IPL 2024માં ગુજરાતીઓની કેવી બોલબાલા રહેશે?

ઇમેજ સ્રોત, BCCI-IPL
દિવસે દિવસે મોંઘવારી વધતી જાય છે અને ચીજવસ્તુઓના દામમાં પણ ધરખમ વધારો થઈ રહ્યો છે તેવી જ રીતે એમ લાગે છે કે ક્રિકેટરની કિંમતમાં પણ વધારો થઈ રહ્યો છે. આ વખતની આઈપીએલની હરાજીનું જ ઉદાહરણ લઈએ તો તેમાં હવે ખેલાડીઓને ખરીદવાના માપદંડ બદલાઈ ગયા છે.
એક સમયે મોંઘામાં મોંઘો ખેલાડી આઠથી દસ કરોડ રૂપિયામાં ખરીદાતો હતો જેને બદલે આજે દસ કે 15 કરોડ રૂપિયાની કિંમત તો ઓછી લાગે છે. કેમકે, મંગળવાર 19 ડિસેમ્બરે યોજાયેલી ઇન્ડિયન પ્રીમિયર લીગ એટલે કે વિશ્વની સૌથી ધનાઢ્ય ટી20 ક્રિકેટ લીગ આઈપીએલની હરાજીમાં ગણતરીની મિનિટોમાં બે ક્રિકેટર મિચેલ સ્ટાર્ક અને પૅટ કમિન્સની ખરીદી માટે લગભગ 45 કરોડ રૂપિયાની રકમ ખર્ચવામાં આવી.
હા, યુવરાજ સિંઘ કે સચિન તેંડુલકર હવે સસ્તા લાગે તેવો સમય આવી ગયો છે. આ ઉપરાંત જેમને રિટેઇન કરવામાં આવ્યા હતા એટલે કે જેમની હરાજી થઈ ન હતી તેવા કૅમરૂન ગ્રીન (17.5 કરોડ), વિરાટ કોહલી (15 કરોડ) આન્દ્રે રસેલ (16 કરોડ), સૅમ કરન (18.5 કરોડ), રવીન્દ્ર જાડેજા (16 કરોડ), શ્રેયસ ઐયર (12.25 કરોડ) કે રિષભ પંત (16 કરોડ), સંજુ સૅમસન (14 કરોડ), રોહિત શર્મા (16 કરોડ), જસપ્રિત બુમરાહ (12 કરોડ) અને હાર્દિક પંડ્યા(15 કરોડ)ની તો અહીં ગણતરી જ થતી નથી. કેમકે ચર્ચા આ વખતની હરાજીની ચાલી રહી છે.

ઇમેજ સ્રોત, Getty Images
આ બધામાં ગુજરાતી ખેલાડીઓ તો મેદાન મારી જ જતા હોય છે અને આ વખતે પણ ગુજરાતી ખેલાડીઓની જ બોલબાલા રહેવાની છે.
જસપ્રિત બુમરાહ કે રવીન્દ્ર જાડેજા દર વખતે સફળ રહેતા હોય છે, તો અક્ષર પટેલનું યોગદાન પણ એટલું જ બહુમૂલ્ય રહેતું હોય છે. અક્ષર પટેલને તો હવે સુકાનીપદના દાવેદાર પણ મનાય છે.
આવી જ રીતે બુમરાહ કે જાડેજા પણ ટીમની આગેવાની લઈ શકે છે. હાર્દિક પંડ્યા તો નીવડેલા સુકાની બની ગયા છે. તેમણે ગુજરાત ટાઇટન્સને એક વાર ટાઇટલ અપાવ્યું તો બીજી વાર તેની ટીમ રનર્સ અપ રહી છે.
હવે છેલ્લા કેટલાક સમયથી આ લીગમાં કમજોર દેખાવ કરી રહેલી મુંબઈ ઇન્ડિયન્સની ટીમને ફરીથી બેઠી કરવાની જવાબદારી તેમને સોંપવામાં આવી છે. એવા ભરોસા સાથે કે તે રોહિત શર્મા કરતાં પણ વધુ સારા કૅપ્ટન બની રહેશે અને ટીમની નાવ કિનારે પહોંચાડી દેશે.
ભારતીય ક્રિકેટમાં ગુજરાતી ખેલાડીઓને દબદબો

ઇમેજ સ્રોત, BCCI
ભારતીય ક્રિકેટ બોર્ડના નકશા મુજબ ગુજરાતમાંથી ત્રણ ટીમ નેશનલ ક્રિકેટમાં રમે છે, તેમાં ગુજરાત, બરોડા અને સૌરાષ્ટ્રનો સમાવેશ થાય છે. આ ટીમોના ખેલાડીઓ આઈપીએલમાં રમવાના છે. આ ખેલાડીઓની સંખ્યા એટલી છે કે માત્ર ગુજરાતી ખેલાડીઓની જ એક આખી ટીમ બની જાય.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
તેમાં આ વખતે નવું નામ ઉમેરાયું છે સૌરવ ચૌહાણનું. આ વખતે આઇપીએલમાં રમનારા ગુજ્જુ ખેલાડીઓની યાદી પર સૌ પ્રથમ તો એક નજર કરી લઈએ.
આ ખેલાડીઓ છે......હાર્દિક પંડ્યા, કૃણાલ પંડ્યા, જસપ્રિત બુમરાહ, રવીન્દ્ર જાડેજા, અક્ષર પટેલ, હર્ષલ પટેલ, જયદેવ ઉનડકટ, પ્રેરક માંકડ, સૌરવ ચૌહાણ અને ચેતન સાકરીયા.
આ યાદીમાં હર્ષલ પટેલને ઉમેરવા પડે કેમ કે તે મૂળ અમદાવાદના છે અને ગુજરાતની ટીમમાંથી રમીને જ આગળ આવ્યા છે.
અલબત્ત, તે હાલમાં હરિયાણા માટે રણજી ટ્રૉફી તથા ડોમેસ્ટિક ક્રિકેટ ટુર્નામૅન્ટમાં રમે છે. પરંતુ તેઓ અમદાવાદના જ વતની છે. આ યાદીમાં એવા ખેલાડીનો ઉમેરો કરાયો નથી જેઓ મૂળ ગુજરાતી નથી. નહીંતર પીયૂષ ચાવલા અને રવિ બિશ્નોઈને પણ ઉમેરવા પડે. આ બંને ખેલાડીઓ ગુજરાત માટે ડોમેસ્ટિક ક્રિકેટમાં રમી રહ્યા છે.

ઇમેજ સ્રોત, Getty Images
ગુજરાતી ખેલાડીઓમાં બૉલિંગમાં શાનદાર પ્રદર્શન કરનારા બૉલર છે. રવીન્દ્ર જાડેજા અને જસપ્રિત બુમરાહ અનુક્રમે 152 અને 145 વિકેટ સાથે વિશ્વભરના બૉલર્સને ટક્કર આપી રહ્યા છે, તો અક્ષર પટેલ અને હર્ષલ પટેલ તેમનાથી ખાસ પાછળ નથી. આ બંને બૉલર પણ 100 કરતાં વધુ વિકેટો ઝડપી ચૂક્યા છે.
જયદેવ ઉનડકટ 100 વિકેટની નજીક છે, તો કૃણાલ પંડ્યા અને હાર્દિક પંડ્યાએ પણ સારી બૉલિંગ કરે છે. જોકે, હાર્દિક હજી સુધી તેમની પ્રતિષ્ઠા મુજબ વિકેટો ઝડપી શક્યા નથી.
જસપ્રિત બુમરાહ જે ટીમમાં હોય તે ટીમનું બૉલિંગ આક્રમણ આપોઆપ મજબૂત બની જાય છે. બુમરાહ પાસે વેધક બૉલિંગની જે કળા છે, તે નૈસર્ગિક છે. ભાગ્યે જ કોઈ બૉલરની તેની સાથે સરખામણી થઈ શકે તેમ છે. આવો બૉલર મુંબઈ ઇન્ડિયન્સ માટે એક ઘરેણાં સમાન છે.
એવી જ રીતે રવીન્દ્ર જાડેજા અને અક્ષર પટેલ ટીમને નિયમિતપણે વિકેટો અપાવવામાં સક્ષમ છે. બંને ઉમદા સ્પિનર છે. જાડેજા તો હવે ચેન્નઈ સુપર કિંગ્સનું લગભગ અવિભાજ્ય અંગ બની ગયા છે. ખાસ વાત તો એ છે કે અક્ષર અને જાડેજા પણ હાર્દિકની માફક ઓલરાઉન્ડરની ભૂમિકા નિભાવી રહ્યા છે.
ચહેરાઓ જે કમાલ બતાવી રહ્યાં છે..

ઇમેજ સ્રોત, Getty Images
રવીન્દ્ર જાડેજા ઇનિંગ્સની અંતિમ ઓવર્સમાં બેટિંગ કરવા આવે છે, પરંતુ તેનાથી તેમની ઉપયોગિતામાં ફરક પડતો નથી. તેનું સૌથી મોટું ઉદાહરણ ગયા વર્ષે નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે રમાયેલી આઈપીએલ 2023ની ફાઇનલ છે જેમાં તેમણે છેલ્લા બૉલે ચોગ્ગો ફટકારીને અત્યંત રોમાંચક ફાઇનલમાં ચેન્નઈ સુપર કિંગ્સને ટાઇટલ અપાવ્યું હતું.
અક્ષર પટેલે પણ આવી રીતે ઘણી વાર તોફાની બેટિંગ કરી છે. ખાસ તો ટીમ પહેલા બેટિંગ કરતી હોય અને હરીફ ટીમને મોટો ટાર્ગેટ આપવાની નોબત આવી હોય ત્યારે અક્ષર પટેલ ઝળકતા રહ્યા છે. આવા સંજોગોમાં તેમણે 150થી 200ના સ્ટ્રાઇક રેટથી બેટિંગ કરી હોય તેવાં ઘણાં ઉદાહરણ છે.
હાર્દિક પંડ્યાની બૉલિંગમાં એક લય છે તો તેમના ભાઈ કૃણાલ પંડ્યા પણ સચોટ બૉલિંગ કરવા માટે જાણીતા છે. એ રીતે કહીએ તો કૃણાલ રન આપવામાં ઘણા કંજૂસ પણ રહ્યા છે.

ઇમેજ સ્રોત, Getty Images
તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
આ તમામ ખેલાડીઓની સરખામણીએ જયદેવ ઉનડકટ અને ચેતન સાકરીયાને તેમની ટીમે પૂરતી તક આપી નથી. આ ખેલાડીઓને સિઝનમાં નિયમિત કે તમામ મૅચ રમવાની ભાગ્યે જ તક આપવામાં આવી છે. છતાં બંનેએ તેમને મળેલી એ તકનો હંમેશાં લાભ ઉઠાવ્યો છે.
જયદેવ ઉનડકટ અત્યારે દેશના સર્વશ્રેષ્ઠ લેફ્ટ આર્મ ઝડપી બૉલરોમાં સ્થાન ધરાવે છે. દાયકા કરતાં વધારે સમયથી તેઓ સૌરાષ્ટ્રની બૉલિંગની ધૂરા સંભાળી રહ્યા છે.
માત્ર બૉલિંગ જ શા માટે.... જયદેવ શાહ, સિતાંશુ કોટકની નિવૃત્તિ અને ચેતેશ્વર પૂજારા ભારતીય ટીમમાં રમતો હોવાને કારણે તેની ગેરહાજરીમાં સૌરાષ્ટ્રની ટીમ નેશનલ ક્રિકેટમાં જે સ્થાન ધરાવે છે તેમાં ઉનડકટનુ યોગદાન બહુમૂલ્ય છે.
આ પ્રકારના ખેલાડીઓ આઈપીએલમાં ગુજરાતીઓનું પ્રતિનિધિત્વ કરનારા છે, તેમાં આ વખતે સૌરવ ચૌહાણનું નામ ઉમેરાયું છે.
અમદાવાદમાં હાલ જે નરેન્દ્ર મોદી સ્ટેડિયમ (મોટેરા) છે તે અગાઉ નવરંગપુરામાં 1960ના દાયકાથી સરદાર પટેલ સ્ટેડિયમ હતું. તેને શહેરના હાર્દ સમાન ગણવામાં આવતું હતું. તે સ્ટેડિયમમાં બે દાયકા અગાઉ ક્યુરેટર તરીકે આવેલા દિલીપસિંહ ચૌહાણના પુત્ર એટલે સૌરવ ચૌહાણ. આમ સૌરવનું બાળપણ જ સ્ટેડિયમમાં વીતેલું છે.
અમદાવાદ મ્યુનિસિપલ કૉર્પોરેશનની માલિકી હેઠળના સરદાર પટેલ સ્ટેડિયમમાં કૉર્પોરેશનના જ કર્મચારી તરીકે દિલીપસિંહ કાર્યરત હતા અને તેમને કારણે પુત્ર સૌરવને પણ ક્રિકેટનું ઘેલું લાગ્યું. તેમના માટે તો સરદાર સ્ટેડિયમ ખરા અર્થમાં હોમગ્રાઉન્ડ કહી શકાય. કેમકે તે સ્ટેડિયમના જ એક ખૂણે આપવામાં આવેલાં ક્વાર્ટર્સમાં રહેતા અને ત્યાં જ પ્રેક્ટિસ કરતા હતા.

ઇમેજ સ્રોત, Getty Images
આ સૌરવે લોકલ ક્રિકેટમાં બેટિંગમાં ધમાલ મચાવતા મચાવતા તે ગુજરાતની જુનિયર ટીમમાં સ્થાન હાંસલ કરી શક્યા અને ત્યાંથી તેને ગુજરાતની સિનિયર ટીમમાં તક મળી. અહીંથી તેમણે પાછું વળીને જોયું નથી.
18 બૉલમાં 61 રન, 26 બૉલમાં 36 રન, 82 બૉલમાં 108 રન, 22 બૉલમાં 48 રન આ પ્રકારના આંકડા આપણે આઈપીએલમાં જોતા હોઈએ તો નવાઈ ન લાગે, પરંતુ મુસ્તાક અલી ટી20 કે વિજય હઝારે ટ્રૉફીમાં સૌરવે આ પ્રકારની રમતનું પ્રદર્શન કર્યું છે. આ પ્રદર્શન પણ તેમણે 2023ની વર્તમાન સિઝનમા અથવા તો છેલ્લા બેથી ત્રણ મહિનામાં જ કર્યું છે. કદાચ આ પ્રદર્શનને કારણે જ પંજાબ કિંગ્સે તેમની ટીમમાં આ યુવાનને પસંદ કર્યો છે.
સૌરવ ચૌહાણ મુસ્તાક અલી ટી20 ટ્રૉફીમાં 152 અને વિજય હઝારે વન-ડે ટ્રૉફીમાં 116ના સ્ટ્રાઇક રેટ ધરાવે છે. ચાર દિવસીય ફર્સ્ટ ક્લાસ ક્રિકેટમાં પણ તે આક્રમક અંદાજથી જ બેટિંગ કરતા હોય છે, જેનું ઉદાહરણ રણજી ટ્રૉફીમાં તેમનો સ્ટ્રાઇક રેટ છે. સૌરવે અત્યાર સુધીમાં ગુજરાત માટે છ રણજી મૅચમાં 70ના સ્ટ્રાઇક રેટથી બેટિંગ કરી છે.
સૌરવ ચૌહાણની બેટિંગ કાબેલિયત વિશે પણ ઘણા ભૂતપૂર્વ ક્રિકેટરો પ્રશંસા કરે છે. તે આ વખતે પંજાબ માટે રમવાના છે. અગાઉ તેમના જેવા જ આક્રમક બૅટ્સમૅન રિપલ પટેલ આઈપીએલમાં રમ્યા હતા પરંતુ તેમનો પૂરતો ઉપયોગ થયો નહોતો. આશા રાખીએ કે સૌરવને આઈપીએલમાં મૅચ રમવાની તક મળે.












