અમેરિકામાં ટ્રેનિંગ મેળવનારા પાઇલટે જ્યારે તાલિબાનને પસંદ કર્યું ને પોતાના ગામમાં હેલિકૉપ્ટર ઉતાર્યું

    • લેેખક, ઇનાયાતુલહક યાસિની અને સ્વામીનાથન નટરાજન
    • પદ, બીબીસી વર્લ્ડ સર્વિસ

'કેટલાક લોકો કદાચ મારાથી ખુશ નહીં હોય. લોકોના મત અલગઅલગ હોઈ શકે છે. હું તેમને જણાવું છું કે દેશ મા જેવો હોય છે અને દેશ સાથે વિશ્વાસઘાત ન થવો જોઈએ.' આ શબ્દો છે મોહમ્મદ ઇદરિસ મોમંદના.

મોમંદ અફઘાનિસ્તાનની પૂર્વ સેનાના એ કેટલાક ગણતરીના પાઇલટમાંથી એક હતા જેમને અમેરિકામાં લાંબી ટ્રેનિંગ મળી છે.

જ્યારે તાલિબાને કાબુલ પર કબજો કર્યો તો તેઓ પોતાના સાથીઓને પીઠ બતાવીને હેલિકૉપ્ટર લઈને પોતાના ગામ તરફ ઊડી ગયા, જેથી તેઓ હેલિકૉપ્ટર તાલિબાનને સોંપી શકે.

તેમણે બીબીસીને જણાવ્યું કે 'મારો ઉદ્દેશ એક સંપત્તિને બચાવવાનો હતો જે અફઘાનિસ્તાનની હતી.'

આ ઘટનાના વર્ષ બાદ તેમણે પોતાના આ નિર્ણયનું કારણ જણાવ્યું.

અમેરિકામાં લાંબી ટ્રેનિંગ

મોમંદ વર્ષ 2009માં અફઘાનિસ્તાનની સેનામાં સામેલ થયા હતા. ત્યારબાદ તેઓ ચાર વર્ષની લાંબી ટ્રેનિંગ માટે અમેરિકા જતા રહ્યા હતા. તેમની ટ્રેનિંગ વેસ્ટ પૉઇન્ટના નામે જાણીતી અમેરિકાની મિલિટ્રી એકૅડમીમાં થઈ હતી.

શરૂઆતમાં તેમને પશ્ચિમી અફઘાનિસ્તાનના હૈરાતમાં તહેનાત કરવામાં આવ્યા હતા જ્યાં તેમણે રશિયામાં બનેલા એમઆઈ 17 હેલિકૉપ્ટર ઉડાવ્યા હતા.

થોડાં વર્ષો બાદ મોમંદના હાથે એક સફળતા લાગી. તેઓ જણાવે છે, "વર્ષ 2018માં ઍરફૉર્સ સાથે જોડાયેલી નવી ટેકનિકોનું અધ્યયન કરતા કેટલાક યુવા પાઇલટને બ્લૅક હૉક હેલિકૉપ્ટર ચલાવવા માટે પસંદ કરવામાં આવ્યા. ત્યારબાદથી હું બ્લૅક હૉક હેલિકૉપ્ટર ઉડાવી રહ્યો હતો."

બ્લૅક હૉક હેલિકૉપ્ટરોમાં આવાગમનનો ઉપયોગ કરવામાં આવતો હતો.

બાઇડને અમેરિકાના સૈનિકોના પરત જવાની ઘોષણા કરી

વર્ષ 2021માં મોમંદ મઝાર-એ-શરીફમાં તહેનાત હતા જ્યારે અમેરિકાના રાષ્ટ્રપતિ બાઇડને 11 સપ્ટેમ્બર 2001ના રોજ થયેલા હુમલાની 20મી વર્ષગાંઠ પહેલાં બધા અમેરિકાના સૈનિકોને પરત બોલાવવાની ઘોષણા કરી.

ત્યારબાદ જુલાઈમાં અફઘાનિસ્તાનમાંથી બહાર નીકળવાની તારીખને આગળ વધારીને 31 ઑગસ્ટ કરી દેવામાં આવી હતી.

