You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
દાહોદ : યુવકનાં મૃત્યુ બાદ પથ્થરમારો, ગોળીબારમાં વધુ યુવકનું મૃત્યુ
દાહોદ જિલ્લાના ગરબાડા તાલુકાનાં જેસવાડા ગામમાં તંગદિલીનું વાતાવરણ સર્જાયું છે.
દાહોદ પોલીસના જણાવ્યા અનુસાર પોલીસ પૂછપરછ બાદ છોડી મૂકાયેલા યુવકનું ઘરે જતાં જ મૃત્યુ થતાં તેના ગામના લોકોના ટોળાએ જેસાવાડા પોલીસ સ્ટેશન પર પથ્થરમારો કર્યો હતો.
જેસાવાડાની નજીક આવેલા ચિલકોટા ગામના યુવક કનેશ ગમારનું ગુરુવારે પોલીસના મારથી મૃત્યુ થયું હોવાનો આક્ષેપ યુવકનો પરિવાર અને ગામલોકો કરી રહ્યા હોવાનું પોલીસનો દાવો છે.
આ પથ્થરમારામાં દરમિયાન થયેલા ગોળીબારમાં વધુ એક યુવક રમસુ મોહનિયાનું મૃત્યુ થયું હતું અને અન્ય બે વ્યક્તિઓ ઘાયલ થઈ છે. રમસુ મોહનિયા ઉસરવા ગામનાં રહીશ હતા.
તમને આ વાંચવું પણ ગમશે :
આ ગોળીબાર પોલીસ દ્વારા થયો હતો કે ખાનગી ગોળીબાર હતો તે વિશે હજી સ્પષ્ટતા થઈ શકી નથી. પોલીસે 200 લોકોના ટોળા વિરુદ્ધ હત્યાના પ્રયાસનો ગુનો નોંધ્યો છે.
દાહોદ જિલ્લાના સુપરિન્ટેન્ડેન્ટ ઑફ પોલીસ પ્રેમવીર સિંહે આ વિશે સ્થાનિક પત્રકાર દક્ષેશ શાહને કહ્યું, “જ્યારે પોલીસ સ્ટેશન પર ગામ લોકોએ પથ્થરમારો કર્યો ત્યારે તેમને દૂર કરવા પોલીસે 28 રાઉન્ડ ટીઅરગેસ શેલ્સ અને હવામાં 4 રાઉન્ડ ગોળીબાર કર્યો હતો.”
તેમણે વધુમાં કહ્યું, “એ યુવકનું મૃત્યુ કેવી રીતે થયું એ વિશે તપાસ વિના કંઈ કહી શકાય નહીં.” લોકોએ પોલીસ સ્ટેશન પર કરેલા હુમલામાં 4 પોલીસકર્મીઓ પણ ઘાયલ થયા છે.
કેવી રીતે મામલો બિચક્યો?
સમગ્ર વિવાદની શરૂઆત બુધવારની રાતથી થઈ, જ્યારે પોલીસની પેરોલ અને ફર્લો સ્ક્વૉડ ચોરીના લૂંટના સંખ્યાબંધ ગુનાઓમાં સંડોવાયેલા ચિલકોટા ગામના નરેશ ગમારની તપાસ કરવા તેના ઘરે પહોંચી.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
સ્ક્વૉડને નરેશ તો ત્યાં ન મળ્યા, પરંતુ તેમના બે ભાઈ કનેશ ગમાર અને રાજુ ગમાર ઘરે હતા. એટલે પોલીસ પૂછપરછ માટે બન્ને ભાઈઓને જેસાવાડા પોલીસ સ્ટેશને લઈ આવી.
પોલીસના દાવા અનુસાર બન્નેને પ્રાથમિક પૂછપરછ બાદ તેમના ગામમાં પાછા મૂકી આવવામાં આવ્યા હતા.
પરંતુ ઘરે પહોંચતા જ કનેશનું મૃત્યુ થઈ ગયું. તેના પરિવારે પોલીસે બન્ને ભાઈઓને માર્યા હોવાનું જણાવી કનેશનું મૃત્યુ પોલીસના મારથી થયું હોવાનો આક્ષેપ કર્યો હતો.
પોલીસ સ્ટેશન પર પથ્થરમારો
દાહોદ જિલ્લાના સુપરિન્ટેન્ડેન્ટ ઑફ પોલીસ પ્રેમવીર સિંહના જણાવ્યા અનુસાર પરિવારજનો અને ચિલકોટા ગામના લોકો પોલીસ કર્મચારીઓ સામે હત્યાનો ગુનો નોંધવાની માંગણી સાથે કનેશના મૃતદેહને જેસાવાડા પોલીસ સ્ટેશનના દરવાજે મૂકી દીધો હતો.
ગામલોકોનો આગ્રહ હતો કે, જ્યાં સુધી પોલીસ કર્મચારીઓ સામે ગુનો નહીં નોંધાય ત્યાં સુધી કનેશના મૃતદેહના અંતિમ સંસ્કાર નહીં કરાય.
પોલીસના જણાવ્યા અનુસાર કનેશના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપવામાં આવ્યો ત્યારે લોકો વિખેરાઈ ગયા હતા.
સિંહે કહ્યું, “પરંતુ પછી અચાનક લોકોનાં ટોળાએ પોલીસ સ્ટેશનને ઘેરી લીધું અને પથ્થરમારો ચાલુ કરી દીધો હતો.” પોલીસે ટોળાને વિખેરવા ટીઅરગેસ શેલ્સ અને હવામાં ગોળીબાર કર્યો હોવાનું તેમણે જણાવ્યું હતું.
આ દરમિયાન રમસુ મોહનિયાનું મૃત્યુ ગોળી વાગવાથી થયું હોવાનો પોલીસે જણાવ્યું છે, પરંતુ એ ગોળીબાર ખાનગી હતો કે પોલીસ દ્વારા કરવામાં આવ્યો હતો તે હજી સ્પષ્ટ નથી થઈ શક્યું.
આ ઘટનામાં ઘાયલ થયેલી બે વ્યક્તિઓમાંથી એકને વધુ સારવાર માટે વડોદરાની એસએસજી હોસ્પિટલમાં લઈ જવામાં આવી છે, જ્યારે અન્યને દાહોદની ખાનગી હોસ્પિટલમાં સારવાર અપાઈ રહી છે.
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો