જ્યારે 30 હજાર ફૂટની ઊંચાઈએ વિમાનમાં જંગલી ઘોડો દોડાદોડ કરવા લાગ્યો અને વિમાન ઉતારવું પડ્યું

    • લેેખક, બ્રેન્ડન ડ્રેનન
    • પદ, બીબીસી ન્યૂઝ, વૉશિંગ્ટન

આકાશમાં લગભગ 30 હજાર ફૂટની ઊંચાઈએ ઊડી રહેલું એક માલવાહક વિમાન અચાનક એક ભયંકર મુસીબતમાં ફસાઈ ગયું અને વિમાનને પાછું ત્યાં જ ઉતારવું પડ્યું જ્યાંથી તેણે ઊડાણ શરૂ કરી હતી.

વિમાનમાં એક જંગલી ઘોડો તેના પાંજરામાંથી બહાર નીકળી ગયો અને દોડાદોડી કરવા લાગ્યો અને વિમાનનો સ્ટાફ મુસીબતમાં મુકાઈ ગયો.

આ માલવાહક જહાજ ન્યૂયૉર્કથી બૅલ્જિયમ જઈ રહ્યું હતું. ઊડાણ ભર્યા બાદ દોઢ કલાકમાં જ વિમાને પાછા ફરવું પડ્યું.

ઍયર ટ્રાફિક કંટ્રોલ ઑડિયો રેકૉર્ડિંગમાં પાયલટને આ વિશે બોલતા સાંભળી શકાય છે. તેઓ કહે છે, "અમારા વિમાનમાં એક ઘોડો દોડાદોડી કરી રહ્યો છે. એ તેના પિંજરામાંથી બહાર નીકળી ગયો છે. અમે તેને પકડી શકતા નથી."

ઍયર ઍટલાન્ટા આઇલેન્ડિક ફ્લાઇટ 4592ના પાયલટે ઍયર ટ્રાફિક કંટ્રોલને જણાવ્યું હતું કે વિમાન બરાબર છે પણ દોડી રહેલા ઘોડાને કારણે અમને ચિંતામાં મૂકી દીધા.

તેના પછી પાયલટે અનુરોધ કર્યો હતો કે જ્યારે વિમાન જૉન ઍફ કૅનેડી વિમાનમથકે ઊતરે તો એક પશુચિકિત્સક ઉપલબ્ધ રહે.

પરંતુ રસ્તામાં જ પાછા ફરતી વખતે વિમાનમાંથી 20 ટન ઈંધણ છોડવું પડ્યું હતું.

બેશક એ સવાલ છે કે આ ઘોડો પિંજરામાંથી કેવી રીતે બહાર નીકળ્યો. પરંતુ જ્યારે વિમાન ઍરપોર્ટ પર ઊતર્યું ત્યારે ઘોડો પિંજરામાં પણ ન હતો અને તેને બાંધવામાં પણ આવ્યો ન હતો.

વિમાનના ઊતર્યા પછી ઍયર ટ્રાફિક કન્ટ્રોલે પાયલટને પૂછ્યું કે, “શું તમને મદદની જરૂર છે?”

પાયલટે કહ્યું, "વિમાનને ઊતારવામાં મદદની જરૂર નથી, પરંતુ આ ઘોડાને વિમાનમાંથી ઊતારવામાં અમારી મદદ કરો."

પ્રાણીઓના વહન માટે પણ હોય છે વિમાનમાં 'ક્લાસ'

ત્યારબાદ વિમાને ફરીથી ટેકઑફ કર્યું અને બીજા દિવસે લીઝ ઍરપૉર્ટ પર લૅન્ડ થયું.

આઇસલેન્ડિક ઍરલાઇન ઍર ઍટલાન્ટાએ ટિપ્પણી માટે બીબીસીને જવાબ આપ્યો નથી.

ઘોડાને શા માટે અને ક્યાંથી વિમાનમાં લઈ જવામાં આવ્યા હતા તે અંગે કોઈ માહિતી ઉપલબ્ધ નથી.

આ ઘોડાઓને સામાન્ય રીતે રેસિંગ માટે લઈ જવામાં આવતા હતા.

"પ્રાણીઓ અથવા અન્ય વસ્તુઓ વહન કરવા માટે પણ વિમાનમાં અલગ-અલગ વર્ગો હોય છે. તેમાં પણ ફર્સ્ટ ક્લાસ, બિઝનેસ ક્લાસ અને ઇકોનોમી ક્લાસ હોય છે."

"આ કૅટેગરી સૂચવે છે કે તમારે પ્રાણીઓનું પરિવહન કરવા માટે ક્યા કદના કન્ટેઇનર અથવા પાંજરાની જરૂર છે," એક નિષ્ણાતે સીએનએનને જણાવ્યું હતું.

આ પહેલીવાર નથી બન્યું કે જ્યારે માલવાહક વિમાનમાં ઊડાણ ભરતી વખતે કોઈ પ્રાણી તેના પાંજરામાંથી છટકી ગયું હોય.

આ વર્ષે ઑગસ્ટ મહિનામાં દુબઈથી બગદાદ જતી ઇરાકી ઍરવેઝની ફ્લાઇટમાં પણ એક રીંછ તેના પાંજરામાંથી ભાગી ગયું હતું. એસોસિએટેડ પ્રેસે આ અંગે જાણકારી આપી હતી.