ડાયના-ડોડીનું સ્ટેચ્યુ હૅરોડ્સમાં નહીં દેખાય

લંડનના વૈભવી ડિપાર્ટમેન્ટ સ્ટોર હૅરોડ્સમાં મૂકવામાં આવેલું પ્રિન્સેસ ડાયના અને ડોડી અલ ફાયદનું કાંસ્ય શિલ્પ હવે ત્યાં જોવા નહીં મળે.

આ સ્ટેચ્યુને પશ્ચિમ લંડનમાં આવેલા આ સ્ટોરના ભૂતપૂર્વ માલિક અને ડોડીના પિતા મોહમ્મદ અલ ફાયદને પરત આપવામાં આવશે.

મોહમ્મદ અલ ફાયદે સ્મારક જેવું બની ગયેલું આ કાંસ્ય શિલ્પ પ્રિન્સેસ ડાયના અને ડોડીનું વર્ષ 1997માં અકસ્માતમાં થયેલાં અવસાન બાદ બનાવડાવ્યું હતું.

કેન્સિંગટન પેલેસમાં ડાયનાનું નવું સ્મારક તૈયાર કરવાની જાહેરાત થયા બાદ હૅરોડ્સે કહ્યું કે હવે આ કાંસ્ય શિલ્પને તેના માલિકને પરત કરવાનો આ યોગ્ય સમય છે.

તમને આ વાંચવું પણ ગમશે:

અલ ફાયદે હૅરોડ્સને કતારના રાજવી પરિવારને વર્ષ 2010માં લગભગ 1.5 અબજ પાઉન્ડમાં વેચી દીધો હતો.

કેવું છે આ શિલ્પ?

વર્ષ 2005માં ખુલ્લું મૂકવામાં આવેલું આ શિલ્પ 'ઇનોસન્ટ વિક્ટિમ્સ' તરીકે ઓળખાય છે. તેમાં એક ઊડતા કબૂતરની નીચે ડાયના અને ડોડીને નૃત્ય કરતાં રજૂ કરવામાં આવ્યાં છે.

હૅરોડ્સના મેનેજિંગ ડિરેક્ટર માઇકલ વૉર્ડે કહ્યું કે આખી દુનિયામાંથી આ સ્ટેચ્યુ જોવા માટે અહીં આવતા લોકોને આવકારવા એ અમારા માટે ગર્વની બાબત હતી.

તેમણે જણાવ્યું, "અમને લાગે છે કે, મિસ્ટર અલ ફાયદને સ્મારક પરત કરવા માટે અને લોકોને (ડાયના) પ્રત્યેનાં તેમનાં સન્માનની અભિવ્યક્તિ કરવા માટે પેલેસમાં જવાની નિમંત્રણ મેળવવાનો આ યોગ્ય સમય છે."

ગયા વર્ષે ડ્યૂક ઑફ કેમ્બ્રિજ અને પ્રિન્સ હેરીએ કેન્સિંગટન પેલેસના જાહેર મેદાનમાં તેમના માતાની યાદગીરીરૂપે એક નવું સ્મારક બનાવવાની યોજનાની જાહેરાત કરી હતી.

પ્રિન્સેસ ઑફ વેલ્સ (ડાયના) તેમનાં નજીકનાં મિત્ર ડોડી અલ ફાયદ સાથે 31 ઓગસ્ટ 1997ના રોજ એક કાર ક્રેશમાં મૃત્યુ પામ્યાં હતાં.

અલ ફાયદે એમ જણાવ્યું હતું કે, એમના મૃત્યુ અકસ્માત નહોતો, પરંતુ અધિકૃત તપાસને અંતે કોઈ પણ પ્રકારનાં ષડ્યંત્રની આશંકાને નકારી કાઢવામાં આવી હતી.

દસ વર્ષ બાદ તેમણે રાજવી પરિવારે હૅરોડ્સ માટે લખેલા પ્રશંસા પત્રોને 'શાપિત' ગણાવીને સળગાવી દેવડાવ્યા હતા.

'ધ ટાઇમ્સ'ને આપવામાં આવેલા એક નિવેદનમાં અલ ફાયદ પરિવારે આ સ્મારકને અત્યાર સુધી જાળવી રાખવા બદલ કતાર હોલ્ડિંગ્સનો આભાર માન્યો છે.

નિવેદનમાં જણાવાયું છે, "કરોડો લોકોને આ સ્મારક મારફરતે આ બે નોંધપાત્ર હસ્તીઓને યાદ કરવા અને તેમના પ્રત્યેનું સન્માન વ્યક્ત કરવાની તક મળી છે. હવે એ બન્ને હસ્તીઓને ઘરે લાવવાનો સમય છે."

વર્ષ 2011માં અલ ફાયદ પાસે માઇકલ જેક્સનનું સ્ટેચ્યુ હતું, જે તેમણે એ સમયે તેમની માલિકીની ફલહૅમ ફૂટબૉલ ક્લબમાં સ્થાપિત કર્યું હતું.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો