અફઘાનિસ્તાનમાં ભૂખમરાનો ખતરો, શિયાળો શરૂ થતાં જ જીવન 'નરક' કેમ બન્યું?
- લેેખક, જૉન સિમ્પસન
- પદ, બામિયાન, મધ્ય અફઘાનિસ્તાનથી
અફઘાનિસ્તાન એક એવો દેશ છે જેની સામે ભૂખમરાનો ખતરો આંખમાં આંખ નાખીને ઊભો છે.
ઋતુ પણ બદલાઈ રહી છે અને શિયાળાનો હાડ થીજવતો પવન હવે શરદઋતુની હૂંફની જગ્યા લઈ રહ્યો છે. કેટલાક વિસ્તારોમાં દુષ્કાળના સમાચાર છે જે અફઘાનિસ્તાનમાં વર્તાયેલા વિનાશની તસવીરને વધુ વિકરાળ બનાવે છે.

ઇમેજ સ્રોત, Getty Images
કાબુલથી 50 કિલોમીટર દૂર આવેલા મેદાન વરદકમાં સેંકડો પુરુષો લોટ મળે તેની આશા લઈને સત્તાવાર વિતરણ પૉઇન્ટ પર ભેગા થયા છે. આ લોટ વર્લ્ડ ફૂડ પ્રોગ્રામ દ્વારા ઉપલબ્ધ કરાવાયો છે.
તાલિબાનના સૈનિકો ભીડને કાબૂમાં રાખવા માટે હાજર છે, પરંતુ જે લોકોને કહેવામાં આવ્યું કે તેઓ આ સહાય મેળવવાને પાત્ર નથી તેમનામાં ગુસ્સો અને ભય બંને જોવા મળે છે.
એક વૃદ્ધ પુરુષે કહ્યું, "શિયાળો શરૂ થઈ ગયો છે. જો રોટલી નહીં બનાવી શકું તો કેવી રીતે જીવીશ."
હવામાન નિષ્ણાતોનું આ વખતનું જે અનુમાન છે એ મુજબ જો શિયાળો આકરો રહેશે તો મોટી સંખ્યામાં લોકો ભૂખમરા અને વ્યાપક દુષ્કાળનો ભોગ બનશે.
વર્લ્ડ ફૂડ પ્રોગ્રામ સામે અફઘાનિસ્તાનના 2.2 કરોડ લોકો માટે ભોજનની વ્યવસ્થા કરવાનો પડકાર છે.

છોકરીઓનું શિક્ષણ બંધ કરનાર અને શરિયા કાયદા હેઠળ સજા ફટકારનાર સરકારનો વિરોધ
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર

ઇમેજ સ્રોત, AFP
મેં વર્લ્ડ ફૂડ પ્રોગ્રામના કાર્યકારી નિદેશક ડેવિડ બીઝલી સાથે કાબુલમાં રવિવારે વાત કરી હતી.
તેમણે પરિસ્થિતિનું હાલ જે વિશ્લેષણ કર્યું તે ચોંકાવનારું છું.
બીઝલીએ કહ્યું કે "તમે જેટલી કલ્પના કરી શકો પરિસ્થિતિ એટલી જ ખરાબ છે. ખરેખર આપણી સામે દુનિયાનું સૌથી મોટું માનવીય સંકટ ઊભું છે."
"95 ટકા લોકો પાસે ખાવા માટે પૂરતું ભોજન નથી અને હાલ 2.3 કરોડ લોકો ભૂખમરાની નજીક પહોંચી ગયા છે."
તેમણે કહ્યું કે, "આવતા છ મહિનાઓ આફતભરેલા હશે. પૃથ્વી પર નરક જેવી પરિસ્થિતિ સર્જાશે."
ઑગસ્ટ મહિનામાં તાલિબાને અફઘાનિસ્તાન પર કબજો કર્યો એ પહેલાં રાષ્ટ્રપતિ અશરફ ગનીની સરકાર શિયાળાની આ પરિસ્થિતિને આંતરરાષ્ટ્રીય મદદથી પહોંચી વળશે એવો વિશ્વાસ હતો.
પરંતુ અશરફ ગનીની સરકાર પડી ભાંગતા આંતરરાષ્ટ્રીય સહાયતા પણ ગાયબ થઈ ગઈ.
પશ્ચિમી દેશોએ અફઘાનિસ્તાનને અપાતી મદદ બંધ કરી દીધી, કારણ કે તેઓ છોકરીઓનું શિક્ષણ બંધ કરનાર અને શરિયા કાયદા મુજબ સજા ફટકારતી સરકારની મદદ કરતા દેશો તરીકે નથી ઓળખાવા માગતા.
પરંતુ શું હવે આ દેશો ભૂખમરાનો સામનો કરી રહેલા લાખો નિર્દોષ લોકોની મદદ નહીં કરે?
બીઝલી વિકસિત દેશોની સરકારો અને અપજોપતિઓને ત્વરિત સહાયતા માટે અપીલ કરે છે.

દુષ્કાળ અને ભૂખમરાનો ખતરો

ઇમેજ સ્રોત, ADEK BERRY
અશરફ ગનીની સરકારમાં ફાતેમાને લોટ અને તેલની મદદ નિયમિત રીતે મળતી હતી, પરંતુ તાલિબાનને કબજો કર્યો ત્યારથી આ મદદ બંધ થઈ ગઈ.
ફાતેમા પાડોશમાં રહેતા એક ખેડૂત પાસે માટીકામ કરીને થોડા પૈસા કમાતાં હતાં, પરંતુ હવે દુષ્કાળની પરિસ્થિતિ સર્જાતા ખેતરોમાં પાક ઘટી જતા તેમને કામ પણ ઓછું મળે છે.
તેઓ કહે છે, "મને બીક છે. મારી પાસે બાળકોને ખવરાવવા કંઈ નથી. જલદી મારે બહાર જઈને ભીખ માગવી પડશે."
કેટલાંક માતાપિતાએ પોતાની બાળકીઓને મોટી ઉંમરના પુરુષો સાથે પરણાવવા માટે વેચી દીધી છે.
ફાતેમા આને માટે તૈયાર નથી પણ જો ભોજનની મદદ નહીં મળે તો તેઓ અને તેમનાં બાળકો ખરેખર ભૂખમરાની સ્થિતિમાં પહોંચી જશે.
હવે આસપાસના પહાડો પર બરફ જામતો જાય છે અને તીવ્ર પવન વધુ ને વધુ ઠંડો થતો જાય છે.
એક તરફ શિયાળાની ટાઢ વધતી જાય છે, બીજી તરફ ફાતેમા તથા તેમના પરિવાર જેવા ઘણા લોકો વિનાશને આરે ઊભા છે.


આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
YouTube કન્ટેન્ટ પૂર્ણ
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો













