You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
ચીલીમાં આર્થિક સુધારા માટે દસ લાખ લોકો રસ્તા પર ઊતર્યા
ચીલીમાં લગભગ દસ લાખ લોકોએ એક શાંતિપૂર્ણ રેલી યોજી સરકાર સમક્ષ આર્થિક અસમાનતા દૂર કરવા માગ કરી.
દેશના પાટનગર સેન્ટિયાગોમાં પ્રદર્શનકારીઓએ કેટલાય કિલોમિટર સુધી રેલી કાઢી અને આર્થિક સુધારાની માગ કરી.
છેલ્લા કેટલાય દિવસથી ચાલી રહેલાં પ્રદર્શનો દરમિયાન સેન્ટિયાગોનાં ગવર્નરે આ રેલીને 'ઐતિહાસિક' ગણાવી છે.
તો રાષ્ટ્રપતિ સૅબાસ્ટિયન પિન્યેરાએ કહ્યું કે સરકારે 'સંદેશ સાંભળી લીધો' છે.
તેમણે ટ્વિટર પર લખ્યું, "આપણે તમામ પરિવર્તનો કર્યાં છે. આજની આનંદી અને શાંતિપૂર્ણ રેલીમાં ચીલીવાસીઓ કરેલી માગોએ ભવિષ્યના આશાવાદી દરવાજા ખોલી નાખ્યા છે."
આ પહેલાં શુક્રવારે વાલપારાઇસો શહેરમાં સરકારવિરોધી પ્રદર્શકારીઓએ કૉંગ્રેસની ઇમારતમાં પ્રવેશ કરવાનો પ્રયાસ કરતાં રાજકારીઓ અને અધિકારીઓને બહાર કાઢવાની ફરજ પડી હતી.
રેલી દરમિયાન શું થયું?
સેન્ટિયાગોનાં ગવર્નર કાર્લા રુબિલારે જણાવ્યું કે પાટનગરમાં દસ લાખ લોકો રસ્તા પર ઊતર્યા, જે દેશની કુલ વસતિના 5% ટકા છે.
તેમણે ટ્વિટર પર લખ્યું, "પ્રદર્શનકારીઓ નવા ચીલીનું સપનું રજૂ કરે છે."
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
સેન્ટિયાગો ઉપરાંત દેશનાં તમામ મોટાં શહેરોમાં પણ પ્રદર્શનો યોજાયાં હતાં.
સેન્ટિયાગોમાં યોજાયેલા પ્રદર્શન દરમિયાન 38 વર્ષના ફ્રાન્સુઆ ઍગ્વિતારે સમાચાર સંસ્થા એએફપીને જણાવ્યું, "અમે ન્યાય, પ્રામાણિકતા અને નૈતિક સરકાર ઇચ્છીએ છીએ."
ચીલીમાં શું થયું?
આ પ્રદર્શનો પાછળ મેટ્રોના ભાડામાં કરાયેલો વધારો છે. વિરોધપ્રદર્શનને કારણે એ વધારો બાદમાં રદ કરી દેવાયો હતો પણ તેણે ચીલીવાસીઓની આર્થિક અસમાનતા છતી કરી દીધી હતી.
એક અઠવાડિયાથી ચાલી રહેલાં આ પ્રદર્શનો દરમિયાન લૂંટફાટ અને હિંસક ઘટનાઓ પણ ઘટી છે. જેમાં ઓછામાં ઓછા 16 લોકોનાં મૃત્યુ થયાં છે. આ પ્રદર્શનો દરમિયાન 7 હજાર લોકોની અટકાયત કરાઈ છે અને કેટલાયને ઈજા પહોંચી છે.
પ્રદર્શનોને પગલે સેન્ટિયાગોની સુરક્ષાની જવાબદારી ચીલીના સૈન્યના માથે આવી પડી છે. શહેરમાં કટોકટી અને રાત્રીકર્ફ્યુ લાદી દેવાયા છે તથા રસ્તાઓ પર 10 હજાર પોલીસકર્મીઓ તહેનાત કરી દેવાયા છે.
નોંધનીય છે કે ચીલી એ દક્ષિણ અમેરિકાનાં પૈસાદાર રાષ્ટ્રોમાંનું એક છે. જોકે, અહીં મોટા પાયે આર્થિક અસમાનતા પણ છે.
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો