળ બહાલ થાય એ માટે પ્રયાસ થઈ રહ્યા છે. અગ્નિશમન દળના કર્મીઓ, એસડીઆરએફ તથા એનડીઆરએફની ટીમો કામે લાગેલી છે."

પશ્ચિમ બંગાળમાં દાનાની ચેતવણી આપી રહેલા ડિઝાસ્ટર મૅનેજમૅન્ટ ગ્રૂપના સભ્યો

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, પશ્ચિમ બંગાળમાં દાનાની ચેતવણી આપી રહેલા ડિઝાસ્ટર મૅનેજમૅન્ટ ગ્રૂપના સભ્યો

ભુવનેશ્વરના બીજુ પટનાયક ઍરપૉર્ટ ઉપર ઉડ્ડાણો બંધ કરી દેવામાં આવી હતી. આ સિવાય ભુવનેશ્વરના આંબેડકર બસ સ્ટેશન પરથી બસોની અવરજવર અટકાવી દેવાઈ હતી.

કોલકતાના નેતાજી સુભાષચંદ્ર બોઝ ઍરપૉર્ટ ખાતે ગુરુવાર સાંજે છ વાગ્યાથી હવાઈ અવરજવર અટકાવી દેવામાં આવી હતી. ઍરપૉર્ટ ખાતે ભારે વરસાદ અને પવન અનુભવાયા હતા.

ભારતીય રેલવેએ ઓડિશા અને પશ્ચિમ બંગાળના અલગ-અલગ વિસ્તારો વચ્ચે દોડતી, ત્યાંથી ઊપડતી અને ત્યાં સમાપ્ત થતી લગભગ 150 જેટલી ટ્રેનોને રદ કરી દીધી છે. બંને રાજ્યોના મોટા રેલવેસ્ટેશનો ઉપર મુસાફરોની ભીડ જોવા મળી રહી છે.

સુંદરવનમાં ચેતવણી આપી રહેલા એનડીઆરએફના કર્મીઓ

ઇમેજ સ્રોત, NDRF

ઇમેજ કૅપ્શન, સુંદરવનમાં ચેતવણી આપી રહેલા એનડીઆરએફના કર્મીઓ

વાવાઝોડા દાનાને પગલે પશ્ચિમ બંગાળ સરકાર દ્વારા પણ વિશેષ સતર્કતા દાખવવામાં આવી રહી છે. તટપ્રદેશોમાં રહેતા હજારો લોકોને સલામતસ્થળે ખસેડવામાં આવ્યા છે.

રાજ્યનાં મુખ્ય મંત્રી મમતા બેનરજી તથા અન્ય ઉચ્ચઅધિકારીઓએ ગુરુવારની રાત સચિવાલય ખાતે જ વિતાવી હતી અને ત્યાંથી જ પરિસ્થિતિની સમીક્ષા કરી હતી.

પશ્ચિમ બંગાળના જે જિલ્લા ઉપર દાનાની સંભવિત અસર થઈ શકે છે, ત્યાં પરિસ્થિતિની સમીક્ષા કરવા માટે સચિવસ્તરીય અધિકારીઓની નિમણૂક કરી છે.

ઓડિશાના ભદ્રક જિલ્લામાં ઉખડી ગયેલા ઝાડને કાપીને રસ્તો સાફ કરી રહેલા એનડીઆરએફના કર્મીઓ

ઇમેજ સ્રોત, ANI

ઇમેજ કૅપ્શન, ઓડિશાના ભદ્રક જિલ્લામાં ઉખડી ગયેલા ઝાડને કાપીને રસ્તો સાફ કરી રહેલા એનડીઆરએફના કર્મીઓ

આ સિવાય કંટ્રૉલરૂમ ઊભા કરવામાં આવ્યાં છે, જ્યાં પરિસ્થિતિ ઉપર નજર રાખવામાં આવી રહી છે.

પશ્ચિમ બંગાળની રાજ્ય સરકાર દ્વારા એક હજાર જેટલી રાહતછાવણીઓ શરૂ કરવામાં આવી છે. સરકારી શાળાઓ અને ઇમારતોમાં લોકોના રહેવા ખાવા-પીવાની વ્યવસ્થા કરવામાં આવી છે.

પશ્ચિમ બંગાળ સરકારે એનડીઆરએફ (નૅશનલ ડિઝાસ્ટર રિસ્પૉન્સ ફૉર્સ) તથા એસડીઆરએફની (સ્ટેટ ડિઝાસ્ટર રિસ્પૉન્સ ફૉર્સ) 22 કંપનીઓ તહેનાત કરી છે. આ સિવાય પોલીસકર્મીઓ તથા વહીવટીતંત્રના અલગ-અલગ વિભાગોને પણ તહેનાત કરવામાં આવ્યા છે.

સચિવાલય ખાતે સ્થિતિની સમીક્ષા કરી રહેલાં મમતા બેનર્જી

ઇમેજ સ્રોત, ANI

ઇમેજ કૅપ્શન, સચિવાલય ખાતે સ્થિતિની સમીક્ષા કરી રહેલાં મમતા બેનરજી

ઓડિશા તથા પશ્ચિમ બંગાળ સરકારોએ અસરગ્રસ્ત વિસ્તારોમાં શનિવાર સુધી શાળા-કૉલેજોને બંધ રાખવાના નિર્દેશ આપ્યા છે. પશ્ચિમ બંગાળમાં ઉત્તર અને દક્ષિણ પરગણા, પૂર્વ અને પશ્ચિમ મિદનાપુર, ઝાડગ્રામ, બાંકા, હુગલી તથા હાવડામાં શૈક્ષણિકવર્ગોને બંધ રાખવાના નિર્દેશ આપવામાં આવ્યા છે.

ઓડિશા સિવિલ સર્વિસની પરીક્ષા તા. 27 ઑક્ટોબરે યોજાવાની હતી, પરંતુ તેને મોકૂફ કરી દેવામાં આવી છે અને નવી તારીખ હવે પછી જાહેર કરવામાં આવશે.

એનડીઆરએફે સુંદરવનના વિસ્તારોમાં નાની હોડીઓ લઈને ન નીકળવાની સૂચના આપી છે. આ વિસ્તારના તમામ ઘાટ બંધ કરી દેવાયા છે.

વરસાદની તસવીર

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, ઓડિશામાં વાવાઝોડાનાં પગલે પૂરની આશંકા વ્યક્ત કરવામાં આવી છે.

દાના વાવાઝોડાની ઝારખંડમાં પણ અસર જોવા મળી શકે છે. અહીંના પશ્ચિમ સિંહભૂમ, સરાયકેલા-ખરસાવાં અને પૂર્વ સિંહભૂમ જિલ્લા માટે ઑરેન્જ ઍલર્ટ બહાર પાડવામાં આવ્યું છે.

આ સિવાય દાનાને કારણે રાજધાની રાંચી, ખૂંટી, લોહરગા, ગુમલા તથા રામગઢમાં મધ્યમથી ભારે વરસાદ પડશે એવી શક્યતા વ્યક્ત કરવામાં આવી છે.

જમશેદપુર તથા ચાઈબાસામાં એનડીઆરએફની છ ટીમો તહેનાત કરવામાં આવી છે. આ સિવાય પાટનગર રાંચીમાં બે ટીમોને સ્ટૅન્ડ-બાય રાખવામાં આવી છે.

દાનાનું નામકરણ અને અર્થ

દરિયા કિનારે પવનની તસવીર

ઇમેજ સ્રોત, Getty Images

બદલો Whatsapp
બીબીસી ન્યૂઝ ગુજરાતી હવે વૉટ્સઍપ પર

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો

વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ

Whatsapp કન્ટેન્ટ પૂર્ણ

ગત બે મહિનામાં બે વાવાઝોડાં ભારતીય તટો ઉપર ત્રાટક્યાં છે. આ પહેલાં ઑગસ્ટ મહિનાના અંતભાગમાં 'આસના' વાવાઝોડું ત્રાટક્યું હતું. જેણે પ્રાયદ્વીપ વિસ્તારને પ્રભાવિત કર્યો હતો.

દાના વાવાઝોડાનું નામ કતરે પસંદ કર્યું છે. અરબી ભાષામાં તેનો મતલબ 'ઉદાર' એવો થાય છે.

વર્ષ 2000માં વિશ્વ મોસમ વિજ્ઞાન સંગઠન / એશિયા અને પ્રશાંત મહાસાગર માટે સંયુક્ત રાષ્ટ્રે આર્થિક તથા સામાજિક આયોગના નેજા હેઠળ નામકરણની શરૂઆત કરવામાં આવી હતી.

આ સમૂહમાં ભારત, શ્રીલંકા, થાઇલૅન્ડ, મ્યાનમાર, માલદીવ, ઓમાન, પાકિસ્તાન અને બાંગ્લાદેશ છે. વર્ષ 2018માં આ સંગઠનનો વિસ્તાર કરવામાં આવ્યો હતો અને તેમાં ઈરાન, કતર, સાઉદી અરેબિયા, સંયુક્ત આરબ અમિરાત તથા યમનને પણ સ્થાન મળ્યું હતું.

ડબલ્યૂએમઓ દ્વારા અગાઉથી જ નામોની યાદી તૈયાર કરવામાં આવે છે. જેને દર છ વર્ષે બદલવામાં આવે છે.

વાવાઝોડાને પ્રાદેશિક શબ્દો કે નામ આપવામાં આવે છે. તોફાન-પ્રભાવિત દેશોની વચ્ચે જાગૃતિ આવે તથા સાંસ્કૃતિક આદાન-પ્રદાન વધે તે માટે પ્રાદેશિક નામો આપવામાં આવે છે. વળી, તેના કારણે ચેતવણી આપવાની તથા માહિતી પ્રસારની વ્યવસ્થા પણ સુદ્રઢ બને છે.

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયામાં Facebook પર , Instagram પર, YouTube પર, Twitter પર અને WhatsApp પર ફૉલો કરી શકો છો.