યુએનમાં કાશ્મીર પર કેમ ચૂપ રહ્યા તુર્કીના રાષ્ટ્રપતિ અર્દોઆન, શું આ ભારતની જીત છે?

ઇમેજ સ્રોત, EPA
તુર્કીના રાષ્ટ્રપતિ રેચેપ તૈય્યપ અર્દોઆને 24 સપ્ટેમ્બરે સંયુક્ત રાષ્ટ્રની સામાન્ય સભાને સંબોધિત કરતી વેળા આ વખતે કાશ્મીરનો ઉલ્લેખ કર્યો ન હતો.
વર્ષો પછી એવું થયું છે કે અર્દોઆને સંયુક્ત રાષ્ટ્રમાં કાશ્મીરનો મુદ્દો નથી ઊઠાવ્યો. 5 ઑગસ્ટ 2019ના રોજ ભારતે જમ્મુ – કાશ્મીરનો વિશેષ રાજ્યનો દરજ્જો નાબૂદ કર્યો હતો. એ પછી સપ્ટેમ્બરમાં જ અર્દોઆને સંયુક્ત રાષ્ટ્રની સામાન્ય સભાને સંબોધન કરતી વખતે કાશ્મીરનો ઉલ્લેખ કર્યો હતો. વિશેષ રાજ્યનો દરજ્જો હઠાવ્યાનો અર્દોઆને વિરોધ કર્યો હતો.
2019 પછી હમેશા અર્દોઆને યુએનજીએમાં કાશ્મીરનો મુદ્દો ઉઠાવ્યો હતો અને પાકિસ્તાને એને વધાવ્યો હતો.
કેટલાક કહે છે કે અર્દોઆન તુર્કીને બ્રિક્સમાં સામેલ કરવા ઇચ્છે છે અને તેમાં ભારતની સહમતી જરૂરી છે. બ્રિક્સના વિસ્તરણની વાત ચાલી રહી છે અને ભારત એ જૂથના સંસ્થાપક સભ્યોમાંનું એક છે.
અર્દોઆનના અભિગમ પર સવાલ ઊઠી રહ્યા છે

ઇમેજ સ્રોત, EPA
થિંક ટૅન્ક ઍટલાન્ટિક કાઉન્સિલના વરિષ્ઠ ફૅલો વજાહત એસ. ખાને તુર્કીના વલણ પર એક વીડિયો પોસ્ટ કરીને કહ્યું હતું કે, "અર્દોઆન યુએનજીએનાં દરેક ભાષણમાં કાશ્મીરનો ખાસ ઉલ્લેખ કરતા હતા પરંતુ આ વખતે તેમ કર્યું નથી. તેમણે સાયપ્રસનો ઉલ્લેખ કર્યો, લેબનોન અને ઇઝરાયલનો મુદ્દો ઉઠાવ્યો. સીરિયા વિશે વાત કરી. લિબિયા વિશે કહ્યું અને યુક્રેનને પણ ન ભૂલ્યા, પરંતુ કાશ્મીરને ભૂલી ગયા."
ખાને કહ્યું હતું કે, "અર્દોઆન એવા વૈશ્વિક નેતા હતા જે છેલ્લા કેટલાય દાયકાથી કાશ્મીરનો ઉલ્લેખ કરતા હતા, પણ તેમણે કાશ્મીરની ઉપેક્ષા કરી. તુર્કી પાકિસ્તાનનો દોસ્ત હતો પણ દોસ્તીનું શું થયું? મલેશિયાને પણ હવે કાશ્મીરની ચિંતા નથી. ત્યાંના વડા પ્રધાન અનવર ઇબ્રાહિમે કહ્યું હતું કે કાશ્મીર એ ભારતનો આંતરિક મામલો છે.વીસ મિનિટના ભાષણમાં અર્દોઆને કાશ્મીરનો ઉલ્લેખ ન કર્યો."
અમેરિકામાં પાકિસ્તાનના રાજદૂત રહી ચૂકેલા હુસૈન હક્કાનીએ પાકિસ્તાન પર ટોણો મારતા લખ્યું છે કે, "વર્ષોથી પાકિસ્તાનીઓ સંયુક્ત રાષ્ટ્રના પ્રસ્તાવ દ્વારા 'કાશ્મીર વિવાદ' ઉકેલવાની વાત કરી રહ્યા છે. પાકિસ્તાનના વડા પ્રધાનને બાદ કરીએ તો યુએનજીએના 193 સભ્યોમાંથી કોઈએ પણ કાશ્મીરનો ઉલ્લેખ કર્યો નથી."
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
અર્દોઆને આવું કેમ કર્યું?

ઇમેજ સ્રોત, Getty Images
તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
ખીણના કેટલાક દેશોમાં ભારતના રાજદૂત રહી ચૂકેલા તલમીઝ અહેમદને પૂછવામાં આવ્યું કે અર્દોઆને આવું વલણ કેમ અપનાવ્યું તો તેમણે જવાબ આપ્યો હતો, "તેમનું વલણ બદલાઈ ગયું છે. અગાઉ તેઓ રાજકીય ઇસ્લામનું સમર્થન કરતા હતા, પણ છેલ્લાં કેટલાંક વર્ષોથી તેઓ એનાથી પીછો છોડાવી રહ્યા છે. આજકાલ તેઓ રાજકીય ઇસ્લામના દૃષ્ટિકોણથી પ્રાદશિક સમસ્યાઓ નથી જોઈ રહ્યા.''
અહેમદે કહ્યું હતું કે, “સાઉદી, યુએઈ અને ઈજિપ્ત રાજકીય ઇસ્લામનું સમર્થન કરતા નથી. અર્દોઆન આ ત્રણેય દેશ સાથે સંબંધ વધારી રહ્યા છે. આ ત્રણેય દેશોનું પોતાનું અનુશાસન અને નિયમો છે. આવી સ્થિતિમાં તેમણે પોતાનું રૂઢીગત રાજકારણ છોડવું પડે. પાકિસ્તાન સાથેની નિકટતા પણ અર્દોઆનના રાજકીય ઇસ્લામને કારણે છે. આ સ્થિતિમાં જો આ નીતિ નબળી પડશે તો પાકિસ્તાન પણ તુર્કી માટે ખાસ પ્રાસંગિક નહીં રહે.''
યુએનજીએમાં કાશ્મીરનો ઉલ્લેખ ન થવો એ ભારતની સિધ્ધી છે?
અહેમદ કહે છે કે, "હું એવું માનતો નથી કારણ કે તેનાથી ભારતને કોઈ ફરક પડતો નથી. અર્દોઆને આ ભારત માટે નહીં પણ પોતાના હિત માટે કર્યું છે. ભારતની હાલની સરકાર સ્થાનિય મુદ્દાઓને વધુ મહત્ત્વ આપી રહી છે. ભારતનું વલણ એ છે કે અમે આવા કોઈપણ નિવેદનને મહત્ત્વ આપતા નથી. અમારું વલણ આંતરિક વધારે છે. હું આનાથી ખુશ નથી. મને આ વલણ યોગ્ય નથી લાગતું. અભિગમ સંતુલિત હોવો જોઈએ. આપણે સંપૂર્ણપણે ઘરેલુ ન થઈ શકીએ. સ્થાનિક નીતિ અને વિદેશ નીતિ વચ્ચે સંતુલન હોવું જોઈએ. ઐતિહાસિક રીતે આપણું વલણ આંતરરાષ્ટ્રીય રહ્યું છે. આપણે બંને અભિગમોની ભેળસેળ ન કરી શકીએ.''
તલમીઝ અહેમદ કહે છે કે, “અર્દોઆને 2021થી પોતાનું વલણ બદલ્યું છે. તેમનું માનવું હતું કે સાઉદી, યુએઈ અને ઈજિપ્ત સાથે સંબંધો વધવા જોઈએ. તેમના માટે અર્થતંત્ર વધુ મહત્ત્વનું છે. યુએઈ અને સાઉદીએ તુર્કીની બૅન્કોમાં ઘણા પૈસા રાખ્યા છે. સાઉદી અને યુએઈએ પોતાને રાજકીય ઇસ્લામથી દૂર રાખ્યા છે અને તુર્કી પણ તે જ માર્ગ પર આગળ વધી રહ્યું છે.
સ્વાભાવિક છે કે સાઉદી અરબ અને યુએઈ પણ સંયુક્ત રાષ્ટ્રમાં કાશ્મીરનો ઉલ્લેખ કરતા નથી. ભારત સાથે કારોબાર પર તેમનું ફોકસ છે.
અર્દોઆને જ્યારે કાશ્મીર મુદ્દો યુએનજીએમાં ઊઠાવ્યો

ઇમેજ સ્રોત, Getty Images
અર્દોઆન દાયકાઓથી યુએનજીએમાં કાશ્મીરનો મુદ્દો ઊઠાવી રહ્યા છે, પરંતુ છેલ્લાં કેટલાંક વર્ષોથી તેમનો સૂર નરમ પડી રહ્યો હતો.
ગયા વર્ષે, સંયુક્ત રાષ્ટ્રની મહાસભાને સંબોધિત કરતી વખતે, અર્દોઆને કાશ્મીર વિશે કહ્યું હતું કે, "જો ભારત અને પાકિસ્તાન વચ્ચે સહકાર અને સંવાદથી કાશ્મીરમાં શાંતિ આવશે, તો દક્ષિણ એશિયામાં શાંતિ, સ્થિરતા અને સમૃદ્ધિનો માર્ગ ખુલશે."
2022માં સંયુક્ત રાષ્ટ્રની 77મી મહાસભામાં સંબોધનમાં અર્દોઆને કહ્યું હતું કે, "75 વર્ષ પહેલાં ભારત અને પાકિસ્તાન બે સાર્વભૌમ દેશ બન્યા, પરંતુ બંને દેશો વચ્ચે શાંતિ અને એકતા સ્થાપિત થઈ શકી નથી." જે ખૂબ દુર્ભાગ્યપૂર્ણ છે. અમે આશા રાખીએ છીએ અને પ્રાર્થના કરીએ છીએ કે કાશ્મીરમાં કાયમની અને યોગ્ય શાંતિ સ્થાપાય.''
5 ઑગસ્ટ, 2019ના રોજ ભારતે જમ્મુ – કાશ્મીરનો વિશેષ રાજ્યનો દરજ્જો નાબૂદ કર્યા પછી અર્દોઆન વૈશ્વિક મંચો પર કાશ્મીરનો મુદ્દો ઊઠાવી રહ્યા છે. જેના કારણે બંને દેશોના સંબંધોમાં તણાવ જોવા મળી રહ્યો છે.
કાશ્મીર પર અર્દોઆનનાં અગાઉનાં નિવેદનોના જવાબમાં ભારતે કહ્યું હતું કે આ સંપૂર્ણપણે અસ્વીકાર્ય છે. ભારતે કહ્યું હતું કે તુર્કીએ અન્ય દેશોના સાર્વભૌમત્વનું સન્માન કરવું જોઈએ. 2019માં અર્દોઆને કહ્યું હતું કે જમ્મુ-કાશ્મીરમાં નાકાબંધી છે. 2020માં કહ્યું હતું કે કાશ્મીર એક જ્વલંત મુદ્દો છે અને 370 હઠાવવાથી એ મુદ્દો વધુ જટીલ બની ગયો છે. 2021માં તેમણે કહ્યું હતું કે કાશ્મીર સમસ્યાનું સમાધાન સંયુક્ત રાષ્ટ્રના પ્રસ્તાવો હેઠળ થવું જોઈએ.
2022 આવતા આવતા તો કાશ્મીરને ભારત અને પાકિસ્તાનનો દ્વિપક્ષીય મામલો ગણાવવા લાગ્યા હતા.
અર્દોમાનના નરમ પડી ગયેલા અભિગમ પર 2022માં ધ બ્રૂકિંગ્સ ઇન્સ્ટીટ્યૂશનના વરિષ્ઠ ફૅલો તન્વી મદાને અર્દોમાનનો વીડિયો રીટ્વીટ કરતાં લખ્યું હતું કે, "ગત વર્ષની સંયુક્ત રાષ્ટ્રની સામાન્ય સભામાં જ અર્દોઆન કાશ્મીર મુદ્દે નરમ પડી ગયા હતા. આ ઉપરાંત, જૂનમાં પાકિસ્તાનના વડા પ્રધાન સાથેની પ્રેસ કૉન્ફરન્સમાં પણ અર્દોઆને કહ્યું હતું કે, કાશ્મીર સમસ્યાનું સમાધાન સંયુક્ત રાષ્ટ્રના પ્રસ્તાવ હેઠળ થવું જોઈએ.''
મોદી સરકાર અને તુર્કી
છેલ્લાં દસ વર્ષમાં ભારત અને તુર્કીના સંબંધ સતત બગડ્યા છે. નરેન્દ્ર મોદી વડા પ્રધાન બન્યા પછી મધ્યપૂર્વના લગભગ તમામ મોટા દેશોમાં ગયા પણ તુર્કી ગયા નહોતા.
20 ઑક્ટોબર 2019ના રોજ અંગ્રેજી અખબાર 'ધ હિન્દુ'એ એક અહેવાલ પ્રકાશિત કર્યો હતો કે, 2019ના છેલ્લા મહિનાઓમાં મોદી તુર્કી જવાના હતા પણ કાશ્મીર મામલે અર્દોઆન પાકિસ્તાનની પડખે હોવાથી તેમણે પ્રવાસ રદ્દ કર્યો હતો.
તે વખતે ભારતમાં તુર્કીના તત્કાલીન રાજદૂત સાકિર ઓઝકાને ધ હિન્દૂને કહ્યું હતું કે, "અમારી સરકારને આશા હતી કે મોદી અંકારા આવશે. એ માત્ર આશા જ નહોતી પણ હાલમાં જ એના વિશે વાત પણ થઈ હતી. ભારત સરકારે આ નિર્ણય લીધો છે પણ નિશ્ચિતપણે એના પર ચર્ચા થઈ હતી.''
તુર્કીના રાજદૂતે એમ પણ કહ્યું હતું કે, "કાશ્મીર મુદ્દે ચીને પણ ભારતની ટીકા કરી હતી પણ ચીની રાષ્ટ્રપતિ શી જીનપીંગ ભારતના પ્રવાસે ગયા હતા."
કાશ્મીર અને એફએટીએફ મામલે તુર્કીએ પાકિસ્તાનનું સમર્થન કર્યું જેને લીધે બંને દેશોના સંબંધમાં કડવાશ આવી હતી. જેને પગલે ભારતે ત્યાંના અનાદોલુ શીપયાર્ડમાં નૅવી સપોર્ટ શીપ બનાવવાની ડિલ પણ રદ્દ કરી દીધી હતી.
જ્યારે તુર્કીએ ઉત્તર સીરિયામાં કુર્દો પર હુમલા શરૂ કર્યા તો ભારતે તેની ટીકા કરી હતી અને કહ્યું હતું કે સાર્વભૌમત્વનું સન્માન થવું જોઈએ.
જોકે, એવા પણ સંજોગો હતા જેમાં બંને દેશો વચ્ચેની નિકટતા જોવા મળી હોય. જેમકે, તુર્કીમાં જ્યારે ભૂકંપ આવ્યો ત્યારે ભારતે મદદ મોકલી હતી.
પાકિસ્તાન અને તુર્કી વચ્ચેની મિત્રતા

ઇમેજ સ્રોત, Getty Images
ભારતની તુલનામાં પાકિસ્તાન અને તુર્કીના સંબંધ ખૂબ સારા રહ્યા છે. બંને દેશ દુનિયાના સુન્ની પ્રભુત્વવાળા દેશ છે. અર્દોઆનના પાકિસ્તાન સાથે હમેશા સારા સંબંધ રહ્યા છે.
જુલાઈ 2016માં જ્યારે તુર્કીમાં અર્દોઆન સામે લશ્કરી બળવો નિષ્ફળ ગયો, ત્યારે પાકિસ્તાન ખુલ્લેઆમ અર્દોઆનના સમર્થનમાં આવ્યું હતું. પાકિસ્તાનના તત્કાલિન વડા પ્રધાન નવાઝ શરીફે અર્દોદાનને ફોન કરીને સમર્થન આપ્યું હતું.
એ પછી શરીફ તુર્કી પણ ગયા હતા. ત્યારથી બંને દેશના સંબંધ ખૂબ સારા થયા હતા.
2017થી પાકિસ્તાનમાં તુર્કીએ એક અબજ ડૉલરનું રોકાણ કર્યું છે. તુર્કી પાકિસ્તાનમાં ઘણા પ્રોજેક્ટ પર કામ કરી રહ્યું છે. તે પાકિસ્તાનને મેટ્રોબસ રેપિડ ટ્રાન્ઝિટ સિસ્ટમ પણ આપી રહ્યું છે.
બંને દેશો વચ્ચે મુક્ત વ્યાપાર સમજૂતી અંગે પણ કામ ચાલી રહ્યું છે.
પરવેઝ મુશર્રફે પાશાના બિનસાંપ્રદાયિક સુધારા અને કડક શાસનની પ્રશંસા કરી હતી. પાકિસ્તાનના પૂર્વ વડા પ્રધાન ઇમરાન ખાને પણ અર્દોઆનના વખાણ કર્યા હતા.
ફેબ્રુઆરી 2020 માં, જ્યારે તુર્કીના રાષ્ટ્રપતિ રેચેપ તૈય્યપ અર્દોઆન પાકિસ્તાનની મુલાકાતે ગયા હતા, ત્યારે પાકિસ્તાનના તત્કાલીન વડા પ્રધાન ઇમરાન ખાને સંયુક્ત પ્રેસ કૉન્ફરન્સમાં ગર્વથી કહ્યું હતું કે, “તુર્કોએ 600 વર્ષ સુધી ભારત પર શાસન કર્યું હતું.”
ઇમરાન ખાને કહ્યું હતું કે, “તમારા આગમનથી અમે બધા ખુશ છીએ કારણ કે સમાજ જાણે છે કે તુર્કી સાથે અમારા સંબંધો સદીઓથી છે.''
(બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન)