અમેરિકા અને તેના સહયોગીઓએ અફઘાનિસ્તાનની સેનાના પ્રશિક્ષણમાં અબજો ડૉલર ખર્ચ્યાં હતાં. તેમને આશા હતી કે તેમના અફઘાનિસ્તાન છોડ્યા બાદ અફઘાન સેના તાલિબાનને રોકવામાં સફળ થશે. પરંતુ આ આશા નિરર્થક સાબિત થઈ. અફઘાનિસ્તાનની સેના ખૂબ જ થોડા સમયમાં વિખેરાઈ ગઈ. તાલિબાને જુલાઈમાં જ ગ્રામીણ વિસ્તારોમાં પ્રભુત્વ જમાવી લીધું હતું.

ત્યારબાદ છ ઑગસ્ટ 2021ના રોજ અફઘાનિસ્તાનની પહેલી પ્રાંતીય રાજધાની પર તાલિબાનનો કબજો થઈ ગયો હતો. અન્ય ઘણા પ્રાંતો પર કબજો કર્યા બાદ તાલિબાને 15 ઑગસ્ટના રોજ લડ્યા વગર જ કાબુલ પર કબજો મેળવી લીધો હતો.

ત્યારબાદ તાલિબાને પોતાની વિરુદ્ધ કાબુલના ઉત્તરમાં સ્થિત પંજશીર ખીણમાં ચાલી રહેલા વિદ્રોહને પણ શાંત કરી દીધો હતો.

જ્યારે મળ્યો ભાગવાનો આદેશ

અફઘાનિસ્તાનમાં અફરા-તફરીનો સમય શરૂ થતાં સાથે જ મોમંદનો છ મહિના લાંબો મઝાર-એ-શરીફનો પ્રવાસ જુલાઈમાં પૂર્ણ થઈ ગયો. તેમણે 14 ઑગસ્ટના રોજ કાબુલ ઍરબેઝ પર રિપોર્ટ કર્યું.

કાબુલ ઍરબેઝ પર પરિસ્થિતિ ખૂબ જ ખરાબ હતી, મોટા નેતાઓ અને સૈન્ય અધિકારીઓના કાબુલ છોડીને ભાગી જવાની અફવાઓ ચાલી રહી હતી.

તાલિબાની લડાકુઓ કાબુલના દરવાજે ઊભા હતા. આ સમય સુધી કાબુલ ઍરપોર્ટ અમેરિકાની સેનાના નિયંત્રણમાં હતું, પરંતુ આવું ક્યાં સુધી રહેશે, તેના વિશે કોઈ સ્પષ્ટતા ન હતી.

મોમંદ યાદ કરે છે, "અમારા ઍરફૉર્સ કમાન્ડરે બધા પાઇલટોને બહાર નીકળવાનો આદેશ આપ્યો. તેમણે અમને ઉઝબેકિસ્તાન જવા કહ્યું હતું."

મોમંદ આ આદેશથી ખૂબ નારાજ હતા અને તેમણે તે ન માન્યો.

તેઓ કહે છે, "મારા કમાન્ડર મને મારા દેશ સાથે વિશ્વાસઘાત કરવા કહી રહ્યા હતા. મારે આવા આદેશનું શા માટે પાલન કરવું જોઈએ? પોતાના દેશ સાથે વિશ્વાસઘાત સૌથી ખરાબ અપરાધ છે. એટલે જ મેં એ આદેશ માન્યો ન હતો."

તેમણે આ વિશે પોતાના પરિવાર સાથે વાતચીત કરી અને તેમના પિતાએ તેમને દેશ ન છોડવાની સલાહ આપી હતી.

મોમંદ જણાવે છે, "તેમણે મને ચેતવણી આપી કે જો મેં દેશ છોડી દીધો તો તેઓ મને ક્યારેય માફ નહીં કરે. આ હેલિકૉપ્ટર અફઘાનિસ્તાનનું છે અને તે દેશ બહાર ન જવું જોઈએ."

પોતાના સાથીઓને કેવી રીતે છેતર્યા?

મોમંદના પ્રાંત પર તાલિબાને પહેલા જ કબજો કરી લીધો હતો. તેમના પિતાએ સ્થાનિક ગવર્નર સાથે વાત કરી જેમણે તેમને આશ્વાસન આપ્યું કે જો હેલિકૉપ્ટર અહીં લાવવામાં આવ્યું તો મોમંદને નુકસાન નહીં પહોંચાડવામાં આવે.

મોમંદે કાબુલ ઍરબેઝથી ભાગવાનો પ્લાન બનાવ્યો. પરંતુ તેમણે સૌથી પહેલા પોતાની ઉડાનની દિશામાં આવી રહેલી સૌથી મોટી અડચણને દૂર કરવાની હતી.

તેઓ કહે છે, "દરેક બ્લૅક હૉક હેલિકૉપ્ટરને ચાર લોકોની ટીમ ઉડાવે છે. મને ખબર હતી કે હું તેમને મારી યોજના જણાવી શકતો નથી. મને ખબર હતી કે તેના માટે તેઓ રાજી નહીં થાય. એવું કરવાથી મારા જીવ અને હેલિકૉપ્ટર બંનેને નુકસાન પહોંચી શકતું હતું."

ત્યારબાદ મોમંદે પોતાના જ સાથીઓને છેતરવાની યોજના બનાવી.

તેઓ કહે છે, "મેં મારા ઍરફૉર્સ કમાન્ડરને કહ્યું કે મારા હેલિકૉપ્ટરમાં કેટલીક ટેકનિકલ સમસ્યાઓ છે જેના કારણે હું ઉડાણ ભરી શકું તેમ નથી. જ્યારે મારા સાથીઓએ આ સાંભળ્યું તો તેઓ તુરંત બીજા હેલિકૉપ્ટર પર સવાર થઈ ગયા જે ઉઝબેકિસ્તાન તરફ જવાનું હતું."

કાબુલથી બચીને કેવી રીતે નીકળ્યા?

કાબુલઍરબેઝ પરથી જ્યારે ધીમે-ધીમે અફઘાન સેનાના હેલિકૉપ્ટર નીકળી ગયા તો મોમંદે પોતાના હેલિકૉપ્ટરને ઉડાવવાનું શરૂ કર્યું અને કુનાર માટે 30 મિનિટ લાંબી ઉડાન ભરી.

તેઓ કહે છે, "અમેરિકાના લોકો ઍર ટ્રાફિક કન્ટ્રોલ સંભાળી રહ્યા હતા તો મેં તેમને રેડિયો પર કહ્યું કે હું ઉઝબેકિસ્તાન માટે ઉડાણ ભરી રહ્યો છું. ઍરપોર્ટ પરથી નીકળ્યા બાદ મેં મારું રડાર બંધ કર્યું અને સીધો કુનાર તરફ આગળ વધ્યો. મેં મારા ઘર પાસે મારા ગામમાં હેલિકૉપ્ટર ઉતાર્યું. તાલિબાન પાસેથી આશ્વાસન મળ્યા બાદ હું હેલિકૉપ્ટર એવી જગ્યાએ લઈ ગયો જ્યાં પહેલાં હેલિકૉપ્ટરોમાં ઈંધણ ભરવામાં આવતું હતું."

તેઓ કહે છે કે તેમનો પરિવાર, મિત્રો અને પાડોશીઓએ તેમના આ નિર્ણયનું સમર્થન કર્યું.

મોમંદ જણાવે છે કે તેમને પોતાના નિર્ણયનો કોઈ પ્રકારનો ખેદ નથી.

તેઓ કહે છે, "અમેરિકી સલાહકારોએ મને ત્રણ વખત સંદેશ મોકલ્યો. તેમણે કહ્યું કે જો તમે હેલિકૉપ્ટર ન પણ લાવી શકો તો પોતાના પરિવારજનોની સાથે રોડમાર્ગે આવી જાઓ. પરંતુ એ પ્રસ્તાવનો મેં સ્વીકાર ન કર્યો."

અફઘાનિસ્તાનની વાયુસેનાની શક્તિ

અમેરિકાની સંસ્થા સાઇગર પ્રમાણે જૂન 2021ના અંતમાં અફઘાનિસ્તાનની ઍરફૉર્સ પાસે 167 ઍરક્રાફ્ટ હતા જેમાં યુદ્ધવિમાનો અને હેલિકૉપ્ટર સામેલ હતા.

તેમાંથી ઘણા વિમાનોને મોમંદના સાથી ઉડાવીને લઈ ગયા.

ઉઝબેકિસ્તાનના ટર્મેઝ ઍરપોર્ટની સૅટેલાઇટ તસવીરોનું વિશ્લેષણ કરીએ તો ખબર પડે છે કે 16 ઑગસ્ટના રોજ ત્યાં બે ડઝન કરતાં વધારે હેલિકૉપ્ટર ઊભા હતા જેમાં એમઆઈ-17, એમઆઈ-25, બ્લેક હૉક અને ઘણા એ-29 લાઇટ ઍટેક વિમાન અને સી-208 ઍરક્રાફ્ટ સામેલ હતા.

અમેરિકાના સૈનિકોએ વિમાન ખરાબ કર્યા

કાબુલમાં જોવા મળેલી અફરા-તફરી વચ્ચે અમેરિકાના સૈનિકોએ છૂટી ગયેલા વિમાનો અને હેલિકૉપ્ટરોને ટેકનિકલ રૂપે ખરાબ કરી દીધા હતા. હજુ એ સ્પષ્ટ નથી કે અફઘાનિસ્તાનમાં હાલ કેટલા વિમાન ઉપયોગ કરવાની હાલતમાં છે.

મોમંદ કહે છે, "અમારી પાસે આ સમયે સાત બ્લૅક હૉક હેલિકૉપ્ટર છે જેમનો ઉપયોગ કરી શકાય છે. અફઘાનિસ્તાનના ઍન્જિનિયરોએ મર્યાદિત સંસાધનોથી તેમને ઠીક કર્યા છે. ધીમે-ધીમે અમે બીજા બ્લૅક હૉક હેલિકૉપ્ટરોને ઉપયોગલાયક બનાવી દઈશું."

તેઓ આ સ્થિતિ માટે પોતાના સાથીઓને જવાબદાર ગણાવતા કહે છે કે તેમના સાથીઓએ સમજ્યા-વિચાર્યા વગર અફઘાનિસ્તાન છોડવાનો આદેશ માનીને દેશનું મોટું નુકસાન કર્યું છે.

મોમંદ જણાવે છે, "એ લોકો જેઓ હેલિકૉપ્ટર સાથે ઉઝબેકિસ્તાન જતા રહ્યા, તેમણે દેશને નિરાશ કર્યો છે. તે હેલિકૉપ્ટર દેશના હતા. તે ખૂબ મોંઘા હેલિકૉપ્ટર હતા. મને નથી લાગતું કે હવે અમે ક્યારેય તે હેલિકૉપ્ટર પરત લાવી શકીશું."

'હું સતત સેવા કરતો રહીશ'

મોમંદને અમેરિકામાં ટ્રેનિંગ દરમિયાન કહેવામાં આવ્યું હતું કે એક હેલિકૉપ્ટર પાઇલટને તૈયાર કરવામાં 60 લાખ ડૉલરનો ખર્ચ થાય છે. મોમંદ આજે પણ એ અવસરને ખાસ માને છે અને એ દિવસને યાદ કરે છે જ્યારે અમેરિકામાં તેમણે પહેલી વખત ઉડ્ડયન કર્યું હતું.

તેઓ કહે છે, "હું ખૂબ ખુશ અને ઉત્સાહિત હતું. મને વિશ્વાસ ન હતો કે મારા જીવનમાં પણ આવો દિવસ આવશે."

અમેરિકામાં ચાર વર્ષ લાંબી ટ્રેનિંગ દરમિયાન તેઓ એક વખત પણ અફઘાનિસ્તાન પોતાના પરિવારને મળવા આવ્યા ન હતા.

મોમંદને તાલિબાનનો સામનો કરવા માટે ટ્રેનિંગ મળી હતી પરંતુ હવે તેઓ તાલિબાન નિયંત્રિત સરકાર માટે બ્લૅક હૉક હેલિકૉપ્ટર ચલાવે છે અને તેઓ તેમાં કોઈ પ્રકારનો વિરોધાભાસ જોતા નથી.

તેઓ કહે છે, "સરકારો હંમેશાં બદલાય છે. અમારા જેવા લોકો દેશની સેવા માટે છે. સેનાએ રાજકારણમાં ન પડવું જોઈએ. આ દેશે મારા જેવા લોકો પર ઘણું રોકાણ કર્યું છે."

જોકે, તાલિબાન છેલ્લા એક વર્ષથી અફઘાનિસ્તાન પર રાજ કરી રહ્યું છે, પરંતુ અત્યાર સુધી કોઈ દેશે તેમની સરકારને માન્યતા આપી નથી.

તે છતાં મોમંદ કહે છે, "હું મારાં જીવનના અંતિમ દિવસ સુધી આ દેશની સેવા કરતો રહીશ."

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયા પર અહીં ફૉલો કરી શકો છો