નેપાળ : બચાવ કાર્યમાં જોડાયેલા નિષ્ણાતે કહ્યું, 'સુરંગની અંદરથી લોકોના અવાજો સંભળાયા'

નેપાળી સેનાએ બીબીસી ન્યૂઝ નેપાળીને જણાવ્યું કે બચાવકર્મીઓ સુરંગની અંદર આશરે 100 મીટર સુધી પહોંચી ગયા છે

ઇમેજ સ્રોત, RSS

ઇમેજ કૅપ્શન, નેપાળી સેનાએ બીબીસી ન્યૂઝ નેપાળીને જણાવ્યું કે બચાવકર્મીઓ સુરંગની અંદર આશરે 100 મીટર સુધી પહોંચી ગયા છે
પ્રકાશિત
વાંચવાનો સમય: 5 મિનિટ

બીબીસી નેપાળીના અહેવાલ મુજબ, ત્રિશૂલી 3A હાઇડ્રોપાવર પ્રોજેક્ટમાં બચાવ કામગીરીમાં જોડાયેલા નિષ્ણાત શ્રીરામ નેઉપાનેએ સોશિયલ મીડિયા પર લખ્યું છે કે, "એ વાતની પુષ્ટિ થઈ ગઈ છે કે સુરંગની અંદરથી એકથી વધુ લોકોના અવાજો સંભળાયા હતા."

શ્રીરામ નેઉપાને નેપાળના સાંસદ પણ છે.

તેમણે ફેસબુક પર એક સંક્ષિપ્ત પોસ્ટમાં લખ્યું, "જ્યારે બચાવ દળે કહ્યું કે, 'ગભરાશો નહીં, અમે તમને બચાવી રહ્યા છીએ,' ત્યારે અંદરથી 'હા' સંભળાયું હતું."

તેમણે અગાઉ લખ્યું હતું કે આ માહિતી બચાવ કામગીરીમાં સામેલ નેપાળી સેના પાસેથી મળી હતી.

નેપાળ ઇલેક્ટ્રિસિટી ઑથૉરિટીના સંયુક્ત મૅનેજર સુરેશ રાઉતે બીબીસી નેપાળીને જણાવ્યું કે ત્રિશૂલી 3A પ્રોજેક્ટની સુરંગમાં ફસાયેલા લોકોના અવાજો સંભળાયા હોવાની માહિતી મળી છે.

રાઉતે કહ્યું, "શોધ અને બચાવ અભિયાનનું નેતૃત્વ કરી રહેલા સેનાના કર્નલ ગંગા બરાલે અમને જાણ કરી હતી કે અંદરથી અવાજો આવી રહ્યા હતા."

નેપાળી સેનાએ બીબીસી ન્યૂઝ નેપાળીને જણાવ્યું કે બચાવકર્મીઓ સુરંગની અંદર આશરે 100 મીટર સુધી પહોંચી ગયા છે, પરંતુ તેમને હજુ પણ કાટમાળથી બચીને આગળ વધવું પડી રહ્યું છે.

આ પહેલાં શ્રીરામ નેઉપાનેએ આજે સવારે પોતાની બીજી એક પોસ્ટમાં લખ્યું હતું, "નેપાળી સેના અને સશસ્ત્ર પોલીસ દળની બચાવ ટીમ સુરંગમાં પ્રવેશી ચૂકી છે અને બચાવ કામગીરીને વધુ ઝડપી બનાવી રહી છે. સુરંગની અંદરથી લોકોના અવાજો સંભળાયા હોવાની માહિતી આશાનું એક નવું કિરણ સમાન છે."

તેમણે વધુમાં લખ્યું, "હું ગઈ કાલે સાંજ સુધી ઘટનાસ્થળે ઇજનેર તરીકે બચાવ અને શોધ અભિયાનમાં જોડાયેલો હતો."

હોર્મુઝ સામુદ્રધુનીમાં દક્ષિણ કોરિયા સેના ગોઠવવાની તૈયારીમાં- રિપોર્ટ

અમેરિકા-ઈરાન વચ્ચેના યુદ્ધને કારણે હાલમાં હોર્મુઝ સામુદ્રધુનીમાં અવરજવર બાધિત થઈ છે (ફાઇલ ફોટો)

ઇમેજ સ્રોત, Amirhossein KHORGOOEI / ISNA / AFP via Getty Images

ઇમેજ કૅપ્શન, અમેરિકા-ઈરાન વચ્ચેના યુદ્ધને કારણે હાલમાં હોર્મુઝ સામુદ્રધુનીમાં અવરજવર બાધિત થઈ છે (ફાઇલ ફોટો)
બદલો Whatsapp
બીબીસી ન્યૂઝ ગુજરાતી હવે વૉટ્સઍપ પર

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો

વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ

Whatsapp કન્ટેન્ટ પૂર્ણ

દક્ષિણ કોરિયાના મીડિયા અહેવાલો અનુસાર, દેશની સરકાર "હોર્મુઝ સામુદ્રધુનીમાં શિપિંગની સ્વતંત્રતા"ને સમર્થન આપવા માટે સૈન્ય દળો અને જરૂરી સાધનો મોકલવાની તૈયારી કરી રહી છે અને આ મિશનની શરૂઆત આ વર્ષ દરમિયાન કરવાની યોજના હોવાનું પણ જણાવાયું છે.

ઈરાનની મહત્ત્વપૂર્ણ સૈન્ય સંસ્થા 'ખાતમ અલ-અનબિયા' સેન્ટ્રલ હેડક્વાર્ટરના સત્તાવાર પ્રવક્તા ઇબ્રાહીમ ઝોલ્ફઘારીએ આ મુદ્દે સોશિયલ મીડિયા પ્લૅટફૉર્મ ઍક્સ પર પ્રતિક્રિયા આપી છે.

તેમણે લખ્યું, "દક્ષિણ કોરિયા હવે શિપિંગની સ્વતંત્રતાના સમર્થન માટે હોર્મુઝ સામુદ્રધુનીમાં સૈન્ય મોકલવા અંગે વિચાર કરી રહ્યું છે. તેના વિકલ્પોમાં સમુદ્રી પેટ્રોલિંગ વિમાનો, લૉજિસ્ટિક્સ સપોર્ટ જહાજો અથવા દરિયાઈ સુરંગો (માઇન) શોધી કાઢવા અને દૂર કરવાની વિશેષ યુનિટનો સમાવેશ થાય છે."

તેમણે વધુમાં લખ્યું, "દક્ષિણ કોરિયાએ અગાઉ જણાવ્યું હતું કે અમેરિકા-ઈરાન વચ્ચેનો સંઘર્ષ સમાપ્ત થયા બાદ જ તે તહેનાતી અંગે વિચાર કરશે, પરંતુ આ વલણમાં ફેરફાર એવા સમયે આવ્યો છે જ્યારે ડોનાલ્ડ ટ્રમ્પે અમેરિકાના યુદ્ધ પ્રયાસોને સમર્થન ન આપવા બદલ દક્ષિણ કોરિયાની ટીકા કરી હતી."

સમાચાર એજન્સી રૉયટર્સ મુજબ, દક્ષિણ કોરિયાના મીડિયા દ્વારા સરકારી અને સૈન્ય સૂત્રોને ટાંકીને જણાવાયું છે કે આ સંભવિત તહેનાતી માટે સંસદીય મંજૂરી મેળવવા જરૂરી કાનૂની પ્રક્રિયા હાથ ધરવામાં આવી રહી છે.

આ અહેવાલો અનુસાર, કૅબિનેટ દ્વારા યોજનાની સમીક્ષા કર્યા પછી સરકાર આ મહિને સંસદની મંજૂરી મેળવવા માટે સત્તાવાર પ્રસ્તાવ રજૂ કરવાની યોજના ધરાવે છે.

દક્ષિણ કોરિયાની સંભવિત સૈન્ય તહેનાતી એવા સમયે ચર્ચામાં આવી છે જ્યારે હોર્મુઝ સામુદ્રધુનીમાં સુરક્ષા સંબંધિત તણાવ વધ્યો છે અને તાજેતરનાં અઠવાડિયાં દરમિયાન વ્યાપારી જહાજો પર હુમલાના બનાવોમાં વધારો નોંધાયો છે.

આ વ્યૂહાત્મક જળમાર્ગમાં જહાજોની સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે અનેક દેશો વિવિધ વિકલ્પો અને સહકારના માર્ગો શોધી રહ્યા છે.

જોકે, દક્ષિણ કોરિયાની સરકારના અધિકારીઓએ હજુ સુધી આ અહેવાલો અંગે કોઈ સત્તાવાર નિવેદન આપ્યું નથી.

અવકાશમાં પહોંચ્યો ભારતનો ઇઓએસ-05 ઉપગ્રહ, જાણો ખાસિયત

ઇઓએસ-05 ભારતનો પહેલો એવો ઇમેજિંગ ઉપગ્રહ છે, જે જિયોસિન્ક્રોનસ કક્ષામાંથી તસવીરો લેશે

ઇમેજ સ્રોત, @isro

ઇમેજ કૅપ્શન, ઇઓએસ-05 ભારતનો પહેલો એવો ઇમેજિંગ ઉપગ્રહ છે, જે જિયોસિન્ક્રોનસ કક્ષામાંથી તસવીરો લેશે

જીએસએલવી-એફ17 રૉકેટે ઇઓએસ-05 ઉપગ્રહને સફળતાપૂર્વક તેની નિર્ધારિત કક્ષામાં સ્થાપિત કર્યો છે.

આ જીએસએલવીની 19મી ઉડાન હતી. ઇસરો મુજબ, આ મિશનમાં 4 મીટર વ્યાસ ધરાવતી કૉમ્પોઝિટ પૅલોડ ફેરિંગનો ઉપયોગ કરાયો હતો.

ઇઓએસ-05 એક પૃથ્વી અવલોકન ઉપગ્રહ છે. તેનો મુખ્ય હેતુ અવકાશમાંથી પૃથ્વીની તસવીરો મેળવવાનો અને પૃથ્વી પરની સ્થિતિનું સતત નિરીક્ષણ કરવાનો છે.

આ મિશનની સૌથી મોટી ખાસિયત એ છે કે ઇઓએસ-05 ભારતનો પહેલો એવો ઇમેજિંગ ઉપગ્રહ છે, જે જિયોસિન્ક્રોનસ કક્ષામાંથી તસવીરો લેશે.

સરળ ભાષામાં કહીએ તો, આ ઉપગ્રહ પૃથ્વીથી હજારો કિલોમીટર ઊંચાઈએ એવી કક્ષામાં રહેશે, જ્યાંથી તે વિશાળ વિસ્તાર પર સતત નજર રાખી શકશે.

સામાન્ય રીતે નીચી કક્ષામાં ફરતા ઉપગ્રહો કોઈ વિસ્તાર પરથી પસાર થાય ત્યારે તસવીરો લે છે, પરંતુ ઇઓએસ-05 તેની વિશેષ કક્ષાના કારણે કોઈ વિસ્તારનું વધુ સતત અને લાંબા સમય સુધી નિરીક્ષણ કરી શકશે.

ઉપગ્રહમાં વિવિધ પ્રકારનાં સેન્સર લગાવાયાં છે, જે વિઝિબલ, ઇન્ફ્રારેડ, મલ્ટિ-સ્પેક્ટ્રલ અને હાઇપર-સ્પેક્ટ્રલ તસવીરો મેળવવામાં મદદરૂપ થશે.

ભારત પાસે પહેલેથી જ અનેક પૃથ્વી અવલોકન ઉપગ્રહો છે, પરંતુ ઇઓએસ-05ને ખાસ કરીને જિયોસિન્ક્રોનસ કક્ષામાંથી ઇમેજિંગ માટે વિકસાવાયો છે, જે તેને મહત્ત્વનો બનાવે છે.

નીચી કક્ષામાં ફરતા ઉપગ્રહો કોઈ સ્થળની તસવીર લીધા પછી આગળ નીકળી જાય છે અને થોડા સમય બાદ ફરી તે વિસ્તાર ઉપર આવે છે.

જ્યારે જિયોસિન્ક્રોનસ કક્ષામાં રહેલો ઉપગ્રહ વિશાળ વિસ્તારમાં સતત નિરીક્ષણ કરી શકે છે. તેના કારણે હવામાન, કુદરતી આપત્તિઓ અને મોટા પાયે થતાં પરિવર્તનોની દેખરેખ રાખવામાં નોંધપાત્ર મદદ મળશે.

લૉન્ચિંગ બાદ કેન્દ્રીય મંત્રી જિતેન્દ્રસિંહે સોશિયલ મીડિયા પ્લૅટફૉર્મ ઍક્સ પર લખ્યું કે, "જિયોસિન્ક્રોનસ કક્ષામાંથી ઇમેજિંગ કરનાર આ ભારતનો પ્રથમ ઉપગ્રહ છે. તે વિઝિબલ, ઇન્ફ્રારેડ, મલ્ટિ-સ્પેક્ટ્રલ અને હાઇપર-સ્પેક્ટ્રલ બૅન્ડમાં અદ્યતન ઇમેજિંગ સુવિધા આપશે."

લગ્ન સમારંભ પર હુમલા અંગે જેડી વેન્સે કહ્યું: 'ઈરાનના દાવાઓ પર શંકા'

આ હુમલો મંગળવારે રાત્રે દક્ષિણ ઈરાનના દરિયાકાંઠાના શહેર સિરિક નજીક થયો હતો. આ વિસ્તાર હોર્મુઝ સામુદ્રધુનીના કિનારે આવેલો છે

ઇમેજ સ્રોત, Tasnim

ઇમેજ કૅપ્શન, આ હુમલો મંગળવારે રાત્રે દક્ષિણ ઈરાનના દરિયાકાંઠાના શહેર સિરિક નજીક થયો હતો. આ વિસ્તાર હોર્મુઝ સામુદ્રધુનીના કિનારે આવેલો છે

અમેરિકાના ઉપપ્રમુખ જેડી વેન્સે ગુરુવારે જણાવ્યું કે અમેરિકા તે હવાઈ હુમલાની તપાસ કરી રહ્યું છે, જેના વિશે ઈરાને દાવો કર્યો છે કે દક્ષિણ ઈરાનના સિરિક વિસ્તારમાં થયેલા એક લગ્ન સમારંભને નિશાન બનાવાયો હતો.

વેન્સે કહ્યું, "અમે આ ઘટનાની તપાસ કરી રહ્યા છીએ, કારણ કે આ મામલે અમને ચિંતા છે. અમે જાણવા માગીએ છીએ કે હકીકતમાં શું બન્યું હતું."

વ્હાઇટ હાઉસમાં પત્રકારો સાથે વાત કરતાં તેમણે જણાવ્યું કે જો અમેરિકાની સેનાથી કોઈ ભૂલ થાય છે, તો અમેરિકા તેની તપાસ કરે છે અને તેમાંથી શીખવાનો પ્રયાસ કરે છે.

તેમણે વધુમાં કહ્યું, "અમે આ મામલાની તપાસ કરી રહ્યા છીએ, પરંતુ સમગ્ર સંઘર્ષ દરમિયાન ઈરાનના સરકારી મીડિયાએ હંમેશાં વિશ્વસનીય માહિતી આપી હોય તેવું નથી. તેથી આ દાવા અંગે મને ઘણી શંકા છે."

ઈરાનના અધિકારીઓના જણાવ્યા અનુસાર, દક્ષિણ ઈરાનમાં થયેલા અમેરિકન હુમલામાં એક લગ્ન સમારંભ દરમિયાન પાંચ લોકોનાં મોત થયાં હતાં અને આશરે 70 લોકો ઘાયલ થયા હતા. ઘાયલોમાં એક બાળક અને ત્રણ મહિલાનો પણ સમાવેશ થાય છે.

આ હુમલો મંગળવારે રાત્રે દક્ષિણ ઈરાનના દરિયાકાંઠાના શહેર સિરિક નજીક થયો હતો. આ વિસ્તાર હોર્મુઝ સામુદ્રધુનીના કિનારે આવેલો છે.

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન