અમેરિકા : ઉત્તર કોરિયાનાં મિસાઇલ પરીક્ષણ 'વિશ્વ માટે જોખમ'

ઇમેજ સ્રોત, Getty Images
દક્ષિણ કોરિયાના સેના પ્રમુખે જણાવ્યું કે ઉત્તર કોરિયાએ વધુ એક બેલિસ્ટિક મિસાઇલ પરીક્ષણ કર્યું છે.
અમેરિકાના રક્ષા મંત્રાલયે જણાવ્યું કે, આ એક ઇન્ટર-કોન્ટિનેન્ટલ (અંતર-મહાદ્વીપીય બેલિસ્ટિક) મિસાઇલ પરીક્ષણ હતું.
તમને આ વાંચવું પણ ગમશે :
મિસાઇલે હજાર કિલોમીટરનું અંતર કાપ્યું હતું અને જાપાનનાં સાગરમાં પડી હતી.
ઉત્તર કોરિયાએ દાવો કર્યો છે કે તેની મિસાઇલ અત્યંત શક્તિશાળી છે અને અમેરિકાના કોઈપણ ખૂણે પ્રહાર કરી શકે છે.
નોર્થ કોરિયાના પરીક્ષણને કારણે પાડોશી રાષ્ટ્રો દક્ષિણ કોરિયા અને જાપાનમાં ચિંતા ફરી વળી છે.
અમેરિકાએ આ અંગે પ્રતિક્રિયા આપતાં કહ્યું છે કે નોર્થ કોરિયાનું તાજેતરનું પરીક્ષણ 'વિશ્વ શાંતિ માટે જોખમ' છે.

ઇમેજ સ્રોત, Getty Images
દક્ષિણ કોરિયા સમાચાર એજન્સી યોનહાપનું કહેવું છે કે ઉત્તર કોરિયાની રાજધાની પ્યૉંગયાંગથી પૂર્વ તરફ આ મિસાઇલને છોડવામાં આવી હતી.
ઉત્તર કોરિયાની સરકારી ટેલિવિઝન ચેનલના કહેવા પ્રમાણે, સૌથી શક્તિશાળી મિસાઇલનું પરીક્ષણ કર્યું છે. જે અમેરિકાના કોઈપણ ખૂણે પ્રહાર કરી શકે છે. હ્વાસોંગ-15 (Hwasong-15) 'સૌથી શક્તિશાળી' મિસાઇલ છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
આ પરીક્ષણ બાદ અમેરિકામાં રાષ્ટ્રપતી ડોનાલ્ડ ટ્રમ્પે વાઇટ હાઉસમાં પત્રકારો સાથે વાતચીતમાં કહ્યું, ''અમે માત્ર એટલું કહેવા માંગીશું કે અમે સતર્ક છીએ. મારી સંરક્ષણ પ્રધાન જેમ્સ માટિઝ સાથે લાંબી ચર્ચા થઈ છે. અમે સ્થિતિને સંભાળી લઇશું.''
અમેરિકાના સંરક્ષણપ્રધાન જેમ્સ માટિઝના કહેવા પ્રમાણે, "નોર્થ કોરિયાએ તેની સૌથી લાંબી રેન્જની ઇન્ટર-કોન્ટિનેન્ટલ બેલેસ્ટિક મિસાઇલનું પરીક્ષણ કર્યું છે. જે 'વૈશ્વિક શાંતિ માટે જોખમ' છે."
માટિઝે કહ્યું હતું કે નોર્થ કોરિયાએ અગાઉ જેટલા પરીક્ષણ કર્યાં હતાં, તેનાં કરતાં આ વખતે મિસાઇલ વધુ ઊંચે સુધી પહોંચી હતી.

ઇમેજ સ્રોત, Getty Images
દક્ષિણ કોરિયાના રાષ્ટ્રપતિ મૂન જે-ઇને રાષ્ટ્રપતિ ટ્રમ્પ સાથે ચર્ચા કરી હતી. જેમાં ટ્રમ્પે અમેરિકા તરફથી દક્ષિણ કોરિયાને સહયોગની ખાતરી આપી હતી અને ઉત્તર કોરિયાના 'બેજવાબદાર મિસાઇલ પરીક્ષણ કાર્યક્રમ' સામે સમગ્ર વિશ્વ સંગઠિત છે.
આ પરીક્ષણ બાદ તરત જ પ્રધાનમંત્રી શિંઝો આબેને મંત્રીમંડળની આપાત બેઠક બોલાવી છે. જાપાને જણાવ્યું કે ઉત્તર કોરિયા સતત ઉશ્કેરણીજનક હરકતો કરી રહ્યું છે.
જાપનિઝ અધિકારીઓના કહેવા પ્રમાણે, આ વખતે મિસાઇલ જાપનિઝ વિસ્તારો પરથી પસાર નહોતી થઈ અને લગભગ 50 મિનિટ સુધી હવામાં રહી હતી.

ઇમેજ સ્રોત, Reuters
તાજેતરમાં ઉત્તર કોરિયા ઇન્ટર-કોન્ટિનેન્ટલ સહિત સતત મિસાઇલોનું પરીક્ષણ કરી રહ્યું છે.
આ પહેલા, સપ્ટેમ્બરમાં ઉત્તર કોરિયાએ પોતાના છઠ્ઠા પરમાણુ પરીક્ષણના કેટલાક દિવસો બાદ બેલિસ્ટિક મિસાઇલનું પરીક્ષણ કર્યું હતું.
આ પરીક્ષણોને કારણે ઉત્તર કોરિયાનો પોતાના પાડોશી દેશો અને અમેરિકાથી પણ તણાવ વધ્યો છે.
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો












