મોદી સરકાર પર અમેરિકન એજન્સીનો રિપોર્ટઃ 'ભાજપના લોકો હિંસા ભડકાવે'

ઇમેજ સ્રોત, Getty Images
અમેરિકાની સંસ્થા યૂનાઇટેડ સ્ટેટ કમિશન ઑન ઇન્ટરનેશનલ રિલીજસ ફ્રીડમ (USCIRF)એ પોતાના વાર્ષિક રિપોર્ટમાં કહ્યું છે કે ભારતમાં ધાર્મિક સ્વતંત્રતાની પરિસ્થિતિ સતત બગડતી જોવા મળી રહી છે.
આ રિપોર્ટ મહત્ત્વપૂર્ણ છે કેમ કે USCIRF એક સંવૈધાનિક સંસ્થા છે જેનું ગઠન 1998માં ઇન્ટરનેશનલ રિલિજસ ફ્રીડમ એક્ટ અંતર્ગત કરવામાં આવ્યું હતું. આ સંસ્થાનું કામ અમેરિકન સરકારને પરામર્શ આપવાનું છે.
તમે આ વાંચ્યું કે નહીં?
2018ના રિપોર્ટમાં ભારતમાં ધાર્મિક સ્વતંત્રતા પ્રત્યે નરેન્દ્ર મોદીની સરકારના વલણ પર પાંચ પાનાના રિપોર્ટમાં કહેવામાં આવ્યું છેકે "ભારતનું બહુધાર્મિક, બહુસાંસ્કૃતિક ચરિત્ર ખતરામાં છે કેમ કે ધર્મના આધારે આક્રમક રીતે રાષ્ટ્રીય ઓળખ બનાવવા પ્રયાસ થઈ રહ્યો છે."

અફઘાનિસ્તાનની લાઇનમાં ભારત

ઇમેજ સ્રોત, USCIRF/BBC
ઉત્તર પ્રદેશ, આંધ્ર પ્રદેશ, ઓડિશા, બિહાર, છત્તીસગઢ. મધ્ય પ્રદેશ, રાજસ્થાન, મહારાષ્ટ્ર, ગુજરાત અને કર્ણાટકને રિપોર્ટમાં એ 10 રાજ્યોમાં રાખવામાં આવ્યા છે જ્યાં ધાર્મિક સ્વતંત્રતા ખતરામાં છે.
બાકી 19 રાજ્યો વિશે કહેવામાં આવ્યું છે કે ત્યાં ધાર્મિક અલ્પસંખ્યક સ્વતંત્ર છે.
USCIRFએ આ વર્ષે 12 દેશોને ટિયર-2માં રાખ્યા છે જેમને 'કન્ટ્રીઝ ઑફ પર્ટિકુલર કન્સર્ન' કે સીપીસી કહેવામાં આવે છે. એટલે કે એવા દેશ કે જેમની પરિસ્થિતિ ખૂબ ચિંતાજનક છે.
આ દેશ છે- અફઘાનિસ્તાન, અઝરબૈજાન, બહરીન, ક્યૂબા, ઇજિપ્ત, ભારત, ઇન્ડોનેશિયા, ઇરાક, કઝાકસ્તાન, લાઓસ, મલેશિયા અને તુર્કી.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે, "વડાપ્રધાન હિંસાની નિંદા તો કરે છે પરંતુ તેમની જ પાર્ટીના લોકો અતિવાદી હિંદુ સંગઠનો સાથે જોડાયેલા છે અને તેમાંથી ઘણા લોકો ધાર્મિક અલ્પસંખ્યકો માટે ભેદભાવ વાળી ભાષાનો ઉપયોગ કરે છે.'' ''ભારત સરકારના પોતાના આંકડા જણાવે છે કે સાંપ્રદાયિક હિંસા વધી રહી છે પરંતુ મોદી સરકારે તેને રોકવા માટે કંઈ કર્યું નથી."

માત્ર ટીકા જ કરવામાં આવી નથી

ઇમેજ સ્રોત, Getty Images
રિપોર્ટમાં સાંપ્રદાયિક હિંસાના પીડિતોને ન્યાય ન મળવાનો ઉલ્લેખ પણ કરવામાં આવ્યો છે. કહેવામાં આવ્યું છે, "મોદી સરકારે ભૂતકાળમાં મોટા પાયે થયેલી સાંપ્રદાયિક હિંસાના પીડિતોને ન્યાય અપાવવા માટે કંઈ વધારે કામ કર્યું નથી. તેમાંથી ઘણી હિંસક ઘટનાઓ તેમની (મોદીની) પાર્ટીના લોકોના ઉત્તેજનાપૂર્ણ ભાષણોના કારણે ઘટી હતી."
આ રિપોર્ટમાં ગૌહત્યા સાથે જોડાયેલી હિંસા, ખ્રિસ્તી ધર્મ પ્રચારકો પર દબાવ અને તેમની વિરુદ્ધ હિંસા, વિદેશી ફંડિંગથી ચાલતી NGOનું કામકજ રોકવું, ધર્મ પરિવર્તન વિરોધી કાયદા જેવી બાબતો પર પણ ચિંતા વ્યક્ત કરવામાં આવી છે.
પરંતુ એવું નથી કે આ રિપોર્ટમાં ભારતની માત્ર ટીકા જ કરવામાં આવી છે.
USCIRFનો રિપોર્ટ કહે છે કે ભારતમાં એક સ્વતંત્ર ન્યાયપાલિકા છે જેણે ઘણા મામલે સાર્થક હસ્તક્ષેપ કર્યો છે. ઉદાહરણ તરીકે હદિયા મામલાનો ઉલ્લેખ છે જેમાં સુપ્રીમ કોર્ટે નિર્ણય સંભળાવ્યો હતો કે 'લગ્નનો નિર્ણય કરવાનો અધિકાર દરેક વયસ્ક નાગરિક પાસે છે.'
આ રિપોર્ટમાં અમેરિકન સરકાર સમક્ષ દસ અરજી પણ કરવામાં આવી છે, જેમાં ભારત સાથે થનારી વાતચીતમાં આ મુદ્દાઓને ઉઠાવવા અને ભારત પર માનવાધિકાર અને ધાર્મિક સ્વતંત્રતાની સ્થિતિમાં સુધારો લાવવા માટે દબાણ બનાવવાના મુદ્દાઓ સામેલ છે.
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો












