You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
કેજરીવાલનો દાવો- ભાજપે ગુજરાતની ચૂંટણી છોડવાની આપી ઑફર
દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે શનિવારે દાવો કર્યો હતો કે, ભાજપે તેમને ઑફર આપી છે કે, જો આમ આદમી પાર્ટી ગુજરાતની ચૂંટણીમાંથી હટી જાય તો દિલ્હીના મંત્રી મનીષ સિસોદિયા અને સત્યેન્દ્ર જૈન જેની પર કેન્દ્રીય એજન્સીઓની તપાસ ચાલી રહી છે. તેમને છોડી મૂકવામાં આવશે.
સમાચાર એજન્સી એનડીટીવીના ટાઉનહૉલ શો પર આમ આદમી પાર્ટીના સંયોજક અરવિંદ કેજરીવાલે કહ્યું, “મનીષ સિસોદિયાએ આપ છોડીને દિલ્હીના મુખ્ય મંત્રી બનવાના તેમના (બીજેપી)ના પ્રસ્તાવનો અસ્વીકાર કર્યો છે, તેમણે (બીજેપી)એ મારો સંપર્ક કર્યો છે. તેમણે કહ્યું કે, જો તમે ગુજરાત છોડી દેશો અને ત્યાં ચૂંટણી નહીં લડો તો અમે સત્યેન્દ્ર જૈન અને સિસોદિયા બન્નેને છોડી દઈશું અને તેમના પર લાગેલા બધા આક્ષેપો હટાવી દઈશું.”
આ પ્રસ્તાવ કોણે આપ્યો છે એના જવાબમાં કેજરીવાલે કહ્યું કે, “હું કોઈ પોતાના વ્યક્તિનું નામ કેવી રીતે લઈ શકું. પ્રસ્તાવ તેમના માધ્યમથી આવ્યો છે. તે (બીજેપી) ક્યારેય સીધો સંપર્ક કરતો નથી. તે એકથી બીજા એમ કરીને કોઈ મિત્ર સુધી પહોંચે છે અને આમ આદમી પાર્ટી સુધી આ સંદેશો પહોંચાડે છે.”
બીજેપીનો જવાબ
ભારતીય જનતા પાર્ટીએ અરવિંદ કેજરીવાલના દાવાને ખોટો ગણાવ્યો છે.
બીજેપી પ્રવક્તા સૈયદ ઝફર ઇસ્લામે કહ્યું કે, “આ લોકોને ગુમરાહ કરવા અને બીજેપીની છબિ ખરાબ કરવા માટેનું એક નિવેદન છે. કેજરીવાલે દિલ્હી અને દેશના લોકોને ગેરમાર્ગે દોર્યા છે. તેમણે સત્તામાં આવવા માટે સામાજિક કાર્યકર્તા અન્ના હજારેનો ઉપયોગ કર્યો અને ત્યારબાદ તેમને છોડી દીધા. તેઓ સત્તા મેળવવા માટે કોઈને પણ ગેરમાર્ગે દોરી શકે છે.”
દેશના છ રાજ્યોની સાત બેઠકો પર યોજાયેલી પેટાચૂંટણીમાં 4 બેઠકો પર ભાજપની જીત
નવભારત ટાઇમ્સના અહેવાલ અનુસાર, 6 રાજ્યોમાં 7 વિધાનસભા બેઠકો પર થયેલી પેટચૂંટણીમાં ભાજપે સારું પ્રદર્શન કર્યું છે. 7માંથી 4 સીટો પર ભાજપે જીત હાસલ કરી છે. ભાજપે બિહારમાં ગોપાલગંઝ, યૂપીમાં ગોલા ગોકર્ણનાથ, ઓડિશામાં ધામનગર અને હરિયાણામાં આદમપુર બેઠક પર જીત મેળવી છે. રાષ્ટ્રીય જનતા દળ (RJD) અને તેલંગાના રાષ્ટ્ર સમિતિ ((TRS) એ એક-એક બેઠક જીતી છે.
પેટાચૂંટણીનું પરિણામ રવિવારે જાહેર કરવામાં આવ્યું હતું અને ભાજપે તેની ત્રણ બેઠકો જાળવી રાખી છે. ભાજપે કહ્યું કે, “3 નવેમ્બરે યોજાયેલી પેટાચૂંટણીના પરિણામ મુજબ વડા પ્રધાન નરેન્દ્ર મોદીની નીતિઓ પર લોકોની મહોર છે કારણ કે પાર્ટીએ ઉત્તર પ્રદેશમાં ગોલા ગોકર્ણનાથ, ઓડિશામાં ધામનગર અને બિહારમાં ગોપાલગંઝ બેઠક પર પોતાની બેઠક જાળવી રાખી છે. ત્રણેય બેઠક પર પાર્ટીના ધારાસભ્યોના મૃત્યુ બાદ પેટાચૂંટણી યોજવાની જરૂર હતી. ભાજપે ત્રણેય જગ્યાએ પાર્ટીના દિવંગત ધારાસભ્યોના પરિવારને ટિકિટ આપી હતી.”
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
આ બેઠકો પર ભાજપે મેળવી જીત
ઉત્તર પ્રદેશના લખીમપુર ખીર જિલ્લાની ગોલા ગોકર્ણનાથ વિધાનસભા બેઠકની પેટાચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીએ અમન ગીરીએ 34 હજારથી વધુ મતોથી જીત મેળવી છે. આ બેઠક અમનના પિતાનું મૃત્યુ થવાના કારણે ખાલી પડી હતી. પેટાચૂંટણીમાં જીત મેળવ્યા બાદ અમન ગીરીએ કહ્યું હતું કે, “તેઓ પોતાના પિતાનું સપનું પુરુ કરશે અને પોતાના વિસ્તારનો હજુ વધારે વિકાસ કરશે.”
ભાજપના ઉમેદવાર અને પૂર્વ મુખ્યમંત્રી ભજનલાલના પૌત્ર ભવ્ય બિશ્નોઈએ રવિવારે આદમપુર વિધાનસભા બેઠક પર પેટાચૂંટણીમાં પોતાના નજીકના પ્રતિસ્પર્ધી અને કૉંગ્રેસના ઉમેદવાર જયપ્રકાશને હરાવીને પરિવારનો ગઢ જાળવી રાખ્યો છે.
ભવ્યના પિતા કુલદીપ બિશ્નોઈએ ધારાસભ્ય પદ પરથી રાજીનામુ આપીને કૉંગ્રેસમાંથી ભાજપમાં જોડાયા હતા, ત્યારબાદ આ બેઠક પર પેટાચૂંટણીની જરૂર હતી. કૉંગ્રેસ અને ભાજપ વચ્ચેની સીધી ચૂંટણીમાં ભવ્યએ જયપ્રકાશને 15,740 મતથી હરાવ્યા છે.
બિહારમાં સત્તારૂઢ મહાગઠબંધન અને વિપક્ષી નેશનલ ડેમોક્રેટિક ગઠબંધન માટે પરિણામ સરખુ રહ્યું છે કારણ કે રાષ્ટ્રીય જનતા દળ અને ભારતીય જનતા પાર્ટીએ રવિવારે અનુક્રમે મોકામા અને ગોપાલગંઝ વિધાનસભાની બેઠકોને જાળવી રાખી છે.
મુંબઈની અંધેરી (પૂર્વ) વિધાનસભા બેઠક પર યોજાયેલી પેટાચૂંટણીમાં શિવસેના (ઉદ્ધવ બાલાસાહેબ ઠાકરે) ના ઉમેદવાર ઋતુજા લટકેએ રવિવારે જીત હાસલ કરી છે. એક અધિકારીએ આ જાણકારી આપી હતી. તેમણે જણાવ્યું કે, “લટકેને 66 હજારથી વધુ મત મળ્યા જ્યારે નોટા વિકલ્પના પક્ષમાં 12,806 મત મળ્યા છે. નોટા મતદારોને ચૂંટણીમાં કોઈ પણ ઉમેદવારને પક્ષમાં મતદાન ન કરવાનો વિકલ્પ આપે છે. લટકેને કૂલ 86,570 મતમાંથી 66,530 મત મળ્યા છે. લટકે અને છ અપક્ષ ઉમેદવારો મેદાનમાં હતા.”
હૈદરાબાદ તેલંગાનામાં સત્તારૂઢ તેલંગાના રાષ્ટ્ર સમિતિ (TRS) એ રવિવારે મુનૂગોડે વિધાનસભા સીટની પેટાચૂંટણીમાં જીત મેળવી હતી. રાજ્ય ચૂંટણીપંચે આ માહિતી આપી છે. ટીઆરએસ ઉમેદવાર કુસુકુંતલા પ્રભાકર રેડ્ડીએ ભારતીય જનતા પાર્ટીના પોતાના નજીકના પ્રતિસ્પર્ધી કોમાતીરેડ્ડી રાજગોપાલ રેડ્ડીને 10હજારથી વધુ મતોથી હરાવ્યા છે. રાજ્ય ચૂંટણીપંચ મુજબ જીત મેળવનાર ઉમેદવારને ચૂંટણી પ્રમાણપત્ર આપવામાં આવ્યું છે.
નવીન પટનાયકના નેતૃત્વ વાળા બીજૂ જનતા દળ (BJD)ને હરાવીને ભાજપ ઓડિશાના ભદ્રક જિલ્લામાં પોતાની ધામનગર વિધાનસભા બેઠક જાળવી રાખવામાં સફળ રહી છે. પેટાચૂંટણીમાં ભાજપના ઉમેદવાર સૂર્યવંશી સૂરજે 9,881 મતથી જીત મેળવી છે. સૂરજને 80,351 મત મળ્યા છે, જ્યારે તેમના પ્રતિસ્પર્ધી બીજેડી ઉમેદવાર અબંતી દાસને 70,470 મત મળ્યા છે.
એલન મસ્કે કોને અને કેમ આપી ટ્વિટર એકાઉન્ટ સસ્પેન્ડ કરવાની ચેતવણી?
ટ્વિટરના નવા માલિક એલન મસ્કે માઇક્રોબ્લૉગિંગ સાઇટ પર ચાલી રહેલી પૈરોડી એકાઉન્ટને લઈને નવી જાણકારી શૅર કરી છે.
ટ્વિટર પર એક યૂઝરને આપેલા જવાબમાં મસ્કે કહ્યું છે કે, “જો કોઈ એકાઉન્ટ પોતાને સ્પષ્ટ પૈરોડી એકાઉન્ટ જાહેર કર્યા વગર અન્ય કોઈની ઓળખની નકલ કરવાની પ્રવૃત્તિ કરે છે તો એ એકાઉન્ટ સસ્પેન્ડ કરવામાં આવશે.”
એ ઉપરાંત એક અલગ ટ્વીટમાં મસ્કે કહ્યું છે કે, “આ પહેલા અમે ચેતવણી જાહેર કરી છે, પરંતુ જેવી રીતે ટ્વિટર મોટાપાયે એકાઉન્ટ વેરિફિકેશનનું કામ કરી રહ્યું છે તો આવનારા સમયમાં એકાઉન્ટને કોઈ પણ જાતની ચેતવણી આપવામાં આવશે નહીં. આ ટ્વિટર બ્લૂ માટે આ જ નક્કી કરેલો નિયમ રહેશે.”
એલન મસ્કે એ પણ કહ્યું છે કે, “જો કોઈ યૂઝર પોતાના હૅંન્ડલનું નામ બદલે છે તો તે અસ્થાયી રૂપથી વેરિફાઈ બ્લૂ ટિક ખોઈ દેશે.”
શનિવારે કોઇયાન વૂલફર્ડ (@iawoolford) ના વેરિફાઈ એકાઉન્ટથી હિન્દીમાં ટ્વીટ થવા લાગ્યા. ઇયાન વૂલફર્ડે પોતાના ટ્વિટર એકાઉન્ટનું નામ બદલીને એલન મસ્ક કરી દીધુ હતુ અને ફોટો પણ એલન મસ્કે લગાવ્યો હતો એ જ લગાવી દીધો.
આનાથી કેટલાય લોકો એ વાતથી મુંઝવાઇ ગયા કે એલન મસ્ક હિન્દીમાં ટ્વીટ કરી રહ્યા છે. આ એકાઉન્ટથી ભોજપુરી ગીતો પણ ટ્વીટ કરવામાં આવ્યા. ત્યારબાદ ઇયાન વૂલફર્ડનું એકાઉન્ટ સસ્પેન્ડ કરવામાં આવ્યું.
ઇયાન વૂલફર્ડ અમેરિકાના નાગરિક છે. ઑસ્ટ્રેલિયાની લાટ્રોબ યુનિવર્સિટીમાં હિન્દી ભણાવે છે.
એલન મસ્કે પોતાના ટ્વીટમાં કોઈ વ્યક્તિનું નામ લીધુ નથી પરંતુ તેમના નિવેદનને આ વાક્ય સાથે જોડવામાં આવી રહ્યું છે.