ઑસ્ટ્રેલિયામાં ફેસબુકે સમાચારો બદલ હવે પૈસા ચૂકવવા પડશે, મીડિયા ટાઈકુન રુપર્ટ મડોર્કે કર્યો મોટો કરાર

ઇમેજ સ્રોત, Getty Images
ઑસ્ટ્રેલિયામાં ફેસબુક અને રુપર્ટ મર્ડોકની કંપની ન્યૂઝ કૉર્પોરેશન વચ્ચે કરાર થયો છે, જેમાં સ્થાનિક સમાચારો માટે ફેસબુક ન્યૂઝ કોર્પને પૈસા ચૂકવશે.
આ કરાર ત્રણ વર્ષ માટે કરવામાં આવ્યો છે. ફેસબુક સમાચાર માટે ન્યૂઝ કોર્પને કેટલા પૈસા ચૂકવશે તે વિશે કંપનીએ કોઈ ફોડ પાડ્યો નથી. ફેબ્રુઆરીમાં ન્યૂઝ કોર્પ અને ગૂગલ વચ્ચે આવો જ એક કરાર થયો છે.
હાલમાં જ ઑસ્ટ્રેલિયાની સરકારે એવો કાયદો પસાર કર્યો છે જે અંતર્ગત ગૂગલ, ફેસબુક અને બીજી ટૅક કંપનીઓને સમાચાર માટે મીડિયા કંપનીઓને પૈસા ચૂકવવા પડશે.

કરારમાં શું છે?

ઇમેજ સ્રોત, GETTY IMAGES/BBC
મંગવારે ન્યૂઝ કોર્પના ચીફ એક્ઝેક્યુટિવ રોબર્ટ થોમસને ફેસબુક સાથેના કરારને 'પત્રકારત્વની વેપારની શરતોમાં પરિવર્તન લાવનાર સીમાચિહ્ન' તરીકે ગણાવ્યું છે.
તેમણે જણાવ્યું હતું કે, "ડિજિટલ અવ્યવહાર જ્યારે પત્રકારત્વને નબળું પાડી રહ્યો હતો ત્યારે રુપર્ટ અને લેચલાન મર્ડોકે વૈશ્વિક ચર્ચાની આગેવાની લીધી હતી. તે સમયે મીડિયા ઉદ્યોગના બીજા લોકો કાં તો મૌન હતા અથવા તો સુસ્ત થઈ ગયા હતા."
અમેરિકામાં રુપર્ટ મર્ડોક જે મીડિયા કંપની ધરાવે છે, તે કંપનીએ ફેસબુક સાથે અલગથી કરાર કર્યો છે. અમેરિકામાં ફેસબુક ન્યૂઝ ટેબમાં સમાચારો સામેલ કરવા બદલ ફેસબુક ન્યૂઝ કોર્પને પૈસા ચૂકવવા માટે રાજી થયું છે.

ઑસ્ટેલિયાને આ કાયદો લાવવાની જરુર કેમ પડી?

ઇમેજ સ્રોત, Getty Images
ઑસ્ટ્રેલિયામાં ગૂગલ સૌથી મોટું સર્ચ એન્જિન છે અને સરકાર દ્વારા તેને એક જરુરીયાતની સેવા તરીકે ઓળખાવવામાં આવી છે.
સરકારની દલીલ છે કે સમાચાર વાંચવા માગતા લોકોના કારણે ટૅક પ્લૅટફૉમને ગ્રાહકો મળે છે અને એટલા માટે ન્યૂઝરુમને તેમની પત્રકારિતા માટે ટૅક કંપનીઓ તરફથી એક સારી રકમ આપવી જોઈએ.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
સાથે દલીલ આપવામાં આવી રહી છે કે વિવિધ પડકારોનો સામનો કરી રહેલા સમાચાર ઉદ્યોગને આર્થિક મદદ મળવી જોઈએ કારણકે લોકશાહી માટે એક મજબૂત મીડિયા બહુ જરુરી છે.
સરકાર મુજબ 2005ની સરખામણીમાં ઑસ્ટ્રેલિયન પ્રિન્ટ મીડિયાની આવકમાં 75 ટકાનો ઘટાડો આવ્યો છે.
બીબીસીના પત્રકાર કેટી સિલ્વર અનુસાર ડિજિટલ જાહેરાત પાછળ ખર્ચાતા દરેક 100 ઑસ્ટ્રેલિયન ડૉલરમાંથી 81 ડૉલર ગૂગલ અને ફેસબુક પાસે ચાલ્યા જાય છે. કોરોના વાઇરસ બાદ પરિસ્થિતિ વધુ વણસી ગઈ છે.
તેઓ જણાવે છે કે કંપનીઓએ ડિજિટલ જાહેરાત ઘટાડી નાખતા ઘણી ઑસ્ટ્રેલિયન મીડિયા સંસ્થાને બંધ થવાની ફરજ પડી છે. આ બધાની વચ્ચે ગૂગલ ઘણું સારું કરી રહી છે.
ગત વર્ષે સોશિયલ મીડિયા કંપનીએ ઑસ્ટ્રેલિયાથી આશરે 4 અબજ અમેરિકન ડૉલરની કમાણી કરી હતી અને કંપનીએ 45 મિલિયન ડૉલરનો કર ચૂકવ્યો છે.
બીબીસી ઑસ્ટ્રેલિયાના રિપોર્ટર શાઈમા ખલીલ કહે છે કે, આ સમાચાર મોટા થવાના હતા. ન્યૂઝ કોર્પ ઑસ્ટ્રેલિયન મીડિયા માર્કેટમાં એક મોટો હિસ્સો ધરાવે છે. જ્યારે ઑસ્ટ્રેલિયાની સંસદે નવો ન્યૂઝ મીડિયા બાર્ગેનિંગ કોડ પસાર કર્યો અને ફેસબુકે પૈસા માટે વાટાઘાટો કરવાની શરુઆત કરી ત્યારે શક્યતા સેવાઈ રહી હતી કે રુપર્ટ ઍમ્પાયરને સારી એવી રકમ મળશે.
આ કાયદાની નાના અને સ્થાનિક સમાચાર સંસ્થાઓને કેવી રીતે લાભ મળશે તે જોવાનું રહેશે. નાના અને સ્થાનિક મીડિયાને જાહેરાતની આવકમાં સૌથી વધુ નુકસાન થાય છે.

કોણ છે રુપર્ટ મર્ડોક?

ઇમેજ સ્રોત, Getty Images
રુપર્ટ મડોર્ક વિશ્વના નામાંકિત મીડિયા ટાઇકુન છે. તેમની કંપની ન્યૂઝ કોર્પ ઑસ્ટ્રેલિયા, અમેરિકા સહિત વિશ્વના બીજા દેશોમાં પણ મીડિયા ટાઇટલ ધરાવે છે.
ઑસ્ટ્રેલિયામાં અખબાર શરુ કરીને મડોર્કએ પોતાના મીડિયા સામ્રાજ્યનો પાયો નાખ્યો હતો.
તેમની કંપની ન્યૂઝ કોર્પ ઑસ્ટ્રેલિયામાં મહત્ત્વના અખબારો ધ ઑસ્ટ્રેલિયન, ધ ડેલી ટેલિગ્રાફ અને ધ હેરાલ્ડ સનની માલિકી ધરાવે છે. ઑસ્ટ્રેલિયામાં અખબારોના સર્કયુલેશનનો 70 ટકા હિસ્સો ન્યૂઝ કોર્પ ધરાવે છે.
આ કંપની news.co.au.ની સાથે સ્કાય ન્યૂઝ ઑસ્ટ્રેલિયાની માલિકી પણ ધરાવે છે. ઑસ્ટ્રેલિયામાં ફોક્સ ન્યૂઝને ફેસબુક પર સૌથી વધુ શૅર કરવામાં આવે છે.
ફોર્બસના અહેવાલ અનુસાર રુપર્ટ મડોર્ક મીડિયા એ મીડિયા સામ્રાજ્યને નિયંત્રિત કરે છે જેમાં કેબલ ચેનલ ફોક્સ ન્યૂઝ, ટાઇમ્સ ઑફ લંડન અને વૉલ સ્ટ્રીટ જર્નલનો સમાવેશ થાય છે.
માર્ચ 2019માં મડોર્કએ ફોક્સના મૂવી સ્ટુડિયોનો મોટાભાગનો હિસ્સો અને એફએક્સ અને નૅશનલ જિયોગ્રાફિક નેટવર્ક્સ અને સ્ટાર ઇન્ડિયાનો પોતાનો હિસ્સો ડિઝનીને 71.3 અબજ અમેરિકન ડૉલરમાં વેચી નાખ્યો હતો.
મડોર્કના પુત્ર લચલાન નવી ફોક્સ ચલાવે છે, જેમાં પ્રસારણ, કેબલ ન્યૂઝ, બિઝનેસ અને સ્પોર્ટ્સ નેટવર્કનો સમાવેશ થાય છે.
તેમની ઘણી કંપનીઓ રૂઢિચુસ્ત હોવાની છાપ ધરાવે છે. મૂળ ઑસ્ટ્રેલિયાના વતની મેરડોર્કને 22 વર્ષની વયે અખબાર વારસામાં મળ્યું હતું, જ્યારે તેમના પિતાનું મૃત્યુ થયું હતું. તેમના પિતા એક પૂર્વ યુદ્ધ સંવાદદાતા હતા.


ઇમેજ સ્રોત, MohFW, GoI

આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
YouTube કન્ટેન્ટ પૂર્ણ
તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો












