ઉદ્ધવ ઠાકરેએ કહ્યું - 'મુંબઈમાંથી તમામ મહત્ત્વપૂર્ણ બાબતોને ગુજરાત કોણ લઈ જાય છે?'

મહારાષ્ટ્રના પૂર્વ મુખ્ય મંત્રી ઉદ્ધવ ઠાકરેનું કહેવું છે કે કેન્દ્ર તથા મહારાષ્ટ્ર સરકાર મુંબઈનું મહત્ત્વ ઘટાડી રહી છે.

ઉદ્ધવ ઠાકરેએ કહ્યું, "મુંબઈનું મહત્ત્વ ખતમ થઈ રહ્યું છે. મુંબઈમાં જેટલા સારા ઉદ્યોગ હતા, કાર્યાલય હતાં તથા આર્થિક કેન્દ્ર હતાં, તેમને ગુજરાત કોણ લઈ ગયું? આ લોકો જ લઈ ગયા."

ઉદ્ધવ ઠાકરેએ કહ્યું, "કોઈ મુંબઈને મહારાષ્ટ્રથી અલગ ન કરી શકે. જે કરશે એના અમે કટકા કરી નાખીશું. હું આ વાત જાહેરમાં બોલું છું. સાથે જ અમે મુંબઈનું મહત્ત્વ ઘટવા નહીં દઈએ."

ઉદ્ધવ ઠાકરેએ કહ્યું, "મુંબઈ મહારાષ્ટ્રનું પાટનગર છે, સાથે જ તેને દેશની આર્થિક રાજધાની પણ માનવામાં આવે છે. તેનું મહત્ત્વ અમુક લોકોને આંખમાં કણાની જેમ ખૂંચે છે."

તેમણે કહ્યું, "ફિલ્મ ઇન્ડસ્ટ્રીને કોણ લઈ જઈ રહ્યું હતું અને ક્યાં લઈ જઈ રહ્યું હતું? ડાયમંડ માર્કેટને કોણ લઈ ગયું? શું આ વાત સાચી નથી. લોકો આ બધું સરેઆમ થતું જોઈ રહ્યા છે."

નિમિષા પ્રિયા મામલે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી થઈ

નિમિષા પ્રિયા મામલે શુક્રવારે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી થઈ હતી. નિમિષા પ્રિયાનાં પક્ષે વકીલ તરીકે રજૂ થયેલા સુભાષ ચંદ્રન કેઆરએ સુનાવણી અંગે મીડિયાને માહિતી આપી હતી. તેમણે કહ્યું:

"ઍટર્ની જનરલે જસ્ટિસ વિક્રમ નાથ સમક્ષ કેસ રજૂ કર્યો હતો. નિમિષા પ્રિયાની મોતની સજા હાલમાં મોકૂફ રાખવામાં આવી છે, જેને જોતાં ઍટર્ની જનરલે ત્રણ અઠવાડિયાંનો સમય માગ્યો છે."

તેમણે જણાવ્યું હતું, "અરજદારો વતી મેં સુપ્રીમ કોર્ટમાં અરજ કરી હતીકે વાટાઘાટો માટે એક પ્રતિનિધિમંડળને યમન મોકલવામાં આવે, જેમાં અરજદાર સંગઠન, તેમનું પ્રતિનિધિમંડળ તથા કાંથાપુરમના પ્રતિનિધિ ધર્મુગુરૂ એપી અબૂબકર મુસલિયાર સામેલ હોય. 'બ્લડ મની' ચૂકવવા સંબંધે જે કોઈ વાટાઘાટો થઈ રહી છે, તેનું નેતૃત્વ મુસલિયાર કરી રહ્યા છે."

વકીલ સુભાષ ચંદ્રન કેઆરએ જણાવ્યું હતું, "કોર્ટે આજે અમારી દલીલનો સ્વીકાર કર્યો છે તથા યુનિયનને નિર્દેશ આપ્યો છે કે તેઓ અમારી વિનંતી ઉપર વિચાર કરવા માટે ભારત સરકારનો સંપર્ક સાધે."

ઈડીએ ભૂપેશ બઘેલના દીકરાની અટકાયત કરી, શું છે મામલો?

કેન્દ્રીય તપાસ એજન્સી ઈડીએ શુક્રવારે છત્તીસગઢના પૂર્વ મુખ્ય મંત્રી અને કૉંગ્રેસ નેતા ભૂપેશ બઘેલના દીકરા ચૈતન્ય બઘેલની અટકાયત કરી છે.

શુક્રવારે સવારે ઈડીની એક ટીમે ભૂપેશ બઘેલના ભિલાઈસ્થિત ઘર પર છાપો માર્યો હતો.

છત્તીસગઢમાં ઈડી કોલસા અને શરાબ ગોટાળાની તપાસ કરી રહી છે.

આ દરમિયાન સમયાંતરે ભૂપેશ બઘેલ અને તેમના પરિવારજનોનાં ઘરોમાં ઈડીએ છાપામારી અને પૂછપરછ કરી છે.

શુક્રવારે થયેલી છાપામારી બાદ ભૂપેશ બઘેલ રાયપુર પહોંચ્યા અને તેમણે વિધાનસભાની કાર્યવાહીમાં ભાગ લીધો.

આજે વિધાનસભામાં ચોમાસું સત્રનો અંતિમ દિવસ હતો. આ બધા વચ્ચે તેમના પરિવારજનોની પૂછપરછ ચાલુ હતી.

કૉંગ્રેસના વરિષ્ઠ નેતા ભૂપેશ બઘેલે સોશિયલ મીડિયા પ્લૅટફૉર્મ ઍક્સ પર લખેલી એક પોસ્ટમાં જણાવ્યું કે ઈડી વિધાનસભાના સત્રના અંતિમ દિવસે તેમના ઘરે આવી છે, જ્યારે તેમણે તમનારમાં અડાણી માટે વૃક્ષોને કાપવાનો મુદ્દો ઉઠાવ્યો હતો.

એક પોસ્ટમાં તેમણે લખ્યું, "જન્મદિવસની જેવી ભેંટ મોદી અને શાહ જી આપે છે, તેવી ભેંટ દુનિયામાં કોઈ પણ લોકતંત્રમાં કોઈ નહીં આપી શકે."

રાહુલ ગાંધી બોલ્યા, 'કેન્દ્ર સરકાર રૉબર્ટ વાડ્રાને પરેશાન કરે છે'

કૉંગ્રેસના સાંસદ અને લોકસભામા વિપક્ષ નેતા રાહુલ ગાંધીએ શુક્રવારે કહ્યું છે કે રૉબર્ટ વાડ્રાને કેન્દ્ર સરકાર લગાતાર પરેશાન કરી રહી છે.

રાહુલ ગાંધીએ સોશિયલ મીડિયા પ્લૅટફૉર્મ ઍક્સ પર લખ્યું છે કે "મારા જીજાને ગત દસ વર્ષોથી સરકાર લગાતાર પરેશાન કરે છે. હજુ પણ ચાર્જશીટ રાજનીતિક દ્વેષથી પ્રેરિત બદલાની કાર્યવાહીનો ભાગ છે."

રાહુલ ગાંધીએ કહ્યું છે કે તેઓ રૉબર્ટ વાડ્રા, પ્રિયંકા અને તેમનાં બાળકો સાથે મજબૂતીથી ઊભા છે. આમ એટલા માટે છે કારણકે તેઓ ફરીથી દુર્ભાવનાપૂર્ણ, રાજનીતિક રીતે પ્રેરિત બદનામી અ ઉત્પીડનનો સામનો કરી રહ્યાં છે.

રાહુલ ગાંધીએ કહ્યું કે મને ખબર છે કે તેઓ કોઈ પણ પ્રકારનાં ઉત્પીડનનો સામનો કરવા માટે સાહસ ધરાવે છે. તેમણે ભરોસો વ્યક્ત કર્યો છે કે આખરે જીત સત્યની થશે.

ન્યૂઝ એજન્સી પીટીઆઈ અનુસાર, ઈડીએ હરિયાણાના શિકોહપુરમાં જમીન સોદા સાથે જોડાયેલા એક મામલામાં રૉબર્ટ વાડ્રાની સામે આરોપપત્ર દાખલ કર્યું છે.

ટીઆરએફને આતંકવાદી સંગઠન ઘોષિત કરવાના અમેરિકાના નિર્ણય પર ભારતે શું કહ્યું?

અમેરિકાના 'ધ રેજિસ્ટન્સ ફ્રન્ટ' (ટીઆરએફ)ને 'વિદેશી આતંકવાદી સંગઠન' ઘોષિત કરવાના નિર્ણયનું ભારતીય વિદેશ મંત્રી એસ. જયશંકરે શુક્રવારે સ્વાગત કર્યું છે.

વિદેશ મંત્રી એસ. જયશંકરે અમેરિકાના વિદેશ મંત્રાલય અને વિદેશ મંત્રી માર્કો રુબિયોના આ નિર્ણયના વખાણ કર્યા.

તેમણે સોશિયલ મીડિયા પ્લૅટફૉર્મ ઍક્સ પર લખ્યું, "આ ભારત-અમેરિકા વચ્ચે આતંકવાદની સામે મજબૂત સહયોગનું પ્રમાણ છે."

અમેરિકાના વિદેશ મંત્રાલયે 'ટીઆઈએફ'ને વિદેશી 'આતંકવાદી સંગઠન' ઘોષિત કર્યું છે.

અમેરિકાના વિદેશ મંત્રાલયે તેની જાણકારી આપી હતી.

પાકિસ્તાનમાં ભયંકર વરસાદને કારણે 63 લોકોનાં મોત, 290 ઘાયલ

પાકિસ્તાનના પંજાબ પ્રાંતમાં છેલ્લા 24 કલાકમાં ભારે વરસાદને કારણે ઓછામાં ઓછા 63 લોકો માર્યા ગયા છે અને 290થી વધુ લોકો ઘાયલ થયા છે.

પાકિસ્તાનની નૅશનલ ડિઝાસ્ટર મૅનેજમેન્ટ ઑથોરિટીના જણાવ્યા પ્રમાણે મહત્તમ મોત બિલ્ડિંગ પડી જવાથી, ડૂબી જવાથી અથવા તો વીજળીનો કરંટ લાગવાથી થયાં હતાં.

બુધવારથી શરૂ થયેલો વરસાદ ગુરુવારે વધુ તીવ્ર બન્યો અને ચકવાલ, ઇસ્લામાબાદ અને રાવલપિંડી સહીતનાં શહેરોમાં ગુરુવાર સવાર સુધી ચાલુ રહ્યો.

ચકવાલમાં માત્ર 10 કલાકમાં 430 મીમી વરસાદ નોંધાયો હતો.

વર્ષ 2022માં પાકિસ્તાનમાં ભયંકર પૂર આવ્યું હતું જેને કારણે લગભગ 1,700 લોકોનાં મૃત્યુ થયાં હતાં અને કરોડો રૂપિયાનું નુકસાન થયું હતું.

રશિયા-ચીન-ભારતના ત્રિપક્ષીય સહયોગ પર વિદેશ મંત્રાલયે શું કહ્યું?

ભારતીય વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલે આરઆઈસી (રશિયા-ભારત-ચીન) સયહોગ પર પ્રતિક્રિયા આપી છે.

તેમણે એક પ્રેસ બ્રીફ્રિંગમાં કહ્યું, "આરઆઈસી એવું તંત્ર છે, જ્યાં ત્રણ દેશ આવે છે અને પોતાના હિત સાથે જોડાયેલા વૈશ્વિક અને ક્ષેત્રીય મુદ્દાઓ પર ચર્ચા કરે છે."

"જ્યાં સુધી આરઆસીની બેઠકના આયોજનનો સવાલ છે, આ એવો મામલો છે જેના પર ત્રણેય દેશ મળીને કામ કરશે. જ્યારે પણ બેઠક થશે, અમે તમને (મીડિયા) જાણકારી આપીશું."

ન્યૂઝ એજન્સી પીટીઆઈ પ્રમાણે, આ નિવેદન એવા સમયે આવ્યું છે જ્યારે ચીની વિદેશ મંત્રાલયે કહ્યું છે કે તે આરઆઈસીને ફરીથી શરૂ કરવાની રશિયાની પહેલનું સમર્થન કરે છે.

ચીની વિદેશ મંત્રાલયના પ્રવક્તાએ કહ્યું હતું, "ચીન-રશિયા-ભારત સહયોગ ન માત્ર ત્રણ દેશોનાં હિતોની પૂર્તિ કરે છે, પરંતુ ક્ષેત્ર અને વૈશ્વિક શાંતિ, સુરક્ષા, સ્થિરતા અને પ્રગતિને બનાવવામાં પણ મદદ કરે છે."

અમેરિકાએ ધ રેજિસ્ટન્સ ફ્રન્ટ (ટીઆરએફ)ને 'આતંકવાદી સંગઠન' જાહેર કર્યું

અમેરિકાએ ધ રેજિસ્ટન્સ ફ્રન્ટ (ટીઆરએફ)ને વિદેશી આતંકવાદી સંગઠન જાહેર કર્યું છે.

અમેરિકાના વિદેશ મંત્રાલયે એક નિવેદન મારફતે તેની જાણકારી આપી.

નિવેદનમાં અમેરિકાના વિદેશ મંત્રી માર્કો રુબિયોએ કહ્યું, "લશ્કર-એ-તૈયબા (એલઈટી)ના ફ્રન્ટ ટીઆરએફે પહેલગામમાં 22મી એપ્રિલના રોજ થયેલા હુમલાની જવાબદારી લીધી હતી. જેમાં 26 નાગરિકોનાં મૃત્યુ થયાં હતાં."

"આ હુમલો 2008માં મુંબઈ હુમલા બાદનો સૌથી ઘાતક હુમલો હતો, જેને લશ્કર-એ-તૈયબા (એલએટી)એ અંજામ આપ્યો હતો. ટીઆરએફે પણ ભારતીય સુરક્ષાદળો પર ઘણા હુમલાની જવાબદારી લીધી છે, જેમાં સૌથી મોટો હુમલો 20024માં થયો."

ટીઆરએફનો સંબંધ કથિત રીકે પાકિસ્તાનસ્થિત ચરમપંથી સંગઠન લશ્કર-એ-તૈયબા(એલઈટી) સાથે જોડાય છે.

જાન્યુઆરી 2023માં ભારતના ગૃહ મંત્રાલયે આ સંગઠન પર પ્રતિબંધ લગાવ્યો હતો અને 1967 અનલૉફુલ ઍક્ટિવિટી પ્રિવેન્શન ઍક્ટ (યુએપીએ) હેઠળ તેને 'આતંકવાદી' સંગઠન ઘોષિત કર્યું હતું.

વિદેશ સચિવ વિક્રમ મિસરીએ સાત મેના રોજ એક પ્રેસ બ્રીફિંગમાં ટીઆરએફને પહેલગામ હુમલા માટે જવાબદાર ગણાવ્યું હતું.

મિસરીએ કહ્યું હતું, "પોતાને ધ રેજિસ્ટન્સ ફ્રન્ટ (ટીઆરએફ) કહેનારા આ સંગઠને હુમલાની જવાબદારી લીધી છે. આ સંગઠન સંયુક્ત રાષ્ટ્ર દ્વારા પ્રતિબંધિત પાકિસ્તાની આતંકવાદી સંગઠન લશ્કર-એ-તૈયબાનો જ ચહેરો છે."

ઍર ઇન્ડિયા વિમાન ક્રૅશ: તપાસ કરનારી એજન્સીએ કહ્યું કે શરૂઆતી રિપોર્ટ પર હવે શું કહ્યું?

ઍરક્રાફ્ટ ઍક્સિડન્ટ ઇન્વેસ્ટિગેશન બ્યૂરો (એએઆઈબી)એ કહ્યું છે કે ઍર ઇન્ડિયા વિમાન અકસ્માતની તપાસ હજુ ચાલી રહી છે, તેથી કોઈ પરિણામ પર પહોંચવું વહેલું ગણાશે.

સમાચાર એજન્સી પીટીઆઈ અનુસાર, બ્યૂરોએ કહ્યું છે કે ફાઇનલ રિપોર્ટમાં અકસ્માતનાં મૂળ કારણો વિશે જણાવવામાં આવશે અને જરૂરી ભલામણો કરવામાં આવશે.

એએઆઈબીના મહાનિદેશક જીવીજી યુગંધરે એક નિવેદનમાં કહ્યું છે, "અમારા ધ્યાનમાં આવ્યું છે કે આંતરરાષ્ટ્રીય મીડિયા સંસ્થાનો પસંદગી અને અપુષ્ટ રિપોર્ટિંગ મારફતે વારંવાર એ પરિણામ કાઢવાની કોશિશ કરી રહ્યાં છે. તપાસ દરમિયાન આમ કરવું ગેરજવાબદારીપૂર્ણ છે."

અમદાવાદથી લંડન ગૅટવિક જઈ રહેલું બૉઇંગ 787-8 વિમાન ઉડાન ભરતાની સાથે તરત જ દુર્ઘટનાગ્રસ્ત થઈ ગયું. આ અકસ્માતમાં 260 લોકોનાં મૃત્યુ થયાં હતાં.

યુગંધરે કહ્યું, "અમે જનતા અને મીડિયાને અપીલ કરીએ છીએ કે તપાસ પ્રક્રિયાની નિષ્પક્ષતાને પ્રભાવિત કરનારાં ઉતાવળમાં કાઢવામાં આવેલાં નિષ્કર્ષોથી બચે."

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન