You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
ભારતમાં બનેલી કફ સિરપ આફ્રિકા કેવી રીતે પહોંચી ગઈ?
- લેેખક, શ્રુતિ મેનન
- પદ, બીબીસી રિયાલિટી ચેક
- મેડન ફાર્માસ્યુટિકલ્સ કહે છે કે આ દવાઓની ગુણવત્તા સાબિત કરવા માટે આંતરરાષ્ટ્રીય સ્તર પર સ્વીકાર્ય માપદંડોનું પાલન કરે છે, પરંતુ આ કંપનીના કેટલાક ઉત્પાદન રાષ્ટ્રીય અને પ્રાદેશિક ગુણવત્તાના માપદંડો પ્રમાણે પણ મેળવવામાં આવ્યા નથી
- આ કંપની એ 40 ભારતીય દવા કંપનીઓમાં સામેલ છે જેને વિયતનામે ઓછી ગુણવત્તાવાળી દવા વેચવાના કારણે બ્લેક લિસ્ટમાં નાખી હતી
- ભારત આફ્રિકા, લેટિન અમેરિકા અને અન્ય એશિયાઈ દેશો દવાઓના મોટા સપ્લાયર છે
- ભારત દુનિયાની ત્રીજા ભાગની દવાઓનું ઉત્પાદન કરે છે જેમાં વધુ પડતી જેનરિક દવાઓ હોય છે
ભારતમાં બનેલી કફ સિરપથી ગાંબિયામાં 70 બાળકોનાં મૃત્યુ થયાં હતાં, આ મામલે તપાસનો તંતુ ભારતમાં બનેલા કફ સિરપ સાથે જોડાઈ રહ્યો છે, સાથે જ દવાઓનાં ઉત્પાદન અને વેપારના અસરકારક નિયમન પર પણ પ્રશ્નો ઊઠી રહ્યા છે.
ગાંબિયાથી આવેલા રિપોર્ટ્સમાં બાળકોની કિડની સાથે જોડાયેલી ગડબડ સામે આવી છે.
ગયા અઠવાડિયે વર્લ્ડ હેલ્થ ઑર્ગેનાઇઝેશન (WHO) દ્વારા કફ સિરપની ચાર બ્રાન્ડને લઈને વૈશ્વિક ઍલર્ટ જાહેર કરવામાં આવ્યું હતું. ગાંબિયાના રિપોર્ટસના આધારે બહાર આવ્યું છે કે, આ કફ સિરપથી બાળકોની કિડની પર અસર થઈ શકે છે.
આ અંગે લૅબોરેટરીમાં સિરપનું સંશોધન કરવામાં આવ્યું છે, જેમાં દૂષિત ડાઇથાલીન ગ્લાઇકોલ અને ઇથિલીન ગ્લાઇકોલની માત્રા વધુ પડતી મળી આવી છે.
સરકારી સંસ્થાઓ અને કફ સિરપ બનાવનારી કંપની મૈડન ફાર્માસ્યુટિકલ્સ અનુસાર, આ સિરપ માત્ર ગાંબિયામાં જ મોકલવામાં આવી હતી.
કફ સિરપ બનાવનારી કંપની કઈ છે?
મેડન ફાર્માસ્યુટિકલ્સ કહે છે કે તે દવાઓની ગુણવત્તા સાબિત કરવા માટે આંતરરાષ્ટ્રીય સ્તર પર સ્વીકાર્ય માપદંડોનું પાલન કરે છે, પરંતુ આ કંપનીના કેટલાક ઉત્પાદન રાષ્ટ્રીય અને પ્રાદેશિક ગુણવત્તાના માપદંડોને અનુરૂપ પણ જોવા મળ્યા નથી.
અધિકૃત આંકડા જણાવે છે કે:
- વર્ષ 2011માં બિહાર સરકારે કંપનીને ગુણવત્તાના સ્તરે માપદંડો પર આ સિરપનું વેચાણ કરવા માટે બ્લેક લિસ્ટ કરી હતી.
- વર્ષ 2018માં આ કંપનીને ગુણવત્તા નિયંત્રણ સાથે જોડાયેલા નિયમોના ઉલ્લંઘન માટે કાયદાકિીય કાર્યવાહી હેઠળ પસાર થવું પડ્યું હતું.
- વર્ષ 2020માં આ કંપનીનું ઉત્પાદન જમ્મુ અને કાશ્મીરમાં ગુણવત્તા નિયંત્રણ ટેસ્ટ પાસ કરી શક્યું ન હતું.
- 2022માં આ કંપનીનું ઉત્પાદન કેરળમાં ચાર વખત ગુણવત્તાથી જોડાયેલા માપદંડો પર સાચા ઠરવામાં નિષ્ફળ રહ્યા હતા.
આ કંપની એ 40 ભારતીય દવા કંપનીઓમાં સામેલ છે જેને વિયતનામે ઓછી ગુણવત્તાવાળી દવા વેચવાના કારણે બ્લેક લિસ્ટની યાદીમાં નાખી હતી.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
હરિયાણાની એક કંપનીએ ગાંબિયામાં બાળકોના થયેલા મૃત્યુ અંગે અચરજ વ્યક્ત કરતા કહ્યું કે, તેઓ ભારતીય ડ્રગ કંટ્રોલર અને હરિયાણા ડ્રગ કંટ્રોલર જેવી સ્વાસ્થ્ય સંસ્થાઓના નિયમોનું નિષ્ઠાપૂર્વક પાલન કરતા હતા.
જોકે કંપનીએ આનાથી વધારે કંઈ પણ કહેવાની ના પાડી છે, કારણ કે ઔષધિ નિયામક સંસ્થાઓ તેની તપાસ કરી રહી છે.
હરિયાણાના સ્વાસ્થ્યમંત્રી અનિલ વીજે બીબીસીને કહ્યું કે, સૅમ્પલને ટેસ્ટિંગ માટે મોકલવામાં આવ્યા છે અને જો કંઈ પણ ખોટું નીકળશે, તો તેના પર કાર્યવાહી કરવામાં આવશે.
ભારતમાં દવા ઉત્પાદનમાં નિયમન કેટલું પ્રભાવશાળી?
ભારત દુનિયાની ત્રીજા ભાગની દવાઓનું ઉત્પાદન કરે છે, જેમાં વધુ પડતી જેનરિક દવાઓ હોય છે.
ભારત આફ્રિકા, લેટિન અમેરિકા અને અન્ય એશિયાઈ દેશો દવાઓના મોટા સપ્લાયર છે.
ભારતીય દવાઓના પ્રોડક્શન પ્લાન્ટ અને પ્રક્રિયાઓને ગુણવત્તા નિયંત્રણના કડક નિયમોનું પાલન કરવાનું હોય છે, પરંતુ ભારતીય કંપનીઓએ પોતાના કેટલાક પ્લાન્ટ પર વિદેશી નિયમનકારો જેવા અમેરિકી ખાદ્ય અને દવા પ્રશાસન (એફડીએ) તરફથી ટીકાઓની સાથે સાથે પ્રતિબંધોનો પણ સામનો કરવો પડ્યો છે.
ભારતીય ફાર્માસ્યુટિકલ કંપનીઓ પર કરવામાં આવેલા એક સંશોધનમાં શુદ્ધતાના માપદંડોનું પાલન નક્કી કરવામાં રુચિનો અભાવ, બેદરકારી સાથે નિયમોની વ્યાખ્યા અને સુપરવિઝન સંસ્થાઓની ઓછી નિંદા કરવા અંગે વાત કરવામાં આવી હતી.
જાહેર આરોગ્ય ક્ષેત્ર સાથે જોડાયેલા દિનેશ ઠાકુર પણ ગુણવત્તા સાથે જોડાયેલા નિયમોના અનાદરની સામે અપેક્ષા કરતા હળવી લગભગ 20 હજાર રૂપિયાનો દંડ અને બે વર્ષની સજા આપવા તરફ ઇશારો કરે છે.
તેઓ કહે છે કે, જ્યાં સુધી કોઈ સાબિત ન કરે કે ઓછી ગુણવત્તાવાળી દવા કોઈ વ્યક્તિનું મૃત્યુ થવા માટે જવાબદાર હતી, ત્યાં સુધી આવી જ સજા આપવામાં આવે છે.
આ સાથે જ ભારત એ દેશોમાં સામેલ નથી જે વિશ્વ સ્વાસ્થ્ય સંગઠનની દવાઓનું નિયમન કરનારી રાષ્ટ્રીય સંસ્થાઓની બોડી છે.
સ્વાસ્થ્ય ક્ષેત્રની દાનાર્થ સંસ્થા એમએસએફની લીના મેંઘાને કહે છે, "આના કારણે દવાઓના ઉત્પાદન સાથે જોડાયેલી ક્રિયાઓમાં નિયમોનું પાલન એક જ રીતથી કરવામાં આવતું નથી."
શું ગાંબિયાએ ટેસ્ટિંગ કરવાની જરૂર હતી?
દિલ્હીમાં આરોગ્ય મંત્રાલય દ્વારા તપાસ શરૂ કરી દેવામાં આવી છે, પણ સાથે જ તેમણે કહ્યું છે કે "સામાન્યપણે આયાત કરનાર દેશ દ્વારા આયાતી ચીજોનું ટેસ્ટિંગ કરવામાં આવે છે અને પોતે ગુણવત્તાની ખાતરી કરે છે."
જોકે ગાંબિયાની મેડિસિન કંટ્રોલ એજન્સીના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર માર્કો જેનાહ કાયરાએ કહ્યું હતું કે તેમની સંસ્થા કફ સિરપ કરતાં મલેરિયાથી બચાવતી દવાઓ, ઍન્ટિ-બાયોટિક, પેઇનકિલર જેવી દવાઓને પ્રાથમિકતા આપે છે.
બીબીસીએ આ અંગે સ્પષ્ટતા મેળવવા માટે એજન્સીનો સંપર્ક કર્યો હતો પણ કોઈ પ્રતિક્રિયા મળી ન હતી.
ગાંબિયાના રાષ્ટ્રપતિ એડમ બૉરોએ કહ્યું કે, "આ ઘટનાનાં કારણો સુધી પહોંચવા અમે તલસ્પર્શી તપાસ કરીશું", સાથે જ તેમણે ક્વૉલિટી કંટ્રોલ નેશનલ લૅબોરેટરી ફૉર ડ્રગ ઍન્ડ ફૂડ સેફ્ટી બનાવવાની જાહેરાત કરી હતી.
તેમણે કહ્યું કે ગાંબિયા હલકી ગુણવત્તાવાળી દવાઓની આયાત રોકવા જરૂરી પગલાં લેશે.
એમએસએફ ઇચ્છે છે કે ટેસ્ટિંગ માટે સંસાધનો ધરાવતા દેશોએ ગાંબિયા જેવા ઓછી આવક ધરાવતા દેશોની આ મામલે મદદ કરવી જોઈએ.
મેંઘાનેનું કહેવું છે કે "આ માત્ર આયાત કરનાર દેશની જવાબદારી નથી."
આ ઘટના બાદ નાઇજીરિયાની નેશનલ એજન્સી ફૉર ફૂડ ઍન્ડ ડ્રગ એડમિનિસ્ટ્રેશન ઍન્ડ કંટ્રોલ હવે ભારતમાંથી આયાત થતા પહેલાં તમામ દવાઓની અધિકૃત એજન્ટ પાસેથી પુષ્ટિની માગ કરી રહી છે.
તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયા પર અહીં ફૉલો કરી શકો છો