અરવિંદ કેજરીવાલ વિરુદ્ધ ઈડીના સરકારી સાક્ષીની કંપનીએ ભાજપને આપ્યા કરોડોના ઇલેક્ટોરલ બૉન્ડ, શું છે સમગ્ર મામલો?

અરવિંદ કેજરીવાલ

ઇમેજ સ્રોત, ANI

    • લેેખક, રાઘવેન્દ્ર રાવ
    • પદ, બીબીસી સંવાદદાતા

દિલ્હીના મુખ્ય મંત્રી અરવિંદ કેજરીવાલની કથિત દારૂનીતિ કૌભાંડમાં થયેલી ધરપકડ પછી આ મામલે સરકારી સાક્ષી બનેલા હૈદરાબાદના બિઝનેસમૅન પી સરથચંદ્ર રેડ્ડી એક વખત ફરીથી ચર્ચામાં છે.

રેડ્ડીને 10 નવેમ્બર 2022નાં રોજ ઍનફોર્સમેન્ટ ડાયરેક્ટરેટે (ઈડી) દિલ્હીના કથિત દારૂનીતિ કૌભાંડ મામલે મની લૉન્ડ્રિંગના આરોપમાં ધરપકડ કરી હતી.

ઈડીના મત પ્રમાણે રેડ્ડી એ “સાઉથ ગ્રુપ”નો હિસ્સો હતા જેને કથિત રૂપે આમ આદમી પાર્ટીને (આપ) 100 કરોડ રૂપિયા આપ્યા જેનો ઉપયોગ પાર્ટીએ ગોવાની ચૂંટણીમાં કર્યો.

લગભગ છ મહિના પછી દિલ્હી હાઈકોર્ટે નવ મે, 2023નાં રોજ રેડ્ડીને સ્વાસ્થ્ય રિપોર્ટના આધારે જમાનત આપી હતી.

કેટલાક સામાજિક કાર્યકરોએ કહ્યું કે ઈડીએ આ જમાનતની અરજીનો વિરોધ ન કર્યો. જમાનત આપતી વખતે કોર્ટે કહ્યું કે બીમાર વ્યક્તિને સારી અને પુરતી સ્વાસ્થ્ય સુવિધાઓનો અધિકાર છે.

થોડાક દિવસો પછી એક જૂન 2023નાં રોજ દિલ્હીની રાઉઝ એવેન્યુ કોર્ટે રેડ્ડીને સરકારી સાક્ષી બનવાની અનુમતિ આપી અને રેડ્ડીને માફી આપી.

રેડ્ડીનું ઇલેક્ટોરલ બૉન્ડ કનેક્શન

પ્રતીકાત્મ તસવીર

ઇમેજ સ્રોત, Getty Images

જ્યારે રેડ્ડીની ધરપકડ કરવામાં આવી હતી ત્યારે તેઓ ઑરોબિન્દો ફાર્મા લિમિટેડ નામની કંપનીના નિદેશક હતા. ઑરોબિન્દો ફાર્માનું મુખ્યાલય તેલંગાણાના હૈદરાબાદમાં આવેલું છે.

ચૂંટણીપંચે હાલમાં ઇલેક્ટોરલ બૉન્ડની જાહેર કરેલી જાણકારી પ્રમાણે ઑરોબિન્દો ફાર્માએ ત્રણ એપ્રિલ 2021થી આઠ નવેમ્બર 2023ની વચ્ચે 52 કરોડ રૂપિયાના બૉન્ડ ખરીદ્યા.

ત્રણ એપ્રિલ 2021ના કંપનીએ 2.5 કરોડના બૉન્ડ ખરીદ્યા જે તેલુગુ દેશમ પાર્ટીને (ટીડીપી) આપવામાં આવ્યા.

પાંચ જાન્યુઆરી 2022માં ઑરોબિન્દો ફાર્માએ ત્રણ કરોડના બૉન્ડ ખરીદ્યા અને આ બૉન્ડ ભારતીય જનતા પાર્ટીને (ભાજપ) આપવામાં આવ્યા.

આઠ એપ્રિલ 2022નાં રોજ કંપનીએ 15 કરોડ રૂપિયાના બૉન્ડ ખરીદ્યા અને આ બધા જ બૉન્ડ તેલંગાણાની ભારતીય રાષ્ટ્ર સમિતિ પાર્ટીને આપ્યા.

સાત જુલાઈ 2022નાં રોજ કંપનીએ 1.5 કરોડ રૂપિયાના બૉન્ડ ખરીદ્યા અને ભાજપને આપ્યા.

ભાજપને કેટલા કરોડના બૉન્ડ મળ્યા?

ભાજપનો ઝંડો

ઇમેજ સ્રોત, Getty Images

બદલો Whatsapp
બીબીસી ન્યૂઝ ગુજરાતી હવે વૉટ્સઍપ પર

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો

વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ

Whatsapp કન્ટેન્ટ પૂર્ણ

પી સરથચંદ્ર રેડ્ડીની ધરપકડ પહેલાં ઑરોબિન્દો ફાર્માએ કુલ 22 કરોડ રૂપિયાના ઇલેક્ટોરલ બૉન્ડ ખરીદ્યા હતા જેમાંથી સાડા ચાર કરોડના ભાજપને મળ્ચા હતા.

ઇડીએ 10 નવેમ્બર 2022નાં રોજ રેડ્ડીની ધરપકડ કરી હતી.

આ ધરપકડના પાંચ દિવસ પછી ઑરોબિન્દો ફાર્માએ 15 નવેમ્બર 2022ના રોજ પાંચ કરોડના બૉન્ડ ખરીદ્યા અને ભાજપને આપ્યા. ભાજપે આ બૉન્ડને 21 નવેમ્બર 2022નાં રોજ કેશ કરાવ્યા.

ધરપકડના છ મહિના પછી રેડ્ડીને સ્વાસ્થ્યને લગતા કારણોસર જમાનત મળી અને એક જૂન 2023ના રોજ તેઓ સરકારી સાક્ષી બની ગયા અને તેમને કોર્ટ તરફથી માફી મળી ગઈ.

લગભગ પાંચ મહિના પછી આઠ નવેમ્બર 2023ના દિવસે ઑરોબિન્દો ફાર્માએ 25 કરોડ રૂપિયાના બૉન્ડ ખરીદ્યા અને ભાજપને આપ્યા. પાર્ટીએ 17 નવેમ્બર 2023ના આ બૉન્ડને કેશ કરાવ્યા.

આમ રેડ્ડીની ધરપકડ પહેલાં અને પછી આ ઑરોબિન્દો ફાર્મા કંપનીએ ભાજપને 34.5 કરોડ રૂપિયાના ઇલેક્ટોરલ બૉન્ડ આપ્યા. જેમાંથી 30 કરોડ રૂપિયા રેડ્ડીની ધરપકડ પછી અને તેમના સરકારી સાક્ષી બન્યા પછી ભાજપને આપવામાં આવ્યા.

એ જાણકારી પણ સામે આવી કે ઑરોબિન્દો ફાર્મા સાથે જોડાયેલી અન્ય બે કંપનીઓએ પણ ઇલેક્ટોરલ બૉન્ડ ખરીદ્યા અને ભારતીય જનતા પાર્ટીને આપ્યા.

યૂજિયા ફાર્મા સ્પેશિયાલિટીસ તેમાની એક છે જેનું મુખ્યાલય હૈદરાબાદમાં છે. આ કંપનીએ આઠ નવેમ્બર 2023ના દિવસે 15 કરોડના બૉન્ડ ખરીદ્યા. આ બધા જ બૉન્ડ ભાજપને આપ્યા અને પાર્ટીએ 17 નવેમ્બર 2023નાં રોજ કેશ કર્યા.

બીજી કંપની છે એપીએલ હેલ્થકેર લિમિટેડ અને તેનું મુખ્યાલય પણ હૈદરાબાદમાં છે. આ કંપનીએ આઠ નવેમ્બર 2023નાં રોજ દસ કરોડના બૉન્ડ ખરીદીને ભાજપને આપ્યા. ભાજપે 17 નવેમ્બર 2023નાં રોજ આ બૉન્ડને કેશ કર્યા.

આ ત્રણેય કંપનીએ કુલ મળીને 59.5 કરોડ રૂપિયાનું રાજકીય ફંડ ઇલેક્ટોરલ બૉન્ડ થકી ભાજપને આપ્યું.

બીબીસીએ આ વિશે ભાજપના પ્રવક્તા સંબિત પાત્રા, સુધાંશુ ત્રિવેદી અને શહજાદ પૂનાવાલા સાથે વાત કરવાની કોશિશ કરી પરંતુ સંપર્ક ન થઈ શક્યો.

આ અહેવાલને તેમનો જવાબ મળશે ત્યારે અપડેટ કરીશું. ભાજપે આધિકારિક રૂપે કોઈપણ પ્રતિક્રિયા આપી નથી.

“દારૂ ગોટાળામાં મની ટ્રેલ ભાજપ સુધી જાય છે”

આતિશી

ઇમેજ સ્રોત, ANI

ઇલેક્ટોરલ બૉન્ડની જાણકારી સાર્વજનિક થયા પછી આમ આદમી પાર્ટીએ અરવિંદ કેજરીવાલની ધરપકડ મામલે ભાજપનો ઘેરાવ શરૂ કરી દીધો છે.

આમ આદમી પાર્ટીના નેતા અને દિલ્હી સરકારનાં મંત્રી આતિશીએ સોશિયલ મીડિયા પ્લૅટફૉર્મ ઍક્સ પર લખ્યું, "દિલ્હીમાં નવી આબકારી પૉલિસી પ્રમાણે ઑરોબિન્દો ફાર્માના માલિક સરથચંદ્ર રેડ્ડીને દારુ વહેંચવા માટે કેટલાક ઝોન મળ્યા. આ એપીએલ હેલ્થકેર અને ઇયૂજીઆઈએમ ફાર્માના માલિક પણ છે."

"નવ નવેમ્બરે સરથચંદ્ર રેડ્ડીએ નિવદેન આપ્યું હતું કે તેમણે ન અરવિંદ કેજરીવાલને પૈસા આપ્યા, ન વિજય નાયરને, ન અન્ય આપનાં નેતાને. તેમની આગલા જ દિવસે ધરપકડ કરવામાં આવી. તેમને થોડાક મહિનામાં જ કેજરીવાલજીની વિરુદ્ધ નિવેદન આપ્યું તો કેટલાક મહિનામાં જ તેમને જમાનત મળી ગઈ."

આતિશીએ લખ્યું કે રેડ્ડીના આ નિવેદનને આધારે જ દિલ્હીના મુખ્ય મંત્રી અરવિંદ કેજરીવાલની ધરપકડ કરવામાં આવી છે.

તેમણે પૂછ્યું, "આ તો એક નિવેદન છે. મની ટ્રેલ ક્યાં છે? ભાજપને મળેલા ઇલેક્ટોરલ બૉન્ડના ડેટામાં આ મની ટ્રેલ સ્પષ્ટપણે જોવા મળે છે. સરથ રેડ્ડીએ ભાજપને સાડા ચાર કરોડ રૂપિયા આપ્યા જ્યારે આબકારી નીતિ લાગુ હતી અને ધરપકડ પછી બીજા 55 કરોડ રૂપિયા આપ્યા. પહેલાં તેમની ધરપકડ થઈ પછી ભાજપને પૈસા આપ્યા પછી તેમણે કેજરીવાલજી વિરુદ્ધ નિવેદન આપ્યું અને ઈડીએ તેમને છોડ્યા અને ત્યારપછી તેમને ભાજપને ફરીથી રૂપિયા આપ્યા."

આતિશીના મત પ્રમાણે જે મની ટ્રેલની શોધ બે વર્ષથી કરવામાં આવી રહી હતી તે વિશે જાણકારી મળી ગઈ છે. દારૂ કૌભાંડની મની ટ્રેલ ભાજપ સુધી જાય છે અને આમ આદમી પાર્ટી સુધી નહીં.

આ સાથે જ તેમણે વડા પ્રધાન નરેન્દ્ર મોદીને પડકાર આપ્યો કે તેઓ ભાજપને ગોટાળાનો મુખ્ય આરોપી બનાવે અને ઈડી ભાજપના અધ્યક્ષ જેપી નડ્ડાની ધરપરડ કરે.

"ઈડીની તપાસ પર પણ ગંભીર સવાલ ઊભા થાય છે"

ઈડી કાર્યાલય

ઇમેજ સ્રોત, Getty Images

અંજલિ ભારદ્વાજ એક સામાજિક કાર્યકર છે જે સૂચનાનો અધિકાર, પારદર્શિતા અને જવાબદારી જેવા મુદ્દાઓ પર કામ કરે છે.

તેમણે રેખાંકિત કર્યું કે દિલ્હીની દારૂની નીતિના મામલે, ત્યાં બે સરકારી સાક્ષીઓ છે કે જેના પર ઈડીએ આધાર રાખ્યો છે, તેમાંથી એકની કંપની શાસક પક્ષને ચૂંટણી બૉન્ડ આપતી જોવા મળે છે.

તેમણે કહ્યું, "આ વાત ઘણા પ્રશ્નો ઊભા કરે છે. એ વિશે પણ સવાલ છે કે જે વ્યક્તિની ધરપકડ કરવામાં આવી છે તેમની કંપની ધરપકડ પહેલાં જ પાંચ કરોડ રૂપિયા કેમ આપે છે. પછી તે વ્યક્તિને જમાનત મળે છે અને તે સરકારી સાક્ષી બની જાય છે અને ત્યાર પછી તેમની કંપની સત્તાધારી પાર્ટીને વધારે રાજકીય ફંડ આપે છે. આ કારણે ઈડીની તપાસ પર ગંભીર સવાલો ઊભા થાય છે."

અંજલિ ભારદ્વાજના મત પ્રમાણે આવા કેટલાક મામલાઓમાં ઈડી અને સીબીઆઈ જેવી પ્રમુખ એજન્સીઓની મિલીભગત નજર આવી રહી છે.

તેમણે કહ્યું, "આ ખૂબ જ ચિંતાજનક છે અને આ સવાલ પણ ઊભો થાય છે કે આ આરોપોની તપાસ કોણ કરશે જે નિશ્ચિત પણે આ અને અન્ય મામલાઓમાં પણ સામે આવશે. આ એજન્સીઓ દ્વારા આવા મામલાઓની નિષ્પક્ષ અને સ્વતંત્ર તપાસની આશા ન કરી શકાય જે મામલાઓમાં એજન્સી પોતે પણ સામેલ છે."

ભારદ્વાજે કહ્યું કે લોકપાલની સંસ્થા એવી ન બની જેવો વિચાર હતો. આ કારણે હવે એવી સ્થિતિ આવી છે કે લોકો પાસે અદાલતની દેખરેખવાળી એસઆઈટી સિવાય કોઈ વિકલ્પ નથી બચ્યા.

તેમણે કહ્યું, "મને લાગે છે કે આ મામલે તો ખૂબ જ ઊંડી તપાસની જરૂર છે. આ ઉપરાંત એ દરેક મામલાની તપાસ થવી જોઈએ જેમાં પહેલી નજરે ક્વિડ પ્રો ક્વો (કંઈક મેળવવાના ઇરાદા સાથે કંઈક આપવું) થયો, બળજબરીથી વસૂલી કરવામાં આવી હોય કે સત્તાધારી દળ દ્વારા પૈસા એકઠા કરવા માટે એજન્સીઓનો ઉપયોગ કર્યો હોય."

પી સરથચંદ્ર રેડ્ડીના સરકારી સાક્ષી બન્યા પછી એવું માનવામા આવી રહ્યું હતું કે અરવિંદ કેજરીવાલ વિરુદ્ધ થયેલી ઈડીની કાર્યવાહીનો આધાર કેજરીવાલ વિરૂદ્ધ આપેલ રેડ્ડીનું નિવેદન છે.

હવે જ્યારે આ વાત સામે આવી ગઈ છે કે રેડ્ડીની કંપનીએ ભાજપને કરોડો રૂપિયા ફંડ પેટે આપ્યા. શું આ કારણે ઈડીનો કેસ નબળો પડશે?

અંજલિ ભારદ્વાજે કહ્યું, "આ મામલે ઈડી પાસે કેવા પુરાવાઓ છે તે કોઈ નથી જાણતું. નિશ્ચિત રૂપે કેટલાય અનેક દાવાઓ અને પ્રતિદાવાઓ થયા. અને એક તરફ જ્યારે તપાસમાં દિલ્હીના મુખ્ય મંત્રી, ઉપ મુખ્ય મંત્રી, અને રાજ્ય સભાના સાંસદની ધરપકડ કરવામાં આવી છે તો એવું માની શકાય કે ઈડી પાસે કેટલાક પ્રકારના સબૂતો હશે."

ભારદ્વાજે કહ્યું કે ઈડીના કહેવા પ્રમાણે તેની પાસે બે સરકારી સાક્ષીઓ છે જેમાં એક પી સરથચંદ્ર રેડ્ડી છે અને હાલમાં આ કેસ કોર્ટમાં ટકશે કે નહીં તેના વિશે કહી ન શકાય.

તેમણે કહ્યું, "જોકે આ મામલે રેડ્ડીના નિવેદનોની સત્યતા પર શંકાનો પડછાયો છે અને આ બાબતની ઊંડી તપાસ થવી જોઈએ."

ડૉ. સુવ્રોકમલ દત્તા એક જાણીતા રાજકીય અને આર્થિક નિષ્ણાત છે. અમે તેમને પૂછ્યું કે આ મામલાને તેઓ કઈ રીતે જુએ છે.

તેમણે કહ્યું કે કોઈ પણ કંપની કોઈ પણ પાર્ટીને પોતાની મરજી પ્રમાણે ફંડિંગ આપી શકે છે.

પરંતુ ઑરોબિન્દો ફાર્માએ પી સરથ ચંદ્ર રેડ્ડીની ધરપકડ પહેલાં ભાજપને 4.5 કરોડ રૂપિયા આપ્યા હતા, રેડ્ડીની ધરપકડ પછી અને કોર્ટમાંથી માફી મળ્યા બાદ તેણે 30 કરોડ રૂપિયા ચૂંટણી બૉન્ડ દ્વારા આપ્યા હતા. આ વિશે તમે શું કહેશો?

આ અંગે ડૉ.દત્તાએ કહ્યું કે આ માત્ર એક સંયોગ છે અને દરેક કંપની પોતાની વિવેકબુદ્ધિથી જુએ છે કે તેણે કોને ક્યારે અને કેટલું ડોનેશન આપવાનું છે.

ડૉ. દત્તાએ કહ્યું, "જો આમ આદમી પાર્ટીને લાગે છે કે આ મામલામાં કોઈ રાજકીય રંગ છે તો તેમણે મજબૂત સબૂતો સાથે અદાલત જવું જોઈએ. જો આમ આદમી પાર્ટીને લાગે છે કે ભાજપે દબાણ કરીને ફંડ લીધું છે અને આરોપીઓને ક્લીન ચિટ આપી છે અને ઈડીએ નરમી દેખાડી છે તો તેમને દિલ્હી હાઈ કોર્ટ કે સુપ્રીમ કોર્ટમાં જાહેર હિતની અરજી કરવી જોઈએ."

પી સરથચંદ્ર રેડ્ડી સરકારી સાક્ષી બનવા અને ત્યાર બાદ કોર્ટમાંથી માફી મેળવ્યા અંગે ડૉ. દત્તાએ કહ્યું, "જ્યારે કોઈ આરોપી સરકારી સાક્ષી બને છે ત્યારે તેને ખબર હોય છે કે તેણે ભૂલ કરી છે અને કોઈપણ વ્યક્તિ માત્ર સજા ઓછી કરાવવા માટે જ સરકારી સાક્ષી બને છે."

"કાયદાને સહકાર આપ્યા પછી અને તમામ માહિતી શેર કર્યા પછી જ આરોપી સરકારી સાક્ષી બને છે. અને જ્યારે કોઈ સરકારી સાક્ષી બને છે, ત્યારે કાયદો તેની તરફ સહાનુભૂતિપૂર્વક જુએ છે અને ઉદારતાથી વર્તે છે."

ડૉ. દત્તાના કહેવા પ્રમાણે, "જો અરવિંદ કેજરીવાલે ઈડી દ્વારા સતત મોકલવામાં આવેલા સમન્સનું સન્માન કર્યું હોત તો તેમની ધરપકડ કરવામાં ન આવી હોત."

તેઓ કહે છે, "જો તે નિર્દોષ છે, તો પછી તેમને ઈડીના સમન્સથી ભાગવાની શી જરૂર હતી? તેમની સામે ગંભીર અને નક્કર આરોપો છે, તેથી જ તેમણે છેવટ સુધી ભાગવાનો પ્રયાસ કર્યો. આ પહેલીવાર બન્યું છે જ્યારે એક રાજકારણીને ઈડી દ્વારા નવ વખત સમન્સ પાઠવવામાં આવ્યું છે."

"તેમણે સમન્સનું ઉલ્લંઘન કર્યું છે. તેથી, તેઓ જે વિક્ટિમ કાર્ડ રમી રહ્યા છે જે પાયાવિહોણું છે. આ ચૂંટણીનો સમય છે અને આમ આદમી પાર્ટી સહાનુભૂતિ મેળવવાનો પ્રયાસ કરી રહી છે."