કાશ્મીર મુદ્દે લંડનમાં ભારતીય દૂતાવાસમાં તોડફોડ કરવામાં આવી, બીજી ઘટના

ભારત સરકારે કાશ્મીરનો ખાસ રાજ્યનો દરજ્જો રદ્દ કરીને અનુચ્છેદ 370 હઠાવ્યો તેને આજે એક મહિનો થયો છે ત્યારે ફરી એકવાર લંડન સ્થિત ભારતીય દૂતાવાસ પર હિંસક વિરોધ પ્રદર્શન થયું છે.

આ વિરોધ પ્રદર્શનમાં ભારતીય દૂતાવાસ પર લોકોએ ઇંડા, ટામેટાં, પથ્થરો અને સ્મૉક બૉમ્બ્સ ફેંકયા હતા.

આ અગાઉ 15 ઑગસ્ટના રોજ પણ દૂતાવાસમાં આઝાદી દિવસની ઉજવણી દરમિયાન હુમલાની ઘટના બની હતી.

કાશ્મીરના લોકો પર લાગેલાં પ્રતિબંધો અને કરફ્યૂના વિરોધમાં દસ હજાર જેટલાં બ્રિટીશ પાકિસ્તાનીઓ લંડનમાં રેલી કાઢી હતી.

શરૂઆતમાં શાંતિપૂર્ણ એવી આ રેલી લંડન સ્થિત ભારતીય દૂતાવાસ પહોંચતા ઉગ્ર બની હતી.

ડાઉનિંગ સ્ટ્રીટમાંથી ઇન્ડિયન હાઇ કમિશનની કચેરી સુધી થયેલી રેલી દરમિયાન તેમણે હાઇ કમિશનની કચેરીને નિશાન બનાવી હતી.

આ રેલીનું આયોજન બ્રિટીશ કાશ્મીરી લોકોના એક જૂથ 'કાશ્મીર ફ્રીડમ મંચ'દ્વારા કરવામાં આવ્યું હતું.

આ રેલીમાં યૂકે લેબર પાર્ટીના સાંસદ સહિતના લોકો જોડાયા હતા. ભારતીય દૂતાવાસે ટ્વીટર પર એક તસવીર પોસ્ટ જેમાં બારીઓના કાચ તૂટેલા દેખાતા હતા.સમાચાર સંસ્થા પીએ મુજબ આ મામલે બે લોકોની ધરપકડ કરવામાં આવી છે.

લંડનના મેયર સાદિક ખાને પણ ભારતીય દૂતાવાસ પર થયેલી તોડફોડની ટીકા કરી છે.

ઉલ્લેખનીય છે કે મંગળવારે બ્રિટન તરફથી કાશ્મીરમાં માનવઅધિકાર ભંગને લઈને ચિંતા દર્શાવવામાં આવી હતી.

મંગળવારે બ્રિટને કહ્યું કે ભારતના સંવિધાનના અનુચ્છેદ 370ને હઠાવ્યા બાદ કાશ્મીરમાં માનવ અધિકારોનાં ઉલ્લંઘનના કોઈ પણ આરોપ માટે ઊંડી, ઝડપી અને પારદર્શક તપાસ થવી જોઈએ.

બ્રિટનના વિદેશ મંત્રી ડોમિનિક રોબે હાઉસ ઑફ કૉમનના સાંસદોને કહ્યું કે તેમણે 7 ઑગસ્ટે ભારતના વિદેશ મંત્રી એસ જય શંકર સાથે વાત કરી હતી.

ડોમિનિકે એવું પણ સ્પષ્ટ કર્યું કે કાશ્મીર ભારત અને પાકિસ્તાન વચ્ચેનો દ્વિપક્ષી મામલો છે. તેમણે ભારપૂર્વક કહ્યું કે માનવ અધિકારોની ચિંતાએ તેને આંતરરાષ્ટ્રિય મુદ્દો બનાવી દીધો છે.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો