શક્તિસિંહ ગોહિલે રાજીનામું કેમ આપ્યું, નૈતિકતા, નિષ્ફળતા, જિલ્લા પ્રમુખોની નિમણૂકોનો વિવાદ કે પછી પલાયનવાદ?

ઇમેજ સ્રોત, Getty Images
ગુજરાત વિધાનસભાની બે બેઠકની પેટાચૂંટણીનાં પરિણામ જાહેર થયા છે જેમાં કૉંગ્રેસનો કરૂણ રકાસ થયો છે. કૉંગ્રેસ તરફથી વીસાવદરમાં ઊભા રહેલા ઉમેદવાર નીતિન રાણપરિયા અને કડીના રમેશ ચાવડાનો પરાજય થયો છે.
કૉંગ્રેસને બે પૈકી એક પણ બેઠક પર સફળતા નહીં મળતા ગુજરાત પ્રદેશ કૉંગ્રેસ પ્રમુખપદેથી શક્તિસિંહ ગોહિલે રાજીનામું આપ્યું છે. કૉંગ્રેસ પક્ષ નવા પ્રમુખની જાહેરાત નહીં કરે ત્યાં સુધી હાલ આ જવાબદારી કૉંગ્રેસના નેતા શૈલેષ પરમારને સોંપવામાં આવી છે.
વીસાવદરની બેઠક પર કૉંગ્રેસના ઉમેદવારને માત્ર 5501 મત મળ્યા હતા જ્યારે કડીની બેઠક પર કૉંગ્રેસની 39452 મતે હાર થઈ હતી.
હાલના તબક્કે ગુજરાત વિધાનસભામાં કૉંગ્રેસના ધારાસભ્યોની સંખ્યા માત્ર 12 છે અને તાજેતરમાં જ થયેલી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં કૉંગ્રેસની કારમો પરાજય થયો હતો અને એક જ નગરપાલિકા કૉંગ્રેસ જીતી શકી હતી. એવામાં પેટાચૂંટણીમાં કૉંગ્રેસની ફરીથી કારમી હાર થઈ છે.
વીસાવદર બેઠક પર કૉંગ્રેસ ત્રીજા ક્રમે ધકેલાઈ ગઈ છે. રાજ્યમાં 2021થી સતત નબળી પડી રહેલી કૉંગ્રેસને ભાજપની સાથે સાથે હવે આમ આદમી પાર્ટીના પણ પડકારનો સામનો કરવો પડી રહ્યો છે.
શકિતસિંહ ગોહિલે રાજીનામું આપ્યા બાદ શું કહ્યું?
શક્તિસિંહ ગોહિલે પેટાચૂંટણીની હારની જવાબદારી સ્વીકારી છે. એક કહેવતને ટાંકતા પત્રકાર પરિષદમાં શક્તિસિંહ ગોહિલે જણાવ્યું હતું, "આ દુનિયામાં કશું કાયમી નથી, માત્ર એક જ વસ્તુ કાયમી છે અને તે છે બદલાવ."
તેમણે હારનો સ્વીકાર કરતા કહ્યું હતું, "કડી અને વીસાવદરની ચૂંટણીનું પરિણામ અમારા માટે ઘણું ખરાબ અને આઘાતજનક છે. આ બંને જગ્યાએ અમારા કાર્યકર્તાઓ જે મક્કમતાથી ચૂંટણી લડ્યા તેમને હું નમન કરું છું. તેઓ અમારી મૂડી છે. તેઓ વેચાયા નથી, દબાયા નથી, મક્કમતાથી લડ્યા છે."
જવાબદારીની વાત કરતા તેમણે કહ્યું, "હાર અને જીત તો થાય પરંતુ કૉંગ્રેસ પાર્ટીમાં નૈતિક જવાબદારીનું હંમેશાં પાલન થાય છે. કડી અને વીસાવદરની બંને ચૂંટણીઓમાં તમામ યશ પાર્ટીના કાર્યકર્તાઓને જાય છે. પરિણામ નથી આવ્યું તેની જવાબદારીનો મેં સ્વીકાર કર્યો છે."
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
તેમણે જાહેર કર્યું કે ઑલ ઇન્ડિયા કૉંગ્રેસ સમિતિના પ્રમુખને તેમનું રાજીનામું મોકલી આપ્યું છે. સાથે તેમણે એ પણ જાહેરાત કરી કે જ્યાં સુધી કૉંગ્રેસ પક્ષ નવા પ્રમુખ નહીં બનાવે ત્યાં સુધી કાર્યકારી પ્રમુખ તરીકેની જવાબદારી સંગઠનના વરિષ્ઠ નેતા શૈલેષ પરમાર નિભાવશે.
શક્તિસિંહ ગોહિલે રાજીનામું આપ્યા બાદ સોશિયલ મીડિયા પ્લૅટફૉર્મ ઍક્સ પર પોસ્ટ કરતા કહ્યું કે, "પેટાચૂંટણીમાં પરાજયની નૈતિક જવાબદારી સ્વીકારી મેં ગણતરીના કલાકોમાં જ કૉંગ્રેસ પ્રમુખપદેથી રાજીનામું આપ્યું છે. હું અમારા બધા પક્ષના નેતાઓ, અમારા પક્ષના ઉત્તમ બબ્બર શેર કાર્યકરો, મારા શુભેચ્છકો, મીડિયા અને અન્ય બધાનો મારામાં સમર્થન અને વિશ્વાસ બદલ આભાર માનું છું. હું માનું છું કે અમારો પક્ષ કોઈપણ પદ કે વ્યક્તિ કરતાં વધુ મહત્ત્વપૂર્ણ છે. હું ચોક્કસપણે કૉંગ્રેસનો શિસ્તબદ્ધ સૈનિક બની રહીશ. હંમેશાં. જય કૉંગ્રેસ. જય હિંદ. હંમેશાં કૉંગ્રેસના કાર્યકર તરીકે કામ કરતો રહીશ."
''આ નિર્ણય અમારા માટે આંચકાજનક છે''
તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
ઉલ્લેખનીય છે કે આ પહેલાં 2022ની વિધાનસભા ચૂંટણીમાં કૉંગ્રેસના પરાજય થયા બાદ જગદીશ ઠાકોરે પ્રદેશ પ્રમુખપદેથી રાજીનામું આપી દીધું હતું.
તે પહેલાં 2021ના ફેબ્રુઆરી-માર્ચમાં યોજાયેલી મહાનગરપાલિકાઓ તથા જિલ્લા પંચાયતની ચૂંટણીમાં પરાજય બાદ અમિત ચાવડાએ પ્રદેશ પ્રમુખપદેથી રાજીનામું આપી દીધું હતું.
અમિત ચાવડા 2018માં કૉંગ્રેસ પ્રદેશ પ્રમુખ બન્યા હતા. 2023ના જૂનમાં શક્તિસિંહ ગોહિલ નવા પ્રદેશ પ્રમુખ બન્યા હતા.
પક્ષ પ્રમુખ તરીકે રાજીનામું આપવામાં હવે શક્તિસિંહ ગોહિલનું નામ પણ જોડાયું છે ત્યારે બીબીસી ગુજરાતીએ કૉંગ્રેસના પ્રવકતા ડૉ. મનીષ દોશી સાથે વાતચીત કરી હતી.
ડૉ. મનીષ દોશીએ બીબીસી ગુજરાતીને જણાવ્યું હતું કે, "શક્તિસિંહે હારથી જવાબદારી સ્વીકારીને નૈતિકતાના ધોરણે રાજીનામું આપ્યું છે. આ રાજીનામું અમારા સૌ કોઈ માટે આંચકાજનક છે. શક્તિસિંહ દબાણની રાજનીતિના વ્યક્તિ નથી. આ રાજીનામું માત્ર એમણે આપવા ખાતર આપ્યું નથી. તેઓ પોતાના નિર્ણયને વળગી રહે છે."
ડૉ. મનીષ દોશીએ વધુમાં જણાવ્યું કે "તેમણે અગાઉ 1992 માં આરોગ્ય મંત્રીપદેથી રાજીનામું આપેલું. એ સમયે હું એમનો સાક્ષી હતો. એ સમયે છબીલદાસ મહેતાની સરકાર હતી. ભાવનગરને મેડિકલ કૉલેજ ના ફાળવવામાં આવતા આરોગ્ય મંત્રીપદેથી તેમણે રાજીનામું આપી દીધું હતું. ભાવનગરથી મોટી સંખ્યામાં લોકો એમને મનાવવા માટે દોડી આવ્યા હતા પરંતુ તેઓ પોતાના નિર્ણયને વળગી રહ્યા હતા."
રાજીનામાનું કારણ જિલ્લા પ્રમુખોની નિયુક્તિનો વિવાદ છે?

ઇમેજ સ્રોત, Getty Images
લોકસભા ચૂંટણી - 2024માં ગુજરાતમાં કૉંગ્રેસનો દેખાવ અત્યંત કંગાળ રહ્યો હતો. કૉંગ્રેસના ફાળે માત્ર એક બેઠક આવી હતી. કૉંગ્રેસનાં એક માત્ર વિજેતા ઉમેદવાર ગેનીબહેનની જીત પાછળ કૉંગ્રેસ કે શક્તિસિંહની ભૂમિકા ખાસ ન હોવાનું રાજકીય સમીક્ષકો માને છે.
લોકસભા ચૂંટણીના શરમજનક પરિણામ પછી રાહુલ ગાંધીએ ભાજપના ગઢ મનાતા ગુજરાતના અમદાવાદમાં આયોજિત કૉંગ્રેસ અધિવેશનમાં પાર્ટીમાં નવું જોમ ભરવાનો પ્રયાસ કર્યો હતો.
પાર્ટીનું નવસર્જન કરવા મથતા રાહુલ ગાંધીને બળતું ઘર આપીને શકિતસિંહ ગોહિલ નૈતિકતાના નામે જવાબદારીમાંથી છટકી ગયા હોવાનું વરિષ્ઠ પત્રકાર હરિ દેસાઈ માને છે.
હરિ દેસાઈ બીબીસી ગુજરાતીને જણાવે છે, "જો ખરેખર શકિતસિંહે નૈતિક જવાબદારીના ધોરણે રાજીનામું આપ્યું હોય તો પછી એમણે લોકસભા ચૂંટણીમાં કૉંગ્રેસના નબળા દેખાવ બાદ જ રાજીનામું આપી દેવું જોઈતું હતુ."
હાલમાં કૉંગ્રેસ દ્વારા રાજ્યમાં વિવિધ જિલ્લાઓના પ્રમુખોની નિમણૂક કરવામાં આવી હતી આ વિશેના વિવાદ પર હરિ દેસાઈએ વાતચીત કરતાં જણાવ્યું, "તેમણે કૉંગ્રેસના લંગડા ઘોડાઓને જિલ્લા કૉંગ્રેસના પ્રમુખો બનાવ્યા. આ લંગડા ઘોડાઓ ભારતીય જનતા પાર્ટી વતી કામ કરે છે. તેમણે શેલૈષ પરમારને સંગઠનના પ્રભારી બનાવ્યા હતા પણ કૉંગ્રેસના બંધારણમાં આવો કોઈ હોદ્દો ન હોવાનો મારો ખ્યાલ છે. શૈલેષ પરમારને હવે પક્ષ પ્રમુખ બનાવ્યા છે. જો 2027ની વિધાનસભા કૉંગ્રસ જીતે નહીં તો તેમના પર કાળી ટીલી લાગે. આમ જવાબદારીમાંથી છટકીને તેઓ 'રણછોડરાય' બન્યા છે."
બીજી તરફ એક પ્રેસ કૉન્ફરન્સમાં શક્તિસિંહ ગોહિલે જણાવ્યું હતું કે પેટાચૂંટણીની હાર પર પાર્ટી મનોમંથન કરશે.
જિલ્લા પ્રમુખોની નિમણૂકોના વિવાદ પર બોલતા તેમણે જણાવ્યું હતું, "જિલ્લાઓમાં કાર્યકરોનો અવાજ શું છે તે સાંભળીને જિલ્લા પ્રમુખો નક્કી કરવા માટે સમિતિ બની હતી. એઆઈસીસીએ તેની મંજૂરી આપી હતી. સંગઠન સજ્જન અભિયાનમાં ગુજરાતને પાઇલટ પ્રોજેક્ટ મળ્યો. જિલ્લાઓમાં 40 પ્રમુખોની નિમણૂકો થઈ. પક્ષ કે પરિવારને, બધાને આ નિર્ણય મંજૂર ન પણ હોય પરંતુ આ નિર્ણયને કારણે પક્ષને નવું જોમ મળ્યું છે."
"સંગઠન સર્જનની કમિટીમાં દર ત્રણ મહિને જિલ્લા પ્રમુખોની કામગીરીનું આકલન કરવામાં આવશે. કાર્યકરોને પણ સાંભળવામાં આવશે."

ઇમેજ સ્રોત, ANI
'પક્ષ કે પરિવારને બધા નિર્ણય મંજૂર ન હોય.' શક્તિસિંહનું આ નિવેદન ઘણું સૂચક હોવાનું વરિષ્ઠ પત્રકાર દિલીપ પટેલ માને છે.
તેઓ બીબીસી ગુજરાતીને કહે છે કે, "એક અનુમાન પ્રમાણે શક્તિસિંહનું રાજીનામું પડ્યું તેનું કારણ શહેર અને જિલ્લા પ્રમુખોનો વિવાદ જણાઈ રહ્યો છે. કૉંગ્રેસ પ્રમુખોની નિમણૂકોને લઈને શક્તિસિંહ ગોહિલનો આગ્રહ હતો કે એમણે બનાવેલા પ્રમુખોને ચાલુ રાખવામાં આવે. પરંતુ આ વાત માનવામાં ન આવી અને આ કારણે નારાજગીને કારણે રાજીનામું આપ્યું હોય તેવું લાગી રહ્યું છે. બાકી માત્ર પેટાચૂંટણીમાં હારને કારણે રાજીનામું આપ્યું હોવાનું ન માની શકાય."
પૅલેસથી પોલિટિક્સની સફર
શક્તિસિંહ ગોહિલની રાજકીય કારકિર્દી તરફ એક નજર નાખીએ તો તેઓ લીમડા સ્ટેટના રાજપરિવારમાંથી આવે છે.
તેઓ લીમડાના હાલના 'દરબાર સાહેબ' છે. લીમડા સ્ટેટ(હનુભાના)ના છઠ્ઠા રાજા હરિશ્ચંદ્ર રણજિતસિંહ ગોહિલના દીકરા છે. તેમના દાદા રણજિતસિંહજી 1967માં ગઢડા સીટ પરથી સ્વતંત્ર પક્ષમાંથી ધારાસભ્ય બન્યા હતા.
શક્તિસિંહ ગોહિલ 1986માં ભાવનગર જિલ્લા યુવા કૉંગ્રેસ પાર્ટીના અધ્યક્ષ હતા અને 1989માં ગુજરાત રાજ્ય યુવા કૉંગ્રેસના મહાસચિવ પણ રહી ચૂક્યા છે.
આ પછી તેઓ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી લડી ભાવનગર જિલ્લા પંચાયતના ઉપાધ્યક્ષ બન્યા. 1990માં તેઓ એઆઇસીસીના સદસ્ય બન્યા અને અહીંથી જ તેમની રાજકીય કારર્કિર્દીની શરૂઆત થઈ હતી.
1991થી 1995 દરમિયાન તેમણે શિક્ષણ, સ્વાસ્થ્ય અને નાણાં મંત્રાલય જેવા વિભાગો સંભાળ્યા હતા. તેઓ 1990-95, 1995-98, 2007-2012, 2014 અને 2017થી 2020 એમ પાંચ ટર્મમાં ધારાસભ્ય રહી ચૂક્યા છે. વર્ષ 2020માં તેઓ રાજ્યસભાના સાંસદ બન્યા હતા.
'લોકસંપર્કમાં નિષ્ફળતા અને પલાયનવાદ'

ઇમેજ સ્રોત, Getty Images
રાજવી બૅકગ્રાઉન્ડ, સઘન વાચક અને વિચારક તરીકેની છબિ ધરાવતા શક્તિસિંહ ગોહિલના રાજીનામા પાછળ વરિષ્ઠ પત્રકાર જગદીશ આચાર્ય પણ શક્તિસિંહના રાજીનામાને પરિસ્થિતિમાંથી ભાગી છૂટવાનું વલણ ગણાવે છે.
જગદીશ આચાર્ય બીબીસી ગુજરાતીને જણાવે છે કે, " હું સ્પષ્ટપણે માનું છું કે આ શક્તિસિંહ ગોહિલનો પલાયનવાદ છે."
તેઓ વધુમાં જણાવે છે કે "તેઓ સારા વકતા ખરા પણ સારા લીડર નથી. તેઓ ચૅમ્બરમાં બેસીને પક્ષનું સંચાલન કરે છે. જ્યારે કૉંગ્રેસની સ્થિતિ આટલી નબળી બની હોય ત્યારે ખરેખર તો એમણે જમીની હકિકત જાણવી જરૂરી હતી. ગુજરાતમાં જમીની સ્તરે અભ્યાસ કરવાની જરૂર હતી. ગામડાંઓ ખૂંદવાની જરૂર હતી. પ્રચારની લીડ લેવાની જરૂર હતી. પરંતુ શક્તિસિંહની લોકસંપર્કની માત્રા ન્યૂનતમ રહી. તેઓ હંમેશા દિલ્હીવાસી માણસ રહ્યા છે. આજે જ્યારે પરિણામ આવ્યાં છે ત્યારે એમણે કૉંગ્રેસને જીવંત કરવામાં પોતે અસર્મથ હોવાનું લાગતા રાજીનામું આપ્યું છે. આ બિલકુલ એમનો પલાયનવાદ કહી શકાય."
જોકે, શક્તિસિંહે આ વિશે પ્રેસ કૉન્ફરન્સમાં જણાવ્યું હતું કે "પાર્ટી કાર્યકર્તાને નેતા બનાવે છે તો નેતાને પણ કાર્યકર્તા તરીકે કામ કરવામાં મજા આવવી જોઈએ. હું પાર્ટીના કાર્યકર્તા તરીકે કામ કરતો રહીશ."
તેમણે એમ પણ કહ્યું કે બે પેટાચૂંટણીમાં હારની નૈતિક જવાબદારીને કારણે જ તેમણે રાજીનામું આપ્યું છે. આ વિશે તેમણે કહ્યું, "અન્ય કારણો હોત તો મેં તમને જણાવ્યું હોત. પણ અન્ય કોઈ કારણ નથી. માત્ર નૈતિક જવાબદારીને કારણે હું આ પદ છોડી રહ્યો છું."
બીબીસી માટે કલેકટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન












