દૃષ્ટિકોણ : મહિલાનું મૂલ્યાંકન માત્ર ત્વચાના રંગ પરથી કેમ કરવામાં આવે છે?

    • લેેખક, અદિતી નારાયણી પાસવાન
    • પદ, બીબીસી હિન્દી માટે

મને યાદ છે કે હું જેએનયુમાં મામા ઢાબા પાસે તડકામાં નારંગી ખાઈ રહી હતી. મારી સાથે એક પ્રોફેસર હતાં જેઓ લેક્ચર આપવા માટે પટનાથી આવ્યાં હતાં અને એક જજનાં પત્ની હતાં.

તેમની ચિંતા સાથે મને કહેલું, "નારંગી ખાવાનું બંધ કરો અને તેને પોતાના ચહેરા પર લગાડો. તેનાથી તમારી સ્કિનનો રંગ નિખરશે."

મલકાતા ચહેરે મેં તેમની તરફ જોયું અને ત્યાંથી નીકળી ગઈ. મારામાં આ પ્રકારનો આત્મવિશ્વાસ ત્યારથી આવ્યો છે જ્યારે હું જેએનયુમાં હતી.

પરંતુ, આ જ વસ્તુ જો મારા ઘરે થઈ હોત, તો મારામાં ત્યાંથી નીકળી જવાની હિંમત હોત અને હું બેઠી બેઠી મારા ચહેરા પર નારંગી લગાવતી હોત.

આ માત્ર મારી કહાણી નથી. આ એ બધી જ છોકરીઓ અને મહિલાઓની કહાણી છે, જેઓ જીવનમાં કોઈ ને કોઈ પ્રકારની અસુરક્ષા અનુભવે છે.

ભલે ને તે સ્કિનનો કલર હોય કે તેમની હાઇટની વાત હોય કે પછી વજનની બાબત હોય; આ એવું લિસ્ટ છે, જેની કોઈ સીમા નથી.

આ કારણોથી મહિલાઓને ઊતરતી આંકવામાં આવે છે અને તેમને એવી અનુભૂતિ કરાવાય છે કે તેમના સુંદર દેખાવામાં કશીક ખામી રહી ગઈ છે.

હું હજી એ નથી સમજી શકી કે, સુંદર કોણ છે? સુંદરતા કઈ રીતે વ્યાખ્યાયિત થાય છે? સુંદર હોવાનાં માપદંડો કોણે બનાવ્યાં છે? શું માત્ર ગોરા હોવું, એટલે જ સુંદર હોવું? શું આપણે બ્લૅક અને બ્રાઉન રંગવાળા સુંદર નથી?

સુંદરતાના સપાટી પરના માપદંડ

જેન-જી ભાષામાં આને 'પ્રિટિ પ્રિવિલેજ' પણ કહેવામાં આવે છે; જેનો અર્થ એ થાય કે સુંદર લોકોને વધારે વિશ્વાસપાત્ર માનવામાં આવે છે, લોકો તમારા પર વધારે પૉઝિટિવી સાથે ધ્યાન આપે છે.

ગોરાપણાને હમેશાં પ્યોર ઍન્ડ ડિવાઇન માનવામાં આવે છે. પરંતુ, હું હંમેશાં વિચારું છું કે, કાળી અને બ્રાઉન મહિલાઓની બાબતમાં શું?

શું આપણા અસ્તિત્વને કશી સ્વીકૃતિ નથી?

હું હમેશાં વિચારું છું કે, એક દિવસ આપણી સિદ્ધિઓ જ આપણા અસ્તિત્વ વિશે જણાવશે, આપણી ત્વચાનો રંગ નહીં.

પરંતુ, તાજેતરમાં કેરળ સરકારનાં મુખ્ય સચિવ સારદા મુરલીધરનની સાથે બનેલી ઘટનાએ આપણા અંતરઆત્માને ખળભળાવી મૂક્યો છે અને બાળપણના કાળા રંગના અનુભવોને તાજા કરી દીધા છે.

તેમણે લખ્યું, "મુખ્ય સચિવ તરીકે મેં મારા કાર્યકાળ અંગે કાલે એક રસપ્રદ ટિપ્પણી સાંભળી કે આ કાર્યકાળ એટલો જ કાળો હતો, જેટલો મારા પતિનો સફેદ. હમ્‌મ! મારે, હું કાળી છું એ સ્વીકારવાની જરૂર છે."

"તેમણે કહ્યું કે ઇન્ટરવ્યૂમાં તેમની બધી જ સિદ્ધિઓ ત્વચાના રંગ સુધી સીમિત થઈ ગઈ અને તેમને એવું લાગ્યું, જાણે તેઓ છે જ નહીં."

આ જોઈને આઘાત લાગે છે કે તેમનાં જેવાં સફળ મહિલા, જેમણે અમારા જેવી યુવા મહિલાઓને પ્રેરણા આપી છે, તેમનું માત્ર સુંદરતાના સપાટી પરના માપદંડોના આધારે જ મૂલ્યાંકન કરવામાં આવે છે.

રંગભેદનો વાદવિવાદ માત્ર ગોરા અને કાળા સુધી જ સીમિત નથી રહેતો; તેમાં ઘણા શેડ્સ છે. જેવા કે, ખૂબ ગોરો, ટ્યૂબલાઇટ જેવો ગોરો, ઘઉંવર્ણો, રંગ આછો છે પણ ચહેરો ભીનો છે. તેમનો નાકનકશો તો સુંદર છે પણ રંગ જરા કાળો છે.

આ જ જરીક કાળા રંગના કારણે મહિલાઓ દરરોજ પોતાની કોમળ ત્વચા માટે જુદીજુદી કેમિકલ પ્રોડકટનો ઉપયોગ કરે છે, જેથી તેઓ ગોરાપણાની વ્યાખ્યામાં બંધ બેસી શકે.

જ્યારે પણ તમે કોઈ પાર્લરમાં જાઓ છો, ત્યારે તમને એમ કહેવામાં આવે છે કે, તમારા ચહેરાને માત્ર ગ્લોની જરૂર નથી, પણ એક શ્યામ મહિલાએ પોતાની સ્કિનનો કલર લાઇટ કરવાની જરૂર છે.

ફેર ઍન્ડ લવલી અને બ્લીચિંગ એજન્ટ જેવી સામાન્ય ઘરેલુ ક્રીમ એવી વસ્તુઓ છે, જે આપણને સતત એવી અનુભૂતિ કરાવે છે કે આપણું અસ્તિત્વ આપણી ત્વચાના રંગ સાથે જોડાયેલું છે.

રંગભેદનાં મૂળ ઊંડાં છે

ગોરા રંગ સાથે જોડાયેલી અભિમાનની ભાવના ઉપરાંત પણ રંગભેદ જાતિવ્યવસ્થા અને અન્ય સામાજિક દૂષણો સાથે ગાઢ રીતે સંકળાયેલો છે.

મેં એવી ઘટનાઓ સાંભળી છે, જેમાં લગ્ન એટલા માટે અટકાવી દેવામાં આવ્યાં, કેમ કે છોકરી ગોરી નહોતી; અને જો છોકરી કાળી હશે તો સંતાન પર તેની અસર પડશે.

દહેજની માગ આપોઆપ સ્કૂટર પરથી કાર અને પાંચ લાખ રૂપિયા રોકડા પરથી 20 લાખ રોકડા સુધી એટલા માટે વધી જાય છે, કેમ કે, છોકરી કાળી છે.

ત્વચાના રંગ અને જાતિ વચ્ચે ગાઢ સંબંધ છે. એવું મનાય છે કે, કાળી ત્વચા કથિત નીચલી જાતિની હોય છે અને ગોરી ત્વચા ઉચ્ચ જાતિની હોય છે.

સુંદરતાનો વિચાર ફક્ત ત્વચાના રંગ સુધી જ સીમિત નથી. તે નાક-નકશા સાથે પણ સંકળાયેલો છે, જેમ કે, નાક કેટલું લાંબું છે કે આંખોની સાઇઝ કેટલી છે.

તમારું નાક નાનું બતાવવા અને તમારી આંખોને મોટી બતાવવા માટે ખાસ રીતે તૈયાર કરવામાં આવેલી મેકઅપની પ્રોડક્ટ ઉપલબ્ધ છે. એવું લાગે છે કે તમારી બધી ઇનસિક્યૂરિટીઝનો લાભ ઉઠાવીને તમને છો એનાથી વધારે ઇનસિક્યૂર અનુભવ કરાવવામાં આવ્યો છે.

બાળપણમાં મે ડેના સેલિબ્રેશન વખતે હંમેશા મને મજૂર જેવાં પાત્રો જ મળ્યાં. ક્યારેય મને સ્ટેજ પર માઇક પકડવાની તક ન મળી. મારે હંમેશા પાછળ જ રહેવું પડ્યું.

રંગભેદ માત્ર જાતિના વિચારને જ મજબૂત નથી કરતો, પરંતુ, તે ક્લાસના ભેદભાવને પણ મજબૂત કરે છે.

વિવિધતાનો પ્રશ્ન ક્યાં જતો રહે છે? આપણને બધાને આ પૂર્વગ્રહ વારસામાં મળ્યો છે. તે એટલો બધો ઊંડો છે કે આપણે કોઈને તેના રંગને બાદ કરીને જોઈ જ નથી શકતા.

બાળપણથી જ મહિલાઓને સુંદરતાના માપદંડો વિશે જણાવવામાં આવે છે. તે આપણી અંદર એટલા ઊંડે સુધી ઊતરી જાય છે કે, એક મહિલા હોવા છતાં આપણે તેનો [માપદંડોનો] અસ્વીકાર નથી કરી શકતા અને તે હંમેશા જળવાયેલા રહે છે.

પીડિત અને હાંસિયા પર હોવા છતાં આપણે તેને ટકાવી રાખવાના એજન્ટ બની જઈએ છીએ.

દુનિયા હવે આગળ વધી રહી છે અને આપણે ભાગ્યે જ રંગભેદ વિશે વાત કરીએ છીએ.

લિબરલ અને મૉડર્ન હોવાના મોહરા નીચેથી આપણે કહીએ છીએ, "ત્વચાના બધા રંગ સુંદર છે અને બ્રાઉન સ્કિન તો ખૂબ જ આકર્ષક હોય છે."

તેમ છતાં, સવાલ એ છે કે, શું ખરેખર આપણે સુંદરતાના માપદંડો સ્વીકારીને તેને વધારે વ્યાપક બનાવી રહ્યા છીએ? કે પછી સવાલો પર ધ્યાન આપ્યા વગર માત્ર આકર્ષકની વ્યાખ્યામાં ઉમેરો કરી રહ્યા છીએ?

રંગભેદ આપણી સંસ્કૃતિ અને ચેતનામાં એટલે ઊંડે સુધી પહોંચી ગયો છે કે, ઘણી વાર આપણે એ વાતની અવગણના કરી દઈએ છીએ કે તે કઈ રીતે આપણા જીવનના અનુભવોને ઘડે છે. તે કેવી રીતે તક સુધી પહોંચવાના આપણા માર્ગને કઠિન બનાવે છે અને તેમાં સામાજિક બહિષ્કાર પણ સામેલ છે.

(લેખિકા દિલ્હી યુનિવર્સિટીમાં ભણાવે છે. આ તેમના અંગત વિચારો છે.)

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયામાં Facebook પર , Instagram પર, YouTube પર, Twitter પર અને WhatsApp પર ફૉલો કરી શકો છો.