મણિપુર હિંસાના અંદાજે દોઢ વર્ષ બાદ મુખ્ય મંત્રી બીરેનસિંહે રાજીનામું આપ્યું

ઇમેજ સ્રોત, Getty Images
- લેેખક, દિલીપકુમાર શર્મા
- પદ, ગુવાહાટીથી બીબીસી હિન્દી માટે
મણિપુરના મુખ્ય મંત્રી એન બીરેનસિંહે પોતાના પદ પરથી રાજીનામું આપી દીધું છે. રવિવારે સાંજે તેઓ રાજભવન ગયા અને રાજ્યપાલ અજયકુમાર ભલ્લા સાથે મુલાકાત કરીને પોતાનો રાજીનામાપત્ર સોંપ્યો હતો.
બીબીસીના સહયોગી પત્રકાર દિલીપકુમાર શર્માએ આ વાતની પુષ્ટિ કરી છે કે બીરેનસિંહે રાજ્યપાલને મળીને પોતાનું રાજીનામું સોંપી દીધું છે.
સમાચાર એજન્સી એએનઆઈએ કેટલીક તસવીરો શૅર કરી છે. તેમાં જણાવાયું છે કે બીરેનસિંહે રાજભવન જઈને પોતાનું રાજીનામું સોંપ્યું છે.
તસવીરોમાં જોવા મળે છે કે તેમની સાથે ભાજપના પ્રવક્તા અને સાંસદ સંબિત પાત્રા તથા પ્રદેશના અન્ય કેટલાક નેતાઓ પણ હાજર છે.
સમાચાર સંસ્થા પીટીઆઈએ અધિકારીઓને ટાંકીને જણાવ્યું છે કે મણિપુરના મુખ્ય મંત્રી એન બીરેનસિંહે રાજ્યપાલને મળીને તેમને રાજીનામું સોંપ્યું છે.
સિંહની સાથે રાજભવનમાં ભાજપ અને એનપીએફ (નાગા પીપલ્સ ફ્રન્ટ)ના અન્ય 14 ધારાસભ્યો પણ હાજર હતા.
આ પ્રતિનિધિમંડળમાં ભાજપના મણિપુર પ્રદેશ અધ્યક્ષ એ શારદા અને પાર્ટીના સાંસદ સંબિત પાત્રા પણ ઉપસ્થિત હતા. આ મુલાકાત પછી બીરેનસિંહ મુખ્ય મંત્રી કાર્યાલય ગયા હતા.
કૉંગ્રેસના નેતા રાહુલ ગાંધીએ આ રાજીનામા પર પોતાની પ્રક્રિયા આપી છે. તેમણે સોશિયલ મીડિયા પ્લૅટફૉર્મ ઍક્સ પર લખ્યું છે કે લગભગ બે વર્ષ સુધી બીરેનસિંહે મણિપુરમાં હિંસા ભડકાવી હતી. આટલી હિંસા અને જાનમાલના નુકસાન પછી પણ પીએમ મોદીએ તેમને ચાલુ રહેવા દીધા હતા.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
તેમણે લખ્યું છે કે, "બીરેનસિંહનું રાજીનામું દર્શાવે છે કે લોકોના વધતા જતા દબાણ, સુપ્રીમ કોર્ટની તપાસ અને કૉંગ્રેસના અવિશ્વાસ પ્રસ્તાવની નોંધ લેવી પડી છે."
"પરંતુ રાજ્યમાં શાંતિ સ્થપાય અને મણિપુરના લોકોના ઘાવ રુઝાય તે તાત્કાલિક પ્રાથમિકતા છે. પીએમ મોદીએ તાત્કાલિક મણિપુરની મુલાકાત લઈને લોકોને સાંભળવા જોઈએ", તેમ રાહુલ ગાંધીએ કહ્યું છે.

ઇમેજ સ્રોત, ani
બીરેનસિંહે રવિવારે જ ગૃહમંત્રી અમિત શાહ સાથે મુલાકાત કરી હતી.
નવી દિલ્હીથી પરત ફર્યા બાદ મુખ્ય મંત્રી પોતાના કેટલાક ધારાસભ્યો સાથે સાંજે રાજભવન પહોંચ્યા અને રાજ્યપાલ અજયકુમાર ભલ્લાને પોતાનું રાજીનામું સુપરત કર્યું હતું.
મુખ્ય મંત્રીએ પોતાના રાજીનામા પત્રમાં લખ્યું છે કે, "અત્યાર સુધી મણિપુરના લોકોની સેવા કરવી એ સન્માનની વાત રહી છે."
હકીકતમાં કૉંગ્રેસ બીરેનસિંહ વિરુદ્ધ અવિશ્વાસનો પ્રસ્તાવ લાવવાની યોજના બનાવી રહી હતી, જેમાં સત્તાધારી પક્ષના કેટલાક ધારાસભ્યો પણ સમર્થનમાં હોવાના અહેવાલો આવતા હતા.
નવા મુખ્ય મંત્રી અંગે એક-બે દિવસમાં નિર્ણય લેવાશે એવું માનવામાં આવે છે.
વિપક્ષના સવાલોથી ઘેરાયેલા રહ્યા

ઇમેજ સ્રોત, Dilip Kumar Sharma
તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
એન બીરેનસિંહ 2017માં પહેલી વાર મણિપુરના મુખ્ય મંત્રી બન્યા હતા. મણિપુરમાં તેમના નેતૃત્વમાં ભાજપ સરકારનો આ સતત બીજો કાર્યકાળ છે.
પરંતુ છેલ્લા કેટલાક મહિનામાં રાજ્યમાં થયેલી વ્યાપક હિંસાના કારણે તેઓ ઘેરાઈ ગયા હતા.
ઈશાન ભારતના રાજ્ય મણિપુરમાં મે 2023થી હિંસા ચાલુ છે.
અહીં કુકી જનજાતિ અને મૈતેઈ સમુદાય વચ્ચે હિંસા ફાટી નીકળવાના કારણે સેંકડો લોકોના જીવ ગયા છે. ત્યાર પછી સ્થિતિને કાબૂમાં રાખવા માટે અત્યાર સુધીમાં મોટા પાયે સુરક્ષા દળો ગોઠવવામાં આવ્યાં છે.
આ દરમિયાન વિરોધપક્ષોએ તેમના પર હિંસાને અંકુશમાં રાખવામાં નિષ્ફળ જવાનો આરોપ લગાવ્યો છે. સાથે સાથે તેમના રાજીનામાની પણ માગણી કરવામાં આવી હતી.
હિંસા શરૂ થઈ ત્યાર પછી થોડા દિવસો બાદ લાગતું હતું કે તેઓ રાજીનામું આપશે. પરંતુ ત્યાર પછી બીરેનસિંહે રાજીનામું આપવાનો ઇનકાર કર્યો હતો.
એન બીરેનસિંહના નામે એક કથિત રાજીનામાની તસવીર પણ સોશિયલ મીડિયા પર વાઇરલ થઈ હતી. આ તસવીરમાં રાજીનામાપત્ર ફાટેલું જોવા મળે છે.
તેના થોડા સમય પછી તેમણે ટ્વિટર પર કહ્યું કે, "આ નાજુક તબક્કે હું સ્પષ્ટ કરવા માગું છું કે હું મુખ્ય મંત્રીના પદ પરથી રાજીનામું નથી આપવાનો."
ફૂટબૉલ ખેલાડીથી મુખ્ય મંત્રી બન્યા

ઇમેજ સ્રોત, Getty Images
એન બીરેનસિંહ એક જમાનામાં મણિપુરના ફૂટબૉલ ખેલાડી હતા અને રાષ્ટ્રીય સ્તરે નામના મેળવી હતી. 2017માં ભાજપની આગેવાનીમાં બનેલી સરકારમાં તેઓ મુખ્ય મંત્રી બન્યા હતા.
મણિપુર વિધાનસભામાં 60 બેઠકો છે જેમાં ભાજપને 2017માં માત્ર 21 બેઠકો મળી હતી, જ્યારે કૉંગ્રેસને 28 બેઠકો મળી હતી. છતાં બીરેનસિંહે કૉંગ્રેસને પાછળ રાખીને રાજ્યમાં સરકાર બનાવી લીધી.
વર્ષ 1963 પછી મણિપુરમાં કુલ 12 મુખ્ય મંત્રી આવી ગયા જેમાં કૉંગ્રેસના ઓકરામ ઈબોબી સિંહનો કાર્યકાળ પણ સામેલ છે જેઓ સળંગ 15 વર્ષ સુધી સીએમપદે રહ્યા હતા.
ઓકરામ ઈબોબી સિંહ સાથે જ રહીને બીરેનસિંહ રાજનીતિના દાવપેચ શીખ્યા હતા. તેમણે મુખ્ય મંત્રીના પદ સુધી પહોંચવા માટે પોતાના નેતા અને પાર્ટી બંને સામે બળવો કર્યો હતો.
બીરેનસિંહ માટે કહેવાય છે કે તેમણે ફૂટબૉલ અને પત્રકારત્વમાં જે પ્રદર્શન કર્યું હતું, તેવા જ જુસ્સાના કારણે તેઓ મુખ્ય મંત્રી પદ સુધી પહોંચ્યા.
મૈતેઈ સમુદાયમાંથી આવતા બીરેનસિંહે મણિપુર યુનિવર્સિટીમાંથી બીએની ડિગ્રી મેળવ્યા પછી પત્રકારત્વમાં ડિપ્લોમા કર્યો છે.
ઈમ્ફાલ ઈસ્ટ જિલ્લાના લુવાંગસાંગબામ મમાંગ લઈકૈ ગામમાં પહેલી જાન્યુઆરી, 1961ના રોજ બીરેનસિંહનો જન્મ થયો હતો. તેઓ મણિપુરના એકમાત્ર ફૂટબૉલ ખેલાડી હતા જેઓ વિદેશમાં પણ રમ્યા હતા.
તેઓ લેફ્ટ બેક પૉઝિશન પર ખેલતા અને ડિફેન્સ મજબૂત હતો. 1981માં ડુરંડ કપ જીતનાર બીએસએફની ટીમના તેઓ સભ્ય હતા.
ત્યાર પછી તેઓ એક અખબારમાં તંત્રી બન્યા. આ દરમિયાન મણિપુરમાં સરકાર અને ઉગ્રવાદી સંગઠનોના દબાણ વચ્ચે પત્રકારો માટે કામ કરવું બહુ મુશ્કેલ હતું.
બીરેનસિંહને તત્કાલીન મુખ્ય મંત્રી ઓકરામ ઈબોબી સિંહની સૌથી નજીક ગણવામાં આવતા હતા.
વર્ષ 2002માં રાજ્યના મુખ્ય મંત્રી બન્યા પછી ઈબોબી સિંહ સામે એક સ્થિર સરકાર રચવાનો પડકાર હતો.
મુખ્ય મંત્રીના પદ સુધી કઈ રીતે પહોંચ્યા?

ઇમેજ સ્રોત, Getty Images
1972માં મણિપુરને રાજ્યનો દરજ્જો મળ્યો ત્યારથી ત્યાં રાજકીય ઊથલપાથલ ચાલુ હતી. પરિણામે રાજ્યમાં 18 સરકારો બદલાઈ ગઈ હતી.
આ સમયે ઓકરામ ઈબોબીને એક એવી ટીમની જરૂર હતી જે તેમની ગઠબંધન સરકારનો કાર્યકાળ પૂરો કરી શકે. 2003માં બીરેનસિંહ તરીકે આ શોધ પૂરી થઈ.
ઓકરામ ઈબોબીએ બીરેનસિંહને કૉંગ્રેસમાં સમાવ્યા અને તેમને પોતાના મંત્રીમંડળમાં સ્થાન આપ્યું.
આ રીતે તેઓ ઈબોબી સરકારમાં તેઓ પ્રથમ વખત વિજિલન્સ વિભાગમાં રાજ્યમંત્રી બન્યા હતા.
બીરેનસિંહે 2002માં રાજકારણમાં પ્રવેશ કર્યો. તેઓ પહેલેથી મણિપુરની જનતામાં જાણીતી વ્યક્તિ હતા જેનો તેમને ફાયદો થયો.
તેઓ ડેમૉક્રેટિક રિવોલ્યુશનરી પીપલ્સ પાર્ટી તરફથી ચૂંટણી લડ્યા અને હિંગાંગની સીટ પર જીતી ગયા.
પરંતુ ઓકરામ ઈબોબીએ પોતાના ત્રીજા કાર્યકાળના સમયે બીરેનથી અંતર જાળવ્યું હતું.
બીરેનસિંહને કૉંગ્રેસમાં એક એવા નેતા તરીકે જોવામાં આવ્યા જેઓ કોઈ પણ સમેય ઈબોબીની સત્તા છીનવી શકે તેમ હતા.
તે સમયે ઈબોબીની કામગીરી પર સવાલ ઉઠાવનાર તેઓ એકમાત્ર કૉંગ્રેસી નેતા હતા.
ત્યાર પછી તેમની વચ્ચે મતભેદ વધતો ગયો. પાર્ટીએ બીરેનસિંહને શાંત કરવા માટે તેમને મણિપુર કૉંગ્રેસના ઉપાધ્યક્ષ બનાવ્યા.
છતાં ઈબોબી સિંહ સાથે તેમની ટક્કર વધતી ગઈ. અંતે 2012માં ઈબોબી સિંહે ત્રીજી વખત મણિપુરમાં સરકાર બનાવી ત્યારે તેમણે બીરેનસિંહને મંત્રીમંડળમાંથી બહાર રાખ્યા.
2016માં સૌપ્રથમ આસામમાં અને બાદમાં અરુણાચલ પ્રદેશમાં સરકાર બનાવ્યા પછી ભાજપની નજર મણિપુર પર હતી.
મણિપુરમાં ભાજપ એવા નેતાની શોધમાં હતો જે ઇબોબી સિંહને હરાવી શકે.
ભાજપની નજરમાં બીરેનસિંહ એવા નેતા હતા જે ઈબોબીની રાજકીય ચાલને વધુ સારી રીતે જાણતા હતા.
ઑક્ટોબર 2016માં ભાજપે બીરેનસિંહને પોતાની પાર્ટીમાં સમાવ્યા. વર્ષ 2017માં તેઓ પહેલી વખત મુખ્ય મંત્રી બન્યા.












