'મા 3 કલાક ઊંઘે છે અને પિતાએ કામ છોડી દીધું છે', 80 બૉલમાં 175 રન ફટકારનાર વૈભવ સૂર્યવંશીની કહાણી

બીબીસી ગુજરાતી, ગુજરાત, બીબીસી, અમદાવાદ, ક્રિકેટ, ભારત, અંડર-19 વર્લ્ડકપ, વૈભવ સૂર્યવંશી

ઇમેજ સ્રોત, Getty Images

વાંચવાનો સમય: 4 મિનિટ

આઇસીસી અંડર-19 ક્રિકેટ વર્લ્ડકપની ફાઇનલમાં 14 વર્ષીય ભારતીય ખેલાડી વૈભવ સૂર્યવંશીએ ધુંઆધાર બેટિંગ કરીને ફરી એક વખત પોતાની પ્રતિભાનો પરચો આપ્યો છે.

નામીબિયા અને ઝિમ્બાબ્વેમાં આયોજિત આઇસીસી અંડર-19 મૅન્સ વર્લ્ડકપના સોળમા એડિશનમાં ઇંગ્લૅન્ડ સામે રમાઈ રહેલી ફાઇનલમાં વૈભવ સૂર્યવંશીએ માત્ર 80 બૉલમાં 175 રનની તોફાની ઇનિંગ રમી છે.

તેમણે પોતાની આ ઇનિંગમાં 218.75ની સરેરાશ સાથે રમતા 15 ચોગ્ગા અને 15 છગ્ગા ફટકાર્યા છે.

એક સમયે તેઓ સરળતાથી 200નો આંકડો વટાવી જશે એવું લાગી રહ્યું હતું, પરંતુ અંતે 175 રનના સ્કોરે તેઓ એલેક્સ ગ્રીનના બૉલે બેન મેયેસને કૅચ દઈ બેઠા.

26મી ઓવરના ત્રીજા બૉલે આઉટ થતા પહેલાં તેમની દમદાર બેટિંગને બળે ભારતીય ટીમ 251 રનના સ્કોરે પહોંચી ગઈ હતી. આમ, તેઓ ટીમને મહત્ત્વની મૅચમાં અત્યંત મજબૂત પરિસ્થિતિમાં લાવવામાં સફળ રહ્યા હતા.

આઇસીસી મેન્સ અંડર-19 વર્લ્ડકપ 2026 ફાઇનલ મૅચમાં ભારતે ઇંગ્લૅન્ડ સામે 412 રનનું લક્ષ્ય મૂક્યું છે. ભારતે 50 ઓવરમાં નવ વિકેટ ગુમાવીને 411 રન બનાવ્યા.

પોતાની ધુંઆધાર બેટિંગને બળે ચોગ્ગા-છગ્ગાનો વરસાદ કરનારા આ બૅટ્સમૅનનું ક્રિકેટ ક્ષેત્રે આગમન આમ તો એક 'સનસનાટી' તરીકે થયું હતું, પરંતુ તેમણે ઘણા પ્રસંગે આવી જ તોફાની બેટિંગનું પ્રદર્શન કરવાનું ચાલુ રાખી પોતાની જાતને એક 'પ્રદર્શનમાં નિરંતરતા' જાળવનારા ક્રિકેટર તરીકે સ્થાપિત કરવામાં સફળતા મેળવી છે.

અગાઉની માફક શુક્રવારે પણ તેમણે મહત્ત્વપૂર્ણ મૅચમાં પોતાનું શ્રેષ્ઠ પ્રદર્શન કર્યું છે ત્યારે તેમના વિશે ઘણાના મનમાં કુતૂહલ જોવા મળી રહ્યું છે.

કોણ છે વૈભવ સૂર્યવંશી?

બીબીસી ગુજરાતી, ગુજરાત, બીબીસી, અમદાવાદ, ક્રિકેટ, ભારત, અંડર-19 વર્લ્ડકપ, વૈભવ સૂર્યવંશી

ઇમેજ સ્રોત, Johan Rynners-ICC/ICC via Getty Images

ઇમેજ કૅપ્શન, વૈભવ સૂર્યવંશીએ ઇંગ્લૅન્ડ સામેની આ ફાઇનલ મૅચમાં જબરદસ્ત બેટિંગ પ્રદર્શન કરી બતાવ્યું હતું
બદલો Whatsapp
બીબીસી ન્યૂઝ ગુજરાતી હવે વૉટ્સઍપ પર

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો

વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ

Whatsapp કન્ટેન્ટ પૂર્ણ

તમામ ભારતીય ક્રિકેટ ચાહકોને 2011માં મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં શ્રીલંકા સામેની વનડે વર્લ્ડકપની ફાઇનલમાં ફટકારેલી મહેન્દ્રસિંહ ધોનીની સિક્સર યાદ હશે.

ધોનીએ ભારતીય ટીમને વર્લ્ડકપની ફાઇનલમાં શ્રીલંકા સામે ઐતિહાસિક જીત અપાવી હતી. આ જીતના પાંચ દિવસ પહેલાં 27 માર્ચ, 2011ના રોજ વૈભવ સૂર્યવંશીનો જન્મ થયો હતો.

વૈભવે 12 વર્ષની ઉંમરે બિહારથી ક્રિકેટમાં પદાર્પણ કર્યું હતું.

વૈભવે અંડર-19 ટેસ્ટમાં ઑસ્ટ્રેલિયા સામે 58 બૉલમાં સદી ફટકારી હતી. યુવા ટેસ્ટમાં ભારત તરફથી રમતા વૈભવે ઓછા બૉલમાં સદી ફટકારી હતી.

વૈભવ રણજી ટ્રૉફી સહિતની ફર્સ્ટ ક્લાસ ટુર્નામેન્ટોમાં રમી ચૂક્યા છે.

તેમણે 23 નવેમ્બર, 2024ના રોજ રાજકોટમાં સૈયદ મુશ્તાક અલી સિરીઝમાં પદાર્પણ કર્યું હતું, તેણે રાજસ્થાનના ડાબોડી ઝડપી બૉલર અનિકેત ચેલાત્રીની ઓવરમાં બે છગ્ગા ફટકાર્યા હતા અને છ બૉલમાં 13 રન બનાવીને આઉટ થયા હતા.

વૈભવે ટાઇમ્સ ઑફ ઇન્ડિયાને આપેલી મુલાકાતમાં જણાવ્યું હતું કે "જ્યારે હું 9 વર્ષનો હતો, ત્યારે હું બિહારના સમસ્તીપુરમાં એક ક્રિકેટ ક્લબમાં જોડાયો હતો અને ત્યાં અઢી વર્ષ સુધી તાલીમ લીધા પછી, મેં વિજય મર્ચન્ટ સિરીઝમાં અંડર-16 ટેસ્ટમૅચમાં ભાગ લેવાનું નક્કી કર્યું હતું."

સમસ્તીપુરના રહેવાસી વૈભવે બિહારમાં રણધીર વર્મા અન્ડર 19 ટુર્નામેન્ટમાં ત્રેવડી સદી ફટકારી હતી. વૈભવ વેસ્ટ ઇન્ડિઝના દમદાર ભૂતપૂર્વ બૅટ્સમૅન બ્રાયન લારાને અનુસરે છે. ભારતના ભૂતપૂર્વ ખેલાડી અને ક્રિકેટ કોચ વસીમ જાફર જરૂર પડ્યે વૈભવને માર્ગદર્શન આપે છે.

બીબીસી સ્પૉર્ટ્સના અહેવાલ અનુસાર, નવેમ્બર 2024માં વૈભવને ઇન્ડિયન પ્રીમિયર લીગ (આઇપીએલ) 13 વર્ષની ઉંમરે રાજસ્થાન રૉયલ્સ દ્વારા રૂપિયા 1.1 કરોડ (130,000 અમેરિકન ડૉલર)માં પસંદ કરવામાં આવ્યા હતા.

વૈભવ સૂર્યવંશીએ માત્ર 14 વર્ષ અને 23 દિવસની ઉંમરે આઈપીએલમાં ડૅબ્યૂ કરીને સૌથી ઓછી ઉંમરે આઈપીએલ ક્રિકેટમાં ડૅબ્યૂ કરવાનો રેકૉર્ડ સર્જ્યો હતો.

રાજસ્થાન રૉયલ્સના તત્કાલીન કૅપ્ટન સંજુ સેમસનની ઇજાને કારણે વૈભવ સૂર્યવંશીને આઈપીએલમાં રમવાની પહેલી તક મળી હતી.

લખનૌ સુપર જાયન્ટ્સ સામેની આ મૅચમાં તેઓ રાજસ્થાનના ઇમ્પેક્ટ પ્લૅયર તરીકે બેટિંગ કરવા માટે ઊતર્યા હતા.

આટલા રેકૉર્ડ્સ ઓછા હોય એમ તેમણે પોતાની ઇનિંગના પહેલા જ બૉલે સિક્સ ફટકારીને નવો રેકૉર્ડ પણ સ્થાપિત કર્યો હતો.

35 બૉલમાં સદી ફટકારી આઇપીએલમાં રચ્યો ઇતિહાસ

બીબીસી ગુજરાતી, ગુજરાત, બીબીસી, અમદાવાદ, ક્રિકેટ, ભારત, અંડર-19 વર્લ્ડકપ, વૈભવ સૂર્યવંશી

ઇમેજ સ્રોત, Ashley Allen-ICC/ICC via Getty Images

2025માં આઇપીએલની 18મી સિઝનમાં ગુજરાત ટાઇટન્સ સામે રાજસ્થાન રૉયલ્સના વૈભવ સૂર્યવંશીએ માત્ર 35 બૉલમાં પોતાની સદી ફટકારીને ઇતિહાસ રચી દીધો હતો.

આ સદી ફટકારીને તેઓ આઇપીએલના ઇતિહાસમાં બીજા ક્રમની સૌથી ઝડપી સદી ફટકારનાર બૅટ્સમૅન બની ગયા હતા.

આ સાથે તેઓ આઇપીએલના ઇતિહાસમાં સૌથી ઝડપી સદી ફટકારનારા પહેલા ભારતીય બની ગયા હતા. ઉપરાંત ટી20ના ઇતિહાસમાં સદી ફટકારનારા સૌથી યુવા ક્રિકેટર બન્યા હતા.

તેમણે પોતાની સફળતાનો શ્રેય પોતાનાં માતાપિતાને આપ્યો હતો.

બીસીસીઆઈને આપેલા ઇન્ટરવ્યૂમાં વૈભવ સૂર્યવંશીએ કહ્યું, "હું મારાં માતાપિતાના કારણે અહીં પહોંચ્યો છું. મારે પ્રૅક્ટિસ માટે જવું છે તો 11 વાગ્યે સૂઈ જતાં મારાં માતા રાત્રે 2 વાગ્યે ઊઠે છે. માત્ર ત્રણ કલાકની ઊંઘ લે છે અને પછી રસોઈ બનાવે છે. પિતાજીએ મારા માટે કામ છોડી દીધું હતું, મારો મોટો ભાઈ પિતાનું કામ સંભાળે છે. મુશ્કેલીથી ઘર ચાલે છે. પાપા મારી પાછળ લાગેલા રહે છે કે તું કરી શકીશ. મને જે સફળતા મળી છે તે મને મારાં માતાપિતાના કારણે મળી છે."

આ સિવાય ડિસેમ્બર 2025માં લિસ્ટ એ મૅચમાં બિહારની ટીમમાંથી રમતી વખતે તેમણે 84 બૉલમાં 190 રન ફટકારીને ટીમનો સ્કોર 574 રન સુધી પહોંચાડી દીધો હતો.

આ સાથે જ બિહારે 574/6 સાથે લિસ્ટ એ મૅચમાં સૌથી વધુ સ્કોરનો નવો 'વર્લ્ડ રેકૉર્ડ' બનાવ્યો હતો.

બીબીસી ગુજરાતી, ગુજરાત, બીબીસી, અમદાવાદ, ક્રિકેટ, ભારત, અંડર-19 વર્લ્ડકપ, વૈભવ સૂર્યવંશી

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, આઇપીએલ 2025માં ગુજરાત ટાઇટન્સ સામેની મૅચમાં રાજસ્થાન રૉયલ્સના વૈભવ સૂર્યવંશીએ માત્ર 35 બૉલમાં પોતાની સદી ફટકારીને ઇતિહાસ રચ્યો હતો

190 રનની પોતાની સદી દરમિયાન સૂર્યવંશીએ અનેક વિશ્વ રેકૉર્ડ તોડ્યા હતા, લિસ્ટ એ ક્રિકેટમાં સદી ફટકારનાર સૌથી નાની ઉંમરના ખેલાડી બન્યા હતા અને સાથે જ તેમણે એબી ડી વિલિયર્સનો ફૉર્મેટમાં સૌથી ઝડપી 150 રન બનાવવાનો રેકૉર્ડ પણ તોડ્યો હતો.

આઇપીએલમાં ડેબ્યૂ કર્યા પહેલાં વૈભવ સૂર્યવંશી પોતાની જાતને એક ખાંટુ બૅટ્સમૅન તરીકે પ્રસ્થાપિત કરી ચૂક્યા હતા.

ક્રિકઇન્ફો પર આપેલી વિગતો અનુસાર આઇપીએલ ડેબ્યૂ પહેલાં તેઓ 2024માં એસીસી અંડર-19 એશિયા કપની ફાઇનલમાં પહોંચેલી ભારતીય ટીમનો ભાગ રહી ચૂક્યા હતા. આ પહેલાં તેઓ અંડર-19 ક્રિકેટમાં ભારતનું આંતરરાષ્ટ્રીય સ્તરે પ્રતિનિધિત્વ કરી ચૂક્યા હતા.

તેમની કારકિર્દીમાં તેમણે બનાવેલા રન પર એક નજર કરીએ તો સ્ટ્રાઇક રેટની દૃષ્ટિએ તેમનું પ્રદર્શન વર્લ્ડક્લાસ રહ્યું છે.

ફર્સ્ટક્લાસ ક્રિકેટમાં તેઓ આઠ મૅચ રમીને 90ના સ્ટ્રાઇક રેટ સાથે 207 રન, લિસ્ટ એમાં આઠ મૅચ રમીને 164ના સ્ટ્રાઇક રેટ સાથે 164.95 રન, ટી20 કારકિર્દીમાં કુલ 18 મૅચ રમીને 204ના સ્ટ્રાઇક રેટ સાથે 701 રન બનાવી ચૂક્યા છે. જેમાં ત્રણ સદી પણ સમાવિષ્ટ છે.

આઇપીએલમાં પણ તેઓ સાત મૅચ રમીને 206ના સ્ટ્રાઇક રેટ સાથે કુલ 252 રન બનાવી ચૂક્યા છે. જેમાં એક સદી અને એક અર્ધ સદી સામેલ છે.

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન