સિંહણને બેભાન કરવાનો ડોઝ ભૂલથી ટ્રૅકરને લાગી જતાં મોત કઈ રીતે થયું?

ઇમેજ સ્રોત, Hanif Khokhar/Getty
જૂનાગઢ જિલ્લાના વીસાવદરના નાની મોણપરી ગામમાં સિંહણને પકડવાનો પ્રયાસ કરતી વખતે ટ્રૅકરનું મોત થયું છે. પરંતુ જે રીતે ટ્રૅકરનું મોત થયું એ જવલ્લે જ બનતી ઘટના છે અને ગુજરાતના વનવિભાગના અનુસાર, આવું પ્રથમ વાર બન્યું છે.
સિંહણને બેભાન કરવાનો માટેનો ડોઝ જ્યારે છોડવામાં આવ્યો તે સિંહણને બદલે તેની પાછળ ઉભેલા ટ્રૅકરના હાથમાં વાગ્યો હતો.
ત્યારબાદ તેમને સારવાર માટે હૉસ્પિટલ લઈ જવામાં આવ્યા પરંતુ સોમવાર સવારે તેમનું મોત થઈ ગયું.
આવું કેવી રીતે બન્યું અને સિંહને બેભાન કરવા માટે અપાતો ડોઝ કેવો હોય છે? તેની માણસને શું અસર થાય?
સમગ્ર ઘટના કેવી રીતે બની હતી?

ઇમેજ સ્રોત, Hanif Khokhar
જૂનાગઢથી બીબીસી ગુજરાતીના સહયોગી હનીફ ખોખરે આપેલી માહિતી અનુસાર, વીસાવદરના નાની મોણપરી ગામમાં છેલ્લા કેટલાક દિવસથી સિંહણને કારણે લોકોમાં ડર વ્યાપેલો હતો.
સિંહણે ગઈકાલે વાડીવિસ્તારમાં રહેતા અને મજૂરીકામ કરતા શૈલેષભાઈ પારઘીના ચાર વર્ષના પુત્ર શિવમ પર હુમલો કર્યો હતો. તેના કારણે ઘટનાસ્થળે જ બાળકનું મોત થઈ ગયું હતું.
બાળકનાં મોત બાદ સિંહણને રૅસ્ક્યૂ કરવા માટે સાસણથી વિશેષ ટીમ બોલાવવામાં આવી હતી.
રૅસ્ક્યૂ ટીમમાં વીસાવદર રૅન્જનો સ્ટાફ, આરએફઓ, ડૉક્ટર, ડૉક્ટરની ટીમ અને ટ્રૅકર્સ હતા.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
જૂનાગઢના વનસંરક્ષક ડૉ. રામરતન નાલા કહે છે કે, "સાસણની વેટરનરી ટીમના ડૉક્ટર દ્વારા રૅસ્ક્યૂ પ્રક્રિયા હાથ ધરાઈ હતી. રૅસ્ક્યૂ દરમિયાન સિંહણને બેભાન કરવા માટે ટ્રૅન્ક્યુલાઇઝર ગનથી ડોઝ છોડવામાં આવ્યો હતો. આ સમયે સિંહણના પાછળના ભાગે ટ્રૅકર અશરફભાઈ ચૌહાણ ઊભા હતા અને દુર્ભાગ્યવશ સિંહણની જગ્યાએ ડોઝ ટ્રૅકરના ડાબા હાથમાં લાગી ગયો."
તેઓ કહે છે, "ત્યારબાદ તેમને હૉસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. આજે અશરફભાઈ ચૌહાણનું દુ:ખદ મોત થયું છે."
સિંહણના રૅસ્ક્યૂ સમયે ટ્રેકરના મોતની આ ઘટના ગુજરાતના ઇતિહાસમાં પ્રથમ ઘટના હોવાનું વનવિભાગ દ્વારા જણાવવામાં આવ્યું છે.
સિંહણને બેભાન કરવા માટેની દવા માણસ માટે કેટલી જોખમી?

ઇમેજ સ્રોત, Getty Images
આ ઘટનામાં જેમને સિંહણને બેભાન કરવા માટેનો ડોઝ વાગ્યો તેમનો જીવ બચી શક્યો નથી.
ડૉ. રામરતન નાલા જણાવે છે કે, "સિંહણનું વજન એ માણસના વજન કરતાં લગભગ ત્રણ ગણું વધારે હોય છે. માણસનું સરેરાશ વજન 70 કિલો હોય છે પરંતુ સિંહણનું વજન 210થી 250 કિલો જેટલું હોય છે. સિંહણને બેભાન કરવા માટેનો ડોઝ વજન પ્રમાણે નક્કી કરેલો હોય છે. આથી, માણસને આ ડોઝ આપવામાં આવે તો તેને ગંભીર અસર થાય છે."
તેમણે માહિતી આપી હતી કે સિંહણને આપવામાં આવનાર ડોઝ એ 'મીડ ડીટર્મિન' હતો અને માણસ પર તેની ગંભીર અસર થઈ શકે છે.
ડૉ. નાલાએ કહ્યું છે કે, "કર્મચારી વનવિભાગ સાથે કૉન્ટ્રેક્ટથી જોડાયેલા હતા, તેમનો વીમો હતો અને એ પૈસા એમને પહોંચાડવામાં આવશે તથા વનવિભાગ તરફથી પણ બનતી સહાય કરવામાં આવશે."
મોડી રાત્રે રૅસ્ક્યૂ ઑપરેશન પૂર્ણ કરી સિંહણને સફળતાપૂર્વક પકડી લેવામાં આવી હતી.
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન












