સીરિયાની સ્થિતિ પર ફ્રાન્સ અને જર્મનીની સરકારોએ શું કહ્યું?- ન્યૂઝ અપડેટ

પશ્ચિમી દેશોએ સીરિયામાં બશર અલ-અસદ સરકારના પતનનું સ્વાગત કર્યું છે. ફ્રાન્સ, બ્રિટન અને જર્મનીએ અસદની સત્તાના પતનની ઘટનાનું સ્વાગત કર્યું છે.
ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઇમેન્યુએલ મૅક્રોંએ સોશિયલ મીડિયા પર લખ્યું, "આખરે એક બર્બર સરકાર પડી ગઈ. હું સીરિયાના લોકોના સાહસ અને ધૈર્યની પ્રશંસા કરું છું. ફ્રાન્સ મધ્ય-પૂર્વમાં તમામની સુરક્ષા માટે પ્રતિબદ્ધ રહેશે."
સમાચાર સંસ્થા એએફપી અનુસાર જર્મનીના ચાન્સેલર ઓલાફ શોલ્ત્ઝે પણ અસદના પતનને સારા સમાચાર ગણાવ્યા છે. તેમણે સીરિયાને સ્થિર કરવા માટે રાજનૈતિક સમાધાનની અપીલ પણ કરી.
સીરિયાની સ્થિતિ પર ઇઝરાયલના પીએમ નેતન્યાહૂએ શું કહ્યું?

ઇમેજ સ્રોત, Getty Images
ઇઝરાયલી વડા પ્રધાન બેન્જામિન નેતન્યાહૂએ સીરિયાની સ્થિતિ પર એક વીડિયો સંદેશ જાહેર કર્યો છે.
આ સંદેશમાં તેમણે બશર અલ-અસદની સત્તાના પતનને મધ્ય-પૂર્વ ક્ષેત્ર માટે ઐતિહાસિક ગણાવ્યું છે. જોકે, તેમણે કહ્યું કે જોખમ ટળ્યું નથી અને ખતરાની આશંકા પણ વ્યક્ત કરી છે.
તેમણે કહ્યું કે ઇઝરાયલની હિઝ્બુલ્લાહ અને ઈરાન પરની કાર્યવાહીને કારણે આ પરિણામ જોવાં મળ્યું. કારણ કે, હિઝ્બુલ્લાહ અને ઈરાન અસદના સમર્થક છે.
નેતન્યાહૂએ એમ પણ કહ્યું કે સીરિયામાં અસદની સત્તાના પતન બાદ તેમણે કુર્દ, ખ્રિસ્તી અને મુસ્લિમો કે જેઓ ઇઝરાયલ સાથે શાંતિથી રહેવા માગે છે તેમને શાંતિનો સંદેશો પણ મોકલ્યો છે.
તેમણે કહ્યું, "ઇઝરાયલ સીરિયામાં નવી તાકત સાથે પાડોશી જેવા શાંતિપૂર્ણ સંબંધ ઇચ્છે છે. પરંતુ જો તેમ ન થયું તો ઇઝરાયલ તેની સરહદને બચાવવા માટે કંઇ પણ કરી શકે છે."
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
અંડર-19 એશિયાકપની ફાઇનલમાં બાંગ્લાદેશે ભારતને હરાવ્યું

ઇમેજ સ્રોત, Bangladesh Cricket Official X Account
અંડર-19 એશિયાકપની ફાઇનલ મૅચમાં બાંગ્લાદેશે ભારતને 59 રનોએ હરાવ્યું છે.
આ મૅચ દુબઈ ઇન્ટરનેશનલ સ્ટેડિયમમાં રમાઈ હતી.
એશિયાકપની ફાઇનલ મૅચમાં બાંગ્લાદેશની ટીમ શરૂઆતથી જ ભારત પર હાવી રહી. ભારતે ટૉસ જીતીને પહેલી બૉલિંગ લીધી. પહેલી બેટિંગ કરતા બાંગ્લાદેશે આઠ વિકેટે 198 રન બનાવ્યા.
199 રનોના લક્ષ્યાંકનો પીછો કરતા ભારતીય ટીમ માત્ર 139 રનમાં ઑલઆઉટ થઈ ગઈ.
શંભુ બૉર્ડર પર ખેડૂત પ્રદર્શનકારીઓએ આજની 'દિલ્હી ચલો' કૂચ સ્થગિત કરી

ઇમેજ સ્રોત, ANI
હરિયાણા અને પંજાબની સરહદ પાસે એમએસપી સહિતની માગોને લઈને પ્રદર્શન કરી રહેલા ખેડૂત પ્રદર્શનકારીઓએ આજના દિલ્હી ચલો માર્ચને પરત ખેંચી લીધી છે.
જોકે, પ્રદર્શનકારીઓએ પ્રદર્શન યથાવત્ રાખવાની વાત પણ કરી છે.
ખેડૂત નેતા સરવનસિંહ પંઢેરે તેની જાણકારી આપી. સરવનસિંહે કહ્યું, "અમે આજના પ્રદર્શનકારીઓને પરત આવવાનું કહ્યું છે પરંતુ આંદોલન યથાવત્ રહેશે. એક ખેડૂતને પીજીઆઈ મોકલવામાં આવ્યા છે. આઠ-નવ ખેડૂતો ઘાયલ થયા છે. હવામાન ખરાબ છે. મિટિંગ કર્યા બાદ આગળની રણનીતિ બનાવાશે. પોલીસે ટિયરગૅસના શૅલ્સ છોડ્યા છે. રબરની ગોળી પણ ચલાવી છે."
ખેડૂતો એમએસપીની ગૅરંટીને લઈને આ માર્ચ કરી રહ્યા હતા. ખેડૂતો ટિયરગૅસના શૅલ્સને કારણે ઘાયલ થયા છે. રવિવારે પોલીસે ખેડૂતોને હરિયાણાની સરહદ પાસે જ ખેડૂતોને રોકી લીધા હતા. ખેડૂતોએ 101 પ્રદર્શનકારીઓ સાથે રવિવારે દિલ્હી માર્ચનું ઍલાન કર્યુ હતું.
શનિવારે સરવનસિંહ પંઢેરે કહ્યું કે કેન્દ્ર સરકાર તરફથી ખેડૂતોના મુદ્દાઓ પર વાતચીતનો કોઈ સંદેશ મળ્યો નથી. જોકે, વાતચીતની કોશિશને ધ્યાનમા રાખીને જ રવિવારની માર્ચને સ્થગિત કરી દેવાઈ છે.
પૂર્વ આઇપીએસ સંજીવ ભટ્ટને પોરબંદર કસ્ટોડિયલ હિંસા કેસમાં રાહત, કોર્ટે દોષમુક્ત જાહેર કર્યા

ઇમેજ સ્રોત, Getty Images
તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
શનિવારે પોરબંદરના અધિક સિનિયર સિવિલ જજ અને અધિક ચીફ જ્યુડિશિયલ મૅજિસ્ટ્રેટની કોર્ટે ભૂતપૂર્વ આઇપીએસ ઑફિસર સંજીવ ભટ્ટને 1997માં નોંધાયેલા એક કસ્ટોડિયલ હિંસાના કેસમાં દોષમુક્ત જાહેર કર્યા હતા.
કોર્ટે આઇપીસીની કલમ 326, 330 અને 34 મુજબ નોંધાયેલા ગુના ભટ્ટને પુરાવાના અભાવે શંકાનો લાભ આપ્યો હતો.
નોંધનીય છે કે સંજીવ ભટ્ટ હાલ જામનગર કસ્ટોડિયલ ડેથ અને પાલનપુરમાં વકીલને ખોટા કેસમાં ફસાવવાના ગુનામાં રાજકોટ સેન્ટ્રલ જેલમાં બંધ છે.
પોરબંદર ખાતેના કેસમાં જિલ્લાના તત્કાલીન ડીએસપી સંજીવ ભટ્ટ સહિત એક પોલીસ કૉન્સ્ટેબલે વર્ષ 1994ના ટેરરિસ્ટ ઍન્ડ ડિસરપ્ટિવ ઍક્ટિવિટિઝ (પ્રિવેન્શન) ઍક્ટના એક કેસના આરોપી નારણભાઈ પોસ્તરિયાને પોલીસ કસ્ટડીમાં માર મારી અને ગુપ્તાંગ તેમજ સહિતના શરીરના ભાગોએ ઇલેક્ટ્રિક શૉક આપવાનો આરોપ કરાયો હતો.
આ કેસમાં કરાયેલા આરોપો અનુસાર નારણભાઈ પોસ્તરિયાને વર્ષ 1997માં સાબરમતી જેલમાંથી લઈ આવીને પોરબંદર એલસીબી ઑફિસમાં ફરિયાદીનું પૅન્ટ ઉતારી દોઢ કલાક સુધી જીભ, છાતી, મોઢે અને ગુપ્તાંગે ઇલેક્ટ્રિક શૉક આપ્યા હતા. આ સિવાય ફરિયાદીના પુત્ર અને તેમના ભાઈને પણ પ્રતાડિત કરાયાનો આરોપ હતો.
આ કેસમાં બચાવપક્ષના વકીલે કોર્ટમાં દલીલ કરી હતી કે ફરિયાદપક્ષ દ્વારા વર્ષ 1997માં પોલીસ રિમાન્ડથી બચવા માટે ખોટો કેસ કર્યો હતો. ઉપરાંત ફરિયાદી પોતે નામચીન ગૅંગસ્ટર રહી ચૂકેલ હોવાની તેમજ પોલીસ અધિકારી તરીકે કરેલા ફરજ પર કરેલા કૃત્ય અંગેની ફરિયાદ આ કેસમાં ફોજદારી કાર્યવાહી નિયત સમયમાં ન કરાઈ હોવાની દલીલ કરાઈ હતી.
કોર્ટે પોતાના હુકમમાં નોંધ્યું હતું કે પ્રસ્તુત કામના આરોપીઓએ સામાન્ય ઇરાદો પાર પાડવા માટે ફરિયાદીને બળજબરી કબૂલાત કરાવવા માટે માર માર્યાનો કેસ નિ:શંકપણે પુરવાર નથી કરી શક્યા. જેથી આરોપી એવા પૂર્વ પોલીસ અધિકારી સંજીવ ભટ્ટને પુરાવાના અભાવે આ કેસના આરોપોથી મુક્ત કરી દેવાય હતા.
ઑસ્ટ્રેલિયાએ બીજી ટેસ્ટ મૅચમાં ભારતને દસ વિકેટથી હરાવ્યું, સિરીઝ 1-1થી બરાબર

ઇમેજ સ્રોત, Getty Images
બૉર્ડર-ગાવસ્કર ટ્રૉફીની બીજી ટેસ્ટ મૅચમાં ઑસ્ટ્રેલિયન ટીમે ભારતને દસ વિકેટથી હરાવી દીધું છે. આ સાથે સિરીઝ એક-એકની બરાબરી પર પહોંચી ગઈ છે.
એડિલેડમાં રમાયેલી આ મૅચમાં ઑસ્ટ્રેલિયાને બીજી ઇનિંગમાં 19 રનનું લક્ષ્ય મળ્યું હતું, જે યજમાન ટીમે સરળતાથી પાર કરી લીધો.
ટૉસ જીતીને બેટિંગ કરવા ઊતરેલી ભારતીય ટીમે પ્રથમ ઇનિંગમાં 180 રન બનાવ્યા હતા, જેના જવાબમાં ઑસ્ટ્રેલિયન ટીમે 337 રન બનાવ્યા હતા.
ઑસ્ટ્રેલિયા તરફ ટ્રેવિસ હેડે સદી નોંધાવતા 140 રન બનાવ્યા, જેના દમ પર યજમાન ટીમ મજબૂત સ્થિતિમાં પહોંચી ગઈ હતી.
બીજી તરફ બીજી ઇનિંગ રમવા ઊતરેલી ભારતીય ટીમની બેટિંગ નિરાશાજનક રહી હતી. મહેમાન ટીમે બીજી ઇનિંગમાં 175 રન બનાવ્યા અને ઑસ્ટ્રેલિયાને માત્ર 19 રનનું લક્ષ્ય આપ્યું.
સીરિયામાં વિદ્રોહીઓએ ત્રીજા સૌથી મોટા શહેર હોમ્સ પર કબજા કર્યાનો દાવો

ઇમેજ સ્રોત, Getty Images
સીરિયાની સરકાર વિરુદ્ધ વિદ્રોહી જૂથો ઝડપથી આગળ વધી રહ્યાં છે. હમા અને દેરાના મોટા ભાગના વિસ્તારો પર કબજો કર્યા બાદ વિદ્રોહી જૂથોએ દાવો કર્યો છે કે તેમણે દેશના ત્રીજા સૌથી મોટા શહેર હોમ્સ પર કબજો કરી લીધો છે.
ઇસ્લામી ચરમપંથી ગ્રૂપ હયાત તહરીર અલ-શામ (એચટીએએસ) સમૂહના પ્રમુખ અબુ મોહમ્મદ અલ-જુલાનીએ આને ઐતિહાસિક પળ ગણાવી છે.
આ પહેલાં એચટીએસના નેતૃત્વમાં અન્ય ચરમપંથીઓએ હમા શહેર પર કબજો કરી લીધો છે.
આ પહેલાં વિદ્રોહી જૉર્ડન સીમાની નજીક દેરા વિસ્તારના મોટા ભાગના વિસ્તાર પર કબજો કરી ચૂક્યા છે. આ એ જ જગ્યા છે જ્યાં વર્ષ 2011માં રાષ્ટ્રપતિ બશર અલ-અસદ વિરુદ્ધ વિદ્રોહની શરૂઆત થઈ હતી.
વર્ષ 2011માં શરૂ થયેલો વિદ્રોહ એ બાદ ગૃહયુદ્ધમાં તબદીલ થઈ ગયો હતો. જેમાં પાંચ લાખ કરતાં વધુ લોકોનાં મૃત્યુ થયાં હતાં.

ઇમેજ સ્રોત, Getty Images
અત્યાર સુધી શું શું થયું?
27 નવેમ્બરથી રાષ્ટ્રપતિ બશર અલ-અસદનો વિરોધ કરી રહેલા વિદ્રોહીઓએ એક પછી એક વિસ્તારો પર કબજો કરવાની શરૂઆત કરી દીધી. ઝડપથી આગળ વધી રહેલા વિદ્રોહીઓએ હવે સીરિયાના ત્રીજા સૌથી મોટા શહેર પર કબજાનો દાવો કર્યો છે.
સીરિયામાં વિદ્રોહી સમૂહ ઉત્તર અને દક્ષિણથી પાટનગર દમિશ્ક પર કબજો પર કબજો કરવાના ઇરાદાથી આગળ વધી રહ્યા છે.
હાલના દિવસોમાં સીરિયન રાષ્ટ્રપતિ બશર અલ-અસદને જાહેરમાં નથી દેખાયા. આવી સ્થિતિમાં તેઓ ક્યાં છે એ અંગે ઘણી અફવાઓ ચાલી રહી છે. જોકે, રાષ્ટ્રપતિ કાર્યાલયે એ વાતથી ઇનકાર કરી દીધો છે કે તેઓ પાટનગર છોડીને ચાલ્યા ગયા છે.
અમેરિકાની નવા ચૂંટાયેલા રાષ્ટ્રપતિ ડૉનાલ્ડ ટ્રમ્પે સીરિયામાં કથળતી જતી સ્થિતિ અંગે કહ્યું છે કે અમેરિકાએ આ લડાઈથી દૂર રહેવું જોઈએ. સોશિયલ મીડિયા પર તેમણે કહ્યું કે "આ અમારી લડાઈ નથી. તેનું આપમેળે નિરાકરણ આવવા દો."
દિલ્હી પહોંચવા ખેડૂતો રવિવારે ફરી એક વાર માર્ચ યોજશે

ઇમેજ સ્રોત, ANI
ખેડૂતનેતા સરવનસિંહ પંઢેરે કહ્યું છે કે ખેડૂતો હવે રવિવારે ફરી એક વાર દિલ્હી પહોંચવા માટે માર્ચ શરૂ કરશે.
સમાચાર એજન્સી પીટીઆઇ પ્રમાણે ખેડૂતનેતા સરવનસિંહ પંઢેરે કહ્યું કે કેન્દ્ર સરકાર તરફથી ખેડૂતોના મુદ્દે વાત કરવાનો કોઈ સંદેશ નથી મળ્યો.
ખેડૂતનેતા પંઢેરે કહ્યું છે કે હવે 101 ખેડૂતોનો સમૂહ રવિવારે ફરી એક વાર દિલ્હી માટે માર્ચ નીકળશે.
શુક્રવારની સવાર જ ખેડૂતોની દિલ્હી માટે માર્ચ શરૂ થઈ હતી. ખેડૂતો એમએસપીની કાનૂની ગૅરંટીની માગ સાથે દિલ્હીમાં પ્રવેશવાના હેતુથી આગળ વધી રહ્યા હતા. પરંતુ પોલીસે ખેડૂતને પંજાબ અને હરિયાણાની શંભુ બૉર્ડરે જ રોકી દીધા હતા.
ખેડૂતોને રોકવા માટે પોલીસે ટિયરગૅસ સેલ પણ છોડ્યા હતા. જેના કારણે કેટલાક ખેડૂતો ઈજાગ્રસ્ત પણ થયા હતા. જે બાદ ખેડૂતોએ શનિવારે પોતાની આગેકૂચ અસ્થાયીપણે સ્થગિત કરવાનો નિર્ણય લીધો હતો.
શંભુ બૉર્ડર પર મીડિયાને સંબોધિત કરતા સરવનસિંહ પંઢેરે 16 ખેડૂતો ઈજાગ્રસ્ત થયા હોવાની જાણકારી આપી હતી.
તેમણે કહ્યું હતું કે, "અમે શનિવારે અમારી માર્ચ કેન્દ્ર સરકાર સાથે વાતચીત થાય એ હેતુથી પણ અટકાવી રહ્યા છીએ. અમે કેન્દ્ર સરકાર સાથે ઘર્ષણ નથી ઇચ્છતા, પરંતુ વાતચીત કરવા ઇચ્છીએ છીએ."
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન












