બજેટ 2026 : કૅન્સરની દવાઓથી લઈને લક્ઝરી ઘડિયાળ સુધી શું સસ્તું થશે, શેના ભાવ વધશે?

ઇમેજ સ્રોત, Getty Images
વાંચવાનો સમય: 2 મિનિટ
નાણામંત્રી નિર્મલા સીતારમણે રવિવારે પોતાનું સળંગ નવમું બજેટ રજૂ કર્યું હતું જેમાં તેમણે માળખાકીય વિકાસ પર વધારે ધ્યાન આપ્યું છે.
વર્ષ 2025ના બજેટમાં 12 લાખ રૂપિયા સુધીની આવકને ટૅક્સ ફ્રી કર્યા પછી આ વખતના બજેટમાં ટૅક્સ માળખામાં કોઈ ફેરફાર કરવામાં નથી આવ્યો.
છતાં આ વખતના બજેટમાં કેટલીક દરખાસ્તો એવી છે જેના કારણે અમુક ચીજો સસ્તી થશે જ્યારે કેટલીક ચીજોના ભાવમાં વધારો થવાનો છે.
કઈ ચીજો સસ્તી થશે?

ઇમેજ સ્રોત, Getty Images
બજેટની દરખાસ્તો મુજબ કેટલીક ચીજોના ભાવ ઘટશે જે આ મુજબ છેઃ
- ચામડાની ચીજવસ્તુઓ અને ફૂટવેરના ભાવ ઘટશે.
- બજેટની દરખાસ્તો પ્રમાણે વિદેશમાં વેકેશન ગાળવા જવા માટેના પૅકેજ સસ્તા પડશે. કારણ કે અગાઉ વિદેશી ટુરિઝમ પૅકેજ પર પાંચથી 20 ટકા ટીસીએસ (ટૅક્સ કલેક્ટેડ એટ સોર્સ) લાગતો હતો. હવે ટીસીએસ ઘટાડીને બે ટકા કરવામાં આવ્યો છે.
- વિદેશમાં શિક્ષણ પણ સસ્તું થશે. પરદેશમાં શિક્ષણ માટે જે ખર્ચ થાય તેમાં LRS (લિબરલાઇઝ્ડ રેમિટન્સ સ્કીમ) હેઠળ ટીડીએસમાં ઘટાડો કરવામાં આવ્યો છે.
- આલ્કોહોલિક લિકરના સ્ક્રેપ અને ચોક્કસ મિનરલ્સ પર ડ્યૂટી પાંચ ટકાથી ઘટાડીને બે ટકા કરવામાં આવી છે.
- એનર્જી ટ્રાન્ઝિશન માટેના ઉપકરણો પણ ભારતમાં સસ્તા પડશે. તેના પર બેઝિક કસ્ટમ્સ ડ્યૂટી (બીસીડી)માં મુક્તિ આપવામાં આવી છે. એટલે કે ઇવી બેટરી અને સોલર પેનલ સસ્તી પડશે.
- માઇક્રોવેવ ઓવન પર બીસીડીને મુક્તિ આપવામાં આવી છે. તેથી માઇક્રોવેવ ઓવન સસ્તાં થશે.
- ટીવીના ઇક્વિપમેન્ટ અને કૅમેરા પણ હવે સસ્તા પડશે.
- ફિલ્મ શૂટિંગ માટે આયાત કરવામાં આવતાં વિદેશી સાધનો સસ્તાં થશે.
- વીડિયો ગેમ્સના ઉત્પાદન માટેના પાર્ટ્સ
- સીએનજી સાથે મિક્સ કરવામાં આવતું બાયોફ્યુઅલ સસ્તું પડશે.
- ન્યુક્લિયર પાવર પ્રોજેક્ટ માટે પણ BCDમાં મુક્તિ આપવામાં આવી છે.
- દુર્લભ અને કૅન્સરની બીમારી માટેની દવાઓને BCDમાં મુક્તિ આપવામાં આવી છે. તેથી આવી દવાઓ સસ્તી થશે. કુલ 17 પ્રકારની દવાઓ હવે સસ્તી પડશે.
- મહત્ત્વના મિનરલ્સ માટે જરૂરી કૅપિટલ ગૂડ્સને પણ BCDમાં મુક્તિ અપાઈ છે.
- સિવિલિયન વિમાનોના ઉત્પાદન માટે જરૂરી પાર્ટ્સ અને કમ્પોનન્ટને BCDમાં મુક્તિ આપવામાં આવી છે.
- તેવી જ રીતે પર્સનલ ઉપયોગ માટેની ઇમ્પોર્ટ પરની BCD 20 ટકાથી ઘટાડીને 10 ટકા કરવામાં આવી છે.
કઈ ચીજો મોંઘી પડશે

ઇમેજ સ્રોત, Getty Images
બજેટની અમુક દરખાસ્તોના કારણે કેટલીક ચીજો મોંઘી થવાની છે જે આ મુજબ છેઃ
- લક્ઝરી ઘડિયાળો અને અને આયાતી આલ્કોહોલનો ખર્ચ વધશે. સિગરેટ, બીડી, તમાકુ, પાનમસાલા અને ગુટકા પણ મોંઘા પડશે.
- શૅરબજારમાં ફ્યુચર્સ ઍન્ડ ઑપ્શન્સ ટ્રેડિંગનો ખર્ચ વધી જશે. તેના પરનો એસટીટી (સિક્યોરિટી ટ્રાન્ઝેક્શન ટૅક્સ) 0.02 ટકાથી વધારીને 0.05 ટકા કરવામાં આવ્યો છે.
- મુવેબલ (જંગમ) મિલકતોનું ડિસ્ક્લોઝર ન કરવા પર હવેથી પેનલ્ટી લગાવવામાં આવશે.
- આવકવેરામાં પણ ખોટી માહિતી આપવાથી અથવા મિસરિપોર્ટિંગ કરવાથી આકરી પેનલ્ટી લાગશે. આ પેનલ્ટી ટૅક્સની રકમના 100 ટકા જેટલી હશે.
- કોલસો પણ મોંઘો થશે.
- કેટલાક ફર્ટિલાઇઝરના ભાવમાં વધારો થશે. ફર્ટિલાઇઝર માટે જરૂરી એમોનિયમ ફોસ્ફેટની આયાત પર ઇમ્પોર્ટ ફીમાં જે રાહત મળતી હતી તે દૂર કરવામાં આવી છે.
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન








