પૉપ્યુલેશન કંટ્રોલ બિલ: ભાજપના એ મહિલા નેતા જેમણે ત્રીજાં બાળકનાં જન્મને કારણે નગરપાલિકાનું સભ્યપદ ગુમાવ્યું

લક્સર નગરપાલિકાના પૂર્વ મહિલા સદસ્ય નીતા પંચાલની તસવીર

ઇમેજ સ્રોત, SHAHBAZ ANWAR/BBC

ઇમેજ કૅપ્શન, લક્સર નગરપાલિકાના પૂર્વ મહિલા સદસ્ય નીતા પંચાલની તસવીર
    • લેેખક, શાહનવાઝ અનવર
    • પદ, બીબીસી ગુજરાતી માટે

"નગરપાલિકા સભ્યપદના બદલે મેં પોતાનું બાળક પસંદ કર્યું છે. સાચું કહ્યું અને પોતાનાં પદની લાલચમાં ગર્ભ નથી પડાવ્યો, જે હકીકત હતી તે જણાવી. મારું નગરપાલિકાનું સભ્યપદ ગત 13 જુલાઈએ સમાપ્ત કરવામાં આવ્યું કેમ કે મારા ત્રીજા સંતાને જન્મ લીધો. હું રાજકારણમાં આગળ વધવા ઇચ્છું છું, પણ હવે હું ચૂંટણી નહીં લડી શકું. શું આ જ મહિલા સશક્તીકરણ છે?"

આ પ્રશ્ન ઉત્તરાખંડના હરિદ્વારના લક્સર નગરપાલિકાનાં પૂર્વ મહિલા સદસ્ય નીતા પંચાલનો છે. જેમની નગરપાલિકાનું સભ્યપદ આ મહિને જ સમાપ્ત થઈ ગયું છે.

નીતા પંચાલ ભાજપનાં નેતા છે અને બીજી વખત શિવપુરીના વૉર્ડ નંબર ચારમાંથી પાર્ટીની ટિકિટ પર સદસ્ય તરીકે ચૂંટાયાં હતાં.

ત્રીજાં સંતાનનો જન્મ થવાથી નીતા પંચાલનું સભ્યપદ સમાપ્ત થવાનો આદેશ એવા સમયે આવ્યો છે, જ્યારે ઉત્તર પ્રદેશ સહિત કેટલાક અન્ય રાજ્યોમાં વસતિનિયંત્રણ બિલને લઈને ચર્ચાઓ શરૂ થઈ ગઈ છે. પરંતુ ઉત્તરાખંડમાં સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓમાં મહત્તમ બે સંતાનની શરત લગભગ બે દાયકાથી લાગુ છે.

ઉત્તરાખંડ હાઈકોર્ટના વકીલ અને નૈનીતાલ બાર ઍસોસિયેશનના જનરલ સેક્રેટરી દીપક રૂવાલી કહે છે કે, "નગરપાલિકા અને ગ્રામ પંચાયતના જનપ્રતિનિધિઓ માટે મહત્તમ બે બાળકોની શરત લાગુ છે. જુલાઈ 2002થી આ આદેશ લાગુ છે."

દીપક રૂવાલીના અનુસાર આ કાયદાથી આવી રીતે કોઈ મહિલા પ્રભાવિત થઈ હોવાનો આ પ્રથમ કિસ્સો જ અત્યાર સુધી સામે આવ્યો છે.

line

નીતા પર કાર્યવાહી કેવી રીતે થઈ?

નગરપાલિકા

ઇમેજ સ્રોત, SHAHBAZ ANWAR/BBC

ઇમેજ કૅપ્શન, નીતાનાં નામાંકનથી લઈને શપથ ગ્રહણ કરવા દરમિયાન તેમનાં બે જ સંતાન હતાં

ઉત્તરાખંડમાં કાયદો ભલે 2002થી લાગુ હોય પણ રસપ્રદ વાત એ છે કે કાયદા બાદ પણ જ્યાં સુધી નીતા પંચાલ વિરુદ્ધ ફરિયાદ દાખલ ન થઈ ત્યાર સુધી તેમનું સભ્યપદ સલામત હતું.

આ મામલે તેમનું સભ્યપદ પડકારતી અરજી ઉત્તરાખંડ હાઈકોર્ટમાં ઑગસ્ટ 2020માં દાખલ કરવામાં આવી હતી. આ અરજી લક્સર, શિવપુરીના રહેવાસી પંકજ કુમાર બંસલ દ્વારા દાખલ કરવામાં આવી હતી.

વીડિયો કૅપ્શન, ગુજરાત : જેમણે સ્કાય ડાઇવિંગમાં બનાવ્યું નામ

સ્થાનિક મીડિયામાં ઑગસ્ટ, 2020માં છપાયેલા અહેવાલ મુજબ પંકજ કુમાર બંસલની શિવપુરીમાં અનાજની દુકાન હતી, જે નીતા પંચાલની ફરિયાદ બાદ રદ થઈ ગઈ હતી.

નીતા પંચાલના પતિ વિજેન્દ્ર પંચાલ પણ દાવો કરે છે કે, "ભ્રષ્ટાચારના આરોપોને લઈને મારા પત્નીએ તેમની ફરિયાદ કરી હતી, જેના બાદ તેમના વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવી હતી. આ કારણે જ તેમણે અમારી વિરુદ્ધ ફરિયાદ કરી હતી."

ત્યાર પછી શરૂ થયેલી તપાસ બાદ ગત 13 જુલાઈ, 2021ના રોજ શહેરી વિકાસ નિયામક કચેરીએ નીતા પંચાલને પદ છોડવા આદેશ આપ્યો હતો.

લક્સરના સબ ડિવિઝન મૅજિસ્ટ્રેટ શૈલેંદ્ર સિંહ નેગી કહે છે કે, "આ મામલાની તપાસ મારી અગાઉ અહીંના એસડીએમે કરી હતી, મને પણ મીડિયાના માધ્યમથી જ આ જાણકારી મળી છે કે નીતા પંચાલનું સભ્યપદ રદ કરવામાં આવ્યું છે."

નીતા પંચાલનું સભ્યપદ રદ થવા અંગે લક્સર નગરપાલિકાના ચૅરમૅન અંબરીશ ગર્ગ કહે છે કે, "લક્સરમાં નગરપાલિકાની ચૂંટણી નવેમ્બર 2018માં યોજવામાં આવી હતી." નીતાનાં નામાંકનના દિવસથી લઈને શપથ લેવા સુધી બે બાળક જ હતા, પણ ત્રીજા બાળકનો જન્મ થયા બાદ તેમનું સભ્યપદ રદ કરી દેવામાં આવ્યું છે. તેમનો અર્ધા સત્રનો કાર્યકાળ બાકી હતો

line

કાયદો શું કહે છે?

પ્રતીકાત્મક તસવીર

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, નીતા પંચાલ આ નિર્ણયને મહિલા સશક્તિકરણની વિરુદ્ધ ગણાવે છે

જોકે, નીતા પંચાલ આ નિર્ણયને મહિલા સશક્તીકરણની વિરુદ્ધ ગણાવે છે, "મારું સપનું ભવિષ્યમાં રાજકારણના ક્ષેત્રમાં આગળ વધીને જનસેવા કરવાનું હતું. હું બે વખત પાલિકાના સભ્ય તરીકે ચૂંટાઈ હતી, પરંતુ ત્રીજો ગર્ભ રહી જવા અંગે જાણ ન થઈ. તમે જ કહો હું શું કરી શકું? હું ભ્રૂણહત્યા તો કરી શકતી ન હતી. મેં પદ માટે પણ લોભ ન કર્યો અને સંતાનને જન્મ આપ્યો. હવે મારું સભ્યપદ રદ કરી દેવાયું છે. શું આ જ મહિલા સશક્તીકરણ છે?"

નીતા પંચાલનું સભ્યપદ રદ થવાનું દુઃખ ફક્ત તેમને જ નહીં પરંતુ તેમના પતિ વિજેન્દ્ર પંચાલને પણ છે.

વિજેન્દ્ર કહે છે, "મારી પત્ની શરૂઆતથી જ જનસેવા કરતી આવી છે. એક ફરિયાદ બાદ નીતાનું સભ્યપદ રદ કરી દેવામાં આવ્યું છે. એક તરફ ગર્ભમાં એક બાળક હતું તો બીજી તરફ સભ્યપદ રદ થવાનો ડર, છતાં પણ અમે પોતાનું બાળક પસંદ કર્યું."

વિજેન્દ્ર પંચાલ એ પણ કહે છે કે, "જે કાયદા હેઠળ મારી પત્નીનું સભ્યપદ રદ થયું છે તે કાયદાની એક પેટા કલમમાં સરકાર તેમને ફક્ત ચેતવણી આપીને છોડી પણ શકે છે."

વિજેન્દ્ર કહે છે, "નવેમ્બર 2018માં પાલિકા ચૂંટણીનું આયોજન થયું હતું. બે ડિસેમ્બરે મારી પત્નીએ સદસ્યપદે શપથ લીધા હતાં, તે બાદ 15 નવેમ્બર 2019ના રોજ મારી પત્નીએ ત્રીજા બાળકને જન્મ આપ્યો. અમે લોકો આ મામલે ન્યાય માટે કોર્ટમાં જઈશું."

ઉત્તરાખંડમાં નગરપાલિકાની અને ગ્રામ પંચાયત ચૂંટણીમાં જનપ્રતિનિધિઓ માટે મહત્તમ બે સંતાનની શરત લાગુ છે.

વીડિયો કૅપ્શન, પીરો - પિતૃસત્તા અને જ્ઞાતિવાદ વિરુદ્ધ અવાજ ઉઠાવનારાં મહિલા
line

કાયદાકીય સલાહ લેવાનો અભિપ્રાય

સર્કુલર

ઇમેજ સ્રોત, SHAHBAZ ANWAR/BBC

ઇમેજ કૅપ્શન, ઉત્તરાખંડમાં નગરપાલિકાની અને ગ્રામ પંચાયત ચૂંટણીમાં જનપ્રતિનિધિઓ માટે મહત્તમ બે સંતાનની શરત લાગુ છે.

ઉત્તરાખંડ રાજ્ય મહિલાપંચનાં અધ્યક્ષ વિજયા બરથવાલ આ મામલે કહે છે કે, "જો કોઈ નિયમ બનાવાયો છે તો જે રીતે આપણે રિઝર્વેશનનું પાલન કરીએ છીએ, તે જ રીતે આ નિયમનું પાલન કરવું જોઈએ. જ્યારે કોઈ નિયમ બની જાય અને કાયદો બની જાય તો તે બધા પર લાગુ થવો જોઈએ. જ્યાં સુધી આ મામલાની વાત છે તો હું એ જ કહીશ કે તેમને કાયદાકીય સલાહ લેવી જોઈએ."

જોકે, ઉત્તરાખંડ રાજ્ય મહિલાપંચના પૂર્વ ઉપાધ્યક્ષ અમિતા લોહાનીનું માનવું છે કે, "બાળકોની શરતોથી નીતા જેમ અનેક મહિલાઓ પ્રભાવિત થઈ શકે છે, જે રાજકારણ દ્વારા સમાજ સેવા કરવા ઇચ્છે છે."

અમિતા લોહાનીની તસવીર

ઇમેજ સ્રોત, Shahnawaz Anwar

ઇમેજ કૅપ્શન, અમિતા લોહાનીની તસવીર

નીતા પંચાલનો ઉલ્લેખ કરતાં અમિતા લોહાનીએ કહ્યું, "એક તરફ તો આપણે મહિલા સશક્તીકરણની વાત કરી રહ્યા છે અને બીજી તરફ અમે નીતા જેવી મહિલાઓનું સભ્યપદ રદ કરીએ છીએ. આ ખોટું થયું છે. સ્થિતિને જોતા યોગ્ય નિર્ણય લેવો જોઈએ."

વસતિ નિયંત્રણ કાયદાની તૈયારીઓ અંગે તેઓ કહે છે કે, "આ કાયદો સારો તો છે, પરંતુ પરિસ્થિતિઓના આધારે તેનો અમલ થવો જોઈએ."

સાથે જ તેઓ એમ પણ કહે છે કે મહિલાઓ માટે દરેક ક્ષેત્રમાં પચાસ ટકા અનામતની જોગવાઈ હોવી જોઈએ.

ઉત્તરાખંડ બાળવિકાસ સમિતિનાં પૂર્વ ચૅરમૅન કવિતા શર્માનું કહેવું છે કે, "નીતા પંચાલ ગર્ભવતી થયાં તો તેમને ખબર હતી કે ત્રીજાં સંતાનથી તેમનું સભ્યપદ જોખમાઈ શકે છે. તેમણે પોતે પણ એ કહ્યું કે પદને બદલે તેમને પોતાનાં બાળકને પસંદ કર્યું, પણ દરેક મામલામાં મહિલા-પુરુષનો વિચાર એવો હોય તે જરૂરી નથી."

કવિતા શર્માએ જણાવ્યું, "અનેક મહિલાઓ અને પુરુષો ખૂબ મહત્ત્વકાંક્ષી હોય છે. એવી પરિસ્થિતિમાં પોતાની ઇચ્છાઓ અને પ્રગતિમાં અવરોધના ડરથી ત્રીજાં સંતાનનો જન્મ થવાના ભયમાં ખોટા માર્ગે જઈ શકે છે, પરંતુ વસતિ નિયંત્રણ કાયદો પણ વર્તમાન સમયની જરૂરિયાત છે. હા, આમાં મહિલા અધિકારોને ધ્યાને લઈ અમુક શરતો પણ સામેલ કરવામાં આવે તો તે યોગ્ય રહેશે."

line
કોરોના વાઇરસ ફર્નિચર
લાઇન
બદલો YouTube કન્ટેન્ટ
Google YouTube કન્ટેન્ટને મંજૂરી આપીએ?

આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

થર્ડ પાર્ટી કન્ટેટમાં જાહેરખબર હોય શકે છે

YouTube કન્ટેન્ટ પૂર્ણ

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો