જામનગરમાં ગાયના હુમલાથી વૃદ્ધનું મોત, પશુઓ રસ્તે રખડતાં દેખાય તો ફરિયાદ ક્યાં અને કોને કરવી?
ગુજરાતમાં અવારનવાર રખડતા પશુઓના કારણે અકસ્માત સર્જાતા રહે છે. ત્યારે જામનગરમાં રસ્તે રખડતા ઢોરે ચાલીને જતા વૃદ્ધ પર હુમલો કરતાં તેમનું મૃત્યુ નીપજ્યું છે.

ઇમેજ સ્રોત, Getty Images
જામનગરમાં આવેલા ચાંદીનગર વિસ્તારમાં રહેતા ભરતભાઈ બોસમીયા 12 જૂને પોતાના ઘરેથી ચાલીને નીકળ્યા હતા. ત્યારે તેમના ઘર પાસે જ એક રખડતા ઢોરે તેમના પર હુમલો કર્યો હતો.
આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાઇરલ થયો હતો. જેમાં સૌથી પહેલાં ગાયે ભરતભાઈ પર શિંગડા વડે હુમલો કરતા તેઓ જમીન પર ઢળતા જોવા મળે છે.
ત્યાર બાદ ગાય તેમને સતત લાતો મારતી હોવાનું અને તેમના પર કૂદતી હોવાનું જોવા મળે છે.
બીબીસી ગુજરાતીના સહયોગી પત્રકાર દર્શન ઠક્કરના જણાવ્યા પ્રમાણે, ભરતભાઈને ગંભીર ઇજાઓ સાથે સારવાર માટે હૉસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા પરંતુ તેમને સારવાર મળે તે પહેલાં જ તેમનું મૃત્યુ થયું હતું.
તેમણે વધુમાં જણાવ્યું કે, જામનગરમાં રખડતા ઢોરના કારણે એક અકસ્માત સર્જાયો હતો. જેમાં ગંભીર રીતે ઈજાગ્રસ્ત એક વૃદ્ધની અમદાવાદ ખાતે સારવાર ચાલી રહી છે.
જોકે, ગુજરાત સરકારે બજેટ સત્ર દરમિયાન જ રાજ્યમાં રખડતા ઢોરોને લઈને રજૂ કરાયેલા બિલને મંજૂરી આપી છે. આ બિલ શહેરી વિસ્તારોમાં રખડતાં ઢોરોની સમસ્યાને નાથવા માટે હોવાનું કહેવામાં આવ્યું હતું.
તેમ છતાં પણ વારંવાર રાજ્યભરમાં રખડતાં ઢોરના કારણે થતા અકસ્માતો ઘટવાનું નામ લેતા નથી.
રાજ્યમાં પશુ નિયંત્રણને લગતો કાયદો હોવા છતાં પણ મોટા ભાગના લોકો આ કિસ્સામાં ફરિયાદ ક્યાં અને કેવી રીતે કરવી તેનાથી અજાણ છે.

રસ્તે રખડતા ઢોર વિશે ફરિયાદ ક્યાં કરવી અને તેનો ઊકેલ શું?

ઇમેજ સ્રોત, YAWAR NAZIR
રસ્તે રખડતાં પશુઓના કારણે થતા અકસ્માત ટાળવાનો સૌથી સરળ ઉપાય છે તેમના વિશે તંત્રને જાણ કરવાનો. પણ સૌથી મોટી સમસ્યા એ છે કે ઘણા લોકો એ વાતથી અજાણ હોય છે કે રખડતા ઢોરની ફરિયાદ ક્યાં કરી શકાય?
આ પ્રશ્નનો જવાબ સુરતની કતારગામ વિધાનસભા બેઠકના ધારાસભ્ય અને વિધાનસભામાં 'ગુજરાત ઢોર નિયંત્રણ (પાલન અને હેરફેર) શહેરી વિસ્તાર' બિલ રજૂ કરનારા ગુજરાત શહેરી વિકાસમંત્રી વિનોદ મોરડિયા પાસેથી મેળવ્યો.
તેઓ કહે છે, "જો લોકોને રસ્તે રખડતા ઢોર દેખાય તો તેમણે આ મામલે સીધી પોલીસને જાણ કરવી જોઈએ. પોલીસ આ ઢોરના માલિકો વિરુદ્ધ ગુનો દાખલ કરશે અને કાયદેસરની કાર્યવાહી કરશે."
જોકે, કાયદાની જોગવાઈ પ્રમાણે રખડતા પશુઓ પર નિયંત્રણ મેળવવામાં પોલીસ સિવાય સ્થાનિક પાલિકાઓ તેમજ મહાનગરપાલિકાઓનો પણ મહત્ત્વપૂર્ણ ભાગ છે.
પાલિકા અને મહાનગર પાલિકા સમયાંતરે રસ્તે રખડતા ઢોરોને પકડવા દરોડા પાડે છે અને પકડાયેલા પશુઓને પાંજરાપોળમાં મોકલીને તેમના માલિકો વિરુદ્ધ ફરિયાદ નોંધે છે.

કાયદો અને વિવાદ

ઇમેજ સ્રોત, Getty Images
ગુજરાત વિધાનસભાના બજેટસત્રના છેલ્લા દિવસે ગુજરાત શહેરી વિકાસમંત્રી વિનોદ મોરડિયાએ 'ગુજરાત ઢોર નિયંત્રણ (પાલન અને હેરફેર) શહેરી વિસ્તાર' બિલ રજૂ કર્યું હતું.
બિલ રજૂ કરતી વખતે શહેરી વિકાસમંત્રીએ કહ્યું હતું કે "શહેરીવિસ્તારોમાં ગાય, બળદ, સાંઢ, ભેંસ તથા બકરી વગેરે પ્રાણીઓ રઝળતાં જોવાં મળે છે. જેના કારણે રસ્તાઓ અને જાહેરસ્થળો ઉપર ટ્રાફિકની સમસ્યાઓ ઊભી થાય છે અને અકસ્માત સર્જાય છે, જેને નાથવા માટે આ બિલ રજૂ કરવામાં આવે છે."
આ બિલ છ કલાકની ચર્ચા બાદ વિધાનસભામાંથી પસાર થઈ ગયું હતું.
બિલ પસાર થયું ત્યારે કૉંગ્રેસે તેનો વિરોધ કર્યો હતો અને ભાજપમાંથી પણ બિલની કેટલીક જોગવાઈઓ સામે વિરોધના સૂર ઊઠ્યા હતા.

કાયદાની જોગવાઈઓ

- કાયદો પસાર થયાના 15 દિવસની અંદર પશુ રાખવાનું લાઇસન્સ લેવું પડશે
- લાઇસન્સ બધાને દેખાય તેમ રાખવું પડશે તથા જવાબદાર અધિકારી ગમાણનું નિરીક્ષણ કરી શકશે
- દરેક પશુનું ફરજિયાત ટૅગિંગ કરાવવાનું રહેશે
- ટૅગિંગ ન હોય તેવા ઢોરને જપ્ત કરવામાં આવશે તથા રૂ. 50 હજારનો દંડ લીધા બાદ જ છોડવામાં આવશે
- પશુ રસ્તા કે જાહેરસ્થળોએ રઝળે નહીં, તે જોવાની જવાબદારી માલિકની રહેશે
- ટૅગિંગ નહીં કરાવનારા પશુમાલિકને જેલ અથવા રૂ. 10 હજારનો દંડ અથવા બંને સજાની જોગવાઈ
- ઢોર પકડવા માટેની ટુકડી ઉપર હુમલો કરનારને અથવા તો તેમની કામગીરીમાં અવરોધ ઊભો કરનારને એક વર્ષની જેલ તથા રૂ. 50 હજારના દંડની જોગવાઈ
- પ્રથમ વખત રઝળતું ઢોર પકડાય એટલે માલિકને રૂ. પાંચ હજારનો દંડ, બીજી વખત પકડાય એટલે રૂ. દસ હજારનો દંડ તથા ત્રીજી વખત રૂ. 15 હજારનો દંડ તથા એફઆઈઆર
- મૃત પશુનો જાહેર આરોગ્યને અસર ન થાય તેવી રીતે નિકાલ કરવો

માલધારી સમાજે આ કાયદાને 'કાળો કાયદો' ગણાવીને ઠેરઠેર વિરોધ કર્યો હતો.
બિલ ઉપર ચર્ચા કરતી વેળાએ ગુજરાતના ભૂતપૂર્વ નાયબમુખ્ય મંત્રી નીતિન પટેલે દંડની રકમને ખૂબ જ વધુ ગણાવી હતી અને તેને ઘટાડવાનો આગ્રહ કર્યો હતો.
કૉંગ્રેસના ધારાસભ્ય તથા માલધારી સમાજના આગેવાન રઘુ દેસાઈએ વિધાનસભામાં કહ્યું હતું, "ગુજરાતમાં લગભગ 70 લાખ માલધારી છે, જેમાંથી 70 ટકા નિરક્ષર તથા ગરીબ છે. આ બિલ માલ રાખવાના તેમના મૂળભૂત અધિકાર ઉપર તરાપ સમાન છે. આ બિલ તેમને ખદેડી મૂકવાનું કાવતરું છે."

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયા પર અહીં ફૉલો કરી શકો છો










