Commonwealth Diary : જ્યારે મેરી કોમના કોચે તેમને ખભે બેસાડ્યાં

    • લેેખક, રેહાન ફઝલ
    • પદ, બીબીસી સંવાદદાતા, ગોલ્ડ કોસ્ટ (ઑસ્ટ્રેલિયા)થી

ભારતને એક જ દિવસમાં કૉમનવેલ્થ ગેમ્સમાં અત્યાર સુધી આટલાં પદક ક્યારેય મળ્યા નથી. કુલ આઠ ગોલ્ડ મેડલ્સ. દિવસના મેડલ્સનો પ્રારંભ મેરી કોમ દ્વારા થયો.

ત્રણ બાળકોની માતા મેરી કોમે તેમનાં કરતાં 16 વર્ષ નાની ઉંમરનાં ઉત્તરીય આયર્લૅન્ડનાં બોક્સર ક્રિસ્ટીના ઓ હારાને એકપણ મોકો ન આપ્યો.

નાની ઉંમર હોવાને કારણે ક્રિસ્ટીનાનાં 'રિફ્લેક્સિઝ' વધુ ઝડપી હતા અને તેમની ઊંચાઈ પણ મેરી કરતાં વધારે હતી.

પરંતુ મેરીએ 'ટેક્ટિકલ બોક્સિંગ' રમીને પોતાના અનુભવનો પૂરેપૂરો લાભ લીધો. પ્રથમ રાઉન્ડમાં તેમણે હારાનું નિરીક્ષણ કરી લીધું.

બીજા રાઉન્ડમાં તેમણે તેમને નજીક ન આવવા દીધા. ત્રીજા રાઉન્ડમાં તો બાજી મારી લીધી.

જેવી વિજેતાની જાહેરાત થઈ કે તરત જ દોડીને મેરીના કોચે તેમને ખભા પર ઉઠાવી લીધા.

મેરીને તેઓ ખભા પર ઉપાડીને પ્રેક્ષકોના સ્ટેન્ડમાં લઈ ગયા. જ્યાં રમતગમત મંત્રી રાજ્યવર્ધન સિંહ રાઠોડ મેચ જોતા હતા.

રાઠોડ મેરીને ભેટી પડ્યા અને સમગ્ર સ્ટેડિયમ 'મેરી, મેરી' ના નામથી ગુંજી ઊઠ્યું હતું.

જ્યારે તેઓ મારી નજીક આવ્યા ત્યારે મેં જોયું કે તેમના ચહેરા પર ઉઝરડા હતા. પરંતુ તેમનું 'હાઈ વોલ્ટેજ' સ્મિત હંમેશની જેમ એમનું એમ હતું.

તમે આ વાંચ્યું કે નહીં?

મેરી કોમના ફોર્મ અને જુસ્સાને જોતાં એવું લાગતું નથી કે કોઈ ટોકિયો ઑલિમ્પિકમાં રમવાથી રોકી શકાશે.

સામાન્ય રીતે 32 વર્ષની ઉંમર બાદ આંતરરાષ્ટ્રીય બૉક્સર નિવૃત્તિ વિશે વિચારવાનું શરૂ કરે છે. પરંતુ આ વિચાર મેરીના મનમાં દૂર દૂર સુધી નથી.

ગૌરવ સોલંકીનો ગોલ્ડ મેડલ સૌથી આશ્ચર્યજનક

જ્યારે દુબળા પાતળા ગૌરવ સોલંકી 52 કિલોગ્રામની શ્રેણીમાં રિંગમાં દાખલ થયા ત્યારે અમારામાંના ઘણાએ તેમનો ઉત્તરીય આયર્લૅન્ડના બોક્સર સામે 'ચાન્સ' ન હોવાનું વિચાર્યું હતું.

પરંતુ માત્ર થોડી સેકંડ્સમાં એવું જણાયું હતું કે સોલંકી આઇરિશ બૉક્સર પર ભારે પડી રહ્યા છે.

હરિયાણાના બલ્લભગઢના 19 વર્ષીય સોલંકીએ પ્રથમ બે રાઉન્ડમાં જ આઇરિશ બૉક્સર પર સારી પકડ બનાવી લીધી હતી.

બીજા રાઉન્ડમાં બ્રૅંડન ઇરવાઇનનો ભાગ્યે જ કોઈ મુક્કો સોલંકીને વાગ્યો હશે. ત્રીજા રાઉન્ડમાં તેમને થોડી પછડાટ મળી, પરંતુ શરૂઆતમાં બનાવેલા પોઇન્ટ જીત માટે પૂરતા હતા.

આ દરમિયાન તેઓ બે વાર નીચે પણ પડી ગયા હતા. પરંતુ 'ગ્લૅડિયેટર' ની જેમ તરત ઊભા થઈ ગયા.

સેમિફાઇનલમાં પણ શ્રીલંકાના બૉક્સર બંડારાએ તેમને બે વાર નીચે પાડ્યા હતા અને તેમને 'સ્ટેન્ડિંગ કાઉન્ટ' નો સામનો કરવો પડ્યો હતો.

પરંતુ સોલંકીએ બેસ્ટ ગેમ પ્લાન સાથે પરત ફરીને બંડારાને હરાવ્યા.

જીત પછી તેઓ અમારી પાસે પહોંચ્યા ત્યારે અમે જોયું કે તેમના કાનમાંથી લોહી વહી રહ્યું હતું. તેમણે જણાવ્યું કે ત્રીજા રાઉન્ડમાં તેમને ઈજા થઈ.

તેમણે પોતાની માતાને આ ગોલ્ડ મેડલ અર્પણ કર્યો અને કહ્યું કે મારી અસલી જીત ત્યારે થશે જ્યારે હું ટૉકિયો ઑલિમ્પિક્સમાં ભારતનો ધ્વજ ફરકાવીશ.

ભાલાફેંકમાં નીરજ ચોપડાએ રચ્યો ઇતિહાસ

નીરજ ચોપરાને જોતાં એવું નથી લાગતું કે તે માત્ર 20 વર્ષના છે.

મોટા વાળ ધરાવતા નીરજ જ્યારે તેમના ખભા પર ત્રિરંગો લપેટીને પત્રકારોને મળવા આવ્યા તો એવું લાગતું હતું કે તેઓ વર્ષોથી આ કામ કરી રહ્યા છે.

ક્વોલિફાઇંગ રાઉન્ડમાં તેઓ બીજા ક્રમે હતા. મેં તેમને પૂછ્યું કે તમે તેનાથી હેરાન નહોતા થયા?

નીરજે જવાબ આપ્યો, "બિલકુલ નહીં. મેં ઇરાદાપૂર્વક ક્વોલિફાઇંગ રાઉન્ડમાં પૂરી તાકાત નહોતી લગાવી અને ફાઇનલ માટે મારી બધી શક્તિઓ બચાવી હતી."

પ્રથમ પ્રયાસમાં તેમણે 85.50 મીટર દૂર ભાલો ફેંકીને લીડ લઈ લીધી.

ચોથા પ્રયાસમાં તેમણે 86.47 મીટર દૂર ભાલો ફેંક્યો અને બીજા નંબરે આવેલા ઑસ્ટ્રેલિયન પ્રતિસ્પર્ધીથી ચાર મીટર આગળ રહ્યા.

નીરજ માત્ર 1 સેન્ટિમીટરથી 'વ્યક્તિગત શ્રેષ્ઠ' પ્રયાસની બરોબરી કરવાથી ચૂકી ગયા હતા.

નીરજ અગાઉ પૉલેન્ડમાં યોજાયેલી અન્ડર-20 વર્લ્ડ ચેમ્પિયનશિપ અને એશિયન ઍથ્લેટિક્સ ચેમ્પિયનશિપમાં ભારત માટે ગોલ્ડ મેડલ જીતી ચૂક્યા છે.

નીરજ ચોપડાના મેડલનું મહત્ત્વ એના પરથી સમજી શકાય છે કે કૉમનવેલ્થ ગેમ્સના ઇતિહાસમાં અત્યાર સુધીમાં ઍથ્લેટિક્સની વ્યક્તિગત સ્પર્ધામાં ભારતને માત્ર ત્રણ ગોલ્ડ મેડલ મળ્યા છે: મિલ્ખા સિંહ, વિકાસ ગૌડા અને સીમા પૂનિયા.

નીરજ હરિયાણાના પાણીપત જિલ્લાના ખાંડરા ગામના ખેડૂતપુત્ર છે.

બે વર્ષ બાદ ટોકિયોમાં થનારા ઓલિમ્પિક ગેમ્સમાં નીરજ ચોપડા તરફથી ગોલ્ડ મેડલની અપેક્ષા રાખવામાં કંઈ ખોટું નથી.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો