રાજ્યસભાની ચૂંટણી : રાજસ્થાનમાં કૉંગ્રેસે 3 સીટ જીતી, મહારાષ્ટ્રમાં ઉદ્ધવ સરકારને ફટકો પડ્યો - પ્રેસ રિવ્યૂ

મહારાષ્ટ્રમાં સત્તામાં રહેલી મહાવિકાસ અઘાડી ગઠબંધન સરકારને રાજ્યસભાની ચૂંટણીમાં ઝટકો લાગ્યો છે. શિવસેના અને એનસીપી ગઠબંધને છ રાજ્યસભા સીટમાંથી ત્રણ સીટો પર જીત મેળવી છે અને ત્રણ સીટો પર ભાજપે જીત મેળવી છે.

છઠ્ઠી સીટ પર ભાજપના ધનંજય મહાદિકે શિવસેનાના સંજય પવારને હરાવીને જીત મેળવી છે. આ પરિણામ શુક્રવારે મોડી રાત્રે આવ્યું. આ પરિણામમાં સંજય પવારને 39.26 મત મળ્યા જ્યારે જીત માટે 41 મતની જરૂરિયાત હતી.

ભાજપ તરફથી પીયૂષ ગોયલ, અનિલ બોંડે, ધનંજય મહાદિકે જીત મેળવી છે, જ્યારે મહાવિકાસ અઘાડી તરફથી કૉંગ્રેસ ઉમેદવાર ઇમરાન પ્રતાપગઢી, એનસીપીના પ્રફુલ પટેલ અને શિવસેનામાં સંજય રાઉતને જીત મળી છે.

રાજસ્થાનમાં ચાર સીટ પર યોજાયેલી રાજ્યસભાની ચૂંટણીમાં કૉંગ્રેસે ત્રણ સીટ જીતી છે, જ્યારે એક સીટ ભાજપે જીતી છે. કૉંગ્રેસ તરફથી રણદીપ સુરજેવાલા, પ્રમોદ તિવારી અને મુકુલ વાસનિક જીત્યા છે. જ્યારે ભાજપના એક ઉમેદવાર ઘનશ્યામ તિવાડી હાર્યા છે.

રાજસ્થાનથી રાજ્યસભાની ચૂંટણીમાં ઝી મીડિયા ગ્રુપના માલિક સુભાષચંદ્ર પણ અપક્ષ લડ્યા હતા, જેમને ભાજપે સમર્થન આપ્યું હતું જોકે તેમની હાર થઈ હતી.

કર્ણાટકની કુલ ચાર સીટ પર યોજાયેલી ચૂંટણીમાં ભાજપે ત્રણ અને કૉંગ્રેસે એક સીટ પર જીત મેળવી હતી.

કર્ણાટકમાં ભાજપમાંથી નાણામંત્રી નિર્મલા સીતારમણ, અભિનેતા-રાજનેતા જગેશ અને પૂર્વ એમએલસી લહરસિંહ સિરોયા ચૂંટણી જીત્યા છે. જ્યારે કૉંગ્રેસમાંથી વરિષ્ઠ નેતા જયરામ રમેશે જીત હાંસલ કરી છે.

હરિયાણામાં ભાજપના નેતા ક્રિષ્નલાલ પનવાર અને અપક્ષ ઉમેદવાર કાર્તિકેય શર્મા વિજેતા બન્યા છે. કાર્તિકેય શર્માને ભાજપનું સમર્થન હતું.

પૉપ સ્ટાર જસ્ટિન બીબરનો ચહેરો થયો લકવાગ્રસ્ત, શો કર્યા રદ

પૉપ સિંગર જસ્ટિન બીબરે કહ્યું છે કે તેમને આ અઠવાડિયે થનારા તમામ શો રદ્દ કરવા પડ્યા છે કારણ કે તેમનો ચહેરો લકવાગ્રસ્ત થયો છે.

28 વર્ષના ગાયકે પોતાના ઇન્સ્ટાગ્રામ પર એક વીડિયો શૅર કરીને કહ્યું કે આ સ્થિતિ રામસે હંટ સિંડ્રોમના કારણે થઈ છે.

તેમણે વધુમાં કહ્યું, "જેમ-તમે જોઈ શકો છો કે મારી એક આંખ જપકી રહી છે. હું મારા ચહેરાના એક ભાગથી હસી પણ નથી શકતો તો મારા ચહેરાનો એક ભાગ લકવાગ્રસ્ત થયો છે."

નિષ્ણાતોનું કહેવું છે કે રામસે હંટ સિંડ્રોમ ત્યારે થાય છે જ્યારે શિંગલ્ઝ (એક પ્રકારનો ચામડીનો રોગ)ના કારણે કાનની પાસેની ચામડીના તંત્રને અસર થાય છે.

બીબીરના જસ્ટિસ વર્લ્ડ ટૂરના ત્રણ શોને આ અઠવાડિયાની શરૂઆતમાં રોકવાની જાહેરાત કરવામાં આવી હતી.

કૅનેડિયન સિંગરે ત્રણ મિનિટના એક વીડિયોમાં પોતાના ચહેરાના જમણા ભાગને દેખાડીને કહ્યું, "આ વાઇરસે મારા કાન અને મારા ચહેરાની નશો પર હુમલો કર્યો છે અને મારો ચહેરો લકવાગ્રસ્ત થયો છે."

તેમણે પોતાના પ્રશંસકોને ધૈર્ય રાખવા માટે કહ્યું અને પોતાના આગામી કાર્યક્રમ વિશે કહ્યું તે "શારીરિક રીતે કાર્યક્રમ કરવામાં સક્ષમ નથી."

તેમણે કહ્યું, "આ ખૂબ જ ગંભીર છે, જે તમે જોઈ શકો છો. કદાચ આવું ના થતું પરંતુ જાહેર છે, મારું શરીર મને કહી રહ્યું છે કે મારે થોડા રોકાવું જોઈએ. મને આશા છે કે તમે લોકો મને સમજશો. હું આ સમયનો ઉપયોગ માત્ર આરામ કરવા અને સો ટકા ઍનર્જી સાથે પરત આવવા માટે કરીશ જેથી હું એ કરી શકું જે કરવા માટે મેં જન્મ લીધો છે."

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયા પર અહીં ફૉલો કરી શકો છો