અમદાવાદ પ્લેન ક્રૅશ: ઍર ઇન્ડિયાનું પ્લેન 30 જ સેકન્ડમાં તૂટી પડવાનું કારણ શું હોઈ શકે?

ઇમેજ સ્રોત, Reuters
- લેેખક, સૌતિક બિસ્વાસ, મેટ મરફી અને જોશુઆ ચીથમ
- પદ, બીબીસી સંવાદદાતા, બીબીસી વેરિફાય
ગુરુવારે અમદાવાદથી લંડનના ગૅટવિક ઍરપૉર્ટ પર જતું વિમાન એઆઈ 171 શા માટે તૂટી પડ્યું તેનું ખરું કારણ તો વિગતવાર તપાસ બાદ જ બહાર આવશે, પરંતુ ઉડ્ડયનમાં ટેકઑફ પછીની કેટલીક ક્ષણો સૌથી વધુ પડકારજનક હોઈ શકે છે.
અમદાવાદના સરદાર વલ્લભભાઈ પટેલ આંતરરાષ્ટ્રીય ઍરપૉર્ટના રનવેથી માત્ર દોઢ કિલોમીટર દૂર બોઇંગ 787-8 ડ્રીમલાઇનર ટેકઑફ પછી તરત જ તૂટી પડવાનું કારણ શું હતું તે જાણવાનો પ્રયાસ સત્તાવાળાઓ કરી રહ્યા છે ત્યારે આગામી દિવસોમાં ભારતીય તપાસકર્તાઓ સાથે અમેરિકા અને યુનાઇટેડ કિંગ્ડમ (યુકે)ના નિષ્ણાતો પણ જોડાશે.
2011માં કોમર્શિયલ સર્વિસમાં પ્રવેશ્યા પછી 787-8 ડ્રીમલાઇનર પ્રથમ વખત જીવલેણ અકસ્માતનો ભોગ બન્યું છે. ગુરુવારની દુર્ઘટનામાં 241 પ્રવાસીઓ અને જમીન પરના બીજા ઘણા લોકો માર્યા ગયા હતા.
આ વિમાન કયાં કારણોસર અમદાવાદના હૃદયસમા વિસ્તારમાંની રહેણાક ઇમારતો સાથે અથડાયું હશે તે જાણવા માટે બીબીસીએ ભારતમાંના ઉડ્ડયન નિષ્ણાતો તેમજ ભારતમાં સ્થિત પાઇલટ્સ સાથે વાત કરી હતી. એ પૈકીના કેટલાકે અનામ રહેવાની શરતે વાત કરી હતી. આ લોકો ભારતના આંતરરાષ્ટ્રીય ઍરપૉર્ટ્સ પરથી 787-8 ફ્લાઇટ્સનું સંચાલન કરે છે.
ઊંચાઈ મેળવવા માટે સંઘર્ષ

ઇમેજ સ્રોત, Reuters
અમદાવાદમાં તૂટી પડેલા 787-8 ડ્રીમલાઇનરના કૅપ્ટન સુમિત સભરવાલ અને કો-પાઇયલટ ક્લાઇવ કુંદર હતા. બંને ખૂબ અનુભવી હતી. તેમને સંયુક્ત રીતે 9,000થી વધુ ફ્લાઇંગ અવર્સનો અનુભવ હતો. સુમિત સભરવાલને પાઇલટ તરીકેનો 22થી વધુ વર્ષનો અનુભવ હતો.
આ પ્લેન ગુરુવારે બપોરે અમદાવાદ આંતરરાષ્ટ્રીય ઍરપોર્ટ પરથી રવાના થયું ત્યારે તેમાં 242 લોકો હતા. ઑપરેટર ઍર ઇન્ડિયાએ જણાવ્યું હતું કે સ્થાનિક સમય મુજબ બપોરે 1.39 વાગ્યે આ પ્લેને ઉડાન ભરી હતી.
કેન્દ્રના ગૃહપ્રધાન અમિત શાહે જણાવ્યું હતું કે આ પ્લેન અમદાવાદથી રવાના થયું ત્યારે 100 ટન ઈંધણ (લગભગ ફૂલ લોડ)નું વહન કરી રહ્યું હતું.
ભારતના ઉડ્ડયન નિયમનકારે જણાવ્યું હતું કે ટેકઑફ કર્યા પછી તરત જ કૉકપીટે 'મેડે' કૉલ આપ્યો હતો. એ પછી વિમાનમાંથી કોઈ પ્રતિભાવ મળ્યો ન હતો. મેડે કૉલ શા માટે કરવામાં આવ્યો હતો તે સ્પષ્ટ નથી, પરંતુ આ દુર્ઘટનામાંથી બચી ગયેલા એકમાત્ર પ્રવાસીએ મીડિયાને જણાવ્યું હતું કે વિમાન ઊંચાઈ મેળવવા માટે સંઘર્ષ કરતું હતું ત્યારે તેણે જોરદાર ધડાકો સાંભળ્યો હતો.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
બીબીસી વેરિફાઈ દ્વારા પ્રમાણિત ફૂટેજમાં વિમાન રહેણાક વિસ્તારની ઉપરથી નીચી સપાટીએ ઊડતું જોવા મળ્યું હતું. અંતિમ ટ્રાન્સમિટેડ ડેટા દર્શાવે છે કે પ્લેન 625 ફૂટની ઊંચાઈ પર પહોંચ્યું હતું. એ પછી તે નીચે આવવા લાગ્યું હતું અને વૃક્ષો તથા ઇમારતોની પાછળ ઢંકાઈ ગયું હતું. તે પછી એક મોટો વિસ્ફોટ થયો હતો.
એક પાઇલટે કહ્યું હતું, "બંને એન્જિન કાર્ય કરતા બંધ થઈ ગયાં હશે તો તેમની પાસે પ્રતિક્રિયા આપવાનો સમય જ નહીં હોય." બીબીસી વેરિફાઈએ નિહાળેલા ફૂટેજમાં જોવા મળ્યું હતું કે વિમાન 30 સેકન્ડ પૂરતું જ હવામાં હતું.
વિમાન એક રહેણાક વિસ્તારમાં તૂટી પડ્યું હતું. એ કારણે હૉસ્પિટલો અને સત્તાવાર ઇમારતો સહિતના ગીચ વિસ્તારમાંના રહેણાક બ્લૉક્સને ભારે નુકસાન થયું હોવાનું ઇમેજીસમાં જોવા મળે છે.
'ખૂબ જ દુર્લભ' ડબલ ઍન્જિન ફેઇલ્યોરની અટકળો

ઇમેજ સ્રોત, Getty Images
તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
આ દુર્ઘટનાનું ખરું કારણ શું છે તે વિમાનની ટૂંકી ઉડાનના વીડિયોના આધારે ચોક્કસપણે સ્થાપિત કરવું લગભગ અશક્ય છે.
ફ્લાઇટ ડેટા રેકૉર્ડ કરતા વિમાનના બ્લૅક બૉક્સ અને કાટમાળની તપાસ આગામી દિવસોમાં થશે, પરંતુ જે વીડિયોઝ બહાર આવ્યા છે તે દર્શાવે છે કે વિમાન જમીન પરથી ઉડાન ભરવા માટે સંઘર્ષ કરી રહ્યું છે. તેનું દેખીતું કારણ થ્રસ્ટ અથવા પાવરનો અભાવ હોય એવું લાગે છે.
કેટલાક નિષ્ણાતોના અનુમાન મુજબ, દુર્ઘટનાનું એક કારણ ડબલ એન્જિન ફેઇલ્યોર છે. એવું ભાગ્યે જ બને છે કે બંને એન્જિન કામ કરતાં બંધ થઈ જાય. સવાલ એ થાય છે કે વિમાનમાં તેનું રેમ ઍર ટર્બાઇન (આરએટી) તહેનાત હતું? આરએટી એક ઇમરજન્સી બૅક-અપ ટર્બાઇન છે, જે મુખ્ય ઍન્જિન આવશ્યક સિસ્ટમ્સ માટે પાવર જનરેટ કરવામાં નિષ્ફળ જાય ત્યારે શરૂ થઈ જાય છે.
ડબલ એન્જિન ફેઇલ્યોર વિશે લગભગ ક્યારેય સાંભળવા મળ્યું નથી. તેનું સૌથી નોંધપાત્ર ઉદાહરણ 2009નો 'મિરેકલ ઑન ધ હડસન' છે. એ ઘટનામાં અમેરિકન ઍરવેઝ ઍરબસ એ320 ન્યૂ યૉર્કના લાગાર્ડિયા ઍરપૉર્ટ પરથી ઉડાન ભર્યા પછી પક્ષી સાથે અથડાઈ હતી. તેના બંને એન્જિન કાર્ય કરતા બંધ થઈ ગયાં હતાં, પરંતુ તે સલામત રીતે આગળ વધી હતી.
એક વરિષ્ઠ પાઇલટે બીબીસીને જણાવ્યું હતું કે ડબલ એન્જિન ફેઇલ્યોર ઈંધણમાં પ્રદૂષણ અથવા અવરોધને કારણે પણ થઈ શકે છે. વિમાનના એન્જિનનો આધાર ચોક્કસ મીટરિંગ સિસ્ટમ પર હોય છે. તે સિસ્ટમ અવરોધિત થાય તો એન્જિનને ઈંધણ મળતું નથી અને એન્જિન બંધ થઈ શકે છે.
ભૂતપૂર્વ પાઇલટ માર્કો ચાને બીબીસી વેરિફાઈને જણાવ્યું હતું કે ડબલ એન્જિન ફેઇલ્યોર સૂચવતા કોઈ પુરાવા ઉપલબ્ધ ફૂટેજમાંથી મળતા નથી.
ઉડ્ડયન નિષ્ણાત મોહન રંગનાથને બીબીસીને જણાવ્યું હતું કે ડબલ એન્જિન ફેઇલ્યોર "ખૂબ જ દુર્લભ ઘટના" હોય છે.
એન્જિન ઉત્પાદક જીઈ ઍરોસ્પેસે જણાવ્યું હતું કે તપાસમાં મદદ કરવા માટે કંપની એક ટીમ ભારત મોકલી રહી છે. બોઇંગે જણાવ્યું હતું કે તે ઍરલાઇનને સંપૂર્ણ સહકાર આપી રહી છે.
પ્લેન સાથે પક્ષી અથડાવાની શક્યતા

ઇમેજ સ્રોત, Getty Images
કેટલાક ભારતીય નિષ્ણાતો દુર્ઘટનાની બીજી શક્યતા બર્ડ હીટ એટલે કે પ્લેન સાથે પક્ષી અથડાવાની હોવાનું જણાવ્યું છે.
વિમાન સાથે પક્ષી અથડાય ત્યારે એવું થાય છે અને એ અત્યંત ખતરનાક સાબિત થઈ શકે છે. ગંભીર કિસ્સામાં પક્ષી એન્જિન સાથે અથડાય તો એન્જિન તેનો પાવર ગુમાવી શકે છે. એવું ગયા વર્ષે દક્ષિણ કોરિયામાં જેજુ ઍર દુર્ઘટનામાં થયું હતું. તેમાં 179 લોકો માર્યા ગયા હતા.
અમદાવાદ ઍરપૉર્ટથી પરિચિત નિષ્ણાતો અને પાઇલટ્સે બીબીસીને જણાવ્યું હતું કે આ ઍરપૉર્ટ "પક્ષીઓ માટે કુખ્યાત" છે.
રંગનાથને કહ્યું હતું, "પક્ષી કાયમ આસપાસ ઊડતાં હોય છે." અમદાવાદ ઍરપૉર્ટ પરથી ઉડાન ભરનારા અને ઉતરાણ કરનારા ઓછામાં ઓછા ત્રણ ભારતીય પાઇલટ્સ આ વાત સાથે સંમત થયા હતા.
સંસદમાં ડિસેમ્બર 2023માં રજૂ કરાયેલા નાગરિક ઉડ્ડયન મંત્રાલયના ડેટા અનુસાર, ગુજરાતમાં છેલ્લાં પાંચ વર્ષમાં બર્ડ હિટની 462 ઘટનાઓ નોંધાઈ હતી અને એ પૈકીની મોટાભાગની ઘટનાઓ અમદાવાદ ઍરપૉર્ટ પર બની હતી.
ટાઇમ્સ ઑફ ઇન્ડિયા અખબારના સપ્ટેમ્બર 2023ના એક અહેવાલમાં ઍરપૉર્ટ ઑથોરિટીના ડેટાનો ઉલ્લેખ કરીને જણાવવામાં આવ્યું હતું કે અમદાવાદમાં 2022-23માં બર્ડ હિટની 38 ઘટનાઓ બની હતી, જે પાછલા 12 મહિનાની સરખામણીમાં 35 ટકા વધુ હતી.
2009ની એક ઘટનામાં 2,700 ફૂટની ઊંચાઈ સુધી સીગલ પક્ષીઓનું ટોળું જોવા મળ્યું હતું. આ ઊંચાઈ ઍર ઇન્ડિયાની ફ્લાઇટ કરતાં ચાર ગણી વધારે છે. ગુરુવારના કિસ્સામાં ભારતીય પાઇલટ્સ પાસે ઊંચાઈ પણ ન હતી કે વિમાનને બચાવવા માટેના પ્રયાસો કરવાનો સમય પણ ન હતો.
જોકે, એ વરિષ્ઠ પાઇલટે જણાવ્યું હતું કે "બર્ડ હિટથી બંને એન્જિનન અસર ન થઈ હોય ત્યાં સુધી" પ્લેન સાથે પક્ષીનું અથડાવું ભાગ્યે જ વિનાશક હોય છે.
વિમાનનાં ફ્લૅપ્સની કોઈ ભૂમિકા હશે?

ઇમેજ સ્રોત, Getty Images
બીબીસી વેરિફાઈ સાથે વાત કરતાં ત્રણ નિષ્ણાતોએ સૂચવ્યું હતું કે ટેક-ઑફ દરમિયાન પ્લેનનાં ફ્લૅપ્સ વિસ્તર્યાં ન હોય તો આવી દુર્ઘટના સર્જાઈ શકે. અલબત, અન્ય પાઇલટ્સ અને વિશ્લેષકોએ ભિન્નમત વ્યક્ત કર્યો હતો.
ટેક-ઑફ દરમિયાન ફ્લૅપ્સ મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. વિમાનને ઓછી ગતિએ મહત્તમ લિફ્ટ આપવામાં મદદ કરે છે.
જો તે યોગ્ય રીતે વિસ્તરે નહીં તો મુસાફરો ભરેલા, લાંબા અંતરની ફ્લાઇટ માટે મોટા પ્રમાણમાં ઈંધણ ધરાવતા અને ગરમ પરિસ્થિતિનો સામનો કરતા સંપૂર્ણ લોડેડ જેટને લિફ્ટ કરવામાં મુશ્કેલી સર્જાઈ શકે છે.
એક પાઇલટે બીબીસીને જણાવ્યું હતું કે અમદાવાદમાં ગુરુવારે તાપમાન 40 ડિગ્રી હતું. ત્યાં પાતળી હવાને કારણે હાયર ફ્લૅપ સેટિંગ્સ અને વધુ એન્જિન થ્રસ્ટ હોવા જોઈએ, આવી પરિસ્થિતિ નાની કન્ફિગરેશન ઍરર પણ વિનાશક સાબિત થઈ શકે છે.
ગુરુવારે મોડી રાતે બહાર આવેલા સીસીટીવી ફૂટેજમાં પ્લેન અમદાવાદથી ઉડાન ભરતું, ઊંચાઈ મેળવવા માટે સંઘર્ષ કરતું અને પછી તૂટી પડતાં પહેલાં ધીમે ધીમે નીચે આવતું દેખાય છે.
અલબત, એક પાઇલટે બીબીસીને જણાવ્યું હતું કે ફ્લૅપ્સ પાછાં ખેંચાય ત્યારે 787ની ટેક-ઑફ કન્ફિગરેશન વૉર્નિંગ સિસ્ટમ ચેતવણી આપે છે, જે વિમાનની ચાલક ટુકડીને અસલામત કન્ફિગરેશનની ઍલર્ટ આપે છે.
ભૂતપૂર્વ પાઇલટ ચાને બીબીસી વેરિફાઈને જણાવ્યું હતું કે ફ્લૅપ્સ વિસ્તારિત હતાં કે કેમ તેની ખાતરી અત્યાર સુધી બહાર આવેલા ફૂટેજમાંથી કરવી મુશ્કેલ છે, પરંતુ આવી ભૂલ "અત્યંત અસામાન્ય" હશે.
"પાઇલટ્સ ઉડાન ભરતાં પહેલાં સ્વયં ફ્લૅપ્સ સેટ કરે છે. તેના સેટિંગ્સ ચકાસવા માટે ચેકલિસ્ટ્સ અને પ્રક્રિયાઓ હોય છે," એમ કહેતાં ચાને ઉમેર્યું હતું, "ફ્લૅપ્સ યોગ્ય રીતે સેટ ન કરવામાં આવ્યાં હોય તો તે સંભવિત માનવ ભૂલનો સંકેત આપે છે."
(એડિશનલ રિપોર્ટિંગઃ જેક હોર્ટન)
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન













