You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
પીએમ મોદીનો આક્ષેપ - 'કૉંગ્રેસને સરદાર પટેલ જ નહીં, ભારતની એકતા સાથે પણ સમસ્યા'
વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ શુક્રવારે કૉંગ્રેસ પર સરદાર વલ્લભભાઈ પટેલનો અસ્વીકાર કરવાનો આરોપ મૂક્યો હતો અને કહ્યું હતું કે આઝાદી પહેલા અંગ્રેજો સાથે કામ કર્યા બાદ તેણે 'ગુલામ માનસિકતા' અપનાવી લીધી હતી.
વડા પ્રધાન મોદીએ આણંદ જિલ્લાના સોજીત્રા શહેરમાં એક પ્રચાર રેલીમાં બોલતા આ આક્ષેપ કર્યો હતો.
ગુજરાતના આણંદ જિલ્લામાં સોજિત્રામાં ચૂંટણી કાર્યક્રમમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ કૉંગ્રેસ પર આક્ષેપો કર્યા હતા. સોજિત્રામાં ગુજરાત વિધાનસભાની ચૂંટણીના બીજ તબક્કામાં મતદાન થવાનું છે.
વડા પ્રધાને વધુમાં કહ્યું હતું કે “કૉંગ્રેસને માત્ર સરદાર પટેલ સાથે જ નહીં, પરંતુ ભારતની એકતા સાથે પણ સમસ્યા છે, કારણ કે તેમની રાજનીતિ ‘ભાગલા પાડો અને રાજ કરો’ની નીતિ પર આધારિત છે જ્યારે પટેલ બધાને એક કરવામાં માનતા હતા. આ તફાવતને કારણે કૉંગ્રેસે ક્યારેય સરદાર પટેલને પોતાના ગણ્યા નહોતા.”
મોદીએ કહ્યું, ''કૉંગ્રેસના લોકોએ અંગ્રેજો સાથે ઘણાં વર્ષો સુધી (આઝાદી પહેલાં) કામ કર્યું હતું. પરિણામે, પાર્ટીએ અંગ્રેજોની ભાગલા પાડો અને રાજ કરોની નીતિ અને ગુલામ માનસિકતા જેવી તમામ ખરાબ ટેવોને ગ્રહણ કરી લીધી."
વિરોધ પક્ષના નેતાઓ નર્મદા જિલ્લામાં સ્ટેચ્યુ ઑફ યુનિટી, પટેલની પ્રતિમા અને સ્મારકની મુલાકાત લેવાનું ટાળે છે, એમ તેમણે આક્ષેપ કર્યો હતો.
ખડગેનો દાવો: ગુજરાતની ચૂંટણીમાં કૉંગ્રેસને બહુમતી મળશે
ટાઇમ્સ ઑફ ઇન્ડિયાના અહેવાલ અનુસાર કૉંગ્રેસના પ્રમુખ મલ્લિકાર્જુન ખડગેએ ગુજરાત વિધાનસભાની ચૂંટણીના પ્રથમ તબક્કાના મતદાનના એક દિવસ બાદ શુક્રવારે દાવો કર્યો હતો કે પાર્ટીને બહુમતી મળશે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
તેમણે પત્રકારો સાથે વાત કરતા કહ્યું કે, "ગુજરાતની ચૂંટણીમાં અમને બહુમતી મળશે."
કૉંગ્રેસ ઍન્ટી ઇન્કમ્બન્સી સહિત બેરોજગારી અને મોંઘવારી જેવાં પરિબળોને લઈને ગુજરાતમાં સત્તા મેળવવાની આશા રાખી રહી છે. ગુરુવારે ગુજરાત વિધાનસભાની ચૂંટણીના પ્રથમ તબક્કામાં 63.14 ટકા મતદાન નોંધાયું હતું.
બીજા તબક્કાનું મતદાન 5 ડિસેમ્બરે થશે અને હિમાચલ પ્રદેશની ચૂંટણીની સાથે 8 ડિસેમ્બરે પરિણામ જાહેર થશે.
અદાણી સમૂહના પોર્ટની સુરક્ષા સાથે જોડાયેલા મુદ્દામાં કેરળ હાઈકોર્ટે કેન્દ્ર સરકાર પાસે જવાબ માગ્યો
અદાણી ગ્રૂપ દ્વારા વિઝહિન્જમ સમુદ્ર પોર્ટ માટે સેન્ટ્રલ ફોર્સની માગ કરવાના મામલામાં કેરળ હાઈકોર્ટે કેન્દ્ર સરકાર પાસેથી જવાબ માગ્યો છે.
બીબીસી હિંદીના સહયોગી પત્રકાર ઇમરાન કુરૈશીએ જણાવ્યું કે કોર્ટે સેન્ટ્રલ ફોર્સ મોકલવાથી જોડાયેલો કોઈ પણ નિર્ણય આપવાનો ઇનકાર કર્યો છે. કોર્ટે કહ્યું કે આ નિર્ણય કેન્દ્ર સરકાર કરી શકે છે.
જસ્ટિસ અનુ શિવરમન અદાણી વિઝહિન્જમ પોર્ટ પ્રાઇવેટ લિમિટેડની કેરળ સરકારની વિરુદ્ધ અરજી પર સુનાવણી કરી રહ્યા હતા જેમાં કહેવામાં આવ્યું હતું કે કેરળ સરકાર પોર્ટના નિર્માણ દરમિયાન પર્યાપ્ત સુરક્ષા નથી પૂરી પાડી રહી.
આ અરજી 16 ઑગસ્ટના વિરોધપ્રદર્શન પછી કરવામાં આવી જ્યારે 16 ઑગસ્ટના લૅટિન કેથલિક ચર્ચના નેતૃત્વમાં થયેલાં પ્રદર્શન દરમિયાન પ્રોજેક્ટમાં એન્ટ્રી રોકી દેવામાં આવી હતી. પ્રદર્શનકારીઓની કેટલીક માગો હતી જેમાં પર્યાવરણનો મુદ્દો સૌથી પ્રમુખ હતો.
કેરળ સરકારે કહ્યું કે તેમને સેન્ટ્રલ ફોર્સથી કોઈ આપત્તિ નથી પરંતુ કાયદોવ્યવસ્થા રાજ્યની જવાબદારી છે. રાજ્ય સરકારે કોર્ટમાં કહ્યું કે ગોળી ચલાવ્યા સિવાય તેમણે હિંસા રોકવા માટે બધાં પગલાં લીધાં છે.
'ધ કશ્મીર ફાઇલ્સ'ને પ્રૉપેગૅન્ડા કહેનારા નદાવ લપિડે શું માગી માફી?
'ધ કશ્મીર ફાઇલ્સ'ને 'પ્રૉપેગૅન્ડા અને બેઢંગ' ફિલ્મ કહેનારા ઇઝરાયલી ફિલ્મ નિર્માતા અને ગોવામાં યોજાયેલા આંતરરાષ્ટ્રીય ફિલ્મ સમારોહના ચીફ જ્યૂરી નદાવ લપિડે માફી માગી છે.
જોકે, તેમણે ફિલ્મ 'ધ કશ્મીર ફાઇલ્સ'ને લઈને આપેલા નિવેદન પર નહીં, પરંતુ લોકોને દુ:ખ થવા બદલ માફી માગી છે.
તેમણે કહ્યું છે કે, "તેમનો હેતુ કશ્મીરી પંડિત સમુદાય અને પીડિતોનું અપમાન કરવાનો ન હતો."
સમાચાર એજન્સી પીટીઆઈ અનુસાર, નદાવ લપિડે એક સમાચાર ચેનલમાં કહ્યું હતું કે, "હું કોઈનું અપમાન કરવા માગતો નથી. પીડિતો અથવા તેમના સંબંધીઓનું અપમાન કરવાનો હેતુ મારો ક્યારેય ન હતો. જો મારા નિવેદનને એ અર્થમાં સમજવામાં આવ્યું છે, તો હું તેના માટે માફી માગું છું."
પરેશ રાવલે 'બંગાળીઓ માટે માછલી પકાવવાવાળા' નિવેદન પર માફી માગી
અભિનેતા અને ભાજપના નેતા પરેશ રાવલે પોતાના 'બંગાળીઓ માટે માછલી પકાવો' નિવેદન પર માફી માગી છે.
આ પહેલાં તેમનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાઇરલ થયો હતો. એ વીડિયોમાં તેઓ ગુજરાતીમાં વલસાડની એક સભાને સંબોધી રહ્યા હતા.
વીડિયોમાં રાવલને એવું કહેતાં સાંભળી શકાય છે, "ગૅસ સિલિન્ડર મોંઘા છે પણ એના ભાવ ઘટશે પણ. લોકોને રાજગાર પણ મળશે. પણ શું દિલ્હીની માફક રોહિંગ્યા સરણાર્થીઓ અને બાંગ્લાદેશીઓ તમારા પાડોશમાં આવીને રહેવા લાગશે તો શું થશે? તમે ગૅસ સિલિન્ડરનું શું કરશો? બંગાળીઓ માટે માછલી પકાવશો?"
"ગુજરાતના લોકો મોંઘવારી સહન કરી લેશે પણ આ નહીં...જે રીતે એ લોકો ગંદી વાતો કરે છે એ રીતે એમના મોં પર ડાઇપર લગાવવાની જરૂર છે."
આ વીડિયો સોશિયલ મીડિયા પર વાઇરલ થયો અને કેટલાય લોકોએ અભિનેતાની ટીકા પણ કરી.
એક યુઝરે લખ્યું કે આ મામલે પરેશ રાવલે સ્પષ્ટતા કરવી જોઈએ.
આ યુઝરને ટાંકતાં પરેશ રાવલે લખ્યું, "બિલકુલ માછલી કોઈ મુદ્દો નથી કેમ કે ગુજરાતીઓ પણ માછલી રાંધે છે અને ખાય છે. પણ હું સ્પષ્ટતા કરીશ કે બંગાળીઓથી મારો સંદર્ભ ગેરકાયદે બાંગ્લાદેશીઓ અને રોહિંગ્યાઓ અંગેનો હતો. એમ છતાં પણ જો મેં તમારી લાગણી દુભાવી હોય તો હું એ બદલ માફી માગું છું."
ગુજરાત વિધાનસભા ચૂંટણી : દક્ષિણ ગુજરાતમાં આદિવાસી વિસ્તારોમાં શહેરો કરતાં વધુ મતદાન
ટાઇમ્સ ઑફ ઇન્ડિયાના એક અહેવાલ અનુસાર ગુરુવારે ગુજરાત વિધાનસભાના પ્રથમ તબક્કામાં દક્ષિણ ગુજરાતના આદિવાસી વિસ્તારોમાં શહેરોની સરખામણીએ વધુ મતદાન જોવા મળ્યું હતું.
જોકે વર્ષ 2017 અને વર્ષ 2012ની વિધાનસભાની ચૂંટણીઓની સરખામણીમાં આ મતદાન સાતથી દસ ટકા સુધી ઓછું હતું.
દક્ષિણ ગુજરાતની 14 આદિવાસી બેઠકો પર સરેરાશ 69.86 ટકા મતદાન જોવા મળ્યું હતું. જ્યારે વર્ષ 2017માં આ ટકાવારી 77.18 ટકા હતી.
તેમજ શહેરી વિસ્તારોમાંપણ મતદાનની ટકાવારી ઓચી નોંધાઈ હતી. સુરતમાં 60.71 ટકા મતદાન નોંધાયું હતું જે વર્ષ 2017ની સરખામણીમાં ઓછું છે.
સેન્ટર ઑફ સોશિયલ સ્ટડીઝ ખાત સમાજશાસ્ત્રનાં સંશોધક કિરણ દેસાઈએ ઓછા મતદાન અંગેનાં કારણો વિશે અખબાર સાથેની વાતચીતમાં કહ્યું હતું કે, “ભાજપના મતદારોને વિશ્વાસ છે કે પક્ષ જીતવાનો છે, તેથી તેઓ મત આપવા ન ગયા. તેમજ સત્તાવિરોધી મતદાન થયું હોય તેવું પણ નથી.”
અર્થશાસ્ત્રનાં સંશોધક કિરણ પંડ્યાએ અખબારને જણાવ્યું હતું કે, “મતદાનની ટકાવારીમાં ઘટાડાની અસર કેટલાક વિજેતાઓના જીતના અંતરને અસર કરશે. પાછલી ચૂંટણીઓની સરખામણીએ આ ચૂંટણીમાં ઉત્સાહ જોવા નહોતો મળ્યો.”