You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
નરેન્દ્ર મોદીને હરાવવા બનેલું 'ઇન્ડિયા' ગઠબંધન લોકસભામાં ટક્કર આપી શકશે?
- લેેખક, સૌતિક બિસ્વાસ
- પદ, બીબીસી સંવાદદાતા
નરેન્દ્ર મોદીની આગેવાની હેઠળના શાસક પક્ષ ભારતીય જનતા પાર્ટીને આગામી લોકસભા ચૂંટણીમાં પડકારવા માટે બે ડઝનથી વધુ વિરોધ પક્ષોએ જુલાઈમાં ગઠબંધનની રચના કરી હતી.
મુખ્ય વિરોધ પક્ષ કૉંગ્રેસ અને અન્ય નાના પ્રાદેશિક પક્ષોના બનેલા આ ગઠબંધનનું નામ ચતુરાઈપૂર્વક ‘ઇન્ડિયા’ રાખવામાં આવ્યું હતું. ‘ઇન્ડિયા’ એટલે ઇન્ડિયન નેશનલ ડેવલપમૅન્ટ ઇન્ક્લુઝિવ અલાયન્સનું સંક્ષિપ્ત સ્વરૂપ છે.
ગઠબંધનની સફળતાનો આધાર સાથી પક્ષોને જોડાયેલા રહેવાની અને બેઠકોની વ્યૂહાત્મક વહેંચણી પર છે, જેથી પ્રત્યેક મતવિસ્તારમાં એક જ મુખ્ય ઉમેદવાર ભાજપ સામે ઊભો રાખીને સંયુક્ત રીતે લડી શકાય.
ભારતમાંની ‘ફર્સ્ટ પાસ્ટ ધ પોસ્ટ’ બહુપક્ષીય પ્રણાલીમાં વિજેતા બધું જ લઈ જાય છે, તેથી વિખેરાયેલા વિરોધ પક્ષથી સત્તાધારી પક્ષને કાયમ લાભ થતો હોય છે. 2019ની સંસદીય ચૂંટણીમાં નરેન્દ્ર મોદીના પક્ષને 37 ટકા મત મળ્યા હતા, પરંતુ તેમણે કુલ 543માંથી 303 બેઠકો જીતી હતી.
જોકે, છ મહિના પછી જ ભારતીય વિરોધ પક્ષોનું આ ગઠબંધન અસ્તવ્યસ્ત અવસ્થામાં છે. તેનું મુખ્ય કારણ તાજેતરની ઘટના છે. બિહારના મુખ્ય મંત્રી નીતીશકુમાર આ ગઠબંધનમાંથી નીકળીને ભાજપ સાથે ફરી જોડાઈ ગયા છે.
બિહારના મુખ્ય મંત્રી નીતીશકુમારે 18 મહિના પહેલાં ભાજપની આગેવાની હેઠળના ગઠબંધનમાંથી છેડો ફાડ્યો હતો. બિહારની 40 બેઠકો પૈકીની મહત્તમ બેઠકો જીતવા માટે હવે ભાજપ નીતીશકુમારના વડપણ હેઠળની જનતા દળ (યુનાઈટેડ) પર આધાર રાખશે.
ગઠબંધનમાં તિરાડો
ભારતના જટિલ રાજકારણમાં પાટલીબદલુ રાજકારણીઓ સામાન્ય વાત છે, પરંતુ એક સમયે વિપક્ષી ગઠબંધનના સંભવિત ભાવિ વડા પ્રધાનપદના ઉમેદવાર ગણાતા 72 વર્ષના નીતીશકુમારના પક્ષપલટાથી ઘણાને આઘાત લાગ્યો છે.
ભારતીય રાજનીતિના વિશેષજ્ઞ ગિલ્સ વર્નિયર્સ કહે છે, “તેમનું જવું એ ઇન્ડિયા ગઠબંધન માટે મોટો ફટકો છે. તે એવો સંકેત પણ આપે છે કે આ ગઠબંધનમાં બધું યોગ્ય રીતે ચાલતું નથી.”
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
એટલું જ નહીં, ગઠબંધનના અન્ય બે નેતાઓ જેમ કે પશ્ચિમ બંગાળનાં તૃણમૂલ કૉંગ્રેસ (ટીએમસી)નાં નેતા મમતા બેનરજી અને આમ આદમી પાર્ટી(આપ)ના નેતા અરવિંદ કેજરીવાલે કૉંગ્રેસથી અંતર રાખ્યું છે.
તેમણે સ્પષ્ટ કર્યું છે કે તેઓ એકલા હાથે ચૂંટણી લડશે. બીજા શબ્દોમાં કહીએ તો આ રાજ્યોમાં બેઠકોની વહેંચણીની કોઈ શક્યતા નથી.
જે સમયે નરેન્દ્ર મોદી મજબૂત દેખાઈ રહ્યા છે એવા સમયે ઇન્ડિયા ગઠબંધનમાં આવી ગડબડ ચાલી રહી છે.
ભાજપની મોખરે રહેવાની સંભાવના વધી?
ભાજપે ડિસેમ્બરમાં છત્તીસગઢ, રાજસ્થાન અને મધ્ય પ્રદેશ જેવા મહત્ત્વનાં રાજ્યોની વિધાનસભા ચૂંટણીમાં વિજય મેળવ્યો હતો. અયોધ્યામાં નવા ભવ્ય રામમંદિરનું વચન આપ્યું હતું તેનું જાન્યુઆરી મહિનામાં ઉદઘાટન કરીને નરેન્દ્ર મોદી સંભવતઃ એપ્રિલ અને મેમાં યોજાનારી લોકસભા ચૂંટણી માટેના ભાજપના ચૂંટણીપ્રચારનો બિનસત્તાવાર આરંભ કરતા જોવા મળ્યા હતા.
દિલ્હીસ્થિત થિન્ક ટૅન્ક સેન્ટર ફૉર પૉલિસી રિસર્ચના રાહુલ વર્મા કહે છે, “ભાજપ માટે ડિસેમ્બર પછી પરિસ્થિતિ નાટકીય રીતે બદલાઈ ગઈ છે. આગામી ચૂંટણીમાં મોખરે રહેવાની પક્ષની સંભાવના વધી ગઈ છે.”
વિપક્ષી ગઠબંધનની નબળાઈ આમ જોવા જઈએ તો રાહુલ ગાંધીના વડપણ હેઠળની કૉંગ્રેસ પાર્ટી વિશેના અલગ-અલગ દૃષ્ટિકોણમાંથી ઉદભવે છે.
રાષ્ટ્રીય સ્તરે ભાજપનો એકમાત્ર વિકલ્પ કૉગ્રેસ દેખાઈ રહ્યો છે, કેમ કે આ પાર્ટીની દેશનાં લગભગ બધાં રાજ્યોમાં ઉપસ્થિતિ છે.
કૉંગ્રેસ 2019ની ચૂંટણીમાં 20 ટકાથી ઓછા મત અને માત્ર 52 બેઠકો જીતી શકી હતી. તે આજે પણ સંઘર્ષ કરી રહી છે.
ગિલ્સ વર્નિયર્સ કહે છે, “આ સ્થિતિમાં કૉંગ્રેસ વધુ બેઠકો માટે માગણી કરે છે, જેને સ્વીકારવા પ્રાદેશિક પક્ષો તૈયાર નથી. એવી ધારણા છે કે કૉંગ્રેસે એક ખતરનાક અલાન્યસ પાર્ટનર છે, જે પોતાની નબળાઈઓને કારણે અન્ય પાર્ટીઓને પણ ડુબાડશે.”
જોકે, ઘણા લોકો માને છે કે વિપક્ષની તમામ મુશ્કેલી માટે કૉંગ્રેસને જ જવાબદાર ઠેરવવી અયોગ્ય છે. ભારતના અત્યંત સ્પર્ધાત્મક રાજકીય પરિદૃશ્યમાં વ્યાવહારિકતા પ્રબળ હોય છે, કારણ કે દરેક પક્ષ પોતાના હિતને અગ્રતા આપે છે.
દરેક પક્ષોને ‘સ્વહિત’ નડી રહ્યું છે?
ગિલ્સ વર્નિયર્સ કહે છે, “ઇન્ડિયા ગઠબંધનનો દરેક સભ્ય પક્ષ સર્વસામાન્ય હિતને બદલે પોતાનું હિત આગળ ધરી રહ્યો છે. તેમના માટે તેમનું રાજ્ય મહત્ત્વનું છે, કારણ કે સંસદીય ચૂંટણીમાં પરાજય થાય તો પણ તેઓ તેમના શાસન હેઠળના રાજ્યમાં પાછા ફરી શકે છે.”
બેઠકોની વહેંચણી આ લડાઈનો એક હિસ્સો છે. અભ્યાસુઓ કહે છે કે વિરોધ પક્ષો ભાજપના હિન્દુ રાષ્ટ્રવાદ અને વિકાસના લોકપ્રિય મિશ્રણનો આકર્ષક વિકલ્પ આપવામાં અસમર્થ છે.
એ ઉપરાંત પૉલિટિકલ સાયન્ટિસ્ટ આસિમ અલી કહે છે તેમ, ભાજપના નૅરેટિવને મીડિયા, બિઝનેસ અને સમાજના એક મોટા વર્ગનું સમર્થન મળેલું છે. વ્યાપક સામાજિક સમર્થન મળે ત્યારે જ મુદ્દાઓ સામે આવતા હોય છે.
વિરોધ પક્ષ પાસે એક થવા માટે મુદ્દાઓની કમી નથી. તેમણે બેરોજગારીના ગંભીર સંકટના નિરાકરણમાં મોદી સરકારની ‘નિષ્ફળતા’ને હાઈલાઈટ કરી છે.
તેમણે ભાજપની મુસ્લિમવિરોધી નિવેદનબાજી, મીડિયા અને થિંક ટૅન્ક્સ પરના કથિત હુમલાઓ તેમજ સરકારી એજન્સીઓ દ્વારા રાજકીય પ્રતિસ્પર્ધીઓની સતામણીની ઝાટકણી કાઢી છે.
ડિસેમ્બરમાં સંસદની કાર્યવાહીમાં વિક્ષેપ સર્જવા બદલ સસ્પેન્ડ કરવામાં આવેલા વિરોધ પક્ષના 140થી વધુ સંસદસભ્યોનો બચાવ તેમણે સાથે મળીને કર્યો હતો.
તેમ છતાં ગિલ્સ વર્નિયર્સ કહે છે તેમ નરેન્દ્ર મોદી અને ભાજપ દ્વારા પ્રચારિત મજબૂત હિન્દુ રાષ્ટ્રવાદના સંદર્ભમાં વિરોધ પક્ષને જૂથ કરતી ‘કોઈ વૈચારિક શક્તિ’નો અભાવ જોવા મળે છે. પ્રચંડ લોકપ્રિય નેતા ધરાવતા અને સમૃદ્ધ અને સંસાધનોથી ભરપૂર ભાજપને ટક્કર આપવાનું સરળ નથી એ હકીકત છે.
ઇતિહાસમાંથી બોધપાઠ લેવાની જરૂર
વિખેરાયેલા વિરોધ પક્ષને એકઠા થવામાં અને પ્રભાવશાળી કૉંગ્રેસને હરાવવામાં દાયકાઓ લાગ્યા હતા. કૉંગ્રેસે આઝાદીથી દેશ પર 1977 સુધી સતત શાસન કર્યું હતું.
સમાજવાદીઓથી માંડીને હિન્દુ રાષ્ટ્રવાદીઓ સુધીના પક્ષોને એક કરીને જનતા પાર્ટી ગઠબંધન ઇન્દિરા ગાંધીના કટોકટીના નિર્ણય સામે લડાઈ લડ્યું હતું. કટોકટી વખતે નાગરિક સ્વાતંત્ર્યના ગળે ટૂંપો દેવામાં આવ્યો હતો.
આંતરિક વિરોધાભાસ અને તેના નેતાઓની વ્યક્તિગત મહત્ત્વાકાંક્ષાઓને કારણે એ ગઠબંધન બે વર્ષમાં ભાંગી પડ્યું હતું, પરંતુ તે અજેય ગણાતી કૉંગ્રેસને સત્તા પરથી હાંકી કાઢવામાં સફળ રહ્યું હતું.
રાહુલ વર્મા કહે છે, “માત્ર ગંભીર અસ્તિત્વગત કટોકટી કે બાહ્ય પરિબળો જ વિવિધ સાથીઓ એકજૂથ થાય તેવી પરિસ્થિતિનું સર્જન કરી શકે છે અને પ્રબળ શાસક પક્ષ સામે પ્રચંડ પડકાર ફેંકી શકે છે. સામાન્ય સંજોગોમાં એવું થવું મુશ્કેલ હોય છે.”
તો શું ઇન્ડિયા ગઠબંધન અર્થહીન છે? રાહુલ વર્મા કહે છે, “ગઠબંધન મુશ્કેલીમાં છે, પરંતુ તેઓ સાથે મળીને ચૂંટણી લડવાના રસ્તા શોધી શકે તેમ છે.”
તેઓ દલીલ કરે છે કે ચૂંટણીનો આધાર સંબંધિત રાજ્યોમાંના તેમના પ્રાદેશિક પક્ષોના પરિણામ પર નહીં, પરંતુ ઉત્તર અને પશ્ચિમ ભારતમાંના ભાજપના ગઢની 250થી વધુ બેઠકો પર કૉંગ્રેસ કેવું પ્રદર્શન કરે છે તેના પર છે.
ગિલ્સ વર્નિયર્સ એક ઉકેલ આપે છે, “કૉંગ્રેસ હજુ પણ પોતાને મુખ્ય રાષ્ટ્રીય પક્ષ ગણે છે, જ્યારે પ્રાદેશિક પક્ષો કૉંગ્રેસને સમાવવા તૈયાર નથી. તેથી કૉંગ્રેસે, તેની ભાજપ સાથે સીધી ટક્કર હોય એવાં રાજ્યો પર ધ્યાન કેન્દ્રિત કરવું જોઈએ અને બાકીનાં રાજ્યોમાં ક્ષેત્રીય ભાગીદારોની વાત માનવી જોઈએ.”
પરંતુ ભારતીય રાજકારણમાં આ વાત કહેવી જેટલી આસાન છે, એટલી કરવી આસાન નથી.