ઇલેક્ટોરલ બૉન્ડ: કઈ કંપનીઓ પાસેથી રાજકીય પક્ષોને મળ્યું કરોડોનું રાજકીય ફંડ?

ઇમેજ સ્રોત, Getty Images
- લેેખક, રાઘવેન્દ્ર રાવ અને શાદાબ નઝ્મી
- પદ, બીબીસી સંવાદદાતા
હૈદરાબાદ સ્થિત મેઘા એન્જિનિંયરિંગ એને ઇન્ફ્રાસ્ટ્રકચર લિમિટેડે (એમઈઆઈએલ) ભાજપને 584 કરોડ રૂપિયાનું ફંડ આપ્યું. કંપનીઓ પોતાના ફંડ ડોનેશનનો 60 ટકા જેટલો હિસ્સો ભાજપને આપ્યો છે.
તમિલનાડુનાં મુખ્ય મંત્રી એમકે સ્ટાલિનની પાર્ટી ડીએમકેને એમઈઆઈએલે તરફથી 85 કરોડ રૂપિયા મળ્યા છે. એમઈઆઈએલની સહાયક કંપની વેસ્ટર્ન યૂપી પાવર ટ્રાંસમિશન લિમિટેડને 110 કરોડ રૂપિયા કૉંગ્રેસને અને 80 કરોડ રૂપિયા ભાજપને આપ્યા.
ગુરૂવારે સાંજે ચૂંટણી પંચે જે ડેટા જાહેર કર્યો એ કારણે બધી જ જાણકારી જાહેર થઈ ગઈ છે કે ઇલેક્ટોરલ બૉન્ડ થકી કઈ કંપની કે વ્યક્તિએ ક્યા રાજકીય પક્ષને ચૂંટણી ફંડ પેટે કેટલી મોટી રકમ આપી. આ ડેટા 12 એપ્રિલ 2019થી 24 જાન્યુઆરી 2024 સુધી ખરીદાયેલા ઇલેક્ટોરલ બૉન્ડના છે.
લૉટરી કિંગના નામથી મશહૂર સૅન્ટિયાગો માર્ટિનની ફ્યુચર ગેમિંગ અને હોટલ સર્વિસ પીઆરે સૌથી વધુ ફંડ તૃણમૂલ કૉંગ્રેસને 542 કરોડ રૂપિયા આપ્યા. ફ્યુચર ગેમિંગ અને હોટલ સર્વિસે 1368 કરોડ રૂપિયાના ઇલેક્ટોરલ બૉન્ડ ખરીદ્યા હતા.
આ રકમનો લગભગ 40 ટકા હિસ્સો મમતા બેનરજીની તૃણમૂલ કૉંગ્રેસને મળ્યો છે અને ત્યાર પછી ડીએમકેને 36.7 ટકા એટલે કે 503 કરોડ મળ્યા છે જ્યારે વાયએસઆર કૉંગ્રેસને 154 કરોડ રૂપિયા મળ્યા. જ્યારે ભારતીય જનતા પાર્ટીને આ કંપનીએ 100 કરોડ રૂપિયા આપ્યા હતા.
સુપ્રીમ કોર્ટે સ્ટેટ બૅન્ક ઑફ ઇન્ડિયાને 21 માર્ચ સુધીમાં ઇલેક્ટોરલ બૉન્ડના આલ્ફા ન્યૂમેરિક નંબર જાહેર કરવા માટે કહ્યું હતું. આ આલ્ફા ન્યૂમેરિક નંબર થકી જાણવા મળે છે કે કયા રાજકીય પક્ષને કઈ કંપની કે વ્યક્તિ તરફથી ફંડ રૂપે કેટલી મોટી રકમ મળી છે. સુપ્રીમ કોર્ટે આ આપેલા અંતિમ આદેશ પહેલા એસબીઆઈ આલ્ફા ન્યૂમેરિક નંબર આપવાથી બચી રહી હતી.
પહેલા ભાગમાં 386 પન્નાઓમાં એ જાણકારી આપવામાં આવી છે કે કઈ કંપનીએ કઈ તારીખે કેટલા રૂપિયાના ઇલેક્ટોરલ બૉન્ડ ખરીદ્યા. આ યાદીમાં બૉન્ડના યુનિક નંબર અને કઈ બ્રાન્ચ પરથી ખરીદવામાં આવ્યા છે તે પણ આપવામાં આવ્યું છે.
બીજી યાદીમાં 552 પાનાઓમાં જણાવવામાં આવ્યું છે કે કયા રાજકીય પક્ષે કઈ તારીખે કેટલા રૂપિયાના બૉન્ડને કેશ કરાવ્યા. આ યાદીમાં બૉન્ડના યુનિક નંબર પણ આપવામાં આવ્યા છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
આશા છે કે આ બન્ને યાદીઓના બૉન્ડ નંબરોને મેળવીને સાફ થઈ શકશે કયા રાજકીય પક્ષને કઈ કંપનીએ ફંડ આપ્યો.
બીબીસી આ ડેટાનું વિશ્લેષણ કરી રહી છે અને બધી જાણકારીઓ તમારા સુધી પહોંચાડશે.
શરૂઆતી વિશ્લેષણમાં જે વાતો સામે આવી રહી છે તેના પર નજર નાખીએ.
કઈ કંપનીએ કયા રાજકીય પક્ષને સૌથી વધારે ફંડ આપ્યો?

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
1. ભારતીય જનતા પાર્ટી
મેઘા એન્જિનિયરિંગ અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર લિમિટેડ એ કંપની છે જેને ભાજપને સૌથી વધારે ફંડ આપ્યો છે. આ કંપનીએ પાર્ટીને 584 કરોડ રૂપિયા ઇલેક્ટોરલ બૉન્ડ થકી આપ્યા.
ક્વિક સપ્લાઈ ચેન પ્રાઇવેટ લિમિટેડે ભાજપને 375 કરોડ રૂપિયાના ઇલેક્ટોરલ બૉન્ડ આપ્યા.
વેદાંતા લિમિટેડે ભાજપને 230.15 કરોડ રૂપિયા ઇલેક્ટોરલ બૉન્ડ થકી આપ્યા.
2. તૃણમુલ કૉંગ્રેસ
ફ્યુચર ગેમિંગ અને હોટલ સર્વિસે તૃણમૂલ કૉંગ્રેસને 542 કરોડ રૂપિયાનું ફંડ બૉન્ડ થકી આપ્યું.
હલ્દિયા એનર્જીએ પાર્ટીને 281 કરોડ રૂપિયા આપ્યા.
ધારીવાલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર લિમિટેડે તૃણમૂલ કૉંગ્રેસને બૉન્ડ થકી 90 કરોડ રૂપિયા આપ્યા.
3. કૉંગ્રેસ પાર્ટી
કૉંગ્રેસને સૌથી વધારે ફંડ વેદાંતા લિમિટેડે આપ્યો. આ કંપનીએ કૉંગ્રેસને 125 કરોડ રૂપિયા બૉન્ડ થકી આપ્યા.
વેસ્ટર્ન યૂપી પાવર ટ્રાંસમિશને કૉંગ્રેસને 110 કરોડ રૂપિયાના બૉન્ડ આપ્યા.
એમકેજે ઇન્ટરપ્રાઇઝે કૉંગ્રેસને 91.6 કરોડ રૂપિયાનું ફંડ આપ્યું.
4. ભારત રાષ્ટ્ર સમિતિ
તેલંગાણાની આ રાજકીય પાર્ટીને મેઘા એન્જિનિયરિંગે 195 કરોડ રૂપિયાના ચૂંટણી બૉન્ડ આપ્યા.
યશોદા હૉસ્પિટલે આ પાર્ટીને 94 કરોડ રૂપિયાનું ફંડ આપ્યું.
ચેન્નઈ ગ્રીન વુડ્સે આ પાર્ટીને 50 કરોડ રૂપિયાનું ફંડ બૉન્ડ દ્વારા આપ્યું.
મેઘા એન્જિનિંયરિંગ વિશે જાણો

ઇમેજ સ્રોત, PPREDDYOFFICIAL/INSTA
હૈદરાબાદ સ્થિત મેઘા એન્જિયરિંગે પાંચ વર્ષના સમયની અંદર કુલ 966 કરોડ રૂપિયાના બૉન્ડ ખરીદ્યા છે.
કંપનીનું નામ મેઘા એન્જિનિંયરિંગ ઇન્ફ્રાસ્ટ્રકચર લિમિટેડે (એમઈઆઈએલ) છે. જેની શરૂઆત એક નાની કૉન્ટ્રાક્ટિંગ કંપનીના રૂપે થઈ હતી જે હવે દેશની સૌથી મોટી ઇન્ફ્રાસ્ટ્રક્ચર કંપનીઓમાંથી એક છે.
આ કંપની મોટાભાગે સરકારી પ્રોજેક્ટ પર કામ કરે છે. તેલંગાણામાં કલેશ્વરમ ઉપસા યોજના સિંચાઈ પરિયોજનાનું નિર્માણ આ કંપનીએ કર્યું.
એમઈઆઈએલ મહારાષ્ટ્રમાં ઠાણે-બોરીવલી બેવડી સુરંગ પરિયોજનાનું કામ સંભાળી રહી છે. આ પ્રોજેક્ટની કિંમત 14 હજાર કરોડ રૂપિયા છે.
કંપનીએ સિંચાઈ, પરિવહન, વીજળી જેવા કેટલાય ક્ષેત્રોમાં પોતાનો કારોબાર વધાર્યો છે. આ સમયે કંપની લગભગ 15 રાજ્યોમાં પોતાનો કારોબાર કરી રહી છે.
કંપની ઓલેક્ટ્રા ઇલેક્ટ્રિક બસનું પણ નિર્માણ કરી રહી છે.
રેટિંગ ફર્મ બરગંડી પ્રાઇવેટ ઍન્ડ હુરૂન ઇન્ડિયા પ્રમાણે, મેઘા એન્જિનિયરિંગ ઍન્ડ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ભારતની શીર્ષ 10 લિસ્ટેડ કંપનીમાં ત્રીજા નંબરે છે.

ઇમેજ સ્રોત, Getty Images
1989માં કૃષ્ણા જિલ્લામાં એક ખેડૂત પરિવાર સાથે સંબંધ રાખનાર પામીરેડ્ડી પિચી રેડ્ડીએ કંપનીની શરૂઆત કરી હતી.
પિચી રેડ્ડીના સંબંધીઓ પુરીપતિ વેંકટ કૃષ્ણ રેડ્ડી કંપનીના નિદેશક છે. દસથી પણ ઓછા લોકો સાથે શરૂ કરેલી કંપનીએ છેલ્લાં પાંચ વર્ષમાં ઘણો વિસ્તાર કર્યો છે. કંપનીનો કારોબાર હવે દેશના બીજા ભાગોમાં પણ ફેલાયેલો છે.
મેઘા એન્જિનિયરિંગ ઍન્ટરપ્રાઇઝ રૂપે શરૂ થયેલી કંપની 2006માં મેઘા એન્જિનિયરિંગ કંપની બની ગઈ.
કંપનીએ પોતાની પહેલી ઑફિસ હૈદરાબાદના બાલાનગરમાં ખોલી હતી. શરૂઆતમાં કંપની માત્ર પાઇપલાઇન લગાડવાનું કામ જ કરતી. જોકે 2014 પછી કંપનીનું નસીબ બદલાયું.
તેલંગાણાના ગઠન પછી કંપનીને સિંચાઈની મોટી પરિયોજનાઓના કન્ટ્રાક્ટ મળ્યા. કંપનીએ ઝડપથી આંધ્ર પ્રદેશ અને ઉત્તર ભારતીય રાજ્યો તરફ પોતાનો વિસ્તાર કર્યો.
ફ્યુચર ગેમિંગ અને હોટલ સર્વિસ

ઇમેજ સ્રોત, MARTINFOUNDATION.COM
ફ્યુચર ગેમિંગ અને હોટલ સર્વિસે ઇલેક્ટોરલ બૉન્ડની સૌથી મોટી ખેપ 2021માં ખરીદી જ્યારે તેને 195 કરોડ રૂપિયાના બૉન્ડ ખરીદ્યા.
જાન્યુઆરીમાં 2022માં બે વખત આ કંપનીએ 210 કરોડ રૂપિયાના બૉન્ડ ખરીદ્યા. આ કંપનીએ છેલ્લે આ વર્ષે જાન્યુઆરીમાં 63 કરોડ રૂપિયાના ઇલેક્ટોરલ બૉન્ડ ખરીદ્યા હતા. ફ્યુચર ગેમિંગ અને હોટલ સર્વિસ પ્રાઇવેટ લિમિટેડની સ્થાપના 30 ડિસેમ્બર 1991માં કરવામાં આવી હતી.
આ કંપનીનું રજિસ્ટર્ડ ઍડ્રેસ તમિલનાડુના કોયમ્બટૂરમાં છે. જોકે કંપનીના ખાતાનો હિસાબ રાખતા દસ્તાવેજો કોલકાતામાં રાખવામાં આવે છે. આ કંપની સ્ટૉક ઍક્સચેન્જ પર લિસ્ટેડ નથી.
આ કંપનીની વેબસાઇટ પર આપેલી જાણકારી પ્રમાણે ફ્યુચર ગેમિંગ અને હોટલ સર્વિસ પ્રાઇવેટ લિમિટેડ પહેલાં માર્ટિન લૉટરી એજન્સી લિમિટેડ તરીકે જાણીતી હતી.
આ જાણકારી પ્રમાણે કંપની બે અબજ અમેરિકી ડૉલરના કારોબાર સાથે ભારતના લૉટરી ઉદ્યોગની અગ્રણી કંપની છે.
ફ્યુચર ગેમિંગ અને હોટલ સર્વિસ પ્રાઇવેટ લિમિટેડની વેબસાઇટ પ્રમાણે 1991માં સ્થાપના પછી કંપની અલગ-અલગ રાજ્ય સરકારની પરંપરાગત લૉટરી વિતરણ સમયમાં ઝડપથી આગળ વધી. સેન્ટિયાગો માર્ટિન આ કંપનીના ચેરમૅન છે. માર્ટિનને "લૉટરી કિંગ" પણ કહેવાય છે.
કંપનીએ આપેલી જાણકારી પ્રમાણે માર્ટિને લૉટરી ઉદ્યોગમાં 13 સાલની ઉંમરે શરૂઆત કરી અને આખા દેશમાં લૉટરીને ખરીદનાર અને વેચનાર લોકોનું એક વિશાળ નેટવર્ક બનાવ્યું. કંપની વેબસાઇટ પ્રમાણે માર્ટિન કેટલીક વખત દેશમાં સૌથી વધુ ટેક્સ આપનાર વ્યક્તિ રહ્યા છે.
માર્ટિન ચેરિટેબલ ટ્રસ્ટની વેબસાઇટ પ્રમાણે કારોબારની દુનિયામાં સામેલ થતા પહેલાં માર્ટિને સૌથી પહેલાં મ્યાંમારના યાંગૂન શહેરમાં એક મજૂર તરીકે પોતાના કરિયરની શરૂઆત કરી હતી.
પોતાના પરિવારનું ભરણ-પોષણ કરવા માટે તેઓ થોડી રકમ કમાતા. ત્યાર પછી તેઓ ભારત પાછા ફર્યા અને તમિલનાડુમાં 1988માં પોતનો લૉટરી વ્યવસાય શરૂ કર્યો. તેમણે આ કારોબારનો ધીરે-ધીરે કર્ણાટક અને કેરળમાં વિસ્તાર કર્યો.












