વડોદરાની ફેકટરીમાં ભીષણ આગ
વડોદરાની નાંદેસરી જીઆઇડીસી વિસ્તારમાં આવેલી એક ફેકટરીમાં ભીષણ આગ લાગ્યાની ઘટના સર્જાઈ છે.

ઇમેજ સ્રોત, Rajiv Parmar
દીપક નાઇટ્રેટ નામની કંપનીમાં આગ ફાટી નીકળતાં સ્થાનિક મીડિયા અહેવાલ અનુસાર કેટલાક મજૂરો ઘાયલ થયા છે. ઘાયલોના ઇલાજ માટે તેમને હૉસ્પિટલ ખસેડાયા છે.
આગને કાબૂમાં લેવા માટે ફાયર વિભાગની સાતથી આઠ ગાડીઓ કામે લાગી હતી. ફાયર વિભાગના 12 કર્મચારીઓ આ આગને કાબૂમાં લેવા માટે મથી રહ્યા હોવાનું જાણવા મળ્યું છે.
નંદેસરી ઔદ્યોગિક વસાહતમાં પ્રચંડ ધડાકા સાથે પ્લાન્ટમાં લાગેલી આગથી ઊઠેલ ધુમાડો એક કિલોમિટર સુધી દેખાયો હતો.

મનીષ સિસોદિયાની ધરપકડ થવાની છે : અરવિંદ કેજરીવાલ

ઇમેજ સ્રોત, @ArvindKejriwal
દિલ્હીના મુખ્ય મંત્રી અરવિંદ કેજરીવાલે ગુરુવારે પ્રેસ કૉન્ફરન્સમાં દાવો કર્યો હતો કે આગામી દિવસોમાં કેન્દ્ર સરકાર રાષ્ટ્રીય રાજધાની દિલ્હીના ઉપમુખ્ય મંત્રી મનીષ સિસોદિયાને ખોટાં કેસમાં જેલમાં મોકલવાની સાજિશ કરી રહી છે.
અરવિંદ કેજરીવાલે કહ્યું, "કેટલાંક મહિના પહેલાં જ મેં કહ્યું હતું કે કેન્દ્ર સરકારે સત્યેન્દ્ર જૈનની એક ખોટા કેસમાં ધરપકડ કરવાની છે. મને ઘણા વિશ્વસનીય સૂત્રો પાસેથી જાણકારી મળી હતી. તેજ વિશ્વસનીય સૂત્રો તરફથી જાણવા મળ્યું કે કેન્દ્ર સરકાર મનીષ સિસોદિયાની પણ ધરપકડ કરવા જઈ રહી છે."
દિલ્હીના મુખ્ય મંત્રીએ કહ્યું, "મને જાણવા મળ્યું છે કે કેન્દ્ર સરકારે તમામ તપાસ એજન્સીઓને મનીષ સિસોદિયાની સામે કોઈને કોઈ ખોટો કેસ નોંધવા માટે કહ્યું છે. જે રીતે સત્યેન્દ્ર જૈનની સામે કેસ નોંધવામાં આવ્યો છે, તે રીતે આ મનીષજીની સામે કેસ બનાવી રહ્યા છે."
કેજરીવાલે કહ્યું, "મનીષ સિસોદિયા ભારતની શિક્ષણક્રાંતિના જનક છે. આઝાદ ભારતના ઇતિહાસના કદાચ સૌથી સારા શિક્ષણ મંત્રી છે"
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
કેજરીવાલે દિલ્હીની સરકારી સ્કૂલમાં ભણતાં બાળકો અને તેમનાં માતા-પિતાને સવાલ કર્યો કે શું તેમના મનીષ સિસોદિયા ભ્રષ્ટ છે?
અરવિંદ કેજરીવાલે કહ્યું, "મને લાગે છે કે સત્યેન્દ્ર જૈન અને મનીષ સિસોદિયાને જેલમાં નાખીને આ લોકો દિલ્હીમાં શિક્ષણ અને આરોગ્ય ક્ષેત્રમાં જે સારું કામ થઈ રહ્યું છે, તેને રોકવા માગે છે. આ બંનેને જેલમાં નાખવાની પાછળ આટલું રાજકારણ કેમ છે તે મને સમજણમાં આવતું નથી. મને એ ખ્યાલ છે કે આમના જેવા વ્યક્તિઓને જેલમાં નાખવાથી નુકસાન થશે. જો મનીષ અને સત્યેન્દ્ર ભ્રષ્ટ છે, તો ઇમાનદાર કોણ છે?"
અરવિંદ કેજરીવાલે કહ્યું, "મારી વડા પ્રધાનને અપીલ છે કે એક-એક મંત્રીને જેલમાં નાખવાની જગ્યાએ તમે આમ આદમી પાર્ટીના તમામ મંત્રીઓને એકસાથે જેલમાં નાખી દો."

કૉંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધી થયાં કોરોના સંક્રમિત

ઇમેજ સ્રોત, ANI
કૉંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધી કોરોના વાઇરસથી સંક્રમિત થયાં છે.
કૉંગ્રેસે આધિકારિક ટ્વિટર હૅન્ડલથી આ વાતની જાણકારી આપી છે.
આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
X કન્ટેન્ટ પૂર્ણ
એક દિવસ પહેલાં જ પ્રવર્તન નિદેશાલયે કૉંગ્રેસનાં પ્રમુખ સોનિયા ગાંધી અને તેમના દીકરા રાહુલ ગાંધીને નેશનલ હેરાલ્ડ સાથે સંકળાયેલ મની લૉન્ડરિંગ મામલે સમન્સ મોકલ્યો હતો.
સોનિયા ગાંધીને આઠ જૂનના રોજ રજૂ થવાનું જણાવાયું હતું. જોકે, હવે સોનિયા ગાંધી સંક્રમિત થવાના કારણે તેઓ આ સમયે હાજર રહેશે કે નહીં તે નક્કી નથી.

ગુજરાતમાં હેલ્મેટ કે સીટ બેલ્ટ વિના વાહન ચલાવતાં 11,486 લોકોનાં મૃત્યુ

ઇમેજ સ્રોત, Getty Images
'અમદાવાદ મિરર' માર્ગ અને પરિવહન મંત્રાલય દ્વારા જાહેર કરાયેલા 'ભારતમાં માર્ગ અકસ્માત'નામના અહેવાલને ટાંકીને લખે છે કે ગુજરાતમાં સીટબેલ્ટ ન બાંધવા અને હૅલ્મેટ ન પહેરવાના કારણે 11,486 લોકોનાં મૃત્યુ થયાં છે.
અહેવાલ અનુસાર વર્ષ 2016થી 2020ના ગાળા દરમિયાન થયેલા અકસ્માતમાં જે લોકો મૃત્યુ પામ્યા, તેમાંથી 6789 લોકોએ હેલ્મેટ નહોતું પહેર્યું, જ્યારે 4697 લોકોએ સીટ બેલ્ટ નહોતો બાંધ્યો.
વાહન-અકસ્માતોમાં જે લોકો મૃત્યુ પામ્યા, તેમાં ચલાવનારની સાથે મૃત્યુ પામનાર મુસાફરોની સંખ્યા પણ ઘણી મોટી છે.
હેલ્મેટ ન પહેરવાના કારણે જે લોકો મૃત્યુ પામ્યા, તેમાંથી 35.64 ટકા લોકો પાછળ બેસેલા હતા.
જ્યારે ડ્રાઇવરે સીટ બેલ્ટ ન બાંધ્યો હોય અને વાહનને અકસ્માત નડ્યો હોય એવી દુર્ઘટનામાં ડ્રાઇવર સિવાયના મૃત્યુ પામેલા મુસાફરોની સંખ્યા 54.72 ટકા છે.

જે લોકો 'જ્ઞાતિવગરના હિંદુ' બનવા માગે તેમને સરકાર માન્યતા આપે - સુપ્રીમ કોર્ટમાં અરજી

ઇમેજ સ્રોત, Reuters
અંગ્રેજી અખબાર 'ધ હિંદુ'ના અહેવાલ અનુસાર એક ડૉક્ટર દ્વારા સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરવામાં આવી છે કે તેને 'જ્ઞાતિવિહિન હિંદુ' તરીકે સત્તાવારરીતે પ્રમાણિત થવાનો અધિકાર છે.
સુપ્રીમ કોર્ટમાં કરાયેલી અરજીમાં દાદ માગવામાં આવી છે કે કોર્ટ સરકારને એવી સંરચના બનાવવા નિર્દેશ આપે કે એના દ્વારા જે લોકો જ્ઞાતિમાંથી મુક્ત થવાનું પસંદ કરે, તેમને 'જેમની કોઈ જ્ઞાતિ નથી' તેવા હિંદુ તરીકેનું ઓળખપત્ર મળી શકે.
"હિંદુ તરીકે પોતાનો ધર્મને જાળવી રાખીને" કોઈ વ્યક્તિ જ્ઞાતિનો દરજ્જો છોડી શકે તેવી વ્યવસ્થાના અભાવ માટે અરજદાર દીપક જ્ઞાનેશ્વર હલવારે સરકારને દોષિત ઠેરવી છે.
અરજીમાં કહેવામાં આવ્યું છે કે આવી નીતિ અથવા વ્યવસ્થા સમાજમાં સકારાત્મક પરિવર્તન લાવશે અને એવા લોકો માટે સમાનતા લાવશે જે જ્ઞાતિ છોડવા માગે છે , પરંતુ હિંદુ તરીકેનો દરજ્જો જાળવી રાખવા માગે છે.


ઇમેજ સ્રોત, Getty Images
ગુજરાતના ઉત્પાદનક્ષેત્ર સાથે જોડાયેલા ઉદ્યોગોમાં મજૂરોની ભારે ખોટ
અંગ્રેજી અખબાર 'ટાઇમ્સ ઑફ ઇન્ડિયા'ના અહેવાલ અનુસાર ગુજરાતમાં ઉત્પાદનક્ષેત્રે જોડાયેલા ઉદ્યોગોમાં મજૂરોની ભારે ખોટ પડી રહી છે. રાજ્યમાં કોરોના વાઇરસની મહામારી પૂર્ણ થયા બાદ ઉદ્યોગો ફરીથી બેઠા થયા છે, પરંતુ કામદારો મળી રહ્યા નથી.
સાણંદ ઇન્ડસ્ટ્રિયલ ઍસ્ટેટમાં 350 જેટલાં યુનિટ કામ કરી રહ્યાં છે, તેમાં 25 હજાર કામદારો કામ કરતા હતા, તેમાં 20 હજાર સ્થળાંતરિત મજૂરો હતો.
હાલ અહીં ચાર હજારથી વધારે સ્થળાંતરિત મજૂરોની ઘટ પડી રહી છે.
નરોડા જીઆઈડીસીમાં કોરોના વાઇરસની મહામારી પહેલાં 50 હજાર મજૂરો કામ કરી રહ્યા હતા, જેમાં 50 ટકાનો ઘટાડો નોંધાયો છે.
'ગુજરાત ચૅમ્બર ઑફ કૉમર્સ ઍન્ડ ઇન્ડસ્ટ્રી'ના ચેરમૅન અજિત શાહે કહ્યું, "ગુજરાતમાં 80 લાખ ઔદ્યોગિક મજૂરો છે, જેમાંથી 80 ટકા સ્થળાંતરિત મજૂરો છે. કોરોના મહામારી બાદ મોટા ભાગના મજૂરો પરત આવ્યા નથી કારણ કે તેઓ કૃષિક્ષેત્રમાં કાયમ માટે જોડાઈ ગયા છે."
જોકે કેટલાક ઉદ્યોગોનું કહેવું છે કે વધતાં જતાં કાચા માલની કિંમતોને કારણે ઉત્પાદન મોટા પ્રમાણમાં થતું નથી. જેના કારણે કામદારોની સંખ્યા ઘટાડવામાં આવી રહી છે.
ગુજરાત સરકારે કહ્યું હતું કે તે ઉદ્યોગોને કુશળ મજૂરો પૂરા પાડવાની કામગીરી કરી રહી છે.

આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
YouTube કન્ટેન્ટ પૂર્ણ
તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો












