ડોનાલ્ડ ટ્રમ્પે જેમને મહત્ત્વનું પદ આપ્યું એ તુલસી ગબાર્ડની કહાણી

ઇમેજ સ્રોત, Getty Images
અમેરિકાના નવા ચૂંટાયેલા રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે એક પૂર્વ ડેમૉક્રેટિક નેતાને મહત્ત્વના પદ માટે પસંદ કર્યાં છે, જેમણે અમેરિકામાં હિંદુઓના મુદ્દાને મુખરતાથી ઉઠાવ્યો છે.
જી હાં, આ તુલસી ગબાર્ડની વાત થઈ રહી છે, જેમને નવા ચૂંટાયેલા રાષ્ટ્રપતિએ નૅશનલ ઇન્ટેલિજન્સનાં ડાયરેક્ટર તરીકે પોતાની ટીમમાં સામલ કર્યાં છે.
તુલસીના નામની જાહેરાત કરતાં ટ્રમ્પે સોશિયલ મીડિયા પ્લૅટફૉર્મ ઍક્સ પર લખ્યું, “મને એ જણાવતાં આનંદ થાય છે કે પૂર્વ સાંસદ લેફ્ટનન્ટ કર્નલ તુલસી ગબાર્ડ નૅશનલ ઇન્ટેલિજન્સનાં ડાયરેક્ટર તરીકે કામ કરશે. ડેમૉક્રેટિક રાષ્ટ્રપતિના નામાંકનમાં પૂર્વ ઉમેદવાર હોવાના કારણે તેમને બંને પાર્ટી (ડેમૉક્રેટિક અને રિપબ્લિકન)માંથી વ્યાપક સમર્થન પ્રાપ્ત છે, અને હવે તેઓ એક પ્રાઉડ રિપબ્લિકન છે.”
તુલસીએ ડોનાલ્ડ ટ્રમ્પનો આભાર માનતાં અમેરિકન નાગરિકોની અભિવ્યક્તિની આઝાદી અને સુરક્ષા માટે કામ કરવાની વાત કહી છે.
તુલસી ગબાર્ડ કોણ છે?

ઇમેજ સ્રોત, X/@TulsiGabbard
તુલસી 1981માં અમેરિકાના સમોઆમાં પિતા માઇક ગબાર્ડ અને માતા કૅરલ ગબાર્ડના ઘરે જન્મ્યાં હતાં. તેઓ ગબાર્ડ દંપતીનાં પાંચ સંતાનોમાંનાં એક છે.
1983માં તુલસી બે વર્ષનાં હતાં ત્યારે તેમનો પરિવાર અમેરિકાના હવાઈ રાજ્યમાં આવીને વસ્યો હતો. હવાઈમાં આવ્યા પછી તેમનાં માતા કૅરલે હિન્દુ ધર્મ અપનાવ્યો હતો, જ્યારે તેમના પિતા રોમન કૅથલિક ઈસાઈ હતા. હિન્દુ ધર્મના પ્રભાવના કારણે કૅરલે પોતાનાં બાળકોનાં નામ હિંદુ રાખ્યાં હતાં.
તુલસી ગબાર્ડ પોતાને હિન્દુ ગણાવે છે, પરંતુ તેઓ ભારતીય મૂળનાં નથી.
તુલસીના પિતા પહેલાં રિપબ્લિકન પાર્ટી (2004-2007)માં હતા અને 2007થી ડેમૉક્રેટિક પાર્ટીમાં જોડાયા છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
2013માં તુલસી પહેલી વાર હવાઈ રાજ્યમાંથી સાંસદ તરીકે ચૂંટાયાં હતાં અને 2021 સુધી તેઓ એ પદ પર રહ્યાં હતાં.
રાજકારણ ઉપરાંત તુલસી ગબાર્ડ બે દાયકા કરતાં વધારે સમય સુધી આર્મી નૅશનલ ગાર્ડ સાથે જોડાયેલાં રહ્યાં અને આ દરમિયાન તેઓ ઇરાક અને કુવૈત જેવા દેશોમાં કામ કરી ચૂક્યાં છે.
2016ની ચૂંટણી પહેલાં તેમણે બર્ની સૅન્ડર્સ માટે પ્રચાર કર્યો હતો અને જો બાઇડનને સમર્થન આપતાં પહેલાં તેમણે 2020માં રાષ્ટ્રપતિપદ માટે ડેમૉક્રેટ ઉમેદવાર તરીકે દાવેદારી રજૂ કરી હતી.
ગબાર્ડ અમેરિકન સંસદનાં પ્રથમ હિન્દુ સભ્ય હતાં અને તેમણે પોતાના કાર્યકાળ દરમિયાન સરકાર દ્વારા સંચાલિત આરોગ્યસેવા, મફત કૉલેજ ટ્યૂશન અને ગન કન્ટ્રોલ જેવા ઉદારવાદી મુદ્દાનું સમર્થન કર્યું હતું.
2021માં સંસદ છોડ્યા બાદ તેમણે કેટલાક મુદ્દા બાબતે ડેમૉક્રેટિક પાર્ટી વિરુદ્ધનું વલણ અપનાવ્યું અને અપ્રત્યક્ષ રીતે ટ્રમ્પનું સમર્થન કરતાં જોવા મળ્યાં.
પૂર્વ ડેમૉક્રેટ હોવાના કારણે તેમણે કમલા હૅરિસ સામે ટ્રમ્પની તૈયારીઓમાં પણ ખૂબ મદદ કરી.
ઑક્ટોબર 2022માં તેમણે વિદેશનીતિ અને સામાજિક મુદ્દા બાબતે મતભેદનું કારણ આપીને ડેમૉક્રિટિક પાર્ટી છોડી દીધી અને સ્પષ્ટ રીતે ટ્રમ્પના સમર્થનમાં આવ્યાં. ત્યાર બાદ 2024માં તેઓ રિપબ્લિકન પાર્ટીમાં સામેલ થયાં.
ભાજપ સાથે સંબંધ

ઇમેજ સ્રોત, Getty Images
2015ના એપ્રિલ મહિનામાં અમેરિકામાં તુલસી ગબાર્ડનાં લગ્ન થયાં હતાં ત્યારે તેની ચર્ચા ભારતમાં પણ થઈ હતી.
ત્યારે, તુલસીએ પોતાના વતન હવાઈમાં સિનેમૅટોગ્રાફર અબ્રાહમ વિલિયમ્સ સાથે વૈદિક રીતરિવાજ પ્રમાણે લગ્ન કર્યાં હતાં.
‘ધ કારવાં’માં છપાયેલા રિપોર્ટ અનુસાર, આ લગ્નમાં અમેરિકામાં ભારતના તત્કાલીન કાર્યવાહક રાજદૂત તરનજિત સંધુ અને રામ માધવ પણ સામેલ થયા હતા.
તે સમયે રામ માધવ ભાજપના પ્રવક્તા હતા. એની પહેલાં તેઓ 10 વર્ષ કરતાં વધારે સમય સુધી રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (આરએસએસ)ના રાષ્ટ્રીય પ્રવક્તા રહી ચૂક્યા હતા.
લગ્નસમારંભ દરમિયાન રામ માધવે વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો વ્યક્તિગત સંદેશ વાંચ્યો અને ગણપતિની મૂર્તિ ભેટમાં આપી હતી.
લગ્નના થોડાક મહિના પહેલાં તુલસીએ પોતાની પ્રથમ ભારતયાત્રા કરી હતી. ત્રણ અઠવાડિયાંના આ પ્રવાસ દરમિયાન તેઓ વડા પ્રધાન, કૅબિનેટ મંત્રીઓ અને સેના પ્રમુખને મળ્યાં હતાં.
પ્રવાસમુલાકાત દરમિયાન તુલસીએ પીએમ મોદીનાં ખૂબ જ વખાણ કર્યાં હતાં.
તેમણે કહેલું, “મોદી ખૂબ મજબૂત નેતા છે અને તેમનું વિઝન સ્પષ્ટ છે કે તેઓ ભારતને ક્યાં પહોંચાડવા માગે છે. તેઓ એક એવા નેતા છે, જેમની પાસે ભારત માટે પ્લાન ઑફ ઍક્શન છે.”
એટલું જ નહીં, તુલસીએ એક સ્કૂલમાં સાવરણાથી સફાઈ કરીને મોદીના સ્વચ્છતા અભિયાનનું સમર્થન પણ કર્યું હતું.
જ્યારે વડા પ્રધાન મોદી યોગને વૈશ્વિક પટલ પર લઈ જવાની કોશિશ કરતા હતા ત્યારે તુલસીએ આ ઝુંબેશનું જોરદાર સમર્થન કર્યું હતું.
સપ્ટેમ્બર 2024માં જ્યારે વડા પ્રધાન મોદી સાથે તેમની પ્રથમ મુલાકાત થઈ હતી ત્યારે તેમણે પીએમ મોદીને ભેટરૂપે ભગવદ્ગીતા આપી હતી.
તુલસી 2014ની પહેલાંથી જ વડા પ્રધાન નરેન્દ્ર મોદીનું સમર્થન કરતાં રહ્યાં છે.
2002માં જ્યારે અમેરિકાની સરકારે ગુજરાતનાં રમખાણોમાં કથિત ભૂમિકાના કારણે તત્કાલીન મુખ્ય મંત્રી નરેન્દ્ર મોદીને વીઝા આપવાનો ઇનકાર કરી દીધો હતો ત્યારે, તુલસી એવા કેટલાક નેતાઓમાં સામેલ હતાં જેમણે સરકારના આ નિર્ણયની ટીકા કરી હતી.
હિન્દુ ઓળખ મુદ્દે મુખર

ઇમેજ સ્રોત, Getty Images
તુલસી ગબાર્ડે પોતાની હિન્દુ ઓળખ બાબતે 2019માં રિલિજન ન્યૂઝ સર્વિસ માટે એક લેખ લખ્યો હતો. તેમાં તેમણે લખ્યું હતું કે તેમને હિન્દુ હોવા બાબતે ગર્વ છે, પરંતુ, તેઓ ‘હિન્દુ રાષ્ટ્રવાદી’ નથી.
તુલસીએ લખ્યું છે, “મારા પર પણ ‘હિન્દુ રાષ્ટ્રવાદી’ હોવાનો આરોપ કરાયો છે. ભારતના લોકશાહી રીતે ચૂંટાયેલા નેતા સાથેની મારી મુલાકાતોને આ આરોપના ‘પુરાવા’ તરીકે ગણાવાઈ, પછી ભલે ને, રાષ્ટ્રપતિ બરાક ઓબામા, રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ, હિલેરી ક્લિન્ટન અને સંસદમાં મારા ઘણા સહયોગીઓ તેમને મળ્યા હોય કે તેમની સાથે કામ કર્યું હોય.”
તેમના કહેવાનો ભાવ એ હતો કે જુદા જુદા ધર્મો – ખ્રિસ્તી, મુસ્લિમ, યહૂદી, બૌદ્ધમાંથી તેમને મળતું સમર્થન તેમના સમાવેશી દૃષ્ટિકોણનું પ્રમાણ છે.
2020માં તેમણે ઍક્સ પર લખ્યું હતું, “દુર્ભાગ્યે, હિન્દુફોબિયા એક સત્ય છે. મેં કૉંગ્રેસ (સંસદ) માટે પોતાના પ્રત્યેક અભિયાન અને આ રાષ્ટ્રપતિપદની રેસમાં તેનો પ્રત્યક્ષ અનુભવ કર્યો છે. આપણા દેશમાં હિન્દુઓને દરરોજ શું શું સહન કરવું પડે છે, તેનું આ માત્ર એક ઉદાહરણ છે. દુઃખની વાત એ છે કે આપણાં રાજકીય નેતા અને મીડિયા માત્ર તેને સહન જ નથી કરતાં, બલ્કે, તેને પ્રોત્સાહન પણ આપે છે.”
ઘણા પ્રસંગોએ તુલસી ધાર્મિક ગ્રંથ ભગવદ્ગીતા વિશે વાત કરતાં અને ભજન ગાતાં જોવા મળ્યાં હતાં. તુલસી જ્યારે પહેલી વાર સંસદ પહોંચ્યાં હતાં ત્યારે તેમણે ગીતાના સોગંદ લીધા હતા.
સોગંદવિધિ બાદ તુલસીએ કહેલું કે ભગવદ્ગીતામાંથી મને પ્રેરણા મળે છે કે હું પોતાનું જીવન મારા દેશ અને બીજાઓ માટે સમર્પિત કરી શકું.
2020માં કોરોનાકાળ દરમિયાન, જ્યારે દુનિયા મુશ્કેલ સમયમાંથી પસાર થઈ રહી હતી ત્યારે, તુલસી ડેમૉક્રેટિક પાર્ટી તરફથી રાષ્ટ્રપતિપદની દોડમાં સામેલ હતાં.
ત્યારે તેમણે ગીતા અંગેનો એક વીડિયો જાહેર કર્યો અને કહ્યું, “આજના સમયે મને એ સમયની યાદ અપાવી જ્યારે હું મધ્યપૂર્વમાં ફરજ બજાવતી હતી. તે સમયે પણ દરેક પળે મારા જીવન પર જોખમ રહેતું હતું અને આજની જેમ ઘણા લોકોએ જીવ ગુમાવ્યા હતા. તે સમયે અને આજે, ભગવદ્ગીતાએ મને સહારો આપ્યો છે.”
કાશ્મીર, પાકિસ્તાન અને બાંગ્લાદેશ વિશે શું કહ્યું હતું?

ઇમેજ સ્રોત, Getty Images
2021માં બાંગ્લાદેશમાં દુર્ગાપૂજા દરમિયાન રમખાણો થયાં અને 100 કરતાં વધારે હિન્દુ પરિવારો પર હુમલા થયા. આ દરમિયાન ઘણાં હિન્દુ મંદિરો, ઘરો અને દુકાનોમાં તોડફોડના બનાવો જોવા મળ્યા હતા.
ત્યારે તુલસી ઍક્સ પર એક વીડિયો સંદેશ જાહેર કરીને આ હુમલાની નિંદા કરી હતી.
તેમણે કહેલું, “બાંગ્લાદેશનાં મંદિરોમાં ભગવાનના ભક્તો તરફ આવી નફરત અને હિંસા જોઈને મને આઘાત લાગ્યો. આ જેહાદીઓ એવું માને છે કે મંદિરો અને મૂર્તિઓને સળગાવવાં, નષ્ટ કરવાં તેમના ઇશ્વરને ગમે છે, એ દર્શાવે છે કે તેઓ વાસ્તવમાં ભગવાનથી કેટલા દૂર છે. બાંગ્લાદેશની કથિત ધર્મનિરપેક્ષ સરકાર માટે હવે સમય આવી ગયો છે કે તે પોતાના દેશમાંના હિન્દુ, ખ્રિસ્તી અને બૌદ્ધો સહિત ધાર્મિક અલ્પસંખ્યકોને નફરત ધરાવતી જેહાદી શક્તિઓથી બચાવે.”
આની પહેલાં તુલસીએ અમેરિકાની સંસદમાં બાંગ્લાદેશ અને પાકિસ્તાનમાં હિન્દુ અને અન્ય અલ્પસંખ્યકોની સુરક્ષા સાથે સંકળાયેલો પ્રસ્તાવ રજૂ કર્યો હતો.
પ્રસ્તાવ રજૂ કરતાં તેમણે 1971માં બાંગ્લાદેશમાં હિંદુઓ સામે અત્યાચાર શરૂ થયાની વાત કહી હતી અને તેના માટે પાકિસ્તાનની સેનાને જવાબદાર ઠરાવી હતી.
પાંચ ઑગસ્ટ 2019એ નરેન્દ્ર મોદી સરકારે જમ્મુ-કાશ્મીરમાંથી કલમ 370 નાબૂદ કરીને એનો વિશેષ દરજ્જો સમાપ્ત કર્યો અને રાજ્યને બે અલગ અલગ કેન્દ્રશાસિત પ્રદેશ જમ્મુ-કાશ્મીર અને લદ્દાખમાં વહેંચી નાખ્યું હતું.
સપ્ટેમ્બર 2019માં તુલસી ગબાર્ડને કાશ્મીર અંગેનો સવાલ પૂછવામાં આવ્યો હતો. તેના જવાબમાં તુલસીએ કહ્યું, “કાશ્મીરનો મુદ્દો ગૂંચવણભર્યો રહ્યો છે, ભૂતકાળમાં ત્યાં જે કંઈ પણ થયું છે, ઘણા પરિવારોએ પોતાનાં ઘર છોડીને ભાગવું પડ્યું અને હજુ પણ તેઓ પાછા નથી જઈ શક્યા.”
તેમણે કલમ 370નો ઉલ્લેખ કર્યા વગર કહ્યું, “અગાઉની સરકારમાં જે કાયદા હતા, જે નીતિઓ હતી તે મુજબ અહીં સમલૈંગિકતા ગેરકાયદેસર હતી. મહિલાઓનો અવાજ આ નીતિઓને કારણે દબાઈ રહ્યો હતો. હું થોડા સમય પહેલાં એવી મહિલાને મળી જેણે મને જણાવ્યું કે કાશ્મીરી મહિલાઓને સંપત્તિમાં માલિકી હક નથી. કોઈ પણ સાર્વભૌમ દેશની સરકારે દરેક પ્રકારનાં કામ કરવાનાં હોય છે.”
બશર અલ અસદને મળ્યાં તેથી ટીકા થઈ
2017માં તુલસી ગબાર્ડે સીરિયાનો પ્રવાસ કર્યો હતો અને તે દરમિયાન સીરિયાના રાષ્ટ્રપતિ બશર અલ અસદને પણ મળ્યાં હતાં. તેમની આ મુલાકાત રાજકીય વર્તુળો, અને મીડિયામાં પણ ઘણી ચર્ચામાં રહી હતી. આ મુલાકાત માટે તેમણે ટીકાઓનો પણ સામનો કરવો પડ્યો હતો.
સામાન્ય રીતે અમેરિકન સંસદના સભ્ય વિદેશી નેતાઓને મળતા રહે છે, પરંતુ બશર અલ અસદ સરકાર પર પોતાના જ નાગરિકો પર અત્યાચાર કરવાના અને તેમની કનડગત કરવાના આરોપ થતા રહ્યા હતા; એ સંજોગોમાં તુલસી ગબાર્ડની તેમની સાથેની મુલાકાત ઘણા લોકો માટે આશ્ચર્યજનક હતી.
2019માં જ્યારે તેઓ ડેમૉક્રેટિક પાર્ટી તરફથી રાષ્ટ્રપતિપદ માટેની ઉમેદવારીની દાવેદારી કરતાં હતાં ત્યારે પણ તેમણે આ મુલાકાત વિશે સવાલોનો સામનો કરવો પડ્યો હતો.
વૉશિંગ્ટન પોસ્ટના એક રિપોર્ટ અનુસાર, એ સમયે જ્યારે તેમને અસદ ‘દુશ્મન’ હોવા વિશે પૂછવામાં આવ્યું હતું, ત્યારે તેમણે કહ્યું કે, “તેઓ અમેરિકાના દુશ્મન નથી, કેમ કે, અમેરિકાને સીરિયા તરફથી સીધું જોખમ નથી.”
2019માં તુલસીએ સ્પષ્ટ રીતે તુર્કીના રાષ્ટ્રપતિ રેચપ તૈયપ્પ અર્દોઆનની ટીકા કરી હતી.
તેમણે કહેલું, “તુર્કીના રાષ્ટ્રપતિ અર્દોઆનની બાબતમાં તમને તો ખબર છે જ કે, તેઓ સીરિયા પર હુમલા કરી રહ્યા છે અને આ હુમલા માટે તેઓ આઇએસઆઇએસ અને અલ કાયદાના ‘પૂર્વ આતંકવાદીઓ’ની મદદ લઈ રહ્યા છે. આ કંઈક એવું છે, જેના વિશે હું વર્ષોથી કહી રહી છું.”
તુલસીએ ત્યારે અર્દોઆનને એક 'કટ્ટરપંથી ઇસ્લામી' ગણાવ્યા હતા અને ઇસ્લામિક શાસન સ્થાપિત કરીને તેમના ખલીફા બનવાની ઇચ્છા ધરાવતા હોવાની વાત કરી હતી.
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન












