ઓડિશા ટ્રેન દુર્ઘટના : બાલાસોરમાં કેવી રીતે થયો ભયાનક ટ્રેન અકસ્માત, એકસાથે ત્રણ ટ્રેનો કેવી રીતે અથડાઈ?

બીબીસી ગુજરાતી

ઇમેજ સ્રોત, Getty Images

ઓડિશામાં થયેલી ટ્રેન દુર્ઘટનામાં એકસાથે ત્રણ ટ્રેનનો અકસ્માત થયો છે. અત્યાર સુધીમાં આ ભયાનક અકસ્માતમાં 288 લોકોનાં મોત થયાં છે અને લગભગ 800 લોકો ઘાયલ થયા છે.

ઇન્ડિયન એક્સ્પ્રેસના રિપોર્ટ પ્રમાણે ચેન્નઈ જઈ રહેલી કોરોમંડલ એક્સ્પ્રેસના ડબ્બા પાટા પરથી ઊતરી ગયા હતા. આ ડબ્બા ઊતરેલા ડબ્બા બાજુના રેલ્વે ટ્રેક પર જઈને પડ્યા હતા. એ પાટા પરથી બેંગલુરુ હાવડા સુપરફાસ્ટ એક્સ્પ્રેસ જઈ રહી હતી.

અખબારે દક્ષિણ પૂર્વ રેલવે પ્રવક્તાના નિવેદનના આધારે લખ્યું છે કે કોરોમંડલ ટ્રેનના કોચ નંબર બી2, એ1થી એ2, બી1 અને એન્જિન અકસ્માતનો ભોગ બન્યા હતા. જ્યારે ટ્રેન નંબર 12864 (યશવંતપુર-હાવડા એક્સ્પ્રેસ)ના એક જનરલ કોચને નુકસાન પહોંચ્યું હતું. જનરલ કોચ અને કોચ નંબર 2 પાછળની તરફથી પાટા પરથી ઊતરી ગયા હતા.

રેલવેના એક વરિષ્ઠ અધિકારીએ અખબારને જણાવ્યું કે બહાનગા બાઝાર રેલવે સ્ટેશનથી પસાર થતાં શાલીમાર ચેન્નઈ કોરોમંડલ ટ્રેનના 13 ડબ્બા પાટા પરથી ઊતરી ગયા હતા. આ ડબ્બા પાસેથી પસાર થઈ રહેલી હાવડા એક્સ્પ્રેસ ટ્રેનની સાથે અથડાયા. જે બાદ હાવડા એક્સ્પ્રેસના ત્રણ ડબ્બા પણ પાટા પરથી ઊતરી ગયા. .

અખબારના રિપોર્ટ પ્રમાણે બહાનગા બાઝાર રેલવે સ્ટેશન પર ચાર ટ્રેક છે. એક લૂપ ટ્રેક પર માલગાડી ઊભી હતી. બે મુખ્ય લાઇનો પર સામ-સામે બે ટ્રેનોને પસાર કરાવવાની હતી.

કોરોમંડલ ટ્રેનના જે ડબ્બા પાટા પરથી ઊતરી ગયા હતા તેની ટક્કર પાસેના ટ્રેક પર રહેલી માલગાડી સાથે પણ થઈ.

ગ્રે લાઇન

... કે એક બાદ એક ત્રણ ટ્રેનો આ રીતે અથડાઈ હતી?

વીડિયો કૅપ્શન, ઓડિશામાં ત્રણ ટ્રેન વચ્ચે થયેલા અકસ્માત બાદ કેવી તબાહી સર્જાઈ? જુઓ ડ્રોન દૃશ્યો

આ જ રિપોર્ટમાં સ્થાનિક સ્ટેશન અધિકારીઓના કહેવા મુજબ આ અકસ્માતની બીજી થિયરી પણ રજૂ કરવામાં આવી છે. જેમાં કોરોમંડલ ટ્રેનની જગ્યાએ બેંગલુરુ-હાવડા ટ્રેન પહેલાં પાટા પરથી ઊતરી ગઈ હોવાનું કહેવામાં આવ્યું છે.

ધ હિંદુ અખબારનું કહેવું છે કે પહેલાં યશવંતપુર હાવડા ટ્રેનના ડબ્બા પાટા પરથી ઊતરી ગયા હતા.

બદલો Whatsapp
બીબીસી ન્યૂઝ ગુજરાતી હવે વૉટ્સઍપ પર

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો

વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ

Whatsapp કન્ટેન્ટ પૂર્ણ

અખબારનું કહેવું છે કે સાંજે લગભગ સાત વાગ્યે બહાનગા બાઝાર રેલવે સ્ટેશન પાસે ટ્રેન નંબર 12864 (યશવંતપુર-હાવડા એક્સ્પ્રેસ)ના બે ડબ્બા પાટા પરથી ઊતરી ગયા અને બાજુના ટ્રેક પર ઝડપથી આવી રહેલી ટ્રેન નંબર 12841 (કોરોમંડલ એક્સ્પ્રેસ) સાથે ટકરાયા હતા. આ અકસ્માતમાં કોરોમંડલ ટ્રેનના 17 ડબ્બા પાટા પરથી ઊતરી ગયા.

ધ હિંદુ અખબારનું કહેવું છે કે આ અકસ્માતમાં એક માલગાડી પણ સામેલ છે. અખબારે ઓડિશાના ચીફ સેક્રેટરી પી. કે. જેનાના નિવેદનના આધારે લખ્યું કે કોરોમંડલ ટ્રેનના ડબ્બા જ્યારે પાટા પરથી ઊતર્યા તો તે માલગાડી સાથે અથડાયા હતા.

કોરોમંડલ એક્સ્પ્રેસ પશ્ચિમ બંગાળને તમિલનાડુ સાથે જોડે છે. અકસ્માતના કેટલાક સમય પહેલાં જ આ ટ્રેન શાલીમાર સ્ટેશન પરથી પસાર થઈ હતી. અખબારના રિપોર્ટ પ્રમાણે કોરોમંડલ ટ્રેનમાં મોટાભાગના લોકો એવા હોય છે જે કામ માટે કે સારી સ્વાસ્થ્ય સુવિધાઓ માટે તમિલનાડુ જાય છે.

હિંદુસ્તાન ટાઇમ્સ પ્રમાણે સાંજે 6 વાગીને 55 મિનિટ પર કોરોમંડલ એક્સ્પ્રેસના 15 ડબ્બા પાટા પરથી ઊતર્યા હતા અને બાજુના ટ્રેક પર પડ્યા હતા. સાંજે સાત વાગ્યે હાવડા એક્સ્પ્રેસની ટક્કર આ પાટા પરથી ઊતરી ગયેલા ડબ્બા સાથે થઈ અને તેના પણ બે ડબ્બા પાટા પરથી ઊતરી ગયા.

ટ્રેન એક્સિડેન્ટ એક્સિડન્ટ અકસ્માત રેલવે બીબીસી સમાચાર ઓડિશા

ઇમેજ સ્રોત, @AshwiniVaishanw / Twitter

રેલવેમંત્રી અશ્વિની વૈષ્ણવ ખુદ દુર્ઘટનાસ્થળે જવા રવાના થયા હતા. તેમણે ટ્વીટ કરીને દુર્ઘટના અંગે ખેદ પણ વ્યક્ત કર્યો હતો. તેમણે મૃતકોના પરિવારજનોને 10-10 લાખ રૂપિયા, ગંભીર રીતે ઈજા પામેલા લોકોને બે-બે લાખ અને સામાન્ય ઈજાઓ ધરાવતા લોકોને 50 હજાર રૂપિયા વળતર ચૂકવવાની જાહેરાત કરી છે.

ચીફ સેક્રેટરી પ્રદીપ જેનાએ કહ્યું છે કે ઈજાગ્રસ્તોને ગોપાલપુરના એક હૉસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. આ સિવાય કેટલાક ઈજાગ્રસ્તોને બાલાસોરની મેડિકલ કૉલેજમાં દાખલ કરવામાં આવ્યા છે.

ઓડિશા ટ્રેન દુર્ઘટના વડા પ્રધાન પીએમ મોદી નરેન્દ્ર સમાચાર

ઇમેજ સ્રોત, PIB

સમાચાર સંસ્થા પીટીઆઈએ સરકારી સૂત્રોને ટાંકીને જણાવ્યું છે કે વડા પ્રધાન નરેન્દ્ર મોદી શનિવારે જ કટકના હૉસ્પિટલની મુલાકાત લઈને આ ટ્રેન દુર્ઘટનામાં ઘાયલ થયેલાં લોકોને મળશે. બાલાસોરમાં શુક્રવારે સાંજે થયેલી આ ટ્રેન દુર્ઘટનામાં અત્યાર સુધી 238 લોકોનાં મૃત્યુની પુષ્ટિ થઈ છે.

શનિવારે સવારે રેલમંત્રી અશ્વિની વૈષ્ણવ અને ઓડિશાના મુખ્ય મંત્રી નવીન પટનાયક પણ ઘટનાસ્થળની મુલાકાત લઈ ચૂક્યા છે.

રેલમંત્રીને જ્યારે આ દુર્ઘટનાનું કારણ પૂછવામાં આવ્યું તો તેમણે કહ્યું, “ઘટનાની તપાસ માટે ઉચ્ચ સ્તરની સમિતિની રચના કરી દેવાઈ છે, તપાસ બાદ જ કંઈ કહી શકાશે.

પીટીઆઈ ન્યૂઝ વડા પ્રધાન મોદી

ઇમેજ સ્રોત, @PTI_News / Twitter

ગ્રે લાઇન

ઇમર્જન્સી હેલ્પલાઇન નંબર જાહેર

બીબીસી ગુજરાતી

ઇમેજ સ્રોત, ANI

ઓડિશા રાજ્ય આપત્તિ વ્યવસ્થાપન વિભાગના નિદેશક જ્ઞાનરંજન દાસે કહ્યું કે સરકારે આદેશ આપ્યો છે કે આસપાસના જિલ્લામાંથી ઍમ્બ્યુલન્સોને ઘટનાસ્થળ સુધી પહોંચાડવામાં આવે.

સમાચાર એજન્સી પીટીઆઈ અને એએનઆઈએ કેટલીક તસવીરો જાહેર કરી છે. જેમાં જોઈ શકાય છે કે ટ્રેનના કેટલાક ડબ્બા પલટી ખાધેલી હાલતમાં છે.

બદલો X કન્ટેન્ટ
X કન્ટેન્ટને મંજૂરી આપીએ?

આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

બીબીસી બહારની સાઇટ્સના કન્ટેન્ટ માટે જવાબદાર નથી.

X કન્ટેન્ટ પૂર્ણ

દક્ષિણ રેલવેએ એક ટ્વીટ કરીને જાણકારી આપી છે કે રેલવે તરફથી લોકોની મદદ માટે અસ્થાયી હેલ્પલાઇન નંબર 044- 2535 4771 ચાલુ કરવામાં આવ્યો છે.

જીઆરએમ ખડગપુરે પણ કહ્યું છે કે હાવડા, ખડગપુર, બાલાસોર અને શાલીમાર સ્ટેશનો પર હેલ્પલાઇન નંબર ચાલુ કરવામાં આવ્યા છે. તેમણે જણાવ્યું કે એનડીઆરએફની ટીમો દુર્ઘટનાસ્થળે રાહત અને બચાવકાર્ય હાથ ધરી રહી છે.

રેલવેમંત્રીના રાજીનામાની માગ, કોણે શું કહ્યું?

ઓડિશા ટ્રેન દુર્ઘટના

ઇમેજ સ્રોત, Getty Images/ANI

ટ્રેન દુર્ઘટના બાદ સત્તાધારી પાર્ટીથી લઈને વિપક્ષી પાર્ટીઓના નેતાઓની પ્રતિક્રિયા સામે આવી રહી છે.

વિપક્ષના કેટલાક નેતાઓએ દુર્ઘટના બાદ રેલવેમંત્રીના રાજીનામાની માગ કરી છે.

ટીએમસી નેતા અભિષેક બેનરજીએ ફેસબુક પર લખ્યું, "મોદી સરકાર જનતાને ગેરમાર્ગે દોરવા અને પોતાની રાજનૈતિક ઘેલછાઓને પૂર્ણ કરવા માટે વંદે ભારત ટ્રેન અને નવાં સ્ટેશનોની વાત કરે છે, પરંતુ સુરક્ષાને લઈને કંઈ કરી રહી નથી. ઘટનાસ્થળ પરથી જે દૃશ્યો જોવાં મળી રહ્યાં છે તે દુખદાયક છે. 100થી વધુ લોકોએ જીવ ગુમાવ્યા છે. મૃતકોના પરિવારજનો પ્રત્યે મારી સંવેદના."

બેનરજીએ રેલવેમંત્રીના રાજીનામાની માગ કરતા કહ્યું, "જો અંત:કરણનો અવાજ બચ્યો હોય તો રેલવેમંત્રી તાત્કાલિક રાજીનામુ આપે."

મહારાષ્ટ્રના પૂર્વ ડેપ્યુટી સીએમ અને એનસીપી નેતા અજિત પવારે પણ આ દુર્ઘટના અંગે દુખ વ્યક્ત કર્યું.

તેમણે કહ્યું, "આ દુર્ભાગ્યપૂર્ણ ઘટના છે. રેલવેવિભાગે તેની તપાસ કરવી જોઈએ. જે લોકો દોષિત સાબિત થાય, તેમના વિરુદ્ધ તપાસ કરવી જોઈએ. રેલવેએ લોકોના જીવની કિંમત સમજવી જોઈએ. પહેલાં આવી કોઈ દુર્ઘટના થતી તો રેલવેમંત્રી રાજીનામુ આપી દેતા હતા પણ હવે કોઈ આગળ આવતું નથી."

ઓડિશા ટ્રેન દુર્ઘટના

ઇમેજ સ્રોત, Twitter/manickamtagore

કૉંગ્રેસ સાંસદ મણિકમ ટૅગોરે પણ લાલ બહાદુર શાસ્ત્રીના રાજીનામાની તસવીરને રી-ટ્વીટ કરીને લખ્યું, "પહેલાં ભારતમાં આપણી પાસે એવા નેતા હતા, જે જવાબદારી લેતા હતા. જય હિંદ."

1956માં લાલ બહાદુર શાસ્ત્રીએ મહબૂબ નગરમાં થયેલી ટ્રેન દુર્ઘટના બાદ રેલવેમંત્રીના પદ પરથી રાજીનામું આપી દીધું હતું. જોકે, એ રાજીનામાને સ્વીકારવામાં આવ્યું નહોતું.

બાદમાં વધુ એક ટ્રેન દુર્ઘટના થઈ ત્યારે શાસ્ત્રીએ આપેલું રાજીનામું સ્વીકારી લેવામાં આવ્યું હતું.

જોકે, ઘટનાસ્થળની મુલાકાતે આવેલા અશ્વિની વૈષ્ણવને તેમના રાજીનામાની માગ અંગે પ્રશ્ન પૂછવામાં આવ્યો તો તેઓ સીધો જવાબ આપવાથી બચતા દેખાયા.

તેમણે કહ્યું, "હું એ જ કહીશ કે સૌથી પહેલું ફોકસ લોકોના જીવ બચાવવા અને રાહતકાર્ય પર હોવું જોઈએ. દુર્ઘટનાસ્થળ પર જેમ ક્લિયરન્સ મળશે, અમે ફરીથી રિસ્ટોરેશનનું કામ ચાલુ કરીશું."

રેડ લાઇન
રેડ લાઇન