ગુજરાત ગ્રામ પંચાયત ચૂંટણીમાં ઓબીસી ક્વોટા દૂર કરવા રાજ્ય ચૂંટણીપંચે કલૅક્ટરોને આપ્યા આદેશ - પ્રેસ રિવ્યૂ
ગુજરાતમાં ગ્રામ પંચાયતની ચૂંટણીમાં અન્ય પછાત વર્ગ એટલે કે ઓબીસી માટે અનામત 10 ટકા બેઠકોને સામાન્ય બેઠકોમાં પરિવર્તિત કરવા માટે રાજ્ય ચૂંટણીપંચે કલૅક્ટરોને સૂચના આપી છે.

ઇમેજ સ્રોત, Getty Images
ઇન્ડિયન એક્સપ્રેસના અહેવાલ પ્રમાણે, રાજ્યમાં 3,200થી વધુ ગ્રામ પંચાયતોમાં ચૂંટણી યોજાવાની છે અને તેની તૈયારીના ભાગરૂપે ગુજરાત ચૂંટણીપંચના સચિવ જી. સી. બ્રહ્મભટ્ટે આ મહિનાની શરૂઆતમાં તમામ જિલ્લા કલૅક્ટરોને પત્ર લખ્યો હતો.
તેમણે પત્રમાં 10 મે 2022ના રોજ સુપ્રીમ કોર્ટે આપેલા ચુકાદાને ટાંકીને ઓબીસી માટે અનામત 10 ટકા બેઠકોને સામાન્ય બેઠકોમાં પરિવર્તિત કરવાનું જણાવ્યું છે.
ગુજરાત પંચાયત અધિનિયમની જોગવાઈ પ્રમાણે, ગ્રામ પંચાયતની 10 ટકા બેઠકો અન્ય પછાત વર્ગ એટલે કે ઓબીસી માટે અનામત છે.
જોકે, મે મહિનામાં મધ્ય પ્રદેશમાં સ્થાનિકસ્વરાજની ચૂંટણીઓ અંગેના આદેશમાં સુપ્રીમ કોર્ટે જ્યાં સુધી રાજ્ય દ્વારા ટ્રિપલ ટેસ્ટની ઔપચારિકતા પૂર્ણ ન થાય ત્યાં સુધી અન્ય પછાત વર્ગો માટે અનામતની કોઈ જોગવાઈ ન હોવાનું જણાવ્યું હતું.
ગુજરાત ચૂંટણીપંચ દ્વારા પણ આ ચુકાદાને ટાંકીને અન્ય પછાત વર્ગો માટેની 10 ટકા અનામત બેઠકોને સામાન્ય બેઠકોમાં પરિવર્તિત કરવાનું જણાવવામાં આવ્યું છે.

ભારતીય કૉસ્ટગાર્ડ દરિયામાં ડૂબતા 22 લોકોને બચાવ્યા

ઇમેજ સ્રોત, Twitter/IndiaCoastGuard
ભારતીય કૉસ્ટ ગાર્ડે બુધવારે પોરબંદર નજીક દરિયામાં ડૂબી રહેલા જહાજમાંથી 22 લોકોને બચાવ્યા છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
એનડીટીવીના અહેવાલ પ્રમાણે, ભારતીય કૉસ્ટ ગાર્ડને બુધવારે સવારે લગભગ સાડા આઠ કલાકે પોરબંદરના દરિયાકાંઠેથી 185 કિલોમીટર દૂર ગ્લોબર કિંગ-1 નામના માલવાહક જહાજમાંથી ચેતવણીના સંકેત મળ્યા હતા.
આ જહાજમાં અચાનક કોઈ કારણોસર પાણી ભરાવા લાગ્યું હતું.
જેથી કોસ્ટ ગાર્ડે તાત્કાલિક પ્રતિક્રિયા હાથ ધરીને જહાજમાંથી 22 લોકોને જીવતા બચાવ્યો હતો. આ રૅસ્ક્યૂ ઑપરેશન માટે પોરબંદર ખાતેથી જહાજ અને હેલિકૉપ્ટર મોકલવામાં આવ્યાં હતાં.
આ ઉપરાંત પ્રતિકૂળ હવામાન વચ્ચે પરિસ્થિતિનું મૂલ્યાંકન કરવા અને આસપાસનાં જહાજોને માહિતી આપવા માટે ડોર્નિયર ઍરક્રાફ્ટ પણ લૉન્ચ કરવામાં આવ્યું હતું.
ડૂબતા જહાજમાંથી બચાવવામાં આવેલા 22 લોકોમાંથી 20 ભારતીયો, એક પાકિસ્તાની અને એક શ્રીલંકન નાગરિકનો સમાવેશ થાય છે.

લાલુ પ્રસાદ યાદવને લાવવામાં આવ્યા દિલ્હી, એઇમ્સમાં થશે સારવાર

ઇમેજ સ્રોત, @HemantSorenJMM
બિહારના પૂર્વમુખ્ય મંત્રી અને રાષ્ટ્રીય જનતા દળના પ્રમુખ લાલુપ્રસાદ યાદવને બુધવારે રાત્રે સારવાર માટે ઍરલિફ્ટ થકી પટનાથી દિલ્હી લાવવામાં આવ્યા. દિલ્હીમાં તેમની એઇમ્સમાં સારવાર થશે.
લાલુ યાદવ પટનાસ્થિત પોતાના ઘરે દાદરા પરથી પડી ગયા હતા. તેના કારણે તેમના ડાબા ખભામાં ફ્રૅક્ચર થઈ ગયું હતું. બાદમાં તેમને પટનાની પારસ હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.
જોકે, એક કરતાં વધારે બીમારીઓ સામે ઝઝૂમી રહેલા લાલુ યાદવને વધુ સારવારની જરૂર જણાતાં બુધવારે રાત્રે ઍર ઍમ્બ્યુલન્સ મારફતે દિલ્હીની એઇમ્સ હૉસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.
આ મહિને જ સિંગાપોરમાં તેમનું કિડની ટ્રાન્સપ્લાન્ટ થવાનું હતું. તેઓ ડાયાબિટીસ અને બ્લડ પ્રેશરથી પીડાય છે.
બિહારના મુખ્ય મંત્રી નીતિશ કુમારે બુધવારે પારસ હૉસ્પિટલમાં લાલુ પ્રસાદ યાદવની મુલાકાત લીધી હતી અને ડૉક્ટરો પાસેથી તેમની તબિયત વિશે જાણકારી મેળવી હતી.
આ સાથે તેમણે કહ્યું હતું કે તેમની સંપૂર્ણ સારવાર સરકારી ખર્ચે થશે. એ તેમનો અધિકાર છે.

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયા પર અહીં ફૉલો કરી શકો છો













