ચીનમાં વિરોધપ્રદર્શનની લહેર શી જિનપિંગની સરકાર માટે પડકારજનક કેમ?

    • લેેખક, સ્ટીફન મૅકડોનેલ
    • પદ, બીબીસી ચીન સંવાદદાતા, બીજિંગ

ચીનમાં વિરોધના અવાજો પહેલાં પણ ઊઠ્યા છે.

પાછલાં ઘણાં વર્ષોમાં અચાનક ઘણા પ્રકારના મુદ્દા, જેમ કે ઝેરી પ્રદૂષણ કે જમીનો પર ગેરકાયદેસર કબજો કે પોલીસના હાથે અમુક સમુદાયના લોકોની હેરાનગતિને લઈને સ્થાનિક લોકો વિરોધ વ્યક્ત કરતા રહ્યા છે. પરંતુ આ વખતનો વિરોધ અલગ છે.

ચીનના લોકોના મગજમાં હાલ એક જ મુદ્દો છે અને ઘણા લોકોમાં આને લઈને મૂંઝવણ વધી રહી છે. સરકારની ‘ઝીરો કોવિડ નીતિ’ વિરુદ્ધ મોટા પાયે વિરોધમાં વધારો થઈ રહ્યો છે.

લોકોએ સોશિયલ ડિસ્ટન્સિંગ (સામાજિક અંતર)ને લાગુ કરવા માટે લદાયેલ પ્રતિબંધોને તોડી નાખ્યા છે અને ભારે સંખ્યામાં લોકો શહેરો અને યુનિવર્સિટી કૅમ્પસોમાં રસ્તા પર ઊતરી આવ્યા છે.

આ કેટલો આશ્ચર્યજનક મામલો છે તેને વ્યાખ્યાયિત કરવાનું કામ મુશ્કેલ છે.

શંઘાઈમાં પ્રદર્શનકારીઓએ રાષ્ટ્રપતિ શી જિનપિંગ વિરુદ્ધ નારાબાજી કરાઈ અને તેમનું રાજીનામું પણ માગી લેવાયું.

ચીનમાં કૉમ્યુનિસ્ટ પાર્ટીના મહાસચિવ વિરુદ્ધ ખુલ્લા મને બોલવું એ અત્યંત ખતરનાક મનાય છે. આવું કરનારને જેલમાં પણ ધકેલી શકાય છે.

તેમ છતાં લોકો શંઘાઈની સડક (વૂલુમુકી લૂ) પર ઊતરી આવ્યા. આ સડક શિનજિયાંગના એ શહેરના નામ પર છે જ્યાં એક ઇમારતમાં આગ લાગવાના કારણે દસ લોકોનાં મૃત્યુ થઈ ગયાં હતાં.

એવું મનાઈ રહ્યું છે કે ઝીરો કોવિડ નીતિ અંતર્ગત લદાયેલ પ્રતિબંધોના કારણે બચાવકર્મીઓને પહોંચવામાં મોડું થયું.

એક પ્રદર્શનકારીએ નારો પોકાર્યો, “શી જિનપિંગ”

અને સેંકડોએ જવાબ આપ્યો, “ગાદી છોડો”

વારંવાર “શી જિનપિંગ ગાદી છોડો, શી જિનપિંગ ગાદી છોડો”નો નારો ગૂંજતો રહ્યો.

એવો પણ નારો ગૂંજી રહ્યો હતો, “કૉમ્યુનિસ્ટ પાર્ટી સત્તા છોડો, કૉમ્યુનિસ્ટ પાર્ટી સત્તા છોડો.”