ગુજરાત ભાજપમાં ઝડપી પ્રગતિ કરીને મહામંત્રી બનનારા પ્રદીપસિંહ વાઘેલા કોણ છે? તેમણે રાજીનામું કેમ આપ્યું?

ઇમેજ સ્રોત, @pradipsinhbjp
- લેેખક, જય શુક્લ
- પદ, બીબીસી ગુજરાતી
ગુજરાત ભાજપમાં નાની ઉંમરમાં પ્રગતિ કરીને મહામંત્રીપદ સુધી પહોંચેલા પ્રદીપસિંહ વાઘેલાએ તેમના પદેથી રાજીનામું આપ્યું છે ત્યારથી ભાજપમાં રાજનીતિ ગરમાઈ રહી છે. પ્રદીપસિંહ વાઘેલાના રાજીનામાના મામલાએ સંઠગનાત્મક તાકાત ધરાવતા ભાજપની મજબૂત પક્ષ હોવાની ઇમેજ સામે સવાલ ઊભા કરીને પક્ષના કથિત આંતરિક જૂથવાદને લોકો સમક્ષ લાવીને મૂકી દીધો છે.
વાઘેલા સામે કથિત ભ્રષ્ટાચાર મામલે પત્રિકા ફરતી હોવાના મામલે તેમનો ભોગ લેવાયો હોવાની ચર્ચા છે, જોકે પ્રદિપસિંહ વાઘેલા તેમની સામે કરવામાં આવેલા તમામ આરોપોનો રદિયો આપે છે.
જ્યારે ભાજપ કહે છે કે પ્રદીપસિંહે અંગત કારણોસર જવાબદારીમાંથી મુક્ત થવા રાજીનામું આપ્યું છે.
છેલ્લા ચાર મહીનામાં ગુજરાત ભાજપમાંથી બે મહામંત્રીઓના રાજીનામાં પડ્યા છે. જાણકારો વર્ષ 2024માં લોકસભાની ચૂંટણી પહેલાં પડેલાં આ રાજીનામાં, પાર્ટીમાં વિવાદ અને વિખવાદ વધ્યો છે તેનું કારણ માને છે.
પ્રદીપસિંહ વાઘેલાના સમર્થકો તેમના રાજીનામાને કારણે હતપ્રભ થઈ ગયા છે. તેમના સમર્થકોનું માનવું છે કે ‘ભાજપની જૂથબંધી’ને કારણે પાર્ટીના ‘વફાદાર નેતા’નો ભોગ લેવાયો છે.
તેમનું કહેવું છે કે તેમણે સાણંદમાં ‘કથિત કૌભાંડો’ને ઉજાગર કર્યાં હતાં, તેને કારણે તેઓ ભાજપના જ કેટલાક નેતાઓની ‘આંખમાં કણાં’ની જેમ ખૂંચતા હતા.
જોકે, ભાજપમાં આ મામલે સ્પષ્ટ પણે બોલવા કોઈ તૈયાર નથી, જ્યારે ખુદ પ્રદીપસિંહ વાઘેલાએ કહ્યું છે કે તેઓ આ મામલે ‘નિર્દોષ’ સાબિત થશે.
એપ્રિલ મહીનામાં જ ભાજપના મહામંત્રી ભાર્ગવ ભટ્ટનું પણ રાજીનામું લઈ લેવામાં આવ્યું હતું. જોકે તે વખતે તેમના રાજીનામાંની એટલી ચર્ચા નહોતી થઈ જેટલી ચર્ચા હાલ પ્રદીપસિંહ વાઘેલાના રાજીનામાંની થઈ રહી છે.
કારણ એ મનાય છે કે પ્રદીપસિંહ વાઘેલા બહુ સંઘર્ષ કરીને ટૂંકાગાળામાં ભાજપના ટોચના પદે પહોંચ્યા હતા.
ત્યારે જોઈએ કે વિદ્યાર્થી નેતામાંથી ગુજરાતના પાવરફૂલ નેતા બનનારા પ્રદીપસિંહ વાઘેલા કોણ છે? જેણે વિવાદોને કારણે રાજીનામું આપવું પડ્યું.

શું કહેવું છે પ્રદીપસિંહ વાઘેલા અને ભાજપનું?

ઇમેજ સ્રોત, @pradipsinhbjp
તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
પ્રદીપસિંહ વાઘેલા સામે કથિત ભ્રષ્ટાચારના આરોપો ધરાવતી એક અનામી પત્રિકાના સર્ક્યુલેશન મામલે પક્ષના વર્તુળોમાં ચર્ચા ચાલી રહી છે. સુત્રો અનુસાર આ આરોપોને કારણે પ્રદીપસિંહે રાજીનામું આપવું પડ્યું છે. જોકે ભાજપ સત્તાવાર રીતે કહે છે કે પ્રદીપસિંહ વાઘેલા સામે કોઈ ફરિયાદ થઈ નથી.
ભલે ભાજપના નેતાઓ એમ કહેતા હોય કે પ્રદીપસિંહ સામે કોઈ ફરિયાદ નથી. તો પછી તેમનું રાજીનામું કેમ લઈ લેવામાં આવ્યું? તે પ્રશ્નનો જવાબ તેમની પાસે નથી. ભાજપે આ મામલે ન તો કારણ રજૂ કર્યું છે ન વિગતો. ભાજપે બસ અધિકારીક રીતે એમ જ કહ્યું છે કે પ્રદીપસિંહ વાઘેલાએ રાજીનામું સામેથી આપ્યું છે.
ભાજપના પ્રદેશ મહામંત્રી રજની પટેલે બીબીસી ગુજરાતી સાથેની વાતચીતમાં કહ્યું, “તેમના રાજીનામાં અંગે ખુલાસો થઈ ગયો છે. તેમણે સામેથી રાજીનામું આપ્યું છે. તેમણે હાલ આ પદે કામ નહોતું કરવું અને તેથી તેમણે રાજીનામું આપ્યું છે. ભાજપે રાજીનામું નથી માગ્યું પરંતુ તેમણે તેમની ઇચ્છાથી રાજીનામું આપ્યું છે.”
જ્યારે અમે તેમને પુછ્યું કે તેમની સામે કથિત ભ્રષ્ટાચારના આરોપો ધરાવતી પત્રિકા ફરતી થઈ હતી અને શું આ કારણ છે તેમના રાજીનામાંનું?
તો તેમણે આ મામલે બીબીસી ગુજરાતીને કોઈ જવાબ નહોતો આપ્યો.
અમે ભાજપના અન્ય નેતાઓનો પણ સંપર્ક સાધવાનો પ્રયત્ન કર્યો પરંતુ તમામે આ મામલે જવાબ આપવાથી બચવાનું પસંદ કર્યું.
અમે પ્રદીપસિંહ વાઘેલાનો પણ સંપર્ક કર્યો. તેમણે સ્વીકાર કર્યો કે પાર્ટીને તેમણે રાજીનામું આપી દીધું છે.
તેમણે બીબીસી ગુજરાતી સાથેની વાતચીતમાં કહ્યું, “ભાજપ શિસ્તબદ્ધ પક્ષ છે અને પાર્ટી કહે તો રાજીનામું આપવું રહ્યું. હું પાર્ટીનો શિસ્તબદ્ધ સૈનિક છું. મને જે જવાબદારી સોંપવામાં આવશે તે જવાબદારીનું વહન કરીશ.”
અમે તેમને પૂછ્યું કે તમારા પર કૌભાંડ આચર્યું હોવાના આરોપ લાગી રહ્યા છે તેને કારણે તમારો ભોગ લેવામાં આવ્યો છે?
તો જવાબમાં તેમણે કહ્યું, “પત્રિકા મામલે તપાસ થઈ રહી છે. 24 કલાકની રાહ જુઓ. હું નિર્દોષ છું એ હું જાણું છું અને તે જ હકીકત છે. સમયની રાહ જુઓ, હું નિર્દોષ બહાર આવીશ.”
રાજીનામું આપ્યા બાદ પણ પ્રદીપસિંહ ભાજપમાં સક્રિય જોવા મળ્યા હતા. અડાલજ ખાતેના ભાજપના એક કાર્યક્રમમાં તેઓ હાજર રહ્યા હતા અને તેમણે કાર્યકરોને સંબોધિત પણ કર્યા હતા.
આ કાર્યક્રમમાં અમદાવાદ, ગાંધીનગર, સાબરકાંઠા અને અરવલ્લીના જિલ્લા પંચાયતના સભ્યો એક અભ્યાસવર્ગમાં ભાગ લેવા આવ્યા હતા.

કોણ છે પ્રદીપસિંહ વાઘેલા?

ઇમેજ સ્રોત, @pradipsinhbjp
પ્રદીપસિંહ વાઘેલા વિદ્યાર્થીકાળથી જ રાજનીતિની શરૂઆત કરીને ભાજપમાં બહુ ઝડપથી આગળ વધ્યા. બે દાયકામાં તેઓ રાષ્ટ્રિય સ્વયંસેવક સંઘની વિદ્યાર્થી પાંખના નેતાથી માંડીને યુવા ભાજપના પ્રમુખ અને ત્યારબાદ પ્રદેશ ભાજપના મહામંત્રી પદ પર પહોંચ્યા.
ગુજરાતમાં એબીવીપીને વધુ મજબૂત કરવાનો શ્રેય તેમને જાય છે.
4 જૂન, 1980ના રોજ અમદાવાદ જિલ્લાના સાણંદ તાલુકાના બકરાણા ગામમાં જન્મેલા પ્રદીપસિંહ વાઘેલા શાળાજીવનમાં જ રાજકારણમાં પ્રવેશી ચૂક્યા હતા. તેઓ સ્કૂલકાળમાં ક્લાસ રિપ્રઝન્ટેટિવ રહ્યાં.
શરૂઆતથી જ તેઓ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘની પ્રવૃત્તિઓ તરફ આકર્ષાયા હતા.
જ્યારે તેઓ ગુજરાત યુનિવર્સિટીમાં દાખલ થયા ત્યારે તેઓ વર્ષ 2003માં કૉમર્સના પોસ્ટ ગ્રેજ્યુએટ વિભાગમાંથી સેનેટ મેમ્બર પણ બન્યાં. કૉલેજકાળ દરમિયાન તેઓ ભાજપની વિદ્યાર્થી પાંખ અખિલ ભારત વિદ્યાર્થી પરિષદમાં જોડાયા. તેઓ 2003-04માં જિલ્લા સંયોજક બન્યાં. સંગઠન મહામંત્રી બન્યા બાદ તેમને કચ્છમાં સંગઠનના વિસ્તરણની જવાબદારી સોંપવામાં આવી. 2005-06માં તેમણે કચ્છ જિલ્લામાં એબીવીપીનું સચિવ પદ પણ સંભાળ્યું.
વર્ષ 2006-07માં તેઓ યુવા ભાજપમાં જોડાયા અને તેમણે કચ્છ, જામનગર, ખેડા જિલ્લામાં યુવા ભાજપ મોરચામાં જિલ્લા પ્રભારી તરીકેની ફરજ બજાવી.
વિવિધ પદો પર કામ કર્યા બાદ તેઓ યુવા છાત્ર નેતા તરીકે પોતાની છબી સ્થાપિત કરી ચૂક્યા હતા.
જ્યારે હાલ વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરી જ્યારે યુવા ભાજપના અધ્યક્ષ હતા ત્યારે પ્રદીપસિંહને ઉપાધ્યક્ષ બનાવવામાં આવ્યા.
19 જુલાઈ, 2010માં તેઓ ગુજરાત યુવા ભાજપ મોરચાના પ્રમુખ બન્યા. તેમના કામને ધ્યાનમાં રાખીને તેમને યુવા ભાજપ મોરચાના અધ્યક્ષપદની જવાબદારી ફરી સોંપવામાં આવી. તેમની વેબસાઈટમાં કરાયેલા દાવા મુજબ તેમણે ભારતના ભાજપ યુવા મોરચા સાથે મળીને કાશ્મીરના શ્રીનગરના લાલચોકમાં તિરંગો લહેરાવવાનો કાર્યક્રમ આપ્યો હતો. તેમના દાવા મુજબ તેમના સહિત માત્ર ચાર કાર્યકર્તા 26મી જાન્યુઆરી, 2011માં લાલચોક પર તિરંગો લહેરાવ્યો હતો.
બે વાર યુવા મોરચાનો પદભાર સંભાળી ચૂકેલા પ્રદીપસિંહની ઍન્ટ્રી હવે ભાજપની પ્રદેશ કાર્યકારીણીમાં થઈ.
10 ઑગસ્ટ, 2016ના રોજ તેઓ ભારતીય જનતા પાર્ટીના સચિવ બન્યા અને જુલાઈ 2020માં તેઓ ભાજપના મહાસચિવ બન્યા.
તેમને પ્રદેશ કાર્યાલય કમલમ્ નો ચાર્જ પણ સોંપવામાં આવ્યો. તેમણે ગુજરાતમાં યોજાયેલી વિવિધ ચૂંટણીમાં હોંશભેર કામ કર્યું.
દરમિયાન તેમની પોતાની વેબસાઇટ અનુસાર તેઓ રમતગમત પ્રવૃત્તિમાં ભાગ લેતા. તેમણે રાજ્ય કક્ષાની ઍથલેટિક્સ સ્પર્ધામાં ભાગ લીધો. જ્યારે તેઓ 12માં ધોરણમાં ભણતા હતા ત્યારે તેઓ 400 મીટર સ્પ્રિન્ટ સ્પર્ધામાં દ્વિતીય રહ્યા હતા. તેમણે 400 મીટરની હર્ડલ ઍથલેટિક્સ સ્પર્ધામાં પણ બીજું સ્થાન પ્રાપ્ત કર્યું હતું. તેઓ જ્યારે કૉલેજમાં ભણતા ત્યારે તેઓ વૉલિબૉલ ટીમના કૅપ્ટન પણ રહી ચૂક્યા છે.
તેમના સમર્થકો અને મિત્રો તેમને સારા રાજકીય આગેવાન અને કુશળ નેતા ગણાવે છે.
તેમના મિત્ર પિનાકીન જાની બીબીસી ગુજરાતી સાથેની વાતચીતમાં કહે છે, “તેઓ ખોટું ચલાવતા નથી, ભાજપના કાર્યકર્તાઓને તેમણે પરિવારની જેમ સાચવ્યા. પાર્ટીએ તેમને જે જવાબદારી સોંપી તે તેમણે નિભાવી.”
તેમના સમર્થક હિતેન્દ્રસિંહ ગોહિલ બીબીસી ગુજરાતી સાથે વાતચીતમાં કહે છે, “પ્રદીપસિંહ વિચારોમાં સ્પષ્ટ છે. હાલમાં જ સાણંદ નગરપાલિકા દ્વારા વેરામાં 400 ટકાનો વધારો થયો હતો. તેના વિરોધમાં સાણંદ બંધ પણ રહ્યું. પણ જ્યારે તેમણે મધ્યસ્થી કરી તો વેરામાં ઘટાડો થયો અને પ્રજાજનો ખુશ થયા. ટૂંકમાં પ્રજાના સુખાકારી માટે તે હંમેશાં આગેવાની લે છે.”
જોકે કેટલાક જાણકારો એમ પણ કહે છે કે તેઓ ઘણીવાર સ્વચ્છંદપણે નિર્ણય લેતા હતા તેને કારણે ઘણા કાર્યકર્તાઓ નારાજ પણ હતા.
રાજકીય વિશ્લેષક દિલીપ પટેલ કહે છે, “તેઓ નિરંકુશ અને અભિમાની થઈ ગયા હતા. ઘણીવાર પક્ષના નેતાઓને ગણકારતા નહોતા. કહેવાય છે કે કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહના તેમના પર ચાર હાથ હતા.”

પ્રદીપસિંહ પર કયા પ્રકારના આરોપો લાગ્યાની થઈ રહી છે ચર્ચા

ઇમેજ સ્રોત, @pradipsinhbjp
કહેવાય છે કે વાઘેલાએ જે પ્રકારે નાની ઉંમરમાં મોટાં પદો મેળવ્યાં, તેનાથી ભાજપનું એક જૂથ ખુશ નહોતું. તેઓ વાઘેલા પર નજર રાખી રહ્યા હતા.
તેમની ભૂલ એ પણ હતી કે પ્રદેશ નેતા બન્યા છતાં તેઓ પોતાને યુનિવર્સિટીના રાજકારણથી બહાર નહોતા રાખી શક્યા. ગુજરાત યુનિવર્સિટીમાં તેમની દખલઅંદાજી તેમને ભારે પડી તેવું જાણકારો માને છે.
મનાય છે કે ગુજરાત યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલર રહી ચૂકેલા ડૉ. હિમાંશુ પંડ્યાએ પોતાનો કાર્યકાળ પૂર્ણ કરીને યુનિવર્સિટીમાંથી વિદાય લીધી ત્યારે તેમણે ભાજપના વરિષ્ઠ નેતાઓને પ્રદીપસિંહ વાઘેલાની ફરિયાદ કરી હતી.
આ ઉપરાંત એક જમીનનો મામલો પણ છે તેના પર અમદાવાદ પોલીસની એસઓજી તપાસ કરી રહી છે.
સાણંદ ખાતેના તેમના એક સમર્થકે નામ ન આપવાની શરતે અમને જણાવ્યું, "આ ભાજપનો જૂથવાદ છે અને તેને કારણે જ તેમનો ભોગ લેવાયો છે. બાકી ભ્રષ્ટાચારના આરોપો એક બહાનું છે." આ ઉપરાંત તેઓ કહે છે કે, "તેમનું ઉદ્દત વર્તન અને સ્વભાવ પણ તેમની કારકિર્દી લઈ ડૂબ્યો."
હિતેન્દ્ર ગોહિલ કહે છે, “પાર્ટીએ આવા સંનિષ્ઠ નેતાનું જો રાજીનામું લઈ લીધું હોય તો તેના જેવી મૂર્ખામી બીજી કોઈ નથી. તેઓ પોતાના સગાભાઈની ભલામણો સ્વીકારતા નહોતા.”
પિનાકીન જાની કહે છે, “તેઓ તો આખા ગુજરાતના મહામંત્રી હતા. તેમના હાથમાં તો આખું ગુજરાત હતું. તો પછી તેમના સાણંદમાં જ કથિત જમીન કૌભાંડની ચર્ચા કેમ થઈ રહી છે?”
દિલીપ પટેલ કહે છે કે કારણ કોઈ બીજું જ છે. તેઓ કહે છે, “કારણ જે બનાવવામાં આવી રહ્યું છે તે નથી. કારણ એ છે જે જાહેર કરવામાં નથી આવ્યું. બાકી ભ્રષ્ટાચારના આરોપો ભાજપના કયા નેતાઓ સામે નથી થયા? બધા હજુ ભાજપનાં વિવિધ પદો પર છે જ.”
તેઓ ઉમેરે છે કે પ્રદીપસિંહ વાઘેલાનું રાજીનામાં દ્વારા ભાજપના મોવડીમંડળે એ સંકેત આપી દીધો છે કે પાર્ટી ‘શિસ્તબધ્ધ પાર્ટી’ છે અને ‘જે પાર્ટીલાઈન બહાર જશે તેના આ જ પ્રકારના હાલ થશે.’
જોકે પ્રદીપસિંહ વાઘેલા બીબીસી ગુજરાતીને જણાવે છે કે તેમની સામે લગાવાયેલા તમામ આરોપો ખોટા છે અને તેમને તપાસમાં વિશ્વાસ છે. તેઓ કહે છે, “હું નિર્દોષ બહાર આવીશ.”
હાલમાં સુરતમાં પણ પ્રદેશ અધ્યક્ષ સી. આર. પાટીલ, સાંસદ પ્રભુ વસાવા અને ચોર્યાસીના ધારાસભ્ય સંદીપ દેસાઈ વિરુદ્ધ એક પત્રિકા ફરતી કરવામાં આવી હતી. જેમાં કથિત રીતે આ ત્રણેય પર ગંભીર આરોપો લગાવવામાં આવ્યા હતા. આ મામલે સુરત ક્રાઇમ બ્રાંચમાં ફરિયાદ દાખલ કરવામાં આવી.
આ કેસ મામલે રાકેશ સોલંકીનું નામ ખુલ્યું હતું જે ભાજપના આદિવાસી નેતા ગણપત વસાવાના નજીકના માણસ મનાય છે. પોલીસે સોલંકી ઉપરાંત અન્ય બે લોકો ખુમાનસિંહ પટેલ અને દીપુ ઉર્ફે સોનું યાદવની ધરપકડ કરી છે.
મનાય છે કે રાકેશ સોલંકીએ આ પ્રકારની કથિત આરોપ લગાવતી 100 જેટલી પત્રિકા અને પેનડ્રાઈવ ફરતી કરવામાં આવી હતી. જે પૈકી કેટલીક પત્રિકા અને પેનડ્રાઈવ પોલીસે જપ્ત કરી હતી.
વડોદરામાં પણ અગાઉ ભાજપના નેતા અને મેયર વિરુદ્ધ આ પ્રકારે પત્રિકા ફરતી કરવામાં આવી હતી. જેમાં ભાજપના જ કાઉન્સેલર અલ્પેશ લિંબાચિયાનું નામ બહાર આવ્યું હતું. વડોદરા ક્રાઇમ બ્રાન્ચે તેની ધરપકડ કરી હતી.










