કર્ણાટક વિધાનસભા ચૂંટણીપરિણામ : કૉંગ્રેસ સ્પષ્ટ બહુમતી તરફ, ભાજપની કેવી સ્થિતિ?

કર્ણાટક વિધાનસભા ચૂંટણી

ઇમેજ સ્રોત, Getty Images

કર્ણાટક વિધાનસભાની 224 બેઠક માટે 10 મેના રોજ યોજાયેલ ચૂંટણીનાં પરિણામ પરિણામો જાહેર થવાનું શરૂ થઈ ગયું છે. ચૂંટણીપંચ અનુસાર પ્રારંભિક વલણોમાં કૉંગ્રેસ આગળ ચાલી રહી છે અને ભાજપ બીજા ક્રમે છે.

કર્ણાટક વિધાનસભા ચૂંટણીના અત્યાર સુધીના વલણોમાં કૉંગ્રેસને 137 સીટો પર સરસાઈ મળતી દેખાય છે. જ્યારે સત્તાધારી પક્ષ ભાજપ 62 બેઠકો પર આગળ છે. ચૂંટણીપંચના અધિકૃત આંકડાઓ અનુસાર 224 બેઠકોમાંથી 223નાં વલણો જાહેર થયાં છે. જ્યારે જનતા દળ ( સેક્યુલર ) 30 બેઠકો પર આગળ છે. અપક્ષો 3 બેઠકો પર આગળ છે.રાજ્યનાં 36 મતગણતરીકેન્દ્રો પર મતોની ગણતરી ચાલી રહી છે અને ચૂંટણી અધિકારીઓ અનુસાર બપોર સુધીમાં સ્પષ્ટ વલણની જાણકારી મળી જશે.

કર્ણાટક વિધાનસભા ચૂંટણીમાં શરૂઆતી વલણોમાં કૉંગ્રેસે સરસાઈ જાળવી રાખી છે પરંતુ સત્તાધારી ભાજપ પણ અનેક બેઠકો પર આગળ ચાલી રહી છે.

મુખ્ય મંત્રી બસવરાજ બોમ્મઈ શિગ્ગાંવ બેઠક પરથી આગળ ચાલી રહ્યા છે. જ્યારે તેમના કૉંગ્રેસી પ્રતિદ્વંદી પઠાણ યાસિર અહમદખાન બીજા નંબરે છે. જ્યારે પૂર્વ મુખ્યમંત્રી અને જેડીએસ નેતા એચ.ડી.કુમારસ્વામી પણ તેમની ચન્નાપટના બેઠક પર આગળ ચાલી રહ્યા છે.

આ બેઠક પર ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર સી.પી. યોગેશ્વર તેમને જોરદાર લડત આપી રહ્યા છે.નોંધનીય છે કે પાછલાં 38 વર્ષોથી રાજ્યમાં દરેક વિધાનસભા ચૂંટણીમાં સત્તાપક્ષ વાપસી કરવામાં સફળ રહ્યો નથી. આ ચૂંટણીમાં કર્ણાટકમાં 73 ટકાનું રેકૉર્ડ મતદાન નોધાયું હતું. જે ગત વિધાનસભાની ચૂંટણી કરતાં લગભગ બે ટકા જેટલું વધુ હતું.

line

મતદાન પૂરું થયા બાદ જુદી-જુદી સંસ્થાઓ અને એજન્સીઓએ કેટલાક ઍક્ઝિટ પોલમાં પરિણામો અંગે વ્યક્ત કરેલા અંદાજોમાં કૉંગ્રેસને બહુમતી મળવાની વાત કરી હતી. જુદી જુદી સંસ્થાઓ દ્વારા કરાયેલા ઍક્ઝિટ પોલ પૈકી ચારમાં કૉંગ્રેસ તો એકમાં ભાજપને સત્તાની ચાવી મળવાનો અંદાજ વ્યક્ત કર્યો હતો. નોંધનીય છે કે મોટા ભાગના ઍક્ઝિટ પોલમાં ત્રિશંકુ વિધાનસભાના સંકેત પણ મળ્યા હતા. આ અંદાજોમાં ફરી એક વાર એચ. ડી. દેવેગોડાની પાર્ટી જેડી(એસ) 'કિંગમેકર'ની ભૂમિકામાં જોવા મળી હતી.

એક અહેવાલ અનુસાર ટાઇમ્સ નાઉ-ઇટીજી, ઇન્ડિયા ટુડે-એક્સિસ માય ઇન્ડિયા, ન્યૂઝ 24-ટુડે ચાણક્ય અને ઇન્ડિયા ટીવી-સીએનએક્સના ઍક્ઝિટ પોલમાં કૉંગ્રેસને બહુમતી મળશે તેવું અનુમાન લગાવાયું હતું. તો ન્યૂઝ નેશન-સીજીએસના ઍક્ઝિટ પોલમાં ભાજપને 114 બેઠકો સાથે બહુમતી મળશે તેવો અંદાજ વ્યક્ત કરાયો હતો.

આ સિવાય એબીપી-વોટર, રિપબ્લિક ટીવી- પીમાર્ક, સુવર્ણા-જન કી બાત, ઝી ન્યૂઝ-મૅટ્રિઝ અને રાજનીતિના ઍક્ઝિટ પોલમાં ત્રિશંકુ વિધાનસભા સાથે જેડી(એસ)ની ચાવીરૂપ ભૂમિકાની સંભાવના વ્યક્ત કરતો અંદાજ કરાયો હતો.

જોકે, કઈ પાર્ટી પર કર્ણાટકની જનતાએ પસંદગીનો કળશ ઢોળ્યો છે? એ પ્રશ્નનો જવાબ તો પરિણામો જાહેર થયાં બાદ જ મળી શકશે.

નોંધનીય છે કે બીબીસી પોતાની નીતિ અંતર્ગત ચૂંટણી પહેલાં કે પછી સ્વતંત્ર રીતે પોતે અથવા તો કોઈ સંસ્થા દ્વારા કોઈ પણ પ્રકારના કોઈ સરવે નથી કરાવતું. ભૂતકાળમાં એક કરતાં વધુ વખત બીબીસીના નામે ફેસબુક, ટ્વિટર અને વૉટ્સઍપ પર બનાવટી સરવે ફરતા થયા છે.

line

ઍક્ઝિટ પોલ અંગે પાર્ટીઓએ શું કહ્યું?

કર્ણાટક

ઇમેજ સ્રોત, Getty Images

'ધ મિન્ટ' પ્રમાણે એક્ઝિટ પોલના અંદાજો આવ્યા બાદ કર્ણાટકના મુખ્ય મંત્રી અને ભાજપના નેતા બસવરાજ બોમ્મઈએ પ્રતિક્રિયા આપી હતી.

તેમણે મોટા ભાગના સરવેમાં કૉંગ્રેસને બહુમતી અને ભાજપને બીજા નંબરની પાર્ટી તરીકે રજૂ કરતા અંદાજો બાદ પણ રાજ્યમાં પક્ષને "સરળતાથી બહુમતી" હાંસલ થવાનો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો. તેમણે પોતાના આ વિશ્વાસ પાછળ પાર્ટીના ગ્રાઉન્ડ રિપોર્ટને કારણભૂત ગણાવ્યો હતો.

તેમણે ગુરુવારે સમાચાર સંસ્થા એએનઆઇને કહ્યું હતું કે, "ઉત્તર પ્રદેશમાં બધા ઍક્ઝિટ પોલમાં કહેવાયું હતું કે યોગી આદિત્યનાથ સત્તામાં પાછા નહીં ફરે. ગત ચૂંટણી અગાઉ આવેલ ઍક્ઝિટ પોલમાં પણ ભાજપ કરતાં કૉંગ્રેસને વધુ બેઠકો મળી હતી, પરંતુ પરિણામો ઊલટાં આવ્યાં. અમને અમારા ગ્રાઉન્ડ રિપોર્ટ પર ભરોસો છે. અમે સરળતાથી જીતશું."

તેમજ કૉંગ્રેસના કર્ણાટકના પ્રમુખ શિવકુમારે પણ પક્ષને 141 બેઠકો મળવાનો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો. તેમણે પાર્ટીને સૌથી વધુ બેઠકો સાથે ત્રિશંકુ વિધાનસભાના સંકેત આપતા ઍક્ઝિટ પોલનાં તારણોને નકારી કાઢ્યાં હતાં.

લાઇન
  • ગત બુધવારે કર્ણાટક વિધાનસભાની ચૂંટણી માટે મતદાન યોજાયું હતું
  • ગત ચૂંટણીની સરખામણીએ આ વખત બે ટકા વધુ મતદાન સાથે કુલ વૉટર ટર્નાઉટ 73 ટકાની સપાટીએ પહોંચી ગયું હતુ
  • મતદાન બાદ જુદી જુદી એજન્સીઓ અને સંસ્થાઓએ જાહેર કરેલા ઍક્ઝિટ પોલનાં તારણોમાં મોટા ભાગે ત્રિશંકુ વિધાનસભાના સંકેત રજૂ કરાયા હતા
  • જોકે, ભાજપ અને કૉંગ્રેસ બંને પક્ષોએ ઍક્ઝિટ પોલનાં તારણોથી ઊલટ પોતાના પક્ષને બહુમતી મળવાનો દાવો કર્યો હતો
લાઇન

ચૂંટણીપ્રચારમાં કયા કયા મુદ્દા ઊઠ્યા?

જો ચૂંટણીપ્રચારની વાત કરીએ તો ભાજપના રાષ્ટ્રીય નેતાઓએ આ મતદાન પહેલાં 206 મિટિંગો અને 90 રોડ શો યોજ્યાં હતાં, આ સંખ્યા ભાજપ માટે કર્ણાટકમાં જીતનું મહત્ત્વ જણાવી દે છે.

કર્ણાટકમાં જીત ભાજપના કાર્યકરો માટે આ વર્ષે આગામી સમયમાં મધ્યપ્રદેશ, છત્તીસગઢ અને રાજસ્થાનની વિધાનસભાની ચૂંટણીઓમાં પ્રોત્સાહક સાબિત થઈ શકે છે.

કૉંગ્રેસે પણ આ ચૂંટણીમાં 224માંથી 150 બેઠકો મેળવવાનું લક્ષ્ય રાખ્યું છે. કૉંગ્રેસના પ્રચારની વાત કરીએ તો પાર્ટીના રાષ્ટ્રીય અને પ્રાદેશિક નેતાઓ દ્વારા 99 જાહેર સભા અને 33 રોડ શો યોજવામાં આવ્યાં હતાં.

સામેની બાજુએ જેડી(એસ)ના પ્રચારની કમાન એચ. ડી. દેવેગોડાના પુત્ર કુમારાસ્વામીએ સંભાળી હતી. આ દરમિયાન તેમની પાર્ટીએ મોટા ભાગે આગામી પાંચ વર્ષ માટે ઘડેલી યોજના 'પંચરત્ન'નો પ્રચાર કર્યો હતો. આ યોજનામાં શિક્ષણ, સ્વાસ્થ્ય, હાઉસિંગ, પરિવાર કલ્યાણ અને રોજગાર જેવા મુદ્દા મુખ્ય હતા.

ભાજપના ચૂંટણીપ્રચારમાં પણ સરકારના વલણની માફક 'હિંદુત્વ'નો મુદ્દો આગળ પડતો દેખાયો. આ સાથે જ ભાજપે પોતાના ચૂંટણીપ્રચારમાં જુદી જુદી 'જાતિ'ઓને આકર્ષવા માટેની વ્યૂહરચના પણ અપનાવી. જેમાં રાજ્યમાં અનુસુચિત જાતિની અનામતમાં વિભાગીકરણની વાત અને અનામતના માપદંડો પર ભાર મુકાયો હતો.

ચૂંટણીના માહોલના કારણે સર્જાયેલ તાણમાં ચૂંટણીપ્રચાર દરમિયાન નેતાઓ એકબીજા પર વ્યક્તિગત હુમલા કરતાં પણ આ વખત અચકાયા નહોતા.

ભાજપે પોતાની સરકારની સિદ્ધિઓ અને વડા પ્રધાન મોદીના નામ પર પ્રચારમાં વધુ ભાર મૂક્યો હતો. જોકે પાર્ટીના નેતાઓ કૉંગ્રેસ પર શાબ્દિક હુમલાની કોઈ તક ચૂક્યા નહોતા. વડા પ્રધાન મોદીએ જાતે કૉંગ્રેસને પ્રચાર દરમિયાન 'રૉયલ ફૅમિલી' ગણાવી હતી.

ઉપરાંત કૉંગ્રેસ તરફથી જમણેરી બજરંગ દળ પર પ્રતિબંધ લાદવાની વાત આવતાં, તેનો પણ ઉપયોગ મોદી સહિત ભાજપના નેતાઓએ ચૂંટણીપ્રચારમાં કર્યો હતો.

વડા પ્રધાને આ મુદ્દાને લઈને કૉંગ્રેસને 'ઍન્ટિ-બજરંગબલી' અને 'ઍન્ટિ-હિંદુ' ગણાવી હતી. કૉંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ પ્રચાર વખતે એક રેલીમાં કથિતપણે વડા પ્રધાનને 'ઝેરી સાપ' કહેતાં આ ટિપ્પણીનો ઉપયોગ પણ ભાજપના નેતાઓએ પ્રચારમાં કર્યો હતો.

આ સિવાય ભાજપના ચૂંટણીઢંઢેરાએ પણ ધ્યાન ખેંચ્યું હતું. જેમાં પક્ષ સત્તામાં પાછો ફરે તો રાજ્યમાં યુનિફોર્મ સિવિલ કોડ અને નેશનલ રજિસ્ટર ઑફ સિટીઝન બનાવવાની કાર્યવાહી શરૂ કરવાની વાત કરાઈ હતી.

રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી સહિત પક્ષના રાષ્ટ્રીય અને પ્રાદેશિક નેતાઓએ ચૂંટણીપ્રચાર દરમિયાન ભાજપ પર ભ્રષ્ટાચાર મામલે શાબ્દિક હુમલા કર્યા હતા.

કૉંગ્રેસના સમગ્ર ચૂંટણીપ્રચારમાં ભાજપ સરકારના કથિત ભ્રષ્ટાચાર અને ગોટાળા કેન્દ્રીય મુદ્દો રહ્યા હતા. આ સાથે પક્ષે પોતાની પાંચ 'ગૅરંટી'નો પણ પ્રચાર કર્યો હતો. તેમજ પ્રચારમાં કૉંગ્રેસે ભાજપ પર ગત ચૂંટણીના પોતાના મોટા ભાગના વાયદા પૂરા ન કર્યાનો આરોપ મૂક્યો હતો.

આ સિવાય કૉંગ્રેસ તરફથી પણ વ્યક્તિગત હુમલા થયા હતા. કૉંગ્રેસનાં નેતા સોનિયા ગાંધી દ્વારા ચૂંટણીપ્રચાર દરમિયાન કર્ણાટક માટે 'સાર્વભૌમત્વ'નો મુદ્દો ઉઠાવાતાં નવો વિવાદ શરૂ થયો હતો.

ભાજપે આ મામલે ચૂંટણીપંચને ફરિયાદ કરી હતી તેમજ સોનિયા ગાંધી પર ફરિયાદ નોંધવામાં આવે એવી માગણી પણ કરી હતી.

કૉંગ્રેસના ચૂંટણીઢંઢેરામાં બજરંગદળ પર પ્રતિબંધની વાતના ઉલ્લેખે પણ વિવાદ સર્જ્યો હતો. જનતા દળ (સેક્યુલર)એ ચૂંટણીપ્રચારમાં સ્થાનિક મુદ્દા પર ધ્યાન વધુ કેન્દ્રિત કર્યું હતું.

કર્ણાટકના ભૂતપૂર્વ મુખ્ય મંત્રી કુમારાસ્વામીના પક્ષે સ્થાનિક ગૌરવ અને કન્નડિગા ઓળખ પર ભાર મૂક્યો હતો. આ સાથે પક્ષે ખેડૂત કલ્યાણ અને ગરીબ મતદારોના મુદ્દા ઉઠાવ્યા હતા.

લાઇન

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયા પર અહીં ફૉલો કરી શકો છો

લાઇન