ભારતના દરિયામાં આજે ચોમાસાની એન્ટ્રી, હવે ગુજરાતમાં પહોંચતા કેટલા દિવસ લાગશે?

ગુજરાતમાં ક્યારથી ચોમાસું બેસશે, ભારતમાં ક્યારથી વરસાદ શરૂ થશે, ગુજરાત હવામાન આગાહી, વરસાદ, દીપક ચુડાસમા, બીબીસી વૅધર, બીબીસી હવામાન, ચોમાસું બીબીસી ગુજરાતી, બીબીસી ન્યૂઝ ગુજરાતી

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, આ વર્ષે ભારતમાં ચોમાસાની શરૂઆત વહેલી થવા જઈ રહી છે. (પ્રતીકાત્મક તસવીર)

આ વર્ષે ભારતમાં ચોમાસાની શરૂઆત વહેલી થવા જઈ રહી છે. આજે એટલે કે 13 મેના રોજ ભારતના દરિયામાં ચોમાસાનો પ્રવેશ થઈ ગયો છે અને તે બાદ તે આગળ વધીને ભારત સુધી પહોંચશે.

હાલ નિકોબારના ટાપુઓ પર વરસાદ ચાલુ થઈ ગયો છે અને કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદ પણ થયો છે, હવામાન વિભાગે માહિતી આપી છે કે આંદામાન-નિકોબારના ટાપુઓ સુધી ચોમાસું પહોંચી ગયું છે.

આ સાથે જ ભારતના દરિયા એટલે કે બંગાળની ખાડીના દક્ષિણના ભાગો, આંદામાન સમુદ્રમાં પણ ચોમાસાની એન્ટ્રી થઈ ગઈ છે. હવે ચોમાસું અહીંથી ભારતના મુખ્યો ભાગો તરફ આગળ વધશે.

સૌપ્રથમ ચોમાસું આંદામાન-નિકોબારના ટાપુઓ અને બંગાળની ખાડીના કેટલાક ભાગમાં પહોંચે છે અને ત્યારબાદ તે આગળ વધીને અરબી સમુદ્રમાં આવે છે. એ પછી ચોમાસાની ખરી શરૂઆત કેરળથી થાય છે.

અરબી સમુદ્રમાં ચોમાસું પહોંચ્યા બાદ તે ભારતના ભૂ-ભાગો તરફ આગળ વધે છે અને તે બાદ કેરળ પરથી ચોમાસાની શરૂઆત થાય છે. આ વર્ષે ચોમાસું તેની નિર્ધારિત તારીખ કરતાં આગળ ચાલી રહ્યું છે.

હવામાન વિભાગે કહ્યું છે કે આ વર્ષે દેશમાં ચોમાસાની શરૂઆત સામાન્ય કરતાં ચારથી પાંચ દિવસ વહેલી થવાની છે અને તેના કારણે ઘણાં રાજ્યોમાં પણ ચોમાસાનો વરસાદ વહેલો શરૂ થાય તેવી શક્યતા છે.

ચોમાસું સૌથી પહેલાં ક્યાં પહોંચશે અને કેરળમાં ક્યારે આવશે?

ગુજરાતમાં ક્યારથી ચોમાસું બેસશે, ભારતમાં ક્યારથી વરસાદ શરૂ થશે, ગુજરાત હવામાન આગાહી, વરસાદ, દીપક ચુડાસમા, બીબીસી વૅધર, બીબીસી હવામાન, ચોમાસું બીબીસી ગુજરાતી, બીબીસી ન્યૂઝ ગુજરાતી

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, ગુજરાતમાં દક્ષિણ-પશ્ચિમનું ચોમાસું વરસાદ આપે છે

ભારતમાં ચોમાસાની અધિકારીક શરૂઆત કેરળ પરથી થાય છે એટલે કે કેરળનાં નક્કી કરેલાં હવામાન કેન્દ્રો પર નક્કી કરેલી માત્રામાં વરસાદ નોંધાય તે બાદ ચોમાસું બેઠું કહેવાય.

સામાન્ય રીતે કેરળમાં ચોમાસું બેસવાની અધિકારીક તારીખ 1 જૂન છે અને તેની આસપાસ ચોમાસાની શરૂઆત થતી હોય છે. આ વખતે હવામાન વિભાગે કહ્યું છે કે કેરળમાં ચોમાસાની શરૂઆત 27 મેના રોજ થશે.

બદલો Whatsapp
બીબીસી ન્યૂઝ ગુજરાતી હવે વૉટ્સઍપ પર

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો

વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ

Whatsapp કન્ટેન્ટ પૂર્ણ

ભારતમાં સૌપ્રથમ આંદામાન - નિકોબાર ટાપુઓ પર ચોમાસું પહોંચે છે અને ત્યાંથી ચોમાસું આગળ વધવા પર સતત નજર રાખવામાં આવે છે. આ ટાપુઓ પર ચોમાસું આવે તે સાથે જ બંગાળની ખાડીના કેટલાક વિસ્તારોમાં ચોમાસું પહોંચી જતું હોય છે.

આંદામાન - નિકોબાર ટાપુઓ પર ચોમાસું પહોંચવાની અધિકારીક તારીખ 20 મે છે, જેથી આ વર્ષે ચોમાસું અહીં પણ વહેલું પહોંચ્યું છે. સામાન્ય રીતે આ ટાપુઓ પરથી કેરળ પર ચોમાસાને પહોંચવામાં 10 દિવસ જેટલો સમય લાગતો હોય છે.

જો 20 મેની આસપાસ ચોમાસું આંદામાન-નિકોબારના ટાપુઓ પર પહોંચે તો 1 જૂનની આસપાસ તેની શરૂઆત કેરળ પર થતી હોય છે. આ વર્ષે આ ટાપુઓ પર જ ચોમાસું વહેલું પહોંચવાને કારણે કેરળમાં પણ તે વહેલું પહોંચે એવી શક્યતા છે.

જોકે, હવામાન નિષ્ણાતોનું કહેવું છે કે ચોમાસાનું આગળ વધાવા પાછળ ઘણાં પરિબળો કામ કરતાં હોય છે એટલે આંદામાન-નિકોબાર પર ચોમાસું વહેલું પહોંચે એનો અર્થ એવો નથી કે તે કેરળમાં પણ વહેલું પહોંચી જાય.

હવામાન વિભાગના કહેવા પ્રમાણે આંદામાન - નિકોબારના ટાપુઓ પર ચોમાસું પહોંચ્યા બાદ પણ તે આગળ વધે તેવી અનુકૂળ પરિસ્થિતિઓ સર્જાય રહી છે.

13 મેના ચોમાસું અહીં પહોંચ્યા બાદ 4થી 5 દિવસમાં દક્ષિણ અરબી સમુદ્ર, માલદિવ્ઝ અને કોમોરિન વિસ્તાર, દક્ષિણ બંગાળની ખાડીના વધારે ભાગો, આંદામાન સમુદ્ર અને બંગાળની ખાડીની મધ્ય ભાગોમાં પહોંચી જશે.

ગુજરાતમાં પણ ચોમાસું આ વર્ષે વહેલું શરૂ થશે?

ગુજરાતમાં ક્યારથી ચોમાસું બેસશે, ભારતમાં ક્યારથી વરસાદ શરૂ થશે, ગુજરાત હવામાન આગાહી, વરસાદ, દીપક ચુડાસમા, બીબીસી વૅધર, બીબીસી હવામાન, ચોમાસું બીબીસી ગુજરાતી, બીબીસી ન્યૂઝ ગુજરાતી

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, વર્ષ 2023માં બિપરજોય વાવાઝોડાને કારણે ગુજરાતમાં ચોમાસું મોડું પહોંચ્યું હતું

ગુજરાતમાં હાલ કમોસમી વરસાદ પડી રહ્યો છે અને મે મહિનામાં સામાન્ય રીતે ઉનાળાની ભારે ગરમીને સામે હાલ રાજ્યમાં કરા પડ્યા, ઝડપી પવન ફૂંકાયો અને ભારે વરસાદ થયો છે.

ગુજરાતમાં મે મહિનાના અંત અને જૂનની શરૂઆત સુધી ઉનાળાની ભારે ગરમી પડતી હોય છે. સામાન્ય રીતે રાજ્યમાં ચોમાસાની શરૂઆત 15 જૂનની આસપાસ થતી હોય છે.

કેરળમાં ચોમાસું શરૂ થયા બાદ કર્ણાટક અને મહારાષ્ટ્ર પછી તે ગુજરાત પહોંચતા તેને આશરે 15 દિવસ જેટલો સમય લાગે છે.

જોકે, ઘણી વખત એવું બન્યું છે કે કેરળમાં સમયસર કે વહેલી ચોમાસાની શરૂઆત બાદ પણ રાજ્યમાં ચોમાસાની શરૂઆત મોડી થઈ હોય.

ગુજરાત પર ચોમાસું પહોંચવા પાછળ પણ ઘણાં પરિબળો રહેલાં છે, શરૂઆત બાદ જો ચોમાસું નબળું પડે તો તે સમયસર પહોંચી શકતું નથી. જો હવામાનનાં મોટા ભાગનાં પરિબળો સપૉર્ટ કરે તો તે સમયસર કે સમય કરતાં વહેલું પણ પહોંચતું હોય છે.

હાલની સ્થિતિ પ્રમાણે જો પરિસ્થિતિ અનુકૂળ રહી તો ગુજરાતમાં ચોમાસું તેના સમય કરતાં વહેલું પહોંચી શકે છે.

સામાન્ય રીતે એવું બનતું હોય છે કે ચોમાસું રાજ્યમાં પહોંચે તે પહેલાં જ પ્રિ-મૉન્સૂન રેઇન એટલે કે ચોમાસા પહેલાંનો વરસાદ શરૂ થઈ જતો હોય છે.

આ વખતે કેરળમાં ચોમાસું બેસે તેની સાથે અથવા તેના થોડા દિવસોમાં જ રાજ્યના કેટલાક વિસ્તારોમાં વરસાદ શરૂ થવાની શક્યતાઓ છે.

હવામાનનાં કેટલાંક મૉડલો પણ દર્શાવી રહ્યાં છે કે મે મહિનાના અંત કે જૂનની શરૂઆતમાં ગુજરાતમાં વરસાદ શરૂ થઈ શકે છે.

ભારતમાં ચોમાસાની સમયસર શરૂઆત કેમ મહત્ત્વની છે?

વીડિયો કૅપ્શન, Monsoon 2025: ચોમાસાની આજથી આંદામાન-નિકોબાર ટાપુ પર એન્ટ્રી, અરબી સમુદ્રમાં ક્યારે પહોંચશે?

જૂનથી સપ્ટેમ્બર સુધી ચાર મહિનામાં દેશભરમાં પડતો ચોમાસાનો વરસાદ ખરીફ અને રવિ પાક માટે ખૂબ મહત્ત્વનો હોય છે. આ ચાર મહિનાના સમયગાળા દરમિયાન દેશમાં સમગ્ર વર્ષનો 70 ટકા જેટલો વરસાદ થતો હોય છે.

ચોમાસાની સમયસરની શરૂઆત દેશભરમાં ચોખા, મકાઈ, સોયાબીન, શેરડી, મગફળી, કપાસ જેવા પાકો માટે ખૂબ મહત્ત્વની હોય છે.

આ ઉપરાંત ચોમાસામાં થતા વરસાદ પર જ લાખો એકર જમીનનો આધાર રહેલો છે. આ ચાર મહિનાનો ગાળો મોટા ભાગનાં જળાશયો, ભૂગર્ભજળ રિચાર્ચ તથા ખેતીની સિંચાઈ માટે ખૂબ મહત્ત્વનો હોય છે.

આ વર્ષે વહેલી શરૂઆતની સાથે-સાથે ચોમાસામાં વરસાદ પણ સારો થવાનો છે. હવામાન વિભાગના કહેવા પ્રમાણે ચોમાસાના ચાર મહિનાની લાંબાગાળાની સરેરાશના 105% વરસાદ થવાની શક્યતા છે.

હવામાન વિભાગ છેલ્લાં 50 વર્ષમાં થયેલા વરસાદના આધારે સરેરાશની ગણતરી કરે છે, જેમાં 96%થી લઈને 104% સુધીનો વરસાદ સામાન્ય ગણવામાં આવે છે એટલે કે સારું ચોમાસું થાય એમ ગણાય છે.

હવામાન વિભાગે આપેલી માહિતી પ્રમાણે 2022થી અત્યાર સુધી બે વર્ષમાં ચોમાસું તેની નિર્ધારિત તારીખ કરતાં કેરળમાં વહેલું શરૂ થયું હતું.

2022માં 29 મેના રોજ ચોમાસાની શરૂઆત થઈ હતી જ્યારે 2024માં 30 મેના રોજ ચોમાસાની શરૂઆત થઈ હતી.

જ્યારે 2023માં કેરળમાં ચોમાસાની શરૂઆત 8 જૂનના રોજ થઈ હતી એટલે કે તે સમય કરતાં 7 દિવસ મોડું શરૂ થયું હતું.

વર્ષ 2023માં ચોમાસું શરૂ થાય તે પહેલાં જ અરબી સમુદ્રમાં બિપરજોય વાવાઝોડું સર્જાયું હતું. 6 જૂનના રોજ સર્જાયેલા આ વાવાઝોડાના કારણે ચોમાસું મોડું પડ્યું હતું. કેરળમાં ચોમાસાની મોડી શરૂઆત થયા બાદ તે ગુજરાત પર પણ મોડું પહોંચ્યું હતું.

જોકે, રાજ્યના ઘણા વિસ્તારોમાં વાવાઝોડાના કારણે ચોમાસું પહોંચે તે પહેલાં જ વાવણીલાયક વરસાદ થઈ ગયો હતો.

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયામાં Facebook પર , Instagram પર, YouTube પર, Twitter પર અને WhatsApp પર ફૉલો કરી શકો છો.