ટીકરી બૉર્ડર પર ખેડૂત આંદોલનમાં સામેલ યુવતી પર કથિત બળાત્કારનો કેસ શું છે?

ઇમેજ સ્રોત, HINDUSTAN TIMES/GETTY
- લેેખક, સત સિંહ
- પદ, રોહતકથી બીબીસી ગુજરાતી માટે
પશ્ચિમ બંગાળથી ખેડૂત આંદોલનમાં ભાગ લેવા માટે આવેલાં યુવતી સાથે કથિત બળાત્કારના મામલામાં હરિયાણા પોલીસે 6 લોકો સામે એફઆઈઆર કરી છે અને સમગ્ર કેસની તપાસ માટે એક વિશેષ પોલીસ ટીમનું ગઠન કર્યું છે.
એપ્રિલના બીજા અઠવાડિયામાં પશ્ચિમ બંગાળથી હિલ્હીના ટિકરી બોર્ડર સુધીની ટ્રેન યાત્રા દરમિયાન બળાત્કારની કથિત ઘટના બની હતી. ત્યારબાદ યુવતી કોરોનાથી સંક્રમિત થઈ ગયાં અને સારવાર દરમિયાન બહાદુરગઢની હૉસ્પિટલમાં તેમનું મૃત્યુ થયું હતું.
બહાદુરગઢના ડીએસપી પવન કુમારે બીબીસીને જણાવ્યું કે તેમની દેખરેખ હેઠળ કામ કરતી એસઆઈટીએ બે લોકોની પૂછપરછ કરી છે.
ભારતીય કિસાન યૂનિયન ઉગરાહાંના નેતા જોગિંદર સિંહ ઉગરાહાં કહે છે કે જે વ્યક્તિઓ પર આરોપ મૂકવામાં આવ્યો છે તેમાંથી અમુકના ટેન્ટ ટિકરી બોર્ડર પર હતા, જેને હવે ત્યાંથી હઠાવી દેવામાં આવ્યા છે.
આંતરિક તપાસ બાદ કિસાન મોરચાએ ટેન્ટ હઠાવી દેવાનો નિર્ણય કર્યો હતો. જોકે, એક અઠવાડિયા બાદ આ મામલામાં પોલીસ ફરિયાદ કરવામાં આવી હતી.

એફઆઈઆરમાં શું કહેવાયું છે?

ઇમેજ સ્રોત, GETTY IMAGES
25 વર્ષનાં મૃતક પીડિતાનાં પિતાએ એફઆઈઆરમાં જણાવ્યું કે, દિલ્હીથી પશ્ચિમ બંગાળ આવેલા એક ખેડૂત દળ સાથે યુવતીની મુલાકાત થઈ હતી. આંદોલનમાં સામેલ થવા માટે યુવતી 11 એપ્રિલના રોજ ટિકરી બોર્ડર જવા માટે નીકળી હતી. ટ્રેનમાં તેમનાં પર જાતીય હુમલો કરવામાં આવ્યો હતો.
આ બાબતે યુવતીએ એક વીડિયો સ્ટેટમેન્ટ પણ રૅકર્ડ કરાવ્યું હતું. મૃતક યુવતીના પિતા એક સામાજિક કાર્યકર છે.
તેઓ કહે છે કે ફોન પર દીકરીએ જણાવ્યું કે તે જે વ્યક્તિઓ સાથે ખેડૂત આંદોલનમાં સામેલ થવા માટે દિલ્હી આવી તેઓ 'સારી વ્યક્તિ નથી.'
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
યુવતીના પિતા મુજબ મૃત્યુ પહેલાં પીડિતાએ બે વ્યક્તિઓનું નામ પણ જણાવ્યું છે.
એ પછી યુવતીના પિતાએ અમુક ખેડૂત નેતાઓનો સંપર્ક કર્યો અને તેમની પાસે મદદ માગી. તેઓ દિલ્હી આવી રહ્યા હતા પરતું ત્યાં સુધી પીડિતા કોરોના વાઇરસથી સંક્રમિત થઈ ગયાં અને સારવાર માટે તેમને ખાનગી હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યાં.
દિલ્હી આવતા પહેલાં યુવતીના પિતાએ જે વ્યક્તિઓનો સંપર્ક કર્યો હતો, તેમાં સ્વરાજ ઇન્ડિયાના સંયોજક યોગેન્દ્ર યાદવ પણ સામેલ છે.
મંગળવારે પોલીસે આ કેસમાં યોગેન્દ્ર યાદવની પૂછપરછ કરી હતી.
યોગેન્દ્ર યાદવે જણાવ્યું કે પોલીસે તેમને નોટિસ મોકલી હતી. તેઓ કહે છે કે, આ મામલે તેમની પાસે જેટલી પણ માહિતી છે એ તેમણે પોલીસને જણાવી દીધી છે.
પીડિતાના પિતાએ યોગેન્દ્ર યાદવ સાથે ઑનલાઈન પ્રેસ કૉન્ફરેન્સમાં જણાવ્યું કે, તેમણે પોતાની ફરિયાદમાં માત્ર બે વ્યક્તિઓ પર આરોપ મૂક્યો હતો પરતું પોલીસે 6 લોકો પર આરોપ મૂક્યો છે.
તેમણે કહ્યું કે, પીડિતાની મદદ કરનાર બે યુવતીઓનાં નામ એફઆઈઆરમાં સામેલ કરવામાં આવ્યાં છે. એક યુવતીએ પીડિતાનું વીડિયો સ્ટેટેમન્ટ રૅકર્ડ કરીને મને મોકલ્યું હતું.

જ્યારે યુવતીની તબિયત બગડી

ઇમેજ સ્રોત, NURPHOTO/GETTY IMAGES
પિતા મુજબ હવે રૅકર્ડિંગ પોલીસ પાસે છે.
પોલીસ ફરિયાદમાં જે બે યુવતીઓના નામ છે તેમાંથી એક યુવતીએ બીબીસીને જણાવ્યું કે, પીડિતાએ ઘટનાના એક અઠવાડિયા પછી તેની સાથે આચરવામાં આવેલ જાતીય હિંસા વિશે જણાવ્યું હતું. ત્યારબાદ બે મોટાં ખેડૂત નેતાઓને આ વિશે જણાવવામાં આવ્યું અને છોકરીની બીજા ટેન્ટમાં રહેવાની વ્યવસ્થા કરવામાં આવી હતી.
યુવતી કહે છે કે, તેમણે પહેલાં જે ખેડૂત નેતાઓને આ વિશે જણાવ્યું હતું તેમણે આ મામલાને રફેદફે કરવાનો પ્રયાસ કર્યો હતો.
યુવતીએ જણાવ્યું કે મામલાની ગંભીરતા જોઈને તેમણે પીડિતાનું વીડિયો નિવેદન રૅકર્ડ કર્યું અને તેનાં પિતાને મોકલી આપ્યો હતો.
જનવાદી મહિલા સમિતિનાં નેતા જગમતિ સાંગવાન કહે છે કે, તેમને જ્યારે આ વિશે માહિતી મળી ત્યારે યુવતીની તબિયત બહુ ખરાબ હતી અને તેની સારવાર કરાવવી વધારે મહત્ત્વનું હતું.



આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
YouTube કન્ટેન્ટ પૂર્ણ
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો













