You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
ભાજપના નેતાને પુત્રીનાં લગ્નની કંકોત્રી વહેંચ્યા બાદ લગ્ન કેમ કૅન્સલ કરવાં પડ્યાં?
- લેેખક, રાજેશ ડોબરિયાલ
- પદ, દેહરાદૂનથી, બીબીસી માટે
ઉત્તરાખંડમાં હાલ ચર્ચાનું કેન્દ્ર એક એવાં લગ્ન બન્યાં છે, જે થતાંથતાં રહી ગયાં છે.
પૌડી નગરપાલિકાના અધ્યક્ષ અને પૂર્વ ધારાસભ્ય યશપાલ બેનામનાં પુત્રીનાં લગ્નની કંકોત્રી વહેંચાઈ ગઈ હતી. જે સોશિયલ મીડિયા પર વાઇરલ થયા બાદ વિવાદ સર્જાયો અને શનિવારે સાંજે તેમણે લગ્નનો કાર્યક્રમ કૅન્સલ કરવાની જાહેરાત કરાઈ. તેમણે એમ કહીને કાર્યક્રમ રદ કર્યો કે 'હાલ લગ્નનો માહોલ નથી.'
ત્રણ દિવસ પહેલાં સોશિયલ મીડિયા પર યશપાલ બેનામનાં પુત્રીનાં લગ્નની કંકોત્રી વાઇરલ થઈ ગઈ હતી. આ કંકોત્રીમાં તેમનાં પુત્રી મૉનિકા અને અમેઠીના રહેવાસી મોનિસ ખાનનાં લગ્નસમારોહ બાદ રિસૅપ્શનમાં સામેલ થવાનું આમંત્રણ આપવામાં આવ્યું હતું.
કાર્ડ વાઇરલ થયા બાદ યશપાલ બેનામ પુત્રીનાં લગ્ન એક મુસ્લિમ યુવક સાથે કરાવવા બદલ ટ્રોલ થયા. એ બાદ યશપાલ બેનામ સામે આવ્યા અને તેમણે કહ્યું કે 'આ 21મી સદી છે અને બાળકો પોતાના નિર્ણયો ખુદ લઈ શકે છે.'
તેમણે એમ પણ કહ્યું કે 'પોતાની પુત્રીની ખુશીને જોઈને પરિવારે આ લગ્ન કરાવવાનો નિર્ણય લીધો છે. બંને પરિવારોની સહમતિ બાદ જ લગ્નનો કાર્યક્રમ નક્કી કરવામાં આવ્યો હતો.' પરંતુ તેમને ટ્રોલિંગની સાથેસાથે ધમકીઓનો પણ સામનો કરવો પડ્યો હતો અને તેમના વિરુદ્ધ પ્રદર્શનો પણ થયાં હતાં
એક હિંદુવાદી સંગઠનના કોઈ પદાધિકારી સાથે બેનામની વાતચીત વાઇરલ થઈ. તેમાં પદાધિકારી બેનામને લગ્ન ન કરાવવા માટે ધમકી આપી રહ્યા હતા.
બદ્રીનાથ યાત્રા માટે નીકળેલા હરિયાણાના બજરંગદળના કેટલાક કાર્યકરો પણ શનિવારે પૌડી પહોંચ્યા અને જિલ્લાઅધિકારીને આવેદનપત્ર આપીને લગ્નનો વિરોધ કર્યો હતો. કોટદ્વારમાં પણ બજરંગદળે લગ્નના વિરોધમાં પ્રદર્શન કર્યું હતું. જોકે, ભાજપના પ્રદેશ અધ્યક્ષ મહેન્દ્ર ભટ્ટે આ વિશે જાણકારી ન હોવાનું અને તે (લગ્ન) બેનામનો અંગત મામલો હોવાનું કહીને વાત પૂરી કરી હતી.
'માહોલ લગ્ન લાયક નથી'
પુત્રીની પસંદગીનું સન્માન કરનારા અને 21મી સદીનો સમાજ કહેનારા બેનામ શનિવાર સાંજ આવતા સુધીમાં બૅકફૂટ પર આવી ગયા.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
તેમણે એક સ્થાનિક ટીવી ચૅનલ સાથેની વાતચીતમાં કહ્યું, "જે માહોલ બની ગયો છે તેને જોઈને મારા પરિવાર અને શુભેચ્છકોએ નિર્ણય લીધો છે કે લગ્નના કાર્યક્રમો અમે નથી યોજી રહ્યા." યશપાલ બેનામે આગળ કહ્યું, "સામેના પક્ષવાળા લોકો પણ આવશે, સ્વાભાવિક રીતે તેમના મનમાં પણ ડર રહેશે. જો પોલીસની હાજરીમાં લગ્ન કરાવ્યાં તો એ ઠીક નહીં ગણાય."
"યોગ્ય માહોલ ન હોવાથી બંને પરિવારોએ સાથે મળીને નિર્ણય લીધો છે કે લગ્નના કાર્યક્રમો ન યોજવામાં આવે. લોકો ઘણા છે અને તેમના વિચાર જુદાજુદા હોઈ શકે છે. મને કોઈથી ફરિયાદ નથી પરંતુ એવો માહોલ નથી બની રહ્યો કે જેમાં લગ્ન કરાવી શકાય."
"જે રીતે ધમકીઓ આપવામાં આવી રહી છે, મનફાવે એવી વાતો કરવામાં આવી રહી છે, વિરોધપ્રદર્શનો કરાઈ રહ્યાં છે, હું નથી ઇચ્છતો કે મારા મહેમાનો કે વિસ્તારના લોકો વચ્ચે ખોટો સંદેશ જાય."
તેમણે આગળ કહ્યું, "હવે શું થશે, ક્યારે થશે અને કેવી રીતે થશે એ અમે લોકો બેસીને નક્કી કરીશું."
રાજનીતિ પર અસર
યશપાલ બેનામની પૌડીની રાજનીતિ પર સારી પકડ હોવાનું માનવામાં આવે છે. તેઓ 2018માં પૌડી નગરપાલિકાના ત્રીજી વખત અધ્યક્ષ બન્યા હતા અને ચોથી વખત પણ પદ મેળવવા ઇચ્છુક છે. તેઓ એક વખત પૌડીના ધારાસભ્ય પણ રહી ચૂક્યા છે.
જોકે, જાણકારોને લાગે છે કે આ વિવાદ તેમની રાજનીતિ પર ભારે પડી શકે છે.
પૌડીના સ્થાનિક પત્રકાર ડૉ. વીપી બલોદી કહે છે, "બેનામના આ પગલાથી આશરે સાડા ત્રણ હજાર મુસ્લિમ વોટ તો એકજૂથ થઈને તેમને મળી જાત. જોકે, કટ્ટર હિંદુ વોટર નારાજ છે પણ એવામાં તેમને ભાજપની ટિકિટ મળી હોત તો ફરી તેમણે ભાજપના નામ પર હિંદુ વોટ પણ મળત અને તેમની જીત પાક્કી થઈ જાત."
બલોદી એ પણ કહે છે કે પૌડીમાં કોઈ તણાવ નથી. જો મીડિયામાં અને સોશિયલ મીડિયા પર દેખાઈ રહ્યું છે. ત્યાં (પૌડીમાં) એવી કોઈ સ્થિતિ નથી.
પત્રકાર અજય રાવત કહે છે કે આ મામલે યશપાલ બેનામ એ અંદાજો ન લગાવી શક્યા કે તેને લઈને આટલો બધો વિવાદ થશે. તેમને લાગે છે કે આ વિવાદની બેનામની રાજનીતિ પર અસર પડશે.
અજય રાવત કહે છે, "યશપાલ બેનામ વિશે માનવામાં આવે છે કે તેઓ મુસ્લિમ વોટબૅન્કને સાધીને ચાલે છે. જોકે જ્યારથી તેઓ ભાજપમાં આવ્યા છે ત્યારથી મુસ્લિમ વોટબૅન્ક તેમનાથી દૂર જઈ રહી છે એટલે માનવામાં આવે છે કે તેને પાક્કી કરવા માટે બેનામે આ લગ્ન 'મેગા-શો'માં કન્વર્ટ કરવાનું વિચાર્યું હોઈ શકે છે."
રાવતને લાગે છે કે બેનામનું આ પગલું તેમની રાજનીતિ માટે આત્મઘાતી બની શકે છે કે કારણ કે "જો ધ્રુવીકરણ થશે તો એ બંને તરફી હશે."
જોકે, સોશિયલ મીડિયા પર એ પણ ચર્ચા છે કે રાજનૈતિક નહીં પરંતુ પારિવારિક કારણોને લીધે બેનામે આ પગલું ભર્યું છે.