You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
સેક્સના બદલે સોનું: દક્ષિણ આફ્રિકાની ગેરકાયદેસર ખાણોમાં બાળકો સાથે કેવો દુર્વ્યવહાર થાય છે?
- લેેખક, માયેની જોન્સ
- પદ, બીબીસી ન્યૂઝ, જોહનિસબર્ગ
(આ લેખમાં એવી વિગતો છે જે કેટલાક વાચકોને વિચલિત કરી શકે છે.)
જોનાથને દક્ષિણ આફ્રિકાની ત્યજી દેવાયેલી એક સોનાની ખાણમાં કઠોર એવા છ મહિના વીતાવ્યા હતા.
જોનાથન ત્યાં ભૂગર્ભમાં કામ કરતા હતા. આ સમયગાળા દરમિયાન તેમણે જાણેલી સૌથી આઘાતજનક બાબત એ હતી કે ત્યાં બાળકો સાથે દુર્વ્યવહાર થતો હતો.
આના વિશે ચળવકર્તાઓનું કહેવું છે કે કેટલાંકને સસ્તી મજૂરી માટે ભરતી કરવામાં આવે છે, પરંતુ અન્યને ખાસ કરીને સેક્સ માટે લાવવામાં આવે છે.
જોનાથન 30 વર્ષના થવામાં છે, તેઓ ડઝનબંધ ત્યજી દેવાયેલી ખાણોમાંથી એકમાં કામ કરીને સરળતાથી પૈસા કમાવવાના ઇરાદે દક્ષિણ આફ્રિકા સ્થળાંતરિત થયા હતા.
આ ખાણોને બહુરાષ્ટ્રીય કંપનીઓ દ્વારા બંધ કરી દેવામાં આવી હતી, કારણ કે તેમાંથી સોનું કાઢવું વ્યાપારી રીતે વ્યવહારુ ન હતું.
અમે જોનાથનની સંપૂર્ણ ઓળખનું રક્ષણ કરી રહ્યા છીએ, કારણ કે તેમને મીડિયા સાથે વાત કરવા બદલ ગેરકાયદેસર ખાણકામ ઉદ્યોગ ચલાવતી ક્રૂર ગુનાહિત ગૅંગ તરફથી બદલાનો ડર છે.
ગયા વર્ષના અંતભાગમાં ડઝનબંધ ગેરકાયદેસર ખાણિયાઓનાં મૃત્યુ પછી પોલીસે સ્ટીલફોન્ટેન શહેર નજીક ખાણની નાકાબંધી કરી હતી, ત્યારે આ યુવાનો સાથે કેવો વ્યવહાર થાય છે તેની વિગતો બહાર આવી હતી.
'તે ડરામણું હતું અને આઘાતજનક લાગતું'
જોનાથન શાંત અને સ્થિર અવાજમાં, ગરમી, લાંબા કલાકો, મર્યાદિત ખોરાક અને ઓછી ઊંઘનું વર્ણન કરે છે, જેને કારણે તેમના શરીર પર ખાસી અસર થઈ હતી.
પરંતુ એક કાયમી યાદ એ છે કે તેઓ જ્યાં કામ કરતા હતા, ત્યાં સગીર ખાણિયાઓ સાથે શું થતું હતું.
"હું ખાણમાં આ બાળકોને જોતો હતો, જેઓ ખરેખર 15-17 વર્ષના કિશોરો હતા."
"અન્ય લોકો ક્યારેક તેમનો ફાયદો ઉઠાવતા હતા. તે થોડું ડરામણું હતું અને મને તે આઘાતજનક લાગતું હતું."
જોનાથને કહ્યું કે ખાણિયાઓ દ્વારા આ સગીરો ઉપર બળાત્કાર કરવામાં આવતો હતો અને સેક્સના બદલામાં તેમને મળેલાં સોનાંમાંથી થોડું આપવાનું વચન આપતા હતા.
"જો તે બાળકને પૈસાની સખત જરૂર હોય, તો તે જોખમ લે."
જોનાથન વર્ણવે છે કે બાળકો રક્ષણ માટે ખાણિયાઓની ટીમોનો સંપર્ક કરતાં હતાં, પરંતુ "તે ટીમની શરતો પણ હતી".
જો કિશોરો તેમની ટીમનું કોઈ કાર્ય પૂર્ણ કરવામાં નિષ્ફળ જાય, તો સજા તરીકે પણ સેક્સનો ઉપયોગ કરવામાં આવતો હતો.
જોનાથન કહે છે કે ખાણમાં જ્યાં તે કામ કરતા હતા, ત્યાંનાં બધાં બાળકો વિદેશી હતાં અને તેમને ખ્યાલ નહોતો કે તેઓ પોતાની સાથે શું કરી રહ્યાં છે.
'સેક્સ માટે કેટલાકની ભરતી થતી'
ખાણકામ અંગે સંશોધન કરતા અને કાર્યકર્તા માખોતલા સેફુલી આ વાતને સમર્થન આપે છે.
સેફુલીનું કહેવું છે કે ગુનાહિત ગૅંગ ખાસ કરીને દક્ષિણ આફ્રિકામાં ગેરકાયદેસર ખાણોમાં કામ કરવા માટે આવતાં બાળકોને નિશાન બનાવે છે.
તેમાંથી ઘણાને પડોશી દેશોમાંથી અપહરણ કરીને તસ્કરી કરી લાવવામાં આવે છે. તેમને ઔપચારિક ખાણકામ ઉદ્યોગમાં રોજગાર અપાવવાના પોકળ વાયદા કરીને લલચાવવામાં આવે છે.
સેફુલી કહે છે, "જ્યારે તેઓ દક્ષિણ આફ્રિકા પહોંચે, ત્યારે તેમના પાસપૉર્ટ જપ્ત કરી લેવામાં આવે છે... બધાને ખબર છે કે આ નાના છોકરાઓ સાથે દુર્વ્યવહાર થઈ રહ્યો છે."
બીબીસીએ ઓછામાં ઓછી બે અન્ય ગેરકાયદેસર ખાણોમાં કામ કરતા ખાણિયાઓ સાથે વાત કરી, જેમણે અમને કહ્યું કે તેઓ જ્યાં કામ કરતા હતા, ત્યાં બાળકો સાથે દુર્વ્યવહાર થતો હતો.
ત્શેપો (બદલેલું નામ) કહે છે કે તેમણે વૃદ્ધ પુરુષોને નાના છોકરાઓને ભૂગર્ભમાં તેમની સાથે સેક્સ કરવા માટે દબાણ કરતા જોયા હતા.
"કેટલાક કિસ્સાઓમાં તેઓ પૈસા માટે આમ કરતા હતા. કેટલાકને ફક્ત આ હેતુ માટે જ ભરતી કરવામાં આવતા હતા."
તેઓ ઉમેરે છે કે આવા દુર્વ્યવહારની બાળકો પર ઊંડી અસર થાય છે.
"તેમનો વ્યહવાર અને વર્તન બદલાઈ જાય ને વિશ્વાસની પણ સમસ્યા ઊભી થાય છે. તેઓ ઇચ્છતા નથી કે તમે તેમની નજીક જાઓ, કારણ કે તેમને ડર લાગે છે. તેઓ હવે કોઈ પર ભરોસો કરી શકતા નથી."
ગૅંગ સામે ઑપરેશન
દક્ષિણ આફ્રિકાનો ગેરકાયદેસર ખાણકામ ઉદ્યોગે ગયા વર્ષે ઉત્તર પશ્ચિમ પ્રાંતના સ્ટીલફોન્ટેન શહેર નજીક બફેલ્સફોન્ટેન સોનાની ખાણમાં પોલીસ અને ખાણકામ કરનારાઓ વચ્ચેના સંઘર્ષને કારણે વૈશ્વિક મીડિયામાં ચમક્યો હતો.
અધિકારીઓ ગેરકાયદેસર ખાણકામને રોકવાનો પ્રયાસ કરી રહ્યા હતા. સરકારે કહ્યું હતું કે ગયા વર્ષે ગેરકાયદેસર ખાણકામને કારણે દક્ષિણ આફ્રિકાના અર્થતંત્રને $3.2 બિલિયનની આવક ગુમાવવી પડી હતી.
સરકારે ડિસેમ્બર 2023 માં 'વાલા ઉમગોડી' (ખાણના મુખને બંધ કરો) નામનું ઑપરેશન શરૂ કર્યું હતું, જેમાં ગેરકાયદેસર રીતે ખાણકામ કરતી ગૅંગો સામે કડક કાર્યવાહી કરવાનો કૉલ આપવામાં આવ્યો હતો.
ઑપરેશનના ભાગ રૂપે પોલીસે સ્ટીલફોન્ટેન ખાણમાં જતાં ખોરાક અને પાણીની માત્રાને નિયંત્રિત કરી દીધાં હતાં. એક મંત્રીએ કહ્યું હતું કે ગેરકાયદેસર ખાણિયાઓને "ધૂમાડો છોડીને" બહાર કાઢ્યા. અધિકારીઓએ જણાવ્યું હતું કે ધરપકડ થવાના ડરથી પુરુષો બહાર આવવાનો ઇન્કાર કરી રહ્યા હતા.
ટૂંક સમયમાં ખાણમાંથી ફૂટેજ બહાર આવવાં લાગ્યાં, જેમાં ડઝનબંધ દુર્બળ પુરુષો તેમને બચાવી લેવા કાકલુદી કરી રહ્યા હતા, તેમજ એ વીડિયોમાં મૃતદેહોની બૅગોની કતાર પણ દેખાઈ રહી હતી. આખરે અદાલતે અધિકારીઓને આ લોકોને બચાવી લેવાનો આદેશ આપ્યો.
આ વર્ષે સ્ટીલફોન્ટેનમાં ભૂગર્ભમાં શૂટ કરાયેલા વીડિયોમાં મૃતદેહો અને દુર્બળ વ્યક્તિઓનાં દૃશ્યો જોવાં મળ્યાં હતાં.
આ લોકોમાંથી ઘણા એવા હતા કે જેમણે કહ્યું કે તેઓ સગીર હતા, પરંતુ તેમાંથી ઘણા સ્થળાંતર કરનારા હતા અને તેમની ઉંમરની પુષ્ટિ કરતા દસ્તાવેજો નહોતા, તેથી અધિકારીઓએ તેમની ઉંમરનો અંદાજ મેળવવા માટે તબીબી પરીક્ષણો કર્યાં.
આ રીતે સામાજિક વિકાસ વિભાગે (DSD) પુષ્ટિ કરી હતી કે સ્ટીલફોન્ટેનમાંથી ઉગારી લેવાયેલા ખાણિયાઓમાંથી 31 બાળકો હતાં તે બધા મોઝામ્બિકના નાગરિકો હતાં. તેમાંથી 27ને નવેમ્બર મહિનામાં સ્વદેશ પરત મોકલવામાં આવ્યાં હતાં.
'બાળમજૂર નહીં સેક્સ સ્લેવ જેવો વ્યવહાર'
'સેવ ધ ચિલ્ડ્રન સાઉથ આફ્રિકા'એ સગીર ખાણિયાઓ અને બચાવ કાર્યકરો વચ્ચેના કેટલાક ઇન્ટરવ્યૂનું ભાષાંતર કરવામાં મદદ કરી.
આ સખાવતી સંસ્થાનાં સી.ઈ.ઓ ગુગુ ઝાબાએ બીબીસીને જણાવ્યું, "તેઓ આઘાતમાંથી પસાર થયા હતા કારણ કે, તેમાંના કેટલાકે અન્ય લોકોનું જાતીયશોષણ થતું પણ જોયું હતું."
"તેઓ ત્યાંથી બહાર નહીં આવી શકે, તેવી લાગણી જ આ બાળકોને માનસિક રીતે ખલાસ કરી દેતી હતી. પુખ્ત ખાણિયાઓ શરૂઆતમાં તેમની સાથે સારું વર્તન કરતા હતા."
ગુગુ ઝાબા કહે છે કે એ પુખ્ત વયના લોકો આ બાળકો પાસે જાતીયકૃત્યો કરાવતા હતા અને પછી તેમના પર રોજરોજ બળાત્કાર ગુજારવામાં આવતો હતો.
"તમે જોશો કે પુખ્ત વયના લોકો પાસે ત્રણ કે ચાર બાળકો હશે જેમની સાથે તેઓ એ જ કામ કરી રહ્યા છે."
ઝાબા કહે છે કે ખાણકામ કરતી ગૅંગ બાળકોને ભરતી કરે છે, કારણ કે તેમની સાથે ચાલાકી કરવી સરળ અને સસ્તી છે.
"બાળકો સમજી શકતા નથી કે જ્યારે તમે કહો છો: 'હું તમને દરરોજ 20 રેન્ડ ($1; £0.80) આપીશ.' પુખ્ત વયના લોકો ક્યારેક કામ કરવાનો ઇન્કાર કરે છે, પરંતુ બાળકો પાસે કોઈ વિકલ્પ હોતો નથી. તેથી કામ કરવા માટે બાળકનો ઉપયોગ કરવો વધુ સરળ છે.
તેઓ કહે છે, આર્થિક શોષણ ઉપરાંત એવી ગૅંગ પણ છે જે ખાસ કરીને સેક્સ માટે બાળકોને ભરતી કરે છે.
ઘણા ગેરકાયદેસર ખાણિયાઓ મહિનાઓ ભૂગર્ભમાં વિતાવે છે અને ક્યારેક જ બહાર આવે છે. માટે આવા બજારો ભૂગર્ભમાં ઊભા થાય છે, જેથી તેમને જે જોઈએ તે બધું પૂરું પાડી શકાય.
"મોટાભાગનાં બાળકોનો સેક્સ સ્લેવ તરીકે ઉપયોગ કરવા માટે તસ્કરી કરવામાં આવે છે. અને તેમાં એક દલાલ હોય છે, જે તમારી પાસેથી પૈસા લે છે; અને તેનો અર્થ એ છે કે દરરોજ આ બાળકનો ઉપયોગ કૉમર્શિયલ સેક્સવર્કર તરીકે થાય છે."
બીબીસીએ પોલીસ અને ડીએસડીને પૂછ્યું કે શું કોઈના પર જાતીયશોષણના આરોપો મૂકવામાં આવશે? તેઓએ અમારા આ પ્રશ્નનો જવાબ આપ્યો નહીં.
સ્ટીલફોન્ટેન ખાણિયાઓના કેસ પર કામ કરતા એક સૂત્રએ જણાવ્યું હતું કે ઘણાં બાળકો જુબાની આપવા માંગતાં ન હતાં.
આ દરમિયાન, ગેરકાયદેસર ખાણકામ ઉદ્યોગ ખીલી રહ્યો છે.
અંદાજિત 6,000 ખાલી ખાણો આ માટે ઉપલબ્ધ છે. આ એક એવો વ્યવસાય છે જે ટૂંક સમયમાં ગમે ત્યારે સમાપ્ત થવાની શક્યતા નથી, જેના લીધે હજારો સંવેદનશીલ બાળકોને જોખમમાં મૂકાય રહ્યા છે.
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન