You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
દાસુન શનાકા : એ શ્રીલંકન ખેલાડી જેની શાનદાર સદી એળે ગઈ અને ભારત જીતી ગયું
શ્રીલંકા વિરુદ્ધ ગૌહાટીમાં રમાયેલી વનડે મૅચ ભારતે 67 રને જીતી લીધી. મૅચમાં ભારતની શરૂઆત શાનદાર રહી. વિરાટ કોહલીની સદી અને રોહિત શર્મા તેમજ શુભમન ગિલની અર્ધસદીની મદદે ભારતે 50 ઓવરમાં 373 રન બનાવ્યા હતા.
મૅચમાં કોહલી એકદમ છવાયેલા રહ્યા. તેમણે 87 બૉલમાં 113 બનાવ્યા. જ્યારે રોહિત શર્માએ 67 બૉલમાં 83 રન અને શુભમન ગિલે 60 બૉલમાં 70 રન બનાવ્યા. જોકે, ચર્ચા શ્રીલંકાના કૅપ્ટન દાસુન શાનુકાની રહી. તેમણે અણનમ 108 રન કર્યા.
શ્રીલંકાની તરફથી કસુન રજીતાએ સૌથી વધુ ત્રણ વિકેટ લીધી.
શ્રીલંકાની ઇનિંગ
374 રનનો ભારે મુશ્કેલ જણાતા લક્ષ્યાંકનો પીછો કરવા ઊતરેલી શ્રીલંકન ટીમની શરૂઆત સારી નહોતી રહી. શ્રીલંકાએ પોતાની પ્રથમ વિકેટ 19 રનના સ્કોર પર જ ગુમાવી દીધી. 100 રન પહેલાં એના ત્રણ બૅટ્સમૅન પૅવેલિયન જતા રહ્યા હતા.
શરૂઆતમાં શ્રીલંકાને મળેલા મોટા ઝટકાએ શ્રીલંકાની ટીમને મુશ્કેલ સ્થિતિમાં મૂકી દીધી હતી. બીજી તરફ ભારતે શરૂઆતથી જ રમત પર પકડ જમાવી રાખી હતી. બેટિંગમાં ભારતીય ટીમને પ્રારંભિક સફળ ભાગીદારીનો ફાયદો મળ્યો હતો. જે શ્રીલંકન ટીમ નહોતી મેળવી શકી.
206 રન પર શ્રીલંકાની આઠમી વિકેટ પડી. જોકે, નવમી વિકેટ માટે દાસુન શનાકા અને કસુન રજિથાએ ઇનિંગ સંભાળી. શનાકાએ કેટલાક શાનદાર શૉટ ફટકાર્યા અને અંતિમ ઓવરમાં પોતાની સદી પૂરી કરી. શનાકા શ્રીલંકાનો સ્કોર 300ની પાર તો લઈ ગયા પણ વિજય સુધી પહોંચવામાં નિષ્ફળ રહ્યા.
શ્રીલંકાની ટીમ 50 ઓવરમાં 8 વિકેટ પર 306 રન જ બનાવી શકી.
મૅચ હાર્યા બાદ શાનુકાએ જણાવ્યું હતું, "ભારતના બેટરોએ સારી શરૂઆત કરી અને અમારા બૉલરો નવા બૉલનો સારી રીતે ઉપયોગ ના કરી શક્યા. ભારતીય બૉલરોએ સ્વિંગનો પણ સારો ઉપયોગ કર્યો હતો. અમને એવું લાગે છે કે અમારી પાસે પ્લાન હતો પણ બૉલરો એને અમલમાં નહોતા લાવી શક્યા. અમારે સ્ટમ્પ લાઇન જાળવી રાખવાની અને ધીમા બૉલ રમવાની જરૂર હતી."
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
કોહલીએ કોને શ્રેય આપ્યો?
ગૌહાટીમાં રમાઈ રહેલી ભારત અને શ્રીલંકા વચ્ચેની વનડે મૅચમાં શાનદાર શતક ફટકારનારા ભારતીય બૅટર વિરાટ કોહલીએ ક્રિકેટની રમતમાં ભાગ્ય મહત્ત્વનો ભાગ ભજવતું હોવાની વાત કરી.
સદી ફટકાર્યા બાદ કોહલીએ કહ્યું, "ભાગ્ય મોટો ભાગ ભજવે છે. આવી ઇનિંગો માટે તમારે ઈશ્વરનો આભાર વ્યક્ત કરવો પડે. આવી ઇનિંગો મહત્ત્વની હોય છે. સદ્ભાગ્યનો હું ફાયદો ઉઠાવી શક્યો એ બદલ હું આભારી છું.મેં ટીમને 350 કરતાં વધારાના 20 રન અપાવવામાં મદદ કરી. એ પણ આ જ રીતે થયું."
આ ઉંમરે પણ આટલી સ્ફૂર્તિ સાથે રમાયેલી સફળ ઇનિંગનું રહસ્ય પૂછવામાં આવ્યું ત્યારે 34 વર્ષના કોહલીએ ડાયટના મહત્ત્વની વાત કરી.
વિરાટે કહ્યું "મેં એક વિરામ લીધો હતો અને આ રમત રમવા માટે કેટલાંક પ્રેક્ટિસ સેશનમાં પણ ભાગ લીધો હતો.એટલે બાંગ્લાદેશના પ્રવાસ બાદ હું તાજોમાજો હતો અને ઘરે રમવા માટે ઉત્સુક હતો.ઑપનરોએ મારી રમત મને રમવા દેવામાં મદદ કરી અને એને હું ચાલુ રાખી શક્યો એ બદલ ખુશ છું.હું જે પણ ખાઉં એને લઈને જાગૃત હોઉં છું. આ ઉંમરે ખોરાક સૌથી મહત્ત્વની બાબત હોય છે. એ મને 'પ્રાઇમ શૅપ'માં રાખે છે. મને ટીમને 100 ટકા આપવવામાં એ મારી મદદ કરે છે."
વિરાટે પોતાની સદી માત્ર 80 બૉલમાં પૂરી કરી. કોહલી 113 રન બનાવીને આઉટ થયા. આ પહેલાં શુભમન ગિલે 60 બૉલમાં 70 રન બનાવ્યા હતા.
ભારતે 50 ઓવરમાં સાત વિકેટ ગુમાવીને શ્રીલંકાને જીતવા માટે 374 રનનો ટાર્ગેટ આપ્યો હતો.