દિવ્યા દેશમુખ: 19 વર્ષની ઉંમરમાં ચેસમાં વિશ્વકપ જીતનારાં ખેલાડી કોણ છે?

દિવ્યા દેશમુખ, બીબીસી, ગુજરાતી

ઇમેજ સ્રોત, Instagram/Divya Deshmukh

નાગપુરનાં ઇન્ટરનૅશનલ માસ્ટર દિવ્યા દેશમુખે ફિડે મહિલા ચેસ-વર્લ્ડ કપની ફાઇનલ મૅચ જીતીને ખિતાબ પોતાને નામ કર્યો છે.

તેમણે ભારતનાં કોનેરુ હમ્પીને હરાવીને આ ખિતાબ જીત્યો છે.

તેઓ 23 જુલાઈના રોજ ફિડે મહિલા ચેસ વર્લ્ડકપના ફાઇનલમાં પહોંચ્યાં હતાં. આ સિદ્ધિ હાંસિલ કરનારાં તેઓ પ્રથમ ભારતીય મહિલા હતાં.

જ્યૉર્જિયાના બટુમીમાં રમાઈ રહેલી આ ટુર્નામેન્ટની બીજી સેમિફાઇનલમાં ભારતીય ચેસ ચૅમ્પિયન કોનેરુ હમ્પીએ જીત મેળવી હતી.

એટલે આ ફાઇનલ મેચમાં બંને ખેલાડી ભારતીય હતાં.

સેમિફાઇનલ મૅચના બીજા તબક્કામાં દિવ્યાએ પૂર્વ વર્લ્ડ ચૅમ્પિયન ચીનનાં ઝોંગયી તાનને હરાવીને ફાઇનલમાં પ્રવેશ કર્યો હતો.

દિવ્યા હવે 2026માં યોજાનારી મહિલા કેન્ડિડેટ્સ ચેસ ટુર્નામેન્ટ માટે ક્વૉલિફાઈ થઈ ગયાં છે. અને પ્રથમ ગ્રાન્ડ માસ્ટર નૉર્મ પણ હાંસલ કર્યો છે.

'હજુ ઘણું મેળવવાનું બાકી છે'

દિવ્યા દેશમુખ, બીબીસી, ગુજરાતી

ઇમેજ સ્રોત, Instagram/Divya Deshmukh

ઇમેજ કૅપ્શન, ફિડે વર્લ્ડકપમાં ફાઇનલમાં બે ભારતીય ચેસ પ્લેયર દિવ્યા દેશમુખ અને કોનેરુ હમ્પી વચ્ચે મુકાબલો હતો.

આ જીત બાદ દિવ્યા દેશમુખની પહેલી પ્રતિક્રિયા હતી: "મારા માટે અત્યારે કંઈ પણ બોલવું મુશ્કેલ છે. હજે ઘણું બધું મેળવવાનું બાકી છે, આ તો માત્ર શરૂઆત છે."

હકીકતે, ભારતે આ જીત સાથે શતરંજમાં એક ઇતિહાસ રચી દીધો છે.

ફિડે વર્લ્ડ કપમાં ફાઇનલમાં બે ભારતીય ચેસ પ્લેયર દિવ્યા દેશમુખ અને કોનેરુ હમ્પી વચ્ચે મુકાબલો હતો.

ટૂંકમાં જીતનો તાજ કોઈના પણ શિરે આવે, વિશ્વકપ ભારતના ફાળે જ આવવાનો હતો.

દિવ્યા દેશમુખ, ફિડે, બીબીસી, ગુજરાતી

ઇમેજ સ્રોત, FIDE - International Chess Federation

શનિવારે રાતે 26 જુલાઈના રોજ બંને વચ્ચે પહેલી મૅચ ડ્રૉ થયા બાદ 27 જુલાઈના રોજ આયોજિત બીજી મૅચ પણ ઘણી મહત્ત્વપૂર્ણ સાબિત થઈ હતી.

દિવ્યા અને હમ્પી બંનેને કેંડિડેટ્સ ટુર્નામેન્ટમાં રમવાનો અવસર મળ્યો અને ત્યાંથી બંનેને વર્લ્ડ ચૅમ્પિયનશિપ ટુર્નામેન્ટની ટિકિટ મળી.

રસપ્રદ વાત એ છે કે હરિકા દ્રોણાવલી અને વૈશાલી પણ આ સ્પર્ધામાં ક્વાર્ટરફાઇનલ સુધી પહોંચ્યાં હતાં.

"હું હજુ વધારે સારું રમી શકી હોત"

દિવ્યા દેશમુખ, બીબીસી, ગુજરાતી

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, દિવ્યા દેશમુખ મૂળરૂપે નાગપુરનાં રહેવાસી છે

સેમિફાઇનલ જીત્યા બાદ દિવ્યાએ કહ્યું, "હું વધારે સારું રમી શકી હોત."

તેમણે એમ પણ કહ્યું કે, "એક સમયે હું જીતી રહી હતી. પણ પછી થોડી ભૂલો કરી. આ મૅચ હું આસાનીથી જીતી શકી હોત પણ તેમણે એટલી મજબૂત ટક્કર આપી કે મને લાગ્યું કે ખેલ ડ્રૉ પર પૂરો થશે. અંતમાં ભાગ્ય મારા પક્ષે હતું."

દિવ્યાએ કહ્યું કે, "મારે હવે આરામ કરવાની જરૂર છે. છેલ્લા કેટલાક દિવસોથી હું તણાવમાં છું. હવે મારે ખાવું જોઈએ અને આરામ કરવો જોઈએ."

આ ટુર્નામેન્ટમાં દિવ્યાએ ચીનની ઝૂ જિનરને હરાવ્યાં અને ક્વાર્ટર ફાઇનલમાં ભારતનાં હરિકા દ્રોણાવલીને હરાવ્યાં.

દિવ્યા દેશમુખ કોણ છે?

દિવ્યા દેશમુખ મૂળરૂપે નાગપુરનાં રહેવાસી છે અને તેમનો જન્મ 9 ડિસેમ્બર, 2005ના રોજ થયો હતો.

તેમના પિતા જીતેન્દ્ર અને માતા નમ્રતા બંને ડૉકટર છે. તેઓ ભવંસ સિવિલલાઇન્સ સ્કૂલમાં ભણ્યાં છે અને બાળપણથી જ ચેસમાં પ્રવીણ છે.

ઇન્ટરનૅશનલ માસ્ટર નૉર્મ પ્રાપ્ત કરી ચૂકેલાં દિવ્યા ઑગસ્ટ-2023માં દુનિયાનાં સર્વશ્રેષ્ઠ જૂનિયર મહિલા ખેલાડી બન્યાં હતાં. એ સમયે એમની રેટિંગ 2472 હતી.

દિવ્યાને 2023માં ઇન્ટરનૅશનલ માસ્ટર, 2021માં મહિલા ગ્રાન્ડ માસ્ટર, 2018માં મહિલા ઇન્ટરનૅશનલ માસ્ટર અને 2013માં ફિડે (ઇન્ટરનૅશનલ ચેસ ફેડરેશન)થી મહિલા માસ્ટરનો ખિતાબ મળી ચૂક્યો છે.

શતરંજનો શોખ કેવી રીતેે જાગ્યો?

દિવ્યા દેશમુખ, બીબીસી, ગુજરાતી

ઇમેજ સ્રોત, ANI

દિવ્યાને ચેસનો શોખ કેવી રીતે જાગ્યો? એ અંગે દિવ્યાનાં માતા નમ્રતા દેશમુખે બીબીસી મરાઠી સાથે વાતચીત કરી હતી.

નમ્રતા કહે છે, "દિવ્યા પાંચ વર્ષની ઉંમરથી ચેસ રમી રહી છે. દિવ્યાની મોટી બહેન બૅડમિન્ટન રમવા જતી હતી. દિવ્યાએ પણ બૅડમિન્ટન રમવાની કોશિશ કરી. પણ રૅકેટ એનાથી મોટું હતું. દિવ્યા તેને હૅન્ડલ નહોતી કરી શકતી એટલે પછી દિવ્યાનો દાખલો પાસેની એક ચેસ એકૅડેમીમાં કરી દેવામાં આવ્યો."

"ચેસ એક એવી રમત છે જેમાં એકાગ્રતાની જરૂરિયાત રહે છે. આ માટે એને બહું નાની ઉંમરે ચેસ રમવા માટે પ્રોત્સાહિત કરવામાં આવી, પણ ધીમે-ધીમે દિવ્યાને આદત પડી ગઈ અને અત્યારે અમને ગર્વ છે કે તે વિશ્વ સ્તરે પહોંચી ગઈ છે."

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન