બ્રિટનનાં ગૃહમંત્રી સુએલા બ્રેવરમૅને રાજીનામું આપ્યું - પ્રેસ રિવ્યૂ

ઇમેજ સ્રોત, Reuters
બ્રિટનનાં ગૃહમંત્રી સુએલા બ્રેવરમૅને તેમના પદ પરથી રાજીનામું આપી દીધું છે.
ભારતીય મૂળનાં સુએલા બ્રેવરમૅનને સપ્ટેમ્બરમાં વડા પ્રધાન લિઝ ટ્રસની સરકારમાં ગૃહમંત્રી નિયુક્ત કરવામાં આવ્યાં હતાં. 19 ઑક્ટોબર બપોરે લિઝ ટ્રસ અને તેમની સંસદમાં મુલાકાત થઈ હતી.
પોતાના રાજીનામાપત્રમાં સુએલા બ્રેવરમૅને લખ્યું છે કે બધા જાણે છે કે આપણે મુશ્કેલ સમયમાંથી પસાર થઈ રહ્યા છીએ. સરકાર જે દિશામાં જઈ રહી છે તેની મને ચિંતા છે.
તેમણે લખ્યું, "આપણે ન માત્ર મતદારોને આપેલાં વચનો તોડ્યા છે, પરંતુ આ સરકારે પોતાના ચૂંટણીઢંઢેરામાં આપેલાં વચનો પ્રત્યે પ્રતિબદ્ધ દાખવી નથી. ઢંઢેરામાં કહેવામાં આવ્યું હતું કે અમે સ્થળાંતર ઘટાડીશું. એમાં ખાસ કરીને એ ગેરકાયદે સ્થળાંતર રોકવાનું હતું જેમાં લોકો જળમાર્ગેથી ગેરકાયદે દેશમાં પ્રવેશ કરે છે."
સુએલા બ્રેવરમૅને કહ્યું કે ગૃહ મંત્રાલયમાં કામ કરવું તેમના માટે ખૂબ જ સન્માનની વાત છે.
તેમણે લખ્યું, "અહીં રહ્યાં બાદ મને એ સમજાયું છે કે બ્રિટિશ લોકોની પ્રાથમિકતાઓને પૂરી કરવા હજુ ઘણું કરવાનું બાકી છે."
આ દરમિયાન દેશમાં ચાલતી ટીકા વચ્ચે કન્ઝર્વેટિવ પાર્ટીમાં પણ લિઝ ટ્રસનો વિરોધ શરૂ થઈ ગયો છે.

કૉંગ્રેસના અધ્યક્ષપદની ચૂંટણીમાં શશી થરૂરે પોતાની હાર સ્વીકારી

ઇમેજ સ્રોત, ANI
કૉંગ્રેસ અધ્યક્ષપદની ચૂંટણીનાં પરિણામો પહેલાં શશિ થરૂરે ટ્વીટ કરીને પોતાના સમર્થકોનો આભાર માન્યો છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
17 ઑક્ટોબરે કૉંગ્રેસ અધ્યક્ષના પદ માટે ચૂંટણી થઈ હતી. આ પદ માટે થરૂરનો મુકાબલો મલ્લિકાર્જુન ખડગે સાથે હતો, જેમાં ખડગેને પ્રમુખ તરીકે ચૂંટવામાં આવ્યા છે.
સોમવારે કૉંગ્રેસ પ્રમુખના પદ માટે ચૂંટણી યોજાઈ હતી અને દેશભરમાં 68 મતદાનમથકો સ્થાપવામાં આવ્યાં હતાં; કુલ 9,915 પ્રદેશ કૉંગ્રેસ કમિટી (પીપીસીસી) પ્રતિનિધિઓ પૈકી 9,500 થી વધુ સભ્યોએ મતદાન કર્યું હતું. મતદાન જે તે રાજ્ય એકમ કાર્યાલયો અથવા અખિલ ભારતીય કૉંગ્રેસ સમિતિ (એઆઈસીસી)ના મુખ્યાલયમાં કર્યું હતું.
કૉંગ્રેસના 137 વર્ષ જૂના ઈતિહાસમાં આ માત્ર છઠ્ઠી વખત પાર્ટીના પ્રમુખ પદ માટે ચૂંટણી યોજાઈ હતી. અગાઉના પ્રસંગે, 1998માં, સોનિયા ગાંધીએ જિતેન્દ્ર પ્રસાદને હરાવ્યા, અને ડિસેમ્બર 2017 સુધી આ પદ સંભાળ્યો હતો. ત્યારબાદ તેમણે તેમના પુત્ર રાહુલ ગાંધીને પદભાર સોંપ્યો હતો.
જો કે, 2019માં, તે વર્ષની લોકસભાની ચૂંટણીમાં ભાજપ સામેની કારમી હાર બાદ રાહુલ ગાંધીએ રાજીનામું આપ્યું હતું.
રાહુલ ગાંધીએ પદ છોડતાં સોનિયા ગાંધી કૉંગ્રેસ અધ્યક્ષ તરીકે પરત ફર્યાં હતાં.

મુંબઈ-અમદાવાદ બુલેટ ટ્રેન માટે જમીન સંપાદન અંગે 10 નવેમ્બરે સુનાવણી

ઇમેજ સ્રોત, Getty Images
મુંબઈ-અમદાવાદ બુલેટ ટ્રેન પ્રોજેક્ટ માટે મહારાષ્ટ્ર અને ગુજરાતમાં કુલ 6,371 હેક્ટર ખાનગી જમીન સંપાદિત કરવાની જરૂર છે.
બોમ્બે હાઈકોર્ટે 18 ઑક્ટોબરે જણાવ્યું હતું કે તે 10 નવેમ્બરે મુંબઈ-અમદાવાદ બુલેટ ટ્રેન માટે તેની જમીનના સંપાદન અને તેના વળતરને પડકારતી ગોદરેજ એન્ડ બોયસ (Boyce) મેન્યુફેક્ચરિંગ કંપની લિમિટેડની અરજી પર સુનાવણી કરશે.
કલેક્ટર દ્વારા 15 સપ્ટેમ્બર, 2022ના રોજ 264 કરોડ રૂપિયા આપીને કંપનીની 10 હેક્ટર જમીન સંપાદિત કરવાના ઑર્ડરને ગોદરેજ ઍન્ડ બૉયસ દ્વારા ડેપ્યુટી પડકારવામાં આવ્યો હતો. જેની સુનાવણી જસ્ટિસ નીતિન જામદાર અને શર્મિલા દેશમુખની ડિવિઝન બેન્ચ કરી રહી છે.
કંપની દ્વારા 2019માં જમીન સંપાદન અધિનિયમમાં સુધારાને પડકારતી અરજી દાખલ કરવામાં આવી હતી.
કંપનીએ ડેપ્યુટી કલેક્ટર દ્વારા આદેશને રદ કરવાની માગ કરી હતી કારણ કે છેલ્લી સુનાવણીના 26 મહિનાથી વધુ સમય વીતી ગયો હતો.
લગભગ 21 કિલોમિટરની ભૂગર્ભ રેલવે લાઈન સાથે મુંબઈ અને અમદાવાદ વચ્ચે 508.17 કિમીની લંબાઈ ધરાવતા આ મહત્વાકાંક્ષી પ્રોજેક્ટ માટે મહારાષ્ટ્ર અને ગુજરાત બંનેમાં કુલ 6,371 હેક્ટર ખાનગી જમીન સંપાદિત કરવાની જરૂર છે.

ઇન્ડોનેશિયા : જ્યાં 130થી વધુ લોકો માર્યા ગયા હતા તે ફુટબૉલ સ્ટેડિયમને તોડી પાડવામાં આવશે

ઇમેજ સ્રોત, Getty Images
ઈન્ડોનેશિયામાં કંજરુહાન ફુટબૉલ સ્ટેડિયમને તોડી પાડવાની જાહેરાત કરવામાં આવી છે.
આ મહિને ફુટબૉલ મૅચ દરમિયાન થયેલા ઘર્ષણમાં ઓછામાં ઓછા 131 લોકો માર્યા ગયા હતા અને સેંકડો ઘાયલ થયા હતા.
ઈન્ડોનેશિયાના રાષ્ટ્રપતિ જોકો વિડોડોએ કહ્યું કે કંજરુહાન સ્ટેડિયમને ફિફા નિયમો અનુસાર ફરીથી બાંધવામાં આવશે.
તેમણે કહ્યું કે આપણે ફુટબૉલની કાર્યપદ્ધતિની કાયાપલટ કરવાની જરૂર છે. રાષ્ટ્રપતિ વિડોડોએ ફીફા પ્રમુખ જિયાની ઈન્ફેન્ટિનો સાથે મુલાકાત કર્યા બાદ આ જાહેરાત કરી હતી.
ઈન્ડોનેશિયા 2023માં અંડર-20 વર્લ્ડકપની યજમાની કરવા જઈ રહ્યું છે ત્યારે ફીફાના વડાએ કહ્યું હતું કે ફૂટબૉલ મૅચ જોવા આવતા દર્શકોની સુરક્ષા નિશ્ચિત કરવામાં આવશે.
તેમણે ઉમેર્યું, "આ એક ફુટબૉલ-પ્રેમી દેશ છે, એક એવો દેશ જ્યાં ફુટબૉલ 10 કરોડથી વધુ લોકો માટે જુસ્સો છે."

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયા પર અહીં ફૉલો કરી શકો છો













