You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
BBC TOP NEWS : કિમ-ટ્રમ્પ મુલાકાત : કોઈ ઉકેલ વગર બેઠક સમાપ્ત થઈ
અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ અને ઉત્તર કોરિયાના નેતા કિમ જોંગ ઉન વચ્ચે વિયેતનામમાં યોજાઈ રહેલી મંત્રણામાં ગુરૂવારે બીજા અને અંતિમ દિવસે કોઈ આખરી નિર્ણય આવી શક્યો ન હતો.
બંને નેતા કોરિયન ધરતી પરથી પરમાણુ શસ્ત્રો દૂર કરવા અંગે કોઈ નક્કર નિર્ણય લે તેવી અપેક્ષા સેવાઈ રહી હતી.
આ પહેલા બન્ને નેતાઓ વચ્ચે સિંગાપોર ખાતે યોજાયેલી પ્રથમ મુલાકાતમાં આ દિશામાં પ્રાથમિક પગલાં લેવાયાં હતા.
આ પહલાં બુધવારની મંત્રણા પત્રકારોના પ્રશ્નો, માહિતીના આદાનપ્રદાન તેમજ એક સમૂહ ભોજન સુધી સીમિત રહી હતી.
વિયેતનામના હનોઈની મૅટ્રોપોલ હોટેલમાં યોજાયેલાં ઐતિહાસિક ભોજન બાદ ટ્રમ્પે આ ટ્વીટ કર્યું હતું, "કિમ જોંગ ઉન સાથે ઉમદા મુલાકાત અને ભોજન".
આ મંત્રણામાં ટ્રમ્પ અને કિમ જોંગ-ઉન સાથે યૂએસના સેક્રેટરી ઑફ સ્ટેટ માઇક પોમ્પીઓ અને કિમના વરિષ્ઠ રાજદૂત કિમ યોંગ ચોલ પણ હાજર રહ્યા હતા.
જોકે, પ્રથમ દિવસની મુલાકાતના અંતે યૂએસ નેતાએ કહ્યું હતું કે અમે વિચાર્યું હતું કે આ મુલાકાત બહુ સફળ રહેશે.
તેઓ ડિન્યુક્લીરાઇઝેશનમાંથી પાછળ હટી રહ્યા હોવાનો પણ ઇન્કાર કર્યો હતો.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
'#Abhinandan પાકના કબજામાં અને મોદી રાજકીય પ્રવાસ પર'
નેશનલ કૉન્ફરન્સના નેતા ઓમર અબ્દુલ્લાએ બુધવારે કહ્યું કે જ્યાં સુધી ભારતીય વાયુસેનાના પાઇલટ અભિનંદન પાકિસ્તાનના કબજામાં સુરક્ષિત ઘરે પરત નથી ફરતા, ત્યાં સુધી વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ પોતાની તમામ રાજકીય પ્રવૃતિઓ સ્થગિત કરી દેવી જોઈએ.
ઓમર અબ્દુલ્લાહે ટ્વીટ પર કહ્યું, "વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ પોતાની તમામ રાજકીય પ્રવૃતિઓ કમાન્ડર અભિનંદરના સુરક્ષિત પરત ફરવા સુધી સ્થગિત કરી દેવી જોઈએ."
"આપણો પાઇલટ પાકિસ્તાનના કબજામાં છે અને મોદી કરદાતાઓના પૈસાથી દેશઆખામાં પ્રવાસ કરે અને રાજકીય ભાષણ આપે એ સામાન્ય વાત નથી."
આ પહેલા ભારતના બાલાકોટ હુમલા બાદ ભારત પાકિસ્તાન સીમા પર સર્જાયેલી સ્થિતીને ધ્યાનમાં રાખીને બુધવારે વિપક્ષી દળોની બેઠક યોજાઈ હતી.
ત્રણ કલાક ચાલેલી આ બેઠક બાદ કૉંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ સંયુક્ત નિવેદન વાંચ્યુ હતું, જેમાં દેશના તણાવ અંગે ઊંડી ચિંતા વ્યક્ત કરાઈ.
તેમણે પાકિસ્તાનમાં બંધક બનાવાયેલા ભારતીય પાઇલટ સકુશળ પરત ફરે એવી શુભેચ્છા વ્યક્ત કરી હતી.
તેમણે કહ્યું, "દેશનો સૈનિક દુશ્મન દ્વારા પકડાઈ જાય છે અને ફાઇટર પ્લેન નિશાન બની જાય છે, તેની જવાબદારી સરકારની છે."
INDvsAUS :મૅક્સવેલનું તોફાન, સિરીઝ ઑસ્ટ્રેલિયાના નામે
ગ્લેન મૅક્સવેલની તોફાની સદી બાદ મહેમાન ઑસ્ટ્રેલિયાએ બેંગ્લુરુ ખાતે રમાયેલી બીજી ટી-20 મૅચમાં ભારતને સાત વિકેટથી હરાવ્યું છે.
આ જીત સાથે ઑસ્ટ્રેલિયાએ સિરીઝ 2-0થી પોતાના નામે કરી લીધી છે.
ઑસ્ટ્રેલિયાએ ટૉસ જીતીને પહેલાં બૅટિંગ લીધી હતી. ભારતને લોકેશ રાહુલ અને શિખર ધવનની જોડીએ સારી શરૂઆત આપી હતી. તેમણે 7.1 ઓવરમાં 61 રન કર્યા હતાં.
જોકે, રાહુલ 47 રનમાં આઉટ થયા અને ધવન પણ વધારે ટકી નહોતા શક્યા. તેઓ 14 રનમાં આઉટ થઈ ગયેલા. ઋષભ પંત માત્ર એક જ રન કરી શક્યા.
એ બાદ વિરાટ કોહલીએ પૂર્વ કૅપ્ટન ધોની સાથે મળીને 100 રનની ભાગીદારી કરી.
ધોની 23 બૉલમાં 40 રન કરીને આઉટ થયા જ્યારે કૅપ્ટન કોહલીએ 72 રન કરીને સ્કોરને 190 સુધી પહોંચાડ્યો હતો.
હવે ભારત અને ઑસટ્રેલિયા વચ્ચેની પાંચ વન ડે મૅચની સિરીઝ 2 માર્ચથી શરૂ થશે.
નેપાળમાં હેલિકૉપ્ટર દુર્ઘટના, મંત્રી સહિત 6નાં મૃત્યુ
નેપાળના પ્રવાસન, ઉડ્ડયન અને સાંસ્કૃતિક મંત્રી રવિન્દ્ર અધિકારી અને અન્ય 6 લોકોનાં બુધવારે તાપલેજંગમાં હેલિકૉપ્ટર દુર્ઘટનામાં મૃત્યુ થયાં.
આ ચૉપરમાં મંત્રી અધિકારી સહિત નેપાળના ઍવિએશન અને હૉસ્પિટાલિટી ક્ષેત્રના જાણીતા ઉદ્યોગસાહસિક અંગ સેરિંગ શેરપા અને નેપાળના વડા પ્રધાન કે.પી. શર્મા ઓલીના અંગત વ્યક્તિ ગણાતા યુવરાજ દહાલ સવાર હતા.
નેપાળ પોલીસના જણાવ્યા અનુસાર સાત લોકોના મૃતદેહ મળ્યા છે. આ ટીમ પડોશી જિલ્લા તેહરાથુમના ચુહાંદંદામાં એક અભ્યાસ માટે ગઈ હતી.
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો