Top News: ઝાકિર નાઇકને સોંપી દેવા ભારતે મલેશિયાને જણાવ્યું

ઇમેજ સ્રોત, Getty Images
'ધ હિંદુ' વેબસાઇટમાં પ્રકાશિત અહેવાલ અનુસાર ભારત સરકારે બુધવારે વિવાદાસ્પદ ઇસ્લામિક ધર્મઉપદેશક ઝાકિર નાઇકને સોંપી દેવા માટે મલેશિયાને ઔપચારીક વિનંતી કરી છે.
ઝાકિર નાઇક ઇસ્લામિક રિસર્ચ ફાઉન્ડેશન (આઈઆરએફ)ના વડા છે અને છેલ્લાં એક વર્ષથી મલેશિયામાં હોવાનું મનાય છે.
તેમણે બુધવારે કહ્યું હતું કે, જ્યાં સુધી તેમને એમ નહીં લાગે કે તે 'અનુચિત કાર્યવાહીથી સુરક્ષિત' છે, ત્યાં સુધી તે ભારત પરત નહીં ફરે.
બુધવારે એવી માહિતી ફરતી થઈ હતી કે નાઇકને ભારત પરત મોકલી દેવામાં આવશે. ત્યારબાદ તેમનું આ નિવેદન તેમના પ્રવક્તાએ આપ્યું હતું.
પોતાના નિવેદનમાં ઝાકિર નાઇકે જણાવ્યું હતું, "હું ભારત આવી રહ્યો છું એવા સમાચાર તદ્દન ખોટા અને આધારહીન છે. જ્યાં સુધી મને અનુચિત કાર્યવાહીથી સુરક્ષિત હોવાનું નહીં અનુભવાય ત્યાં સુધી હું ભારત નહીં આવું."
આ સમાચારમાં એક સરકારી અધિકારીને એમ કહેતા ટાંકવામાં આવ્યા છે કે, "વિદેશ મંત્રાલય નાઇકને ભારતને સોંપી દેવા માટે મલેશિયા સાથે રાજદ્વારી વાટાઘાટો કરી રહ્યું છે. અમે પણ નાઇકના પ્રત્યાર્પણ વિશેના સમાચારો જોયા છે, પરંતુ આ મામલે મલેશિયન સત્તાવાળાઓ તરફથી અધિકૃત પ્રત્યુત્તરની અમે રાહ જોઈ રહ્યા છીએ."

સરકારે ખેતપેદાશો માટે ટેકાના ભાવમાં વધારો કર્યો

ઇમેજ સ્રોત, Getty Images
‘ઇન્ડિયન એક્સ્પ્રેસ’માં પ્રકાશિત સમાચાર અનુસાર વર્ષ 2019માં દેશમાં યોજાનારી સામાન્ય ચૂંટણીઓનો સમય નજીક આવી રહ્યો છે, ત્યારે કેન્દ્રીય કેબિનેટે બુધવારે વિવિધ ખરીફ પાકના લઘુત્તમ ટેકાના ભાવ (મિનિમમ સપોર્ટ પ્રાઇસ)માં વધારો કર્યો છે.
ડાંગરના ટેકાના ભાવમાં મહત્તમ વધારો કરવામાં આવ્યો છે. કેન્દ્રીય ગૃહ મંત્રી રાજનાથ સિંઘે જણાવ્યું હતું કે સામાન્ય ડાંગરના ટેકાના ભાવમાં 13 ટકાનો વધારો કર્યો છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
હવે ક્વિન્ટલ દીઠ ડાંગરના ટેકાના ભાવ રૂપિયા 1550થી વધારીને રૂપિયા 1750 કરવામાં આવ્યો છે.
બાજરીના ટેકાના ભાવમાં ક્વિન્ટલ દીઠ રૂપિયા 525નો વધારો કરવામાં આવ્યો છે. બાજરીના ટેકાના ભાવ હવે રૂપિયા 1950 પ્રતિ ક્વિન્ટલ થશે.
ટેકાના ભાવોમાં કરવામાં આવેલા વધારાથી કેન્દ્ર સરકારની તિજોરી પર 15 હજાર કરોડ રૂપિયાનો બોજ પડશે.

વૉટ્સ ઍપ્પ: ખોટી માહિતી અટકાવવા માટે સરકાર સમાજનો સહયોગ જરૂરી

ઇમેજ સ્રોત, Getty Images
સમાચાર સંસ્થા ‘રોયટર્સ’ના અહેવાલ અનુસાર ફેસબુકની માલિકી ધરાવતી મેસેન્જર સર્વિસ વૉટ્સ ઍપ્પે ફેક ન્યૂઝ અને ખોટી માહિતીનો પ્રચાર રોકવા માટે ભારત સરકારની સૂચનાનો જવાબ આપ્યો છે.
વૉટ્સ ઍપ્પે પોતાના પ્રત્યુત્તરમાં જણાવ્યું છે કે, ખોટી માહિતીનો પ્રચાર-પ્રસાર અટકાવવા માટે સરકાર અને સમાજનો સહયોગ ખૂબ જરૂરી છે.
દેશના ઇલેક્ટ્રોનિક્સ અને ઇન્ફોર્મેશન ટૅક્નોલોજી મંત્રાલયે મંગળવારે વૉટ્સ ઍપ્પને ખોટી માહિતી અને ઉત્તેજના ફેલાવતા સંદેશાનો ફેલાવો રોકવા માટે તાત્કાલિક પગલાં ભરવા જણાવ્યું હતું.
વૉટ્સ ઍપ્પ દ્વારા આ મામલે સરકારને પાઠવેલા પત્રમાં દર્શાવ્યું છે કે, કંપની પોતે પણ આ પ્રકારના ખોટા સંદેશાઓને કારણે બનેલી હિંસક ઘટનાઓથી ચિંતિત છે.
પરંતુ તે માને છે કે, ખોટા સમાચાર, ખોટી માહિતીનો ફેલાવો સરકાર, સમાજ અને ટૅક્નોલોજી કંપનીઓ સાથે કામ કરીને જ અટકાવી શકશે.
વૉટ્સ ઍપ્પે જણાવ્યું છે કે, તે યૂઝર્સને સુરક્ષિત રહેવા વિશેની માહિતી અને કંટ્રોલ્સ પણ આપવાનું આયોજન કરી રહી છે.

વિસ્મય શાહ હિટ એન્ડ રન કેસમાં મૃતકોના પરિવારે સમાધાન સ્વીકાર્યું

ઇમેજ સ્રોત, Getty Images
'દિવ્ય ભાસ્કર'માં પ્રકાશિત સમાચાર અનુસાર અમદાવાદમાં ચર્ચાસ્પદ બનેલા વિસ્મય શાહ હિટ એન્ડ રન કેસમાં મૃતકના પરિવારજનોએ વળતર સ્વીકારીને સમાધાન કરી લીધું છે.
પાંચ વર્ષની કાયદાકીય લડત બાદ આ સમાધાન થયું છે.
આ હિટ એન્ડ રન કેસમાં 25 વર્ષના શિવમ દવે અને 21 વર્ષના રાહુલ પટેલનું મૃત્યુ થયું હતું.
વર્ષ 2015માં ટ્રાયલ કોર્ટે આ કેસમાં વિસ્મય શાહને ગુનેગાર ઠેરવીને પાંચ વર્ષની કેદની સજા સંભળાવી હતી. હાલ વિસ્મય જામીન પર જેલની બહાર છે.
આ સમાચારમાં જણાવ્યા અનુસાર આ સજા વિરુદ્ધ હાઈ કોર્ટમાં કેસ દાખલ થયો હતો, પરંતુ હવે પરિવારજનોએ હાઈ કોર્ટમાં વિસ્મય શાહ સાથે સમાધાન થયું હોવાનું એફિડેવિટ રજૂ કરી હતી.
આ સમાધાન મુજબ મૃતકોના પરિવાર વિસ્મય સામે હવે કોઈ ફોજદારી કાર્યવાહી આગળ નહીં વધારે.
જોકે, હાઈ કોર્ટે જણાવ્યું છે કે, અપીલનો ચુકાદો આપતી વખતે જ અદાલત સમાધાન વિશે પોતાનો દૃષ્ટિકોણ જણાવશે.

ગુજરાતના 121 તાલુકામાં ધોરણ 8 પછી 20 ટકા બાળકો ડ્રોપ આઉટ

ઇમેજ સ્રોત, Getty Images
‘સંદેશ’માં પ્રકાશિત સમાચાર અનુસાર ગુજરાતના 113 તાલુકામાં ધોરણ 1 થી 8 સુધીમાં પાંચ ટકા બાળકો અભ્યાસ છોડી દે છે.
સમાચારમાં જણાવવામાં આવ્યું છે કે, રાજ્યની પ્રાથમિક શાળાઓમાં ડ્રોપ આઉટ રેશિયો ઘટાડીને 1.5 ટકા સુધી લઈ ગયા હોવાનો સરકારનો દાવો પોકળ છે.
રાજ્યની પ્રાથમિક શિક્ષણ નિયામકની કચેરીએ સ્વીકાર્યું છે કે ધોરણ 1થી 8માં અભ્યાસ કરતાં બાળકોમાંથી પાંચ ટકાથી વધુ બાળકો અભ્યાસ છોડી દે છે.
આ માટેના કારણોમાં સૌથી મહત્ત્વનો મુદ્દો શિક્ષકોની ઘટનો છે. પ્રાથમિક શિક્ષણ નિયામકની કચેરી દ્વારા કરવામાં આવેલા પરિપત્રમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે વિદ્યાર્થીઓ સારી અને નજીકના વિસ્તારોમાં સ્કૂલોની અછતને કારણે અભ્યાસ છોડી દે છે.
રાજ્ય સરકાર દ્વારા તાજેતરમાં યોજાયેલા શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમમાં 121 તાલુકાઓ અલગ તારવવામાં આવ્યા હતા. આ તાલુકાઓમાં ધોરણ 8 પછી 20 ટકા વિદ્યાર્થીઓ અભ્યાસ છોડી દેતા હોવાનું જાણવા મળ્યું હતું.
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો












