દલિતની હત્યા કરી મૃતદેહ બાળવાનો 'પ્રયત્ન', પરિવારનો આરોપ - ખેતરમાં ઘઉં ન ઉપાડતા જીવ લીધો

ઇમેજ સ્રોત, Sartaj Alam
- લેેખક, મોહમ્મદ સરતાજ આલમ
- પદ, પ્રયાગરાજથી બીબીસી હિંદી માટે
13 એપ્રિલના રોજ ઉત્તર પ્રદેશના પ્રયાગરાજના ઇસોટા ગામમાં 35 વર્ષીય દલિત યુવક દેવી શંકરનો અડધો બળેલો મૃતદેહ તેમના ઘરથી લગભગ 400 મીટર દૂર મળી આવ્યો હતો.
દલિત પરિવારનો આરોપ છે કે ઠાકુર સમુદાયનાં ખેતરોમાંથી દેવી શંકરે ઘઉંનો ભાર ઉપાડવાનો ઇનકાર કર્યો હોવાથી તેમની હત્યા કરી દેવાઈ. આ કેસમાં પરિવારની ફરિયાદના આધારે આઠ આરોપીની ધરપકડ કરવામાં આવી છે.
મૃતકનાં 60 વર્ષીય માતા કલાવતીના જણાવ્યા અનુસાર, "તેમના દીકરાએ દિલીપસિંહના ઘઉંના ખેતરમાં કામ કરવાની ના પાડી હતી, તેથી તેની હત્યા કરવામાં આવી."
કલાવતીના જણાવ્યા મુજબ દેવી શંકર 12 એપ્રિલના રોજ આખો દિવસ પોતાના ખેતરમાં ઘઉંની કાપણી કરી હતી અને થાકને કારણે તે દિલીપસિંહના ખેતરમાં કામ કરવા જવા માગતો ન હતો.
આ કેસમાં મૃતકના વૃદ્ધ પિતા અશોકકુમારની ફરિયાદ પર દિલીપસિંહ ઉર્ફે છોટન, અજયસિંહ, વિનયસિંહ, મનોજસિંહ, સોનુસિંહ ઉર્ફે સંજય, શેખરસિંહ, મોહિત અને અન્ય અજાણ્યા લોકો વિરુદ્ધ ભારતીય દંડ સંહિતાની હત્યાની કલમ સહિત દલિત કાયદાની કલમો હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે.
કરચનાના સહાયક પોલીસ અધીક્ષક (એએસપી) વરુણકુમારે જણાવ્યું હતું કે જે લોકો પર આરોપ મૂકવામાં આવ્યા છે તેમાં મુખ્ય આરોપી દિલીપસિંહ ઉર્ફે છોટન અને અન્ય આઠ આરોપીઓને રિમાન્ડ પર લીધા બાદ જેલમાં મોકલી દેવામાં આવ્યા છે.
હત્યાનું કારણ પૂછવામાં આવતા એસીપી વરુણકુમારે કહ્યું, "ઇસોટા ગામની એક મહિલા મૃતક દેવી શંકર અને કેસના એક આરોપી સાથે વાત કરતી હતી. આ કારણે બંને વચ્ચે અણબનાવ વધ્યો. જેના કારણે દેવી શંકરની હત્યા થઈ."

ઇમેજ સ્રોત, Sartaj Alam
ઘઉંના ખેતરમાં કામ કરવાની ના પાડવા બદલ હત્યાના મુદ્દા અંગે એએસપી વરુણકુમારે કહ્યું, "તેઓ તેને આ બહાને લઈ ગયા, પરંતુ પહેલાં બધાએ ત્યાં દારૂ પીધો, ત્યાર બાદ તેમની વચ્ચે મહિલાને લઈને ઝઘડો થયો અને તે લોકોએ દેવી શંકરની હત્યા કરી."
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
દેવી શંકરના પરિવારે મહિલાના કારણે કોઈ પણ પ્રકારના અણબનાવનો ઇનકાર કર્યો છે.
શું તેમની વચ્ચે કોઈ જૂની દુશ્મનાવટ હતી? આ પ્રશ્ન પર દેવી શંકરના પિતા અશોકકુમાર કહે છે, "અમારે ક્યારેય આવી કોઈ દુશ્મનાવટ નહોતી. અમે ઠાકુરોનાં ખેતરોમાં કામ કરતા હતા, જેનાથી અમને બે પૈસા મળતા હતા."
હત્યાની રાત્રે શું થયું?

ઇમેજ સ્રોત, Sartaj Alam
તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
આરોપો અનુસાર દિલીપસિંહ 12 એપ્રિલે સતત ફોન કરીને દેવી શંકર પર કામ કરવા માટે દબાણ કરતા રહ્યા.
કલાવતી કહે છે, "રાત્રે 9 વાગ્યે જ્યારે દેવીશંકર તેમના ઘરે જમવા બેઠા હતા, ત્યારે દિલીપસિંહે ફોન કરીને આગ્રહ કર્યો કે તેમને ખેતરમાં આવવું જોઈએ, કારણ કે બધા માટે ભોજનની વ્યવસ્થા કરવામાં આવી છે."
કલાવતી આગળ કહે છે, "દિલીપસિંહ આટલા બધા ફોન કરી રહ્યા હોવાથી, હું ખેતરમાં જ ભોજન કરીશ અને તેમનું કામ પૂર્ણ કર્યા પછી ઘરે પાછી આવીશ," એમ કહીને દેવી શંકર ખેતર તરફ ગયો હતો.
કલાવતી રડતાં રડતાં કહે છે, "દેવી શંકરના આ શબ્દો જે તેમણે તેમની છેલ્લી વાતચીતમાં મને કહ્યા હતા તે હજુ પણ મારા કાનમાં ગૂંજતા રહે છે."
દેવીશંકર રાત્રે ઘરે પાછા ન ફર્યા હોવાની જાણ ન હોવાથી, તેમના પિતા અશોકકુમાર, માતા કલાવતી અને પુત્રી કાજલ 13 એપ્રિલના રોજ સવારે ચાર વાગ્યે હંમેશની જેમ મહુઆ લેવા માટે ઝાડની પાસે ગયા હતા.
ત્યાંથી પાછા ફરતાં તેમને સમાચાર મળ્યા કે ગામની બહાર એક યુવાનનો અડધો બળેલો મૃતદેહ પડ્યો છે. કલાવતીના જણાવ્યા મુજબ, દેવી શંકરની પંદર વર્ષની પુત્રી કાજલે મૃતદેહ જોયા પછી તેની ઓળખ કરી લીધી હતી કે કે તે તેના પિતાનો જ મૃતદેહ છે.
કલાવતીના મતે દેવીશંકરના શરીર પરના કપડાં બળી ગયાં હતાં અને તેમનું શરીર ખરાબ રીતે બળી ગયું હતું.
તેઓ કહે છે, "જ્યારે પોલીસ મૃતદેહને પોસ્ટમૉર્ટમ હાઉસ લઈ જવાની તૈયારી કરી રહી હતી, ત્યારે મારા પુત્રના શરીર પર કોઈ કપડાં નહોતાં. હું તેની નવી ધોતી લઈને ઘરેથી દોડી ગઈ, પણ તે પણ મારા પુત્રને પહેરાવી શકાઈ નહીં."
એક પોલીસ અધિકારી જેમણે નામ ન આપવાની શરતે જણાવ્યું હતું કે પોસ્ટમૉર્ટમ રિપોર્ટમાં દેવી શંકરનું મૃત્યુ ગળું દબાવવાથી થયું હોવાનું જણાય છે જ્યારે બળી ગયેલી ઈજા મૃત્યુ પછી થઈ હતી.
માતા પછી હવે પિતાનો પડછાયો પણ ગયો
પ્રયાગરાજથી લગભગ 45 કિમી દૂર આવેલા ઇસોટા ગામમાં સાત ઠાકુર પરિવારો અને લગભગ 200 દલિત પરિવારો રહે છે. હત્યા બાદ આ સાત પરિવારોનાં ઘરોને તાળાં લાગી ગયાં છે અને આરોપીઓના પરિવારજનો ફરાર છે.
દલિત પરિવારોના મોટા ભાગના ઘરોની દીવાલો માટીની બનેલી હોય છે.
આમાંથી એક ઘરમાં ત્રણ સગીર બાળકો, કાજલ, સૂરજ અને આકાશ (જેમણે પાંચ વર્ષ પહેલાં પોતાનાં માતા ગુમાવ્યાં) હવે અનાથ છે. તેમના પિતા દેવીશંકરની હત્યા થઈ ગઈ છે, હવે તેમને ફક્ત તેમનાં વૃદ્ધ દાદા-દાદીનો જ સહારો છે.
દાદી કલાવતી કહે છે, "કાજલનાં લગ્ન ત્રણ વર્ષ પછી થવાનાં છે, હવે તેનો ખર્ચ અમે કેવી રીતે ઉઠાવીશું? મારા પતિએ દૃષ્ટિ ગુમાવ્યા પછી ઘરનો એકમાત્ર કમાનાર મારો દીકરો હતો. જે મજૂરી કરીને થોડા પૈસા કમાતો હતો."
કલાવતી કહે છે, "મારા દીકરાના ગયા પછી કોઈ મને ઉધાર આપશે નહીં. બધા જાણે છે કે હવે મારા ઘરમાં કોઈ કમાનાર સભ્ય નથી."
રાજ્ય સરકાર પાસે મદદની વિનંતી કરતી વખતે, તેઓ કહે છે, "શું સરકાર મારા અનાથ પૌત્ર-પૌત્રીઓ માટે કંઈ આપશે કે નહીં? જો નહીં આપે, તો શું મારે આ બાળકોનું પેટ ભરવા માટે ભીખ માગવી પડશે? તેમને પણ શિક્ષણ મેળવવાનો અને સારું જીવન જીવવાનો અધિકાર છે?"

ઇમેજ સ્રોત, Sartaj Alam
પુત્રના મૃત્યુથી ઘેરા આઘાતમાં રહેલા અશોકકુમાર કહે છે, "અમને આ અનાથ બાળકોના ઉછેર માટે વળતર મેળવું જોઈએ, નહીં તો અમે આ બાળકોને કેવી રીતે ઉછેરીશું?"
પરિવારને વળતરના સવાલ પર સ્થાનિક એસડીએમ તપન મિશ્રા કહે છે, "પીડિત પરિવારને રહેણાક ભાડાપટ્ટા આપવા ઉપરાંત, નાણાકીય સહાય પૂરી પાડવા માટે પહેલ કરાઈ રહી છે."
એસડીએમના જણાવ્યા અનુસાર દેવીશંકરના પરિવારને પરિવાર સહાય યોજના હેઠળ પિસ્તાળીસ હજાર રૂપિયાની આર્થિક સહાય આપવામાં આવશે. જ્યારે તેમનાં વૃદ્ધ માતાપિતાને વૃદ્ધાવસ્થા પેન્શન અને ખેતી માટે રહેઠાણ અને જમીન ફાળવવામાં આવશે.
આવાસ અને ખેતી માટે કેટલી જમીન આપવામાં આવશે તે સવાલ પર તેઓ કહે છે, "ગ્રામસભામાંથી ઉપલબ્ધ જમીનના આધારે ખેતી માટે જમીન આપવામાં આવશે, જેનો નિર્ણય હજુ સુધી લેવામાં આવ્યો નથી. જ્યારે આવાસ માટે 200 ચોરસ મીટર જમીન આપવામાં આવે છે."
દલિત યુવાનની હત્યાથી ગ્રામજનોમાં રોષ

ઇમેજ સ્રોત, Sartaj Alam
13 એપ્રિલની સવારે અડધી બળી ગયેલી લાશ મળતાં ગ્રામજનો ગુસ્સે ભરાયા હતા. તેમણે હત્યાના આરોપીઓના ઘરમાં તોડફોડ કરી હતી એટલું જ નહીં, પોલીસને બે કલાક સુધી પોસ્ટમૉર્ટમ માટે મૃતદેહ ઉપાડવા પણ દીધો ન હતો.
ગ્રામજનોએ માગ કરી હતી કે પહેલાં વળતરની જાહેરાત કરવામાં આવે અને બધા આરોપીઓની ધરપકડ કરવામાં આવે, ત્યાર બાદ જ પોસ્ટમૉર્ટમ કરવા દેવામાં આવશે.
પિતા અશોકકુમારે કહ્યું, "13 એપ્રિલની રાત્રે પોલીસે બળજબરીથી દેવી શંકરના અંતિમ સંસ્કાર કર્યા, જ્યારે અમે રાત્રિના બદલે 14 એપ્રિલની સવારે અંતિમ સંસ્કાર કરવા માગતા હતા."
હત્યારાઓ સામે પોલીસ શું કાર્યવાહી કરી રહી છે?

ઇમેજ સ્રોત, Sartaj Alam
આ પ્રશ્ન પર એસીપી વરુણકુમાર કહે છે, "મૃતક દલિત સમુદાયના હોવાથી, હત્યા ઉપરાંત, આરોપીઓ સામે દલિત અધિનિયમ હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે."
પોલીસ કાર્યવાહી પર દેવી શંકરના પિતા અશોકકુમાર કહે છે, "ના, હું સંતુષ્ટ નથી, દિલીપસિંહને ફાંસી આપવી જોઈએ, તેમનાં ઘરોને પણ બુલડોઝરથી તોડી પાડવાં જોઈએ."
દલિતો વિરુદ્ધ ગુનાઓના કેસો
ઉત્તર પ્રદેશમાં દલિતોના અધિકારો માટે કામ કરતા નિવૃત્ત IPS અધિકારી એસઆર દારાપુરીનો દાવો છે કે રાજ્યમાં દલિતો પર અત્યાચારની ઘટનાઓમાં વધારો થયો છે.
તેઓ કહે છે, "જો આપણે આખા વર્ષ દરમિયાન બનેલી ઘટનાઓ પર નજર કરીએ તો લગ્ન સમારોહમાં ઘોડા પર સવારી ન કરવા દેવી, ડીજે વગાડવા ન દેવું વગેરે, તો દલિતો સામે હિંસામાં પણ વધારો થયો છે, કારણ કે ભાજપના શાસનમાં ઉચ્ચ જાતિના લોકોનું મનોબળ વધ્યું છે. તેમને લાગે છે કે આપણે ગમે તે કરીએ બીજાઓની જેમ આપણી સામે કોઈ કાર્યવાહી કરવામાં નહી આવે."
NCRBના ડેટાનો ઉલ્લેખ કરતા તેઓ કહે છે, "વર્ષ 2022 સુધીના ડેટા મુજબ દલિતો પર અત્યાચારના કેસોમાં વધારો થયો હતો અને તે પછી આંકડા આવવાનું જ બંધ થઈ ગયું હતું. પરંતુ અખબારના અહેવાલો કહી રહ્યા છે કે દલિતો પર અત્યાચારના કેસોમાં વધારો થયો છે."
પ્રયાગરાજની હાલની ઘટનાથી દલિતો કેટલા ગુસ્સે છે? આ સવાલ પર દારાપુરી કહે છે, "અત્યાચાર થઈ રહ્યા છે અને દલિતોમાં ગુસ્સો પણ વધી રહ્યો છે, પરંતુ દલિતો હિંસક બનીને પ્રતિક્રિયા આપતા નથી, તેઓ પોતાની રીતે પ્રતિક્રિયા આપી રહ્યા છે."
અલાહાબાદ યુનિવર્સિટીના ઇતિહાસ વિભાગના પ્રોફેસર વિક્રમ હરિજન કહે છે, "પ્રયાગરાજની ઘટનાથી દલિત સમુદાય ગુસ્સે છે. પરંતુ તેઓ શાંતિપૂર્ણ ધરણાં અથવા મેમોરેન્ડમ આપવા જેવી બંધારણીય પદ્ધતિઓ અપનાવે છે."
"આનું એક કારણ એ હોઈ શકે છે કે દલિતો આર્થિક અને રાજકીય રીતે નબળા છે. આવી સ્થિતિમાં તેઓ ઉચ્ચ જાતિઓ સામે કોઈ મોટું પ્રતિ-આંદોલન શરૂ કરવામાં અસમર્થ છે."
જોકે, પ્રયાગરાજની ઘટના સ્થાનિક સ્તરે રાજકારણ તરફ જઈ રહી છે. વિપક્ષ આ ઘટના માટે ભાજપ સરકારને જવાબદાર ઠેરવી રહ્યું છે.
પ્રયાગરાજના વરિષ્ઠ પત્રકાર અમિત શરણ કહે છે, "કૉંગ્રેસ પ્રદેશ પ્રમુખ સોમવારે પીડિત પરિવારને મળવા ગયા હતા, બસપા પ્રદેશ પ્રમુખ પણ મંગળવારે ઇસોટા ગામ પહોંચ્યા હતા, અખિલેશ યાદવ અને ચંદ્રશેખરે પણ સોશિયલ મીડિયા દ્વારા પોતાની પ્રતિક્રિયા આપી છે."
જોકે, અમિત શરણ માને છે કે પોલીસે જે રીતે વ્યક્તિગત દુશ્મનાવટનો એંગલ રજૂ કર્યો છે, તે જોતાં આ મામલો રાજકીય મુદ્દો ન બની શકે.
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન












